Adhi Aksharno Vhem - 8 in Gujarati Love Stories by Shabdavkash books and stories PDF | અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૮

Featured Books
Categories
Share

અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૮

અઢી અક્ષરનો વ્હેમ

સુત્રધાર: અશ્વિન મજીઠિયા
પ્રકરણના લેખક: રીઝવાન ઘાંચી

*પ્રસ્તાવના*

મિત્રો,
તો ગયા અઠવાડિયે આપ સહુએ શ્રીમતી રીટાબહેન ઠક્કર દ્વારા લિખિત પ્રકરણ-૭ વાંચ્યું. બેધડક શૈલીમાં લખાયેલ આ પ્રકરણ જયારે મારી સમક્ષ સમીક્ષા માટે આવ્યું હતું, ત્યારે તેમાંનું એક વાક્ય ‘એનકેશ કરી લે તારું માતૃત્વ’ વાંચીને એક પળ તો હું ચોંકી જ ગયો. આવું..આવું લખાય? કેવું લાગશે આ વાક્ય? વાંચકો પર કેવી ઇમ્પ્રેશન પડશે? પણ બીજી જ પળે મને ખ્યાલ આવ્યો, કે વાર્તાની શરૂઆતમાં જ સમગ્ર ટીમે નક્કી કર્યું હતું, કે કોઈ પણ રીઝેર્વેશન રાખ્યા વિના જ લખવું..બોલ્ડ લખવું. તો બોલ્ડ કોને કહેવાય? ફક્ત ગલીપચી કરાવી જાય તેવું કામુક વર્ણન જ લખીને શેખી ન મરાય કે અમે બોલ્ડ છીએ. આ તો ફક્ત વાંચકોને આકર્ષવાની એક પોકળ રીત કહેવાય. જે વસ્તુ સમાજમાં સ્વીકાર્ય ન હોય, જે વાત વાંચકોને ગળે ઉતારતાં મુશ્કેલી પડે, વાંચકોને જે વાત હજમ થતા વાર લાગે, તે વાત તેમની સમક્ષ એક વાર્તાનાં સ્વરૂપમાં મૂકી એક ઉદાહરણ પૂરું પાડી ધીરે ધીરે તેમને આ બાબતે તૈયાર કરીએ, તેને કદાચ ‘બોલ્ડ’ કહી શકાય.

તો આ વાક્ય..આ સંવાદ..આ શિખામણ..આ આદેશ..કે જે ડો.અનીલ તેમની પત્ની મીનાબેનને આપે છે, ‘એનકેશ કરી લે તારું માતૃત્વ’ [કોઈક બેરર ચેક હોય તેમ તારું માતૃત્વ વટાવી લે..તેનો ફાયદો ઉઠાવી લે.]

માતૃત્વ જેવા દિવ્ય અહેસાસનું આવું નિમ્ન પ્રકારનું વ્યાપારીકરણ કરવાની સલાહ..આવી વાત..ભલે એક પુરુષ કહેતો હોય તેની પત્નીને, પણ આ છે તો ઉપજ, એક લેખિકાના દિમાગની જ ને. આવી વાત જયારે એક સ્ત્રી વિચારે, ફક્ત વિચારે નહીં, વાંચકોની સમક્ષ લખીને મુકવાની હિમ્મત કરે ત્યારે ખરેખર બેધડક લખ્યું કહેવાય..સાચા અર્થમાં બોલ્ડ. -આવો વિચાર આવતા જ અમુક ટીમ-મેમ્બર્સના વિરોધની ઉપરવટ જઈને પણ મેં આ વાક્ય ‘સેન્સર-પાસ’ કરી દીધું. તે ઉપરાંત રીટાબહેને અંત ભાગમાં વાર્તાને એક અણધાર્યો વળાંક આપીને આપણને એક સુખદ આંચકો પણ દઈ દીધો, અને પોતાનું પ્રકરણ ત્યાં પૂરું કર્યું.

તો તે પછીનું આ પ્રકરણ મેં આપ્યું અમારી ટીમના એક ધીર-ગંભીર વ્યક્તિત્વ ધરાવતા RJ ગુજરાતીને. RJ એટલે રેડીઓ જોકી નહીં પણ સરકારી નોકરી માટે ગાંધીનગર ખાતે રહેતા રીઝ્વાનભાઈ ઘાંચી. સ્વભાવે એકદમ શાંત, નમ્રતા ભારોભાર, અને એકદમ સોફ્ટ-સ્પોકન વાણી. અમારા આ ધીરગંભીર, સભ્ય અને શાંત સાહેબ માટે એટલું જ કહીશ કે, શાંત પાણી કેટલા ઊંડા હોય છે, એ તો એમનું આ પ્રકરણ જ સાબિત કરી આપશે. આમેય એમનો લખેલ એપિસોડ હોય, એટલે મારે કંઈ ઝાઝું કહેવાનું રહેતું જ નથી. શુધ્ધ ગુજરાતી ભાષા, અને સડસડાટ વહેતા શબ્દો. એકવાર વાંચવાનું શરુ કરીએ એટલે પૂરું થઇ જ જાય. એનું એક કારણ એ પણ છે, કે રીઝ્વાનભાઈ વાર્તાની સાથે સાથે કવિતાની અભિવ્યક્તિ પણ ખુબ જ સુંદર રીતે કરે છે. નામ રીઝ્વન, તો હૃદય એકદમ ઋજુ, હા, કવિ-હ્રદય હોય જ ઋજુ તેમાં કોઈ જ બેમત ન હોય.

હા, અમારા આ ઋજુ-હ્રદયના રીઝુભાઈએ આ એપિસોડમાં પણ પોતાની આ કળાનો આપણને સુંદર આસ્વાદ કરાવ્યો છે. તેમના શબ્દોમાં અભિવ્યક્ત એવી પ્રણાલીની મનોગત, તેમ જ અનિકેત અને અશ્ફાકના વિચાર-મંથનને આપ ચોક્કસપણે માણશો જ એની મને ખાતરી છે.

તો, રીઝ્વાનભાઈના આ હપ્તાનાં ઊંડાણ ભરેલા વહેણને તમારી સમક્ષ રજુ કરતા મને અનહદ આનંદ થાય છે.

*પ્રકરણ-૮*

“હર ફિક્ર કો ધુએ મેં ઉડા....”
હજુ તો બે દિવસ પહેલા જ ગોવાની આલીશાન હોટલના ચકચકિત કમરાનાં આયનામાં પોતાની જાતને નિહાળી ડો. મિતુલ ખુદનાં પ્રેમમાં પાગલ થઇને આવું જ ગણગણી ઉઠયા હતા.
કમરામાં ફક્ત અન્ડરવેઅરમાં જ રહેવું, અને આયના સામે બેસીને જાત સાથે સંવાદ કરવાની ડો. મિતુલની મેડીકલ હોસ્ટેલ વખતની ટેવ, આ ઉમરે પણ જળવાઈ રહી હતી. કંઈ બદલાયું હોય, તો તે હતું સંવાદના શબ્દો.
તે સમયે દેશના ટોપક્લાસ ડોક્ટર બનવું, કોન્ફરન્સમાં એક્ષપર્ટ તરીકે હાજરી આપવી, મેડીકલ સાયન્સિઝની જર્નલોમાં આદરથી નામ લેવાવું, ને આવી બધી મહાત્વાકાંક્ષાઓ, હવે નિરાશા અને હતાશાને કારણે, ‘ભાઈને કેમ પછાડવો’થી માંડીને ‘પોતાની હોસ્પિટલને યેનકેન પ્રકારેણ અદ્યતન સુવિધાઓથી સજ્જ, એકદમ આધુનિક કેમ બનાવવી’ તેની ફિકરમાં અટવાઈ ગઈ હતી.
કોન્ફરન્સને બહાને શરીરને તાજું કરવાનો કાર્યક્રમ સફળ થયો, એટલે જ અડધી રાતોના શરાબી ઉજાગરા પછીયે, તે પછીની સવારે ફૂલ સાઈઝ અરીસા સામે બેસીને ‘હર ફિક્ર કો ધુએ મેં ઉડા...’ ગીત ગણગણતા ડો. મિતુલ વિચારી રહ્યા- “
ઉમર થઇ તો’ય દિવસે દિવસે યુવાન થતો જાઉં છું. મગજ તે ઉમરે ન ચાલ્યું, તો આ ઢળતી ઉમરે દોડવા માંડ્યું છે. આ સાલા રૂપિયા જ વધતા નથી, ઉલ્ટા એક કરોડની લ્હાયમાં ને લ્હાયમાં રૂપિયા ઘટતા જાય છે. ‘પૈસે ફેંક તમાશા દેખ’ જેવી થઇ ગઈ છે આ દુનિયા, જાતે જ પૈસા ફેંકો, ને જાતે જ તમાશા દેખો....અજબ હે યે દુનિયા”.


ભૂતકાળની ભપકાગીરીની મહાત્વાકાંક્ષાઓ, આખરી ઉમરે પૂરી કરવાની ઘેલછામાં પોતાના જ સગા ભાઈ ડો. અનિલને ખુવાર કરવા મેદાને પડેલા મિતુલને, બે દિવસ બાદ આજે રવિવારની સવારે અહીં રત્નાગીરીમાં, સ્ટેલા સાથેની વાતચીત પછી, પોતાની આ બાજી હાથમાંથી સરકી જતી લાગી.
ગોવાનો નશો અને ‘હર ફીક્રને ધુઆંમાં ઉડાડવા’ની જાતને જ આપેલી શિખામણ રત્નાગિરીનાં આ ફાર્મહાઉસમાં એક ફોન માત્રથી કડડભૂસ થઇ ગઈ.

થોડી વાર પહેલાં મિતુલે જયારે ટોનીને 'રેડી ફોર નેક્સ્ટ એસાઈનમેન્ટ'નો SMS કર્યો હતો, તે પછી તેનાં કપાળની તંગ નસોનાં સરવાળામાં ઘટાડો થયો હતો, પરંતુ હવે તેનાં મગજમાં ગણતરીનાં ઘમાસાણનો ગુણાકાર મંડાયો હતો.
વ્યાકુળતા જેમ અનિકેતને અજાણ્યા સાથે લપસણી ક્ષણોમાં ખેંચી ગઈ હતી, તેવો જ કોઈક બીજો પ્લાન બનાવી, તેનાં પર ટોની દ્વારા વ્યવસ્થા કરાવીને, પ્રણાલીને પણ કોઈક નાજુક ક્ષણોમાં ગબડાવી, કચકડે કંડારી, ને સીધે સીધી બ્લેકમેઈલ કરવાની પોતાની જે એક ગણતરી છે, તે કેટલી પાર ઉતરશે, તેની ચિંતા હજુ પણ મિતુલને સતાવી રહી હતી.

આમ તો પ્રણાલીને..એની સગી ભત્રીજીને..આવી રમતમાં તે સીધેસીધી ખેંચવા નહોતો માંગતો, પણ એક કરોડની લાલચે અને હોસ્પિટલ રિનોવેટ કરાવી ભાઈ ડો. અનિલ કરતા આગળ નીકળી જવાની ઘેલછામાં પોતે બિછાવેલા પાસાઓ અવળા પડવાને કારણે જ, મિતુલનું ઘરડું દિમાગ આ શયતાની કરવા પાછળ દોરાઈ ગયું હતું.

સ્ટેલાનાં રૂપમાં તેણે ગોઠવેલું મહોરું તો ગડથોલું ખાઈ ગયું હતું, પણ રમતનું મુખ્ય પ્યાદું એવો અનિકેત તો હજી હાથમાં જ છે, એમ વિચારી મિતુલ નિશ્ચિંત બન્યો હતો.
અનિકેત ભલે HIV+ નથી, પણ આ વાત હજી ક્યાં ક્યાંય ફેલાઈ છે? ખુદ અનિકેતને’ય જાણ નથી. અને જાણ થાય તો પણ શું? ‘સ્પેશ્યલ ફોટોસેશન’ની ગિફ્ટ તો અનિકેત માટે તૈયાર જ હતી.

"રાતનો થાક માંડ ઉતર્યો, ત્યાં સવાર-સવારમાં આ બુડથલ સ્ટેલાએ મગજની કસરત કરાવી દીધી"-બબડીને ફ્રેશ થવા માટે બાથ લેવાનો વિચાર કરી મિતુલે બાથરૂમમાં પગ મુક્યો, અને બાથરૂમનો નજારો મિતુલને ડોલાવી ગયો, “મારા બેટાએ ગોવામાં તો આલીશાન હોટેલ બનાવી જ છે, પણ રત્નાગિરીનો આ રિસોર્ટ પણ કંઈ કમ નથી”.


રૂમમાં દિવાલોની વચ્ચે ઘીસી કરીને, ફીટ કરાવેલા કાંચની વ્યવસ્થા મિતુલને ખુબ જ ગમી ગઈ. રૂમમાં બેઠા બેઠા બહારનો બધો નજારો મળી રહેતો હતો. અને ડો.મિતુલની નવાઈ વચ્ચે બાથરૂમ પણ કાંચની આવી પટ્ટીઓથી સુશોભિત હતું.
રિસોર્ટનું આંબાવાડિયું, આંબાવાડિયામાં કામ કરતી મજૂરણો, પાણીની રેલમછેલ કરતાં ટ્યુબવેલનું દ્રશ્ય મિતુલના વિચારોને તરંગિત કરી ગયું, અને ‘આજ કુછ તુફાની કરતે હે’, બોલીને કમરે ટુવાલ વીંટાળી, રૂમનો દરવાજો બંધ કરી નીકળી પડ્યો.


ફક્ત ટુવાલભેર ખુલ્લા ડીલે આંબાવાડિયામાં નીકળી પડેલ મિતુલને જોઈ કેટલીય મજૂરણોની આંખો ચાર થઇ ગઈ. રિસોર્ટમાં માલિકના આવતા મહેમાનોમાં આ પ્રાણી એમને કંઇક અલગ મિજાજી લાગ્યું.
આજુબાજુ નજરો ઘુમાવતા અને સીટીઓ મારતા મિતુલની સફર અટકી સીધી ટ્યુબવેલ પાસે.
પાંચ ઇંચની પાઈપમાં બંબો થઇ પડતું પાણી, ટાંકામાં થઇ ક્યારામાં વહી જઈ, મજુરણોનાં પગને ભીંજવી, આંબાનાં ક્યારામાં શોષાઈ જતા પહેલા, મિતુલની સુકાઈ જતી લાગણીઓને પણ સિંચી જતું હતું.
અડધા નાંગાપુંગા કેટલાય છોકરા ટ્યુબવેલનાં બંબા નીચે પાણીમાં મસ્તી કરી રહ્યા હતા. ડો. મિતુલે પણ ટુવાલને બોરની ઓરડી પર ફંગોળી પાણી નીચે જાતને મૂકી દીધી.


માલિકનાં આ નવા મહેમાનની રીતભાત જોઈ મજૂરણો આઘીપાછી થવા માંડી.
શૂટબુટમાં આવતા મહેમાનો સાંજ પડે લટાર મારવાના બહાને કેટલીય મજૂરણોને ભરમાવી રૂમ સાફ કરવા બોલાવી જતા, અને રૂમમાં જઈ કપડા પાછળના હવસનાં શેતાનનો સાક્ષાત્કાર કરાવતા, જ્યારે આ તો મજૂરણોની સામે જ ખુલ્લામાં ફક્ત અન્ડરવેરમાં જ નહાવા પડ્યો હતો.
'આ તો શું નું શું કરશે?'ની વાતો મજૂરણોની આંખોમાં ડોકાઈ રહી. પરંતુ મિતુલે ઉભરેલી કાયાવાળી જુવાન મજુરણો પર ઉડતી નજર ફેંકી આંખો બંધ કરી લીધી.
પાણીમાં છબછબીયા કરી રહેલા નાંગાપુંગા બાળકોને ન સમજાયું કે આ સાહેબ બોલી શું રહ્યા છે અને બોલતા બોલતા આમ અચાનક હસી કેમ પડ્યા. પોતાના હવે પછીનાં