Nagar - 28 in Gujarati Adventure Stories by Praveen Pithadiya books and stories PDF | નગર - 28

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

નગર - 28

નગર-૨૮

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- મોન્ટુ અને નીલીમા બહેન બંગલામાં એકલા હોય છે ત્યારે બંગલાનાં દરવાજે અચાનક ધમાધમી મચી જાય છે.... અને થોડીવાર બાદ બંગલાનાં કિચનમાં નીલીમા બહેનનું બહુ ભયાનક રીતે મૃત્યુ થાય છે.... હવે આગળ વાંચો...)

ઇશાન ઘરે પહોંચ્યો. તપસ્વી મેન્શનના પોર્ચમાં કાર ખડી કરી અને નીચે ઉતર્યો. અનાયાસે જ તેનું ધ્યાન પોર્ચના એક ખૂણે પાર્ક થયેલી જીપ તરફ ખેંચાયું. એ જીપ તેનાં દાદાએ વર્ષો પહેલા ખરીદી હતી અને મોટેભાગે જીપને તેઓ જ વાપરતા. સામાન્યતહઃ જીપ બંગલાની પાછળ બનેલા ગેરેજમાં મુકવામાં આવતી એટલે અત્યારે જીપને પોર્ચમાં પાર્ક થયેલી જોઇ તેણે અનુમાન લગાવ્યું કે જરૂર તેનાં દાદા કયાંક બહાર જઇને આવ્યા હશે. જો તેને એલીઝાબેથને મળવાની અધીરાઇ ન હોત તો જરૂર તેણે એ બાબતની પૃચ્છા કરવા દાદાનાં કમરા તરફ રુખ કર્યુ હોત... પરંતુ અત્યારે તેણે એલીઝાબેથને મળવું સૌથી જરૂરી હતું. ખબર નહી તે શંકર મહારાજને મળવા શું કામ અધીરી બની હતી...? તરેહ-તરેહનાં વિચારો ઇશાનનાં મનમાં ઉદ્દભવી રહયાં હતાં.

તે મેન્શનનાં દિવાનખંડમાં પ્રવેશ્યો ત્યારે દિવાનખંડની વચ્ચે બીછાવેલા સોફા ઉપર એલીઝાબેથ બેઠી હતી. તે એકલી જ દિવાનખંડમાં હતી. હજુ સાંજનાં સાત વાગ્યા હતા એટલે સ્વાભાવિક હતું કે તેનાં દેવધર દાદા તેમનાં અલાયદા કમરામાં બનાવેલા નાનકડા, છતાં દિવ્ય મંદિરમાં પ્રભુ ભજનમાં મગ્ન હોવાનાં. આ તેમનો નિત્ય ક્રમ હતો. એ સિવાય ઘરનાં બીજા સભ્યોમાં એક નિર્મળા ફઇ હતાં અને એક કામવાળા બહેન હતા જે અત્યારે રસોડામાં રાતનાં ભોજનની તૈયારીમાં ગૂંથાયેલા હતા.

ઇશાનને અંદર પ્રવેશતો જોઇ એલીઝાબેથે નજર ઉઠાવી તેની તરફ જોયું. ઇશાને પણ એલીઝાબેથને જોઇ, અને તે એ તરફ ચાલ્યો. સોફા નજીક પહોંચી તે એલીઝાબેથની બાજુમાં, પોતાનો એક પગ સોફા ઉપર વાળીને તેનો ચહેરો એલીઝાબેથ તરફ રહે એવી રીતે બેઠો. તેની આ ચેષ્ઠાથી એલીઝાબેથ મુસ્કુરાઇ ઉઠી. ઇશાનની આંખો એલીઝાબેથનાં ચહેરા ઉપર મંડાઇ હતી, અને તે એલીઝાબેથનાં ચહેરાને...ભૂખરા વાંકડીયા વાળને જોઇ રહયો. એલીઝાબેથના હોઠો ઉપર હાસ્ય તર્યું. તેની આંખો હસી પડી. તરત તેણે પણ પોતાનો એક પગ અડધો વાળ્યો અને સોફા ઉપર લીધો અને તે ઇશાન તરફ ફરી. સાફા ઉપર હવે તેઓ આમને-સામને આવે એવી રીતે બેઠા હતા. તેમની નજરો આપસમાં મળી અને તેઓ એકબીજાની આંખોમાં જોઇ રહયા હતાં. એલીઝાબેથ માટે આવી ક્ષણો અવર્ણનીય બની રહેતી. તે એકદમ સ્વતંત્ર સમાજમાં ઉછરીને મોટી થઇ હતી. તેના દેશમાં પ્રેમની શરૂઆત જ શરીરિક સ્પર્શથી થતી. તે વસ્તુ એટલી સ્વાભાવીક હતી કે તેને પણ તેમાં કશું અજૂગતું લાગતું નહી. પહેલીવારની મુલાકાતમાં જ એકબીજાને ““કિસ”” કરવી, સાથે ધમાલ-મસ્તી કરવી, એન્જોય કરવું અને પછી હમ બિસ્તર થવું એ ઓસ્ટ્રેલીયન કલ્ચરમાં બહુ સાહજીક પ્રક્રિયા ગણાતી. એલીઝાબથને પણ આવી કોઇ બાબતનો છોછ આજ સુધી કયારેય થયો નહોતો.

