Nagar - 24 in Gujarati Adventure Stories by Praveen Pithadiya books and stories PDF | નગર - 24

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

નગર - 24

નગર-૨૪

( આગળ આપણે વાંચ્યુઃ- માથુર સાહેબને નગરનાં રહસ્યનો તાગ મેળવવાની જીજ્ઞાસા થાય છે અને તેઓ દરિયા કિનારે આવી પહોંચે છે. ત્યાં તેમને દરિયાની રેતીમાં ખૂંપેલુ એક દોરડું હાથ લાગે છે. તેઓ દોરડાને રેતીમાંથી બહાર કાઢવાની કોશીષ કરે છે....એ દોરડુ તેમને દરિયાનાં ઉંડા પાણીમાં ખેંચી જાય છે અને અચાનક એ દોરડા સાથે જોડાયેલું એક વિકરાળ જહાજ ત્યાં પ્રગટ થાય છે.... આ દ્રશ્ય ત્યાં ઓચિંતા આવી ચડેલો મોન્ટુ જુવે છે... હવે આગળ વાંચો...)

મોન્ટુ આભો બનીને જોઇ રહયો. તેનાં નાનકડા અમથા દિમાગમાં ભયાનક ઉથલ-પાથલ મચી ગઇ. આંખો ફાડી-ફાડીને તે સામે ભજવાતા દ્રશ્યને જોઇ રહયો. તે માથુર અંકલની પાછળ-પાછળ એટલા માટે આવ્યો હતો કે દરિયાકાંઠે કોઇ અનોખી વસ્તુ શોધી શકે...પરંતુ અત્યારે તે કંઇક અલગ જ નજારો અહી ભાળી રહયો હતો. તેનાં માથુર અંકલ તેની નજરોની સામે એક લાંબા દોરડા ઉપર લટકી રહયા હતા અને એ દોરડુ તેમને વાર-વારે દરિયાનાં પાણીમાં ડુબાડી બહાર લાવતું હતું... આટલુ ઓછુ હોય તેમ અચાનક ત્યાં એક વિકરાળ, વિશાળ પુરાનું ખખડધજ જહાજ પાણીમાંથી બહાર આવ્યું હતું. ધૂંધનાં કોહરામાં પહેલા તો મોન્ટુને કંઇ દેખાયું નહી કે આખરે ત્યાં થઇ શું રહયું છે....? પરંતુ જ્યારે તેણે માથુર અંકલે પકડેલા દોરડાને આકાશમાં ઉંચે ઉઠતા જોયુ, અને પછી એકાએક એક જહાજને દરિયાનાં પાણીની સતહને ચીરીને ઉપર આવતાં જોયું ત્યારે તેના હ્રદયના ધબકારા બંધ થવાની અણી ઉપર આવી પહોંચ્યાં હતાં. તેનો નાનકડો અમથો જીવ એકાએક મુંઝાવા લાગ્યો અને ખૂલ્લા મોં એ તે ત્યાં ભજવાતાં દ્રશ્યને જોઇ રહયો. તે ત્યાંથી હલવાનું પણ ભૂલી ગયો હતો. ખુલ્લા મોંએ અવાચક બનીને ત્યાં ખોડાઇ રહયો.

માથુર અંકલની હાલત અત્યારે કાપો તો લોહી પણ ન નીકળે એવી હતી. આટલું ભયાવહ દ્રશ્ય તેમણે પોતાની પુરી જીંદગીમાં કયારેય જોયું નહોતું. દોરડે લટકતા તેઓ તૂતક ઉપર ઉભેલા પેલા વિકરાળ માનવીની આંખોમાં આંખ પરોવીને જોઇ રહયા હતા. એ આંખોમાં સળગતી આગ તેમને તેઓ દરિયાના પાણીમાં સંપૂર્ણપણે પલળી ગયા હોવા છતાં જાણે રૂંવે-રૂવે દઝાડતી હોય એવું અનુભવાતું હતું. કાળા ઘોર ડિબાંગ ધુમ્મસની પરતોને ચીરતું જહાજ બરાબર તેમની એકદમ નજીક આવીને ઉભુ રહયું હતું. તે જહાંજમાંથી ચિત્ર-વિચિત્ર અવાજો ઉઠતાં હતાં. કયારેક જહાજની લોંખડની ગ્રીલ ઉપર હથોડા ઠોકાતા હોય તેવા “ ધમ...ધમ...” અવાજો, તો કયારેક એકાએક ઘણાબધા માનવીઓની મરણતોલ ચીખોનાં અવાજ...તેમાં સૌથી ડરામણો અવાજ તૂતક ઉપર પ્રગટ થયેલા પેલા પ્રેતાત્મા જેવા માનવીનાં મોંઢેથી નીકળતો હતો... “ ખૂન કા બદલા ખૂન...ખૂન કા બદલા ખૂન...”

માથુર સાહેબની હિંમત ધીરે-ધીરે ઓસરતી જતી હતી. તેમની છાતીની અંદર ધડકતું દિલ ભયાનક ડરના લીધે કાંપી રહયું હતું. શું કરવું જોઇએ...? એ સૂધ-બૂધ તો તેઓ કયારનાં ખોઇ ચુકયા હતાં. તેઓ તો બસ, માત્ર આંખો ફાડીને પેલા વ્યક્તિને જોઇ રહયા હતા. અને...અચાનક ત્યાં એક અનોખુ દ્રશ્ય ભજવાયું. તેમની નજરોની સામેજ, જોત જોતામાં એ વ્યક્તિ હવામાં અધ્ધર ઉઠયો. જાણે હવામાં તરતો હોય એમ તે તૂતક ઉપર ઉંચકાયો. તેના પગ જહાંજની ફર્શ ઉપરથી ઉંચે ઉઠયા અને જોત-જોતામાં તે હવામાં લહેરાવા લાગ્યો. તેનું વિકરાળ મોં ખૂલ્યુ અને તેમાંથી અટ્ટહાસ્યનો એક પડઘો રેળાયો. તે ભલ-ભલાનાં છાતીનાં પાટીયા બેસી જાય એ રીતે હસતો હતો. ભયાનક હાસ્ય વેરતી વખતે પણ તેની આંખોમાં ક્રોધની જ્વાળાઓ ધધકતી હતી. “ ખૂન કા બદલા ખૂન...” ફરી એ જ ભયાવહ શબ્દો તેનાં ગળામાંથી નીકળ્યા અને એકાએક તેની કમરે લટકતી સોનાનાં મુઠવાળી તલવાર મ્યાનમાંથી આપમેળે બહાર આવી. આ એજ તલવાર હતી જે હમણા થોડીવાર પહેલાં વિભૂતી નગરની પોલીસ ચોકીમાંથી ગાયબ થઇ હતી. એ તલવાર તેનાં મુળ માલીક પાસે પાછી ફરી હતી. માથુર સાહેબ કંઇક સમજે, કંઇ વિચારે, કોઇ રિએકશન કરે, એ પહેલા તો તલવાર તેજ ગતીથી હવામાં ઉડી અને માથુર સાહેબ તરફ લપકી. તલવાર સેકન્ડનાં છઠ્ઠા ભાગમાં તેમની નજીક આવી તેમની છાતીનાં ડાબા ભાગમાં, સીધી હ્રદયને ચીરતી ઉંડે સુધી ખૂંપી ગઇ. માથુર સાહેબનું મોં આઘાતથી પહોળું થયું. તેમનાં ગળામાંથી દર્દ અને આઘાતનાં કારણે ચીખ નીકળે, એ પહેલાં તો તેમનું પ્રાણ-પંખેરુ ઉડી ચૂકયુ હતું. એ દ્રશ્ય ભલભલાનાં છાતીનાં પાટીયા બેસાડવા પુરતું હતું. જહાંજનાં તૂતક ઉપર પેલો ઓછાયો હવામાં લહેરાઇને અટ્ટ-હાસ્ય કરી રહયો હતો. જ્યારે નીચે દરિયાની સપાટી ઉપર દોરડાનાં સહારે લટકતા માથુર સાહેબ નિષ્ચેતન બનીને લટકી રહ્યાં હતાં. માથુર સાહેબનાં મોતથી ત્યાંનું વાતાવરણ ઓર બિહામણું લાગવા બન્યુ હતું. આકાશમાં, અને જહાજની આસ-પાસ ફેલાયેલી કોહરાના વાદળોમાં ભયાનક હલચલ મચી ગઇ હતી. જોત-જોતામાં માથુર સાહેબનાં હાથમાં પકડાયેલા દોરડાની પકડ છૂટી હતી અને તેઓ તલવાર સહીત વિભૂતી નગરના દરિયાનાં પેટાળમાં સમાઇ ગયાં હતા.

મોન્ટુના પગ જાણે ધરતી સાથે, ત્યાંની રેતીમાં ખૂંપી ગયા હોય એમ તે સ્તબ્ધ બનીને પોતાની જગ્યાએજ ચોંટી ગયો હતો. તેણે હમણાં ત્યાં ભજવાયેલુ દ્રશ્ય જોયું હતું... અને હજુપણ તે એ તરફજ જોઇ રહયો હતો. ભયાવહ બર્બરતાથી માથુર અંકલને કમોતે મરતા તેણે જોયા અને તે હતપ્રભ બની ગયો. તેને એ જહાજ દેખાતું હતું પરંતુ એ જહાજ ઉપર કોણ ઉભુ હતું, અને ત્યાં શું હતું, એ ધુંધનાં આવરણને કારણે દેખાતુ નહોતું. મોન્ટુની ઇચ્છા તો ત્યાંથી પોતાની સાયકલ તરફ ભાગવાની થતી હતી, પરંતુ કોણજાણે કેમ...! તે એ જહાજની દિશામાં આગળ વધ્યો. તેનાં દિલમાં પડઘાતી ધડકનોનો અવાજ તે પોતે સ્પષ્ટ સાંભળી શકતો હતો. હજુ તે માત્ર થોડા કદમો જ આગળ વધ્યો હશે કે અચાનક તે અટકી ગયો...એ સાથે જ તેની આંખો વિસ્ફારીત બની...અને પછી તેનાં ગળામાંથી ચીખોની શૃંખલા નિકળવી શરૂ થઇ.

જહાજનાં તૂતક ઉપર હવામાં લહેરાતો શખ્શ અચાનકજ મોન્ટુ તરફ ફર્યો હતો. તેની આંખો મોન્ટુની નજરો સાથે ટકરાઇ...અને કાતીલ ડરથી નાનકડો મોન્ટુ ચીખવા લાગ્યો હતો. મોન્ટુના ગળામાંથી એકધારી ચીખો નીકળી રહી હતી. ક્ષણના ચોથા ભાગમાં તેના પગલા પાછા વળ્યા અને તે નગર ભણી દોડયો...અને તેને દોડતો જોઇ તેની પાછળ કોહરાનો આખો હજુમ ઉડયો. જાણે રીતસરનો મોન્ટુનો પીછો કરતાં હોય તેમ ધુમ્મસનાં ઘટ્ટ વાદળોનો એક તોતીંગ જથ્થો કિનારા તરફ ઉમટયો. મોન્ટુની મંઝીલ તેની પોતાની સાયકલ હતી. એક વખત તે સાયકલ સુધી પહોંચી જાય પછી તેને ઘરે પહોંચતાં વાર નહી લાગે એવું એક ગણિત તેનાં મનમાં હતું. તેનાં નાના પગલાઓ ઝડપથી કિનારાની રેતીમાં ભાગી રહયા હતા. વારે-વારે પાછળ ફરીને તે પોતાની પાછળ દોડતા આવતા વાદળોના સમુહને જોતો દોડતો હતો. તેના મનમાં પારાવાર ભય વ્યાપ્યો હતો. તેની સાયકલ બહુ ઝાઝી દુર નહોતી. છતાં ત્યાં સુધી પહોંચતા તેના પગ ભરાઇ આવ્યા. મહા-મુસીબતે તે સાયકલ સુધી પહોંચ્યો અને સાયકલને આંખો બંધ કરીને તેણે નગર ભણી રમ-રમાવી મુકી.

સિંહના મોંઢામાંથી હરણીયું છીનવાતા જેવી છટપટાહટ સિંહને થાય, એવીજ કંઇક ગેબી ગડમથલ મોન્ટુને દુર જતો જોઇને એ વાદળોનાં સમુહમાં થઇ. જાણે તેના હાથમાંથી એક આસાન શિકાર છીનવાઇ ગયો હોય તેમ એ વાદળો ત્યાંથી જાણે નિરાશ થઇને ફરી પાછા સમુદ્ર ભણી વળ્યા. જહાંજ ઉપર ઉભેલા શખ્શની આંખોમાં સળગતી આગની જ્વાળાઓ વધુ પ્રજ્વલીત થઇ ઉઠી હતી. તેણે કદાચ તેનું માથુ ધુણાવ્યું હોય એવુ પ્રતિત થયુ...એ સાથજ જેવી રીતે તે જહાજ પાણીની સતહનાં ઉંડાણમાંથી પ્રગટ થયું હતું, એમજ તે ફરી પાછું પાણીમાં સમાઇ ગયું. ક્ષણભરમાં તો જાણે નગરનાં કાંઠે કોઇ વારદાત ઘટી જ ન હોય એવી શાંતી પ્રસરી ગઇ.

****

ઇશાન જ્યારે નગરનાં શિવ-મંદિરના પગથીયા ચડયો, એ સમયે શંકર મહારાહ હજુ હમણાંજ ભોળાનાથની પ્રતિમા સમક્ષથી ઉભા થયા હતા. લગભગ બે કલાક તે ભગવાન સમક્ષ રડતા રહયા હતા અને પુરખોના કરેલા કર્મોની માફી માંગી રહયા હતા. રડવાથી તેમનો ગૌરવર્ણી ચહેરો લાલઘુમ બન્યો હતો. ભગવાન પાસે માફી માંગવાથી તેમનાં હ્રદયમાં થોડી શાંતી તો ઉદ્દભવી હતી, તેમછતાં એક અપરાધભાવ સતત તેમને કોરી રહયો હતો. તેમણે પહેરેલા ધોતિયાનો છેડો એક હાથે સરખો કરતા મંદિરના ગર્ભગૃહમાંથી હજુ તેઓ બહાર નીકળયા હતા કે તેમણે મંદિરના દાદરે ઇશાનને આવતો જોયો. ઇશાનને અત્યારે અહી જોઇને તેમે નવાઇ લાગી. ઇશાન અહી શું કામ આવ્યો હશે...? એક પ્રશ્ન તેમનાં મનમાં ઉદ્દભવ્યો...અને પછી એકાએક આવો બાલીશ પ્રશ્ન ઉદ્દભવવા પર તે પોતાની ઉપર જ હસી પડયા. શીવજીનાં મંદિરમાં કોઇ શું-કામ આવતું હશે...? ભગવાનનાં દર્શન કરવાને જ વળી...જો કે ઇશાનને જોઇને મહારાજને થોડી રાહત ઉદ્દભવી હતી.

“ આવ...આવ...ઇશાન...! ” તેણે દુરથીજ ઇશાનને હાંક મારી. ઇશાને મહારાજને ગર્ભગૃહમાંથી બહાર આવતા જોયા.

“ પ્રણામ...” બે હાથ જોડતા તે બોલ્યો.

“ પ્રણામ...” શંકર મહારાજે પ્રણામ કર્યા. એ દરમ્યાન ઇશાન તેમની નજીક પહોંચી ગયો હતો. તેણે પહેલા મંદિરમાં પ્રભુને નમન કર્યા અને પછી તે મહારાજ તરફ ફર્યો હતો. શંકર મહારાજનાં ચહેરાને જોતાંજ તેને સમજાયું કે જરૂર કંઇક ખોટું છે. મહારાજનો ઉતરેલો લાલઘુમ ચહેરો ચાડી ખાતો હતો કે હમણાં જ તેઓ રડયા હશે...

“ શું વાત છે મહારાજ...? તમે રડતા હતા કે શું...? ” ઇશાને તરતજ પુછી લીધું. સાવ અંગત માણસાને આવો સવાલ પુછી શકાય, પરંતુ ખુદ ઇશાનનાં મનમાં અત્યારે ઘણીબધી ગુંચવણો સર્જાયેલી હતી એટલે વધુ ફોર્માલીટીમાં પડયા વગર સીધાજ મુદ્દાની વાત ઉપર તે આવ્યો.

“ તને એવું લાગે છે કે હું રડયો હોઇશ...? ”

“ તમારો ચહેરો કહે છે...! ”

“ ચહેરાનું તો શું છે...! તેના ઉપરથી અનુમાન થોડુ નીકળે...! ” શંકર મહારાજે થોડુ ચાલતા મંદિરના પરીસરની પાળીએ બેઠક લેતા કહયું. ઇશાન પણ તેમની પાછળ આવ્યો અને તે પણ મહારાજની બાજુમાં બેઠો.

“ માણસ જુઠ્ઠુ બોલી શકે...! પણ તેમની આંખો અને ચહેરો નહી...” તે બોલ્યો.

“ તું મને એટલે જ પસંદ છો ઇશાન, કારણકે તારામાં કોઇ દંભ નથી. જે તારા દિલમાં હોય એ તારી જબાન ઉપર અવી જાય છે...” શંકર મહારાજે ખભે નાંખેલા ગમછાથી મોંઢુ લુંછયુ અને બોલ્યા.

“ મારું પણ એવુંજ છે. મને પણ એવાજ માણસો ગમે છે.” ઇશાને ડોકુ ફેરવીને મહારાજની આંખોમાં ઝાંકયુ. “ મારે થોડા પ્રશ્નોનાં જવાબ જોઇએ છે...”

“ કેવા પ્રશ્નો ઇશાન...? ” મહારાજ અચાનક ટટ્ટાર થયા.

“ નગરમાં આ બધુ શું બની રહયું છે...?”

“ શું બની રહયું છે ઇશાન...? મને સમજાયું નહી...અને આ પ્રશ્ન તું મને શું-કામ પુછે છે...? ” મહારાજ બોલ્યા. ઇશાનને મહારાજ તરફથી પ્રતિ-ઉત્તરમાં કંઇક આવુંજ સાંભળવાની આશા હતી. તેના દાદાએ પણ આ જ પ્રશ્ન કર્યો હતો.

“ હું અહી કંઇક જાણવા આવ્યો છું. મારા દાદા દેવધર તપસ્વીએ મને કહયું કે નગરમાં જે અનહોની ઘટનાઓ થોડા સમયથી ઘટી રહી છે, તેના વિશે શંકર મહારાજ કંઇક જાણતા હશે. એટલે હું તમારી પાસે આવ્યો. ”

“ દેવધરે તને કહયું...?”

“ જી...” ઇશાન બોલ્યો. તેની વાત સાંભળીને મહારાજ હસી પડયા.

“ ખરો છે તારો દાદો પણ...! મારા કરતા તો ઉંમરમાં તેઓ મોટા છે. તો સ્વાભાવિક છે કે મારા કરતા વધુ જાણકારી તેમની પાસે હોય, અને તેણે તને મારી પાસે મોકલી આપ્યો..? એ બહુ કહેવાય...” તેઓ બોલ્યા. ઇશાન તેમની વાત સાંભળીને મુંઝાયો.

“ પણ કંઇક વિચારીને જ તેમણે તમારું નામ દીધુ હશેને...? સાવ અમથુ-અમથુ તો નહી કહયું હોય...! ”

“ અરે પણ...! જો એક વાત સમજ. ” મહારાજ અચાનક ઇશાનને સમજાવવાના મુડમાં આવી ગયા. “ માન્યુ કે નગર ઉપર પાછલા થોડા દિવસોમાં આફત ઉતરી આવી છે. પરંતુ તેમાં હું કે પછી તારા દાદા શું જાણીએ...? આ આફત તો કુદરતી રીતે બનતી ઘટનાઓ છે. તેમાં બીજું કોઇ શું જાણે...? ”

“ તમે મને નાનું બાળક સમજો છો...? અને તમને શું લાગે છે કે હું તમારી વાતોમાં ભોળવાઇ જઇશ...? મેં મારી સગ્ગી આંખે આપણા નગરનાં ટાઉનહોલનાં પરીસરમાં પેલા નવા બંધાતા મંડપ વચાળે એક પ્રેતાત્માનો સાયો જોયો છે. શું એ પણ એક કુદરતી ઘટના હતી...? ” ઇશાન એકશ્વાસે બોલી ગયો. તેની વાત સાંભળીને શંકર મહારાજ ખળભળી ઉઠયા.

“ શું વાત કરે છે ઇશાન...? ”

“ અને એટલુ જ નહી...તમને પણ મેં રોડ વચ્ચે ગાંડા કાઢતા જોયા છે...! અને તમે મને જરા જણાવશા કે આ “ ખૂન કા બદલા ખૂન... ” શબ્દોનો નો મતલબ શું થાય...? ”

“ ઇશાન...” મહારાજનું મોં ખુલ્લુ જ રહી ગયું.

“ છે કોઇ જવાબ તમારી પાસે...?” ઇશાને ફરી સવાલ પુંછયો પણ મહારાજે તે સાંભળ્યુ નહી.

“ ખૂન કા બદલા ખૂન....! આ તે કયાં સાંભળ્યું...? ”

“ આજે બપોરે જ...ટાઉનહોલથી નગરનાં બીચ તરફ જવાના રસ્તે...મારી કાર એક વીજળીના થાંભલા સાથે ભટકાઇ અને અચાનક કોણ જાણે કયાંથી તમે ત્યાં એકાએક પ્રગટ થયા. આ વાક્ય તમેજ મારી કારમાં માથું ભરાવીને ગાંડાની જેમ બોલી રહયા હતા. પેલી બિચારી છોકરી તો છળી મરી હતી...! ”

“ કઇ છોકરી ઇશાન...? ”

“ એલીઝાબેથ...મારી મિત્ર. એ કારમાંજ હતી, અને તમે તેનાં કાનમાં ઘુસીને આ વાક્ય બોલ્યે જતા હતા...”

“ એક મીનીટ...એક મીનીટ...! શું નામ કહયું તે ઇશાન...? એલીઝાબેથ...! ”

“ હાં....એલીઝાબેથ....કેમ...? ”

“ હે ભગવાન...! ” અચાનક મહારાજનાં અવાજમાં થડકારો વ્યાપ્યો.

“ એનો શું મતલબ...? એલીઝાબેથનું નામ સાંભળીને તમે થડકી કેમ ઉઠયા...? ”

“ મને વિચારવા દે ઇશાન...મને વિચારવા દે. બે-મીનીટ થોભ તું...! ” કહીને મહારાજે એક ઉંડો શ્વાસ લીધો અને પીઠને પરીસરની પાળીએ ટેકવી. તેમની આંખો ઇશાનની વાતો સાંભળીને સંકોચાઇ હતી. જાણે કોઇ ગહેરા વિચારોમાં તેઓ ખોવાઇ ગયા હોય એમ દુર ક્ષિતિજમાં તેઓ તાકી રહયા. ઇશાન તેમનાં ચહેરા ઉપર ઝડપથી બદલાતા ભાવો જોતો ખામોશ બની રહયો. મંદિરનાં પરિસરમાં ખામોશી છવાયેલી હતી. સંધ્યાનો સમય થવા આવ્યો હતો છતા આકાશમાં છવાયેલા વાદળોનાં કારણે સંધ્યા ટાણુ થવાનો કોઇ વરતારો દેખાતો નહોતો. તેઓ પરીસરમાં બેસવા માટે બનાવેલી પથ્થરની પાળી ઉપર બેઠા હતા. ડુંગર ઉપરથી વાતો પવન ઇશાનનાં ઝુલ્ફાને રમાડતો હતો. કયાંય સુધી તેમની વચ્ચે ખામોશી પ્રસરેલી રહી. શંકર મહારાજ ઇશાનની વાત સાંભળીને કોઇક ગહેરા મનોમંથનમાં પરોવાયેલા હતા. “ એલીઝાબેથ” નું નામ વારેવારે તેમનાં મનમાં પડઘાતુ હતું. આખરે ઇશાન અકળાયો.

“ ખામોશ રહેવાથી કોઇ સમસ્યાનો ઉકેલ નહિ મળે મહારાજ. તમે કંઇક બોલશો તો હું મદદ કરી શકીશ... ” ઇશાને મહારાજને ઢંઢોળ્યા.

“ એ જહાજનું નામ પણ તારી મિત્રના નામ ને મળતું આવતું હતું...! ” “એલીઝાબેથ ડેન”... ” તેઓ અનંતમાં તાકતા બોલ્યા.

“ કયા જહાંજની વાત કરો છો તમે...? અને તેને એલીઝાબેથ સાથે શું-કામ સાંકળો છો...?”

“ કારણ કે તારી મિત્રનું નામ “ એલીઝાબેથ” છે...અને હું જે જહાંજ વિશે કહુ છું તે જહાજનું નામ હતું “એલીઝાબેથ ડેન”....!”

“ એલીઝાબેથ ડેન” ઇશાને નામ દોહરાવ્યુ. તેને મહારાજની વાતમાં કંઇ સમજાયું નહી. બધુ ભેદ-ભરમ વાળું લાગતું હતું

“ હાં ઇશાન...અને આ સંજોગોવશાત તો ના જ હોઇ શકે...!” મહારાજ બોલ્યા.

“ તમે મને કંઇક સમજાય એવું બોલો. આમ ઉખાણાની ભાષામાં વાત શું કામ કરો છો...? જે હોય તે, હું વિગતે જાણવા માંગુ છું....” ઇશાન અધીરાઇભેર બોલી ઉઠયો.

“ તો સાંભળ...” મહારાજ બોલ્યા અને તેમણે પોતાના પિતા રમણીક મહારાજે કહેલી કહાની ઇશાનને સંભળાવવી શરૂઆત કરી...

( ક્રમશઃ )