પરંતુ ઇશાનના પરીચયમાં આવ્યા પછી તેનાં એ વિચારોમાં ધરખમ બદલાવ થયો હતો. લાગણી...પ્રેમ...સંબંધ...આટલાં ખુબસુરત અને ગહેરા પણ હોઇ શકે છે એ તેને હવે સમજાતું જતુ હતું. સાચી વાત તો એ હતી કે ઇશાને તેને પ્રેમ કરતા શિખવ્યું હતું. શરીરની ઉપરવટ પણ કોઇ અહેસાસ આટલો સુંદર હોઇ શકે, એ તે ઇશાનનાં સાંનિધ્યમાં આવ્યા પછી સમજી હતી. ઇશાન જેટલો આકર્ષક અને ઇચ્છનીય હતો તેટલો જ સમજદાર અને પ્રેમાળ હતો એટલે તેનાં પ્રેમમાં ન પડવાનું કોઇ કારણ તેની પાસે નહોતું...અને તે ખરેખર ઇશાનનાં પ્રેમમાં ઉંધેકાંધ પડી પણ હતી. ઇશાન તેના જીવનમાં સર્વસ્વ બનીને છવાઇ ગયો હતો.

ઇશાન જ્યારે તેની નજરોમાં નજર મેળવી તાકતો ત્યારે એલીઝાબેથ જાણે સ્વર્ગમાં વિહરતી હોય એવું અનુભવતી. ઇશાનની નજરોમાં એવું ચુંબકત્વ હતું જે તેને વિહવળ બનાવી મુકતું. કયારેક-કયારેક તો તેને ઇશાનને આખે-આખો ખાઇ જવાનું મન થતું. અત્યારે પણ, દિવાનખંડમાં બિછાવેલા સોફા ઉપર તેના મનમાં એવા શરારતભર્યા વિચારો ઉઠવા લાગ્યા હતાં. અચાનક તેને ઇશાનનાં નાક ઉપર પોતાનાં અણીયાળા દાંત ખૂંપાડવાનું મન થઇ આવ્યું. અને...એ વિચારે અનાયાસે તે હસી પડી. તેના પોતાનાં વિચારો ઉપરજ તેને હસવું આવ્યું હતું. ઇશાન તાજ્જૂબી અનુભવતો હસતી વખતે એલીઝાબેથના હોઠનાં ખૂણે પડતાં ખંજનને જોઇ રહયો.

“ લુચ્ચી...! તારા શેતાની દિમાગે શું વિચાર્યુ બોલ...?” ઇશાનને ખ્યાલ આવી ગયો કે જરૂર એલીઝાબેથે તેના વિશે કંઇક શરારતભર્યુ વિચાર્યું છે.

“ નહિ કહું....! કહીશ તો તું મને મારીશ.” તે પોતાનું હસવું રોકી શકતી નહોતી.

“ અને નહિ કહે તો પણ તું માર ખાઇશ...” ઇશાને તેની વધુ નજીક સરકતા તેનો હાથ પકડયો અને બોલ્યો. એલીઝાબેથ ઇશાનનાં ઇરાદા કળી ગઇ. જો તે નહિ કહે તો ચોક્કસ ઇશાન તેનો હાથ મચકોડી નાંખશે એ તેને સમજાયું હતું

“ તને બટકું ભરવાનું મન થાય છે. એમ થાય છે કે તને કાચે-કાચો ખાઇ જાઉં....” તે બોલી ઉઠી. અને ફરીથી હસી.

“ અહીંયા ડ્રોઇંગરૂમમાં....? ખૂલ્લેઆમ...?” ઇશાનની આંખો આશ્ચર્યથી પહોળી થઇ. “ તું માનવભક્ષી તો નથી બની ગઇને....?” તેણે મજાક કરી.

“ તને જોઉં છું ત્યારે જ આવા વિચારો આવે છે. માનવભક્ષી નહી તો પણ ઇશાનભક્ષી ચોક્કસ છું....” કહેતા તે પણ ઇશાનની નજીક સરકી. તે બંનેના ચહેરા નજીક આવ્યા. એલીઝાબેથ હજુયે હસતી હતી. જ્યારે સામેની બાજુ ઇશાનનાં શ્વાસોશ્વાસમાં ગરમી છવાઇ હતી. તેઓએ ત્યાં જ, દિવાનખંડનાં સોફા ઉપર પ્રણય શરૂ કર્યો હોત... પરંતુ ઇશાન સજાગ થયો. આમ સરા-જાહેરમાં પ્રેમ કરતા જો કોઇ તેમને જોઇ ગયું તો મુસીબત થયા વગર ન રહે. તેનાં નિર્મળાફઇ કે તેનાં દાદા જો આ ઘડીયે તેને જોઇ જાય તો પછી તેનું આવી જ બને. અને બીજી પણ એક વાત હતી, એલીઝાબેથને શંકર મહારાજમાં એકાએક શું રસ પડયો એ કોકડું પણ તેણે ઉકેલવાનું હતું એ યાદ આવ્યું. હસીને પોતાનું માથુ તેણે એલીઝાબેથનાં કપાળ સાથે હળવેકથી ભટકાવ્યું અને તે થોડો પાછળ ખસ્યો. એલીઝાબેથને પણ કદાચ સમયની નાજુકતા સમજાઇ હશે એટલે તે પણ સ્વસ્થ થઇ.

“ તું એક કામ કર, ફટાફટ તૈયાર થઇ જા. આજે આપણે એક ડીનર પર જવાનું છે...” ઇશાન બોલ્યો. અત્યારે તે એલીઝાબેથને શંકર મહારાજ વાળી વાત ઉખેળવાની કોઇ તક આપવા માંગતો નહોતો. જે હશે તે આવતીકાલે સવારે ચર્ચા કરીશું એવું તેણે વિચાર્યું.

“ ડીનર પર....! અરે વાહ.” તે બોલી ઉઠી. તેનો ચહેરો ખીલ્યો.... અને તરત મુરઝાયો. “ પણ મેં તો ફોઇને ઘરે જ રસોઇ બનાવવાનું કહી દીધુ છે.” એકાએક તેને યાદ આવ્યું હતું કે લાઇબ્રેરીથી ઘરે આવતી વખતે રસ્તામાં તેણે નિર્મળાફઇને કહયું હતું કે સાંજે તે એમનાં હાથની રસોઇ જમવા માંગતી હતી.

“ એની તું ચિંતા ન કર. ફોઇને હું સમજાવી દઇશ. મારે તને ત્યાં કોઇકની સાથે ઓળખાણ પણ કરાવવી છે....”

“ ઓળખાણ કરાવવી છે મતલબ...? બીજુ પણ કોઇ આપણી સાથે ડીનરમાં આવશે...?” એલીઝાબેથે પુછયું. તેને એમ હતું કે ઇશાન ફક્ત તેને જ ટ્રીટ આપી રહયો છે.

“ હાં...મારી એક મિત્ર છે. બાળપણની.”

“ ઓહ... કોઇ છોકરી છે.”

“ હાં...”

“ શું નામ છે તેનું...?”

“ આંચલ...”

“આંચલ...! કવાઇટ સ્વીટ નેમ...!” એલીઝાબેથે વખાણ કર્યા. તેનો મુડ અચાનક ચાલ્યો ગયો હતો. આવું કેમ થયું એ તે સમજી નહી. કદાચ તેને એ ગમ્યુ નહોતું. “ તારી ગર્લફ્રેન્ડ હતી...?” તેણે પુછયું.

“ અરે ના...! અમે નાનપણથી સાથે જ રહયા હતા. સાથે જ ભણ્યા અને મોટા થયા. પછી હું ઓસ્ટ્રેલીયા ચાલ્યો ગયો અને તે અહીંયા હતી. અહી આવ્યા બાદ અચાનક તેની સાથે મુલાકાત થઇ અને જુની યાદો ફરી તાજી થઇ ઉઠી. તેણે સામેથી મને ડીનર માટે ઇન્વાઇટ કર્યો છે એટલે જાઉં તો પડશે ને....!” ચોખવટ કરવાની જરૂરી ન હોવા છતા ઇશાને વિસ્તારથી કહયું.

“ તો તું જઇ આવને....! એણે તને ઇન્વાઇટ કર્યો છે. હું ત્યાં આવીને શું કરીશ...?”

“ અરે.... તું મારી દોસ્ત છે. આપણે સાથે એન્જોય કરીશું.”

“ ના... હું કબાબમાં હડ્ડી નથી બનવા માંગતી. તેણે તને બોલાવ્યો છે તો તું જા. હું અહી જ રહીશ. નિર્મળાફઇના હાથની સ્વાદિષ્ટ રસોઇ જમીશ...” ખબર નહિ કેમ, પણ એલીઝાબેથના અવાજમાં અચાનક બદલાવ આવ્યો હતો. એક સ્ત્રી સહજ ઇર્ષા તે અનુભવી રહી હતી. ઇશાન એ ન સમજી શકે એટલો અણસમજુ નહોતો.

“ તમારી સ્ત્રીઓની આ જ સૌથી મોટી તકલીફ છે. હજુ તું તેને મળી નથી અને તે તેનાં વિશે ધારણાઓ બાંધી લીધી. તને શું લાગે છે...? શું હું તેને પસંદ કરું છું....? જો એમ હોત તો મેં તને આ વાત જણાવીજ ન હોત અને એકલો ચાલ્યો ગયો હોત. તમે સ્ત્રીઓ આટલી જલ્દી જેલસી કેમ ફીલ કરવા લાગો છો એ જ મને સમજાતું નથી. દુનીયાનાં કોઇપણ ખૂણે જાઓ... સ્ત્રીઓની માનસીકતા બધે સરખી જ નીકળવાની.” ઇશાન બોલી ઉઠયો. “ જો તું સાથે આવવાની ન હોય તો હું પણ નથી જતો...” તે મોં ફુલાવીને કોઇ નાના બાળકની જેમ બન્ને હાથની આપસમાં અદબ વાળીને સોફામાં બેસી ગયો. એલીઝાબેથની વાતનું તેને ખરાબ તો નહોતું લાગ્યું, પણ તેની એ વાત ગમી પણ નહોતી.

એલીઝાબેથે મોં ફુલાવીને બેસેલા ઇશાન તરફ જોયું. કોઇ સાવ નાનકડા કયૂટ બાળક જેવી નિર્દોષતા ઇશાનનાં ચહેરા ઉપર તરવરતી હતી. એલીઝાબેથને અચાનક ઇશાન ઉપર વહાલ ઉભરાઇ આવ્યું અને તેનો મુડ ચેન્જ થયો.

“ ઓ. કે. બાબા...ચાલ, હું તારી સાથે આવું છું. અને પેલી તારી બાળપણની મિત્ર જોડે હસતા-ખેલતાં ડિનર પણ કરીશ બસ...! હવે આ તંબુરો સીધો રાખ. ઉભો થા ચાલ કપડા બદલાવી આવીએ... તે ટહુકી ઉઠી.

“ યે હુઇ ના બાત...! ”ઇશાન પણ ખીલી ઉઠયો. તેને ખ્યાલ હતો કે એલીઝાબેથ ડિનર માટે રાજી થશે જ. “ તું ઉપરનાં કમરામાં જઇ કપડા ચેન્જ કર ત્યાં સુધીમાં હું નિર્મળાફઇને સમજાવી દઉં કે સાંજે અમે બહાર જમવાનાં છીએ...”

“ ઓ. કે...!” કહીને એલીઝાબેથ સોફા પરથી ઉઠી અને દાદર તરફ ચાલી, ઉપર ચાલી ગઇ. દાદરનાં છેક છેલ્લા પગથીયા સુધી ઇશાન તેની પીઠને તાકતો રહયો. તે જ્યારે કમરામાં અંર્તધ્યાન થઇ ત્યારે તે ઉઠયો અને રસોડા તરફ ચાલ્યો. રસોડામાં પહોંચી તેણે નિર્મળાફઇને અષ્ટમ-પષ્ટમ સમજાવી દીધું કે તે અને એલીઝાબેથ આજે બહાર જમવા જવાના છે તેથી તેમની રસોઇ ન બનાવે.

***

ઇશાન સ્તબ્ધ બનીને દાદરનાં મથાળે ઉભેલી એલીઝાબેથને જોઇ રહયો. નિર્મળાફઇને સમજાવી તે ઉપર પોતાના કમરામાં ગયો હતો અને ઝડપથી વસ્ત્રો બદલાવી, નીચે આવી સોફા તે ઉપર બેસી એલીઝાબેથની રાહ જોઇ રહયો હતો. અને તે આવી હતી.... તેને ફાળવાયેલા અલાયદા કમરામાંથી બહાર નીકળી અને દાદર સુધી પહોંચીને તે ઉભી રહી હતી. તેણે ઉપરથી જ ઇશાનને સોફામાં બેસેલો જોયો અને તે અટકી. તેની અને ઇશાનની નજરો આપસમાં ટકરાઇ...

ઇશાનની આંખો પહોળી થઇ. દિવાનખંડમાં ઝળહળતા ઝુંમરનાં પ્રકાશમાં એલીઝાબેથ સુંદર દેખાતી હતી. તેણે એકદમ ગહેરા રેડ કલરનું વન-પીસ ગાઉન પહેર્યું હતું. તેની પીળી-ભૂખરી લીસી ત્વચા ઉપર ઘાટો લાલ કલર અજબ રીતે દિલકશ લાગતો હતો. એવા જ લાલ રંગની લિપસ્ટીકથી તેણે તેનાં પાતળા હોઠ રંગ્યા હતાં. આટલે દુરથી પણ ઇશાન એલીઝાબેથની દિલકશ આંખોમાં છવાયેલી ભીનાશ જોઇ શકતો હતો. એ આંખોમાં એક સંમોહન હંમેશા અંજાયેલું રહેતું. તેનાં ચહેરામાં સૌથી સુંદર ચીજ કોઇ હોય તો એ તેની લાંબી, ભૂખરી-તપખીરીયા રંગની આંખો હતી. ઇશાન એ આંખોનાં ઉંડણમાં કંઇ-કેટલીય વાર ડૂબી ચુકયો હતો. છતાં, જ્યારે-જ્યારે તે એલીઝાબેથની નજરો સાથે નજરો મેળવતો ત્યારે દર વખતે તેને એક અલગ, એક નવા જ પ્રકારનો અનુભવ થતો. તેણે એક વાત બહુ સારી રીતે માર્ક કરી હતી કે સામાન્ય રીતે ગોરી યુવતીઓની આંખોમાં હંમેશા એક ફિકાશ જોવા મળતી....પછી ભલે તે ગમે તે કંન્ટ્રીની હોય, એ યુવતીઓ જાત-ભાતનાં મેક-અપનાં સાધનો વડે પોતાની આંખો સુંદર બનાવતી. પરંતુ તેમ છતાં જ્યારે મેકઅપ ઉતરતો ત્યારે તે આંખો સાવ થાકેલી અને નિષ્તેજ જણાતી...એલીઝાબેથને એવું નહોતું. કુદરતે ખરેખર તેને બેનમૂન આંખો આપી હતી. તેની આંખોમાં ઉભરતી બીનાશનાં કારણે જે તારલાઓ ચમકતા એ જોઇ ઇશાન ઘણીવાર થંભી જતો. એલીઝાબેથની આંખોમાં ડૂબી જતો. અત્યારે પણ તે અવાચક બનીને દાદરનાં ઉપરનાં પગથીયે ઉભેલી એલીઝાબેથને તાકી રહયો. ઘડીભર તે સમય અને સ્થળ વિસરી ગયો હતો.

એલીઝાબેથ નજાકત ભરેલી ચાલે દાદરનું એક પગથીયું ઉતરી. તેણે તેના ખભા સુધી આવતા ભૂખરા ઘુંઘરાળા વાળ ખુલ્લા રાખ્યા હતા. દાદર ઉતરતાં થતાં હલકારામાં એ ખુલ્લા વાળ હવામાં ઉછળી ફરીથી ખભા ઉપર પથરાતાં હતા. વનપીસ રેડ ગાઉન નીચે કદાચ તેણે કોઇ આંતર-વસ્ત્ર પહેર્યુ નહોતું. તેથી તેનાં સીનાનો દિલ-ફરેબ ઉભાર વધુ સ્પષ્ટ રીતે દેખાઇ આવતો હતો. ઇશાન કદાચ અત્યારે સ્વર્ગમાં પહોંચી ગયો હોય એવુ અનુભવી રહયો હતો. એક અપ્સરા દાદાર ઉતરી હતી જેને તે સ્તબ્ધતાથી જોઇ રહયો.

( ક્રમશઃ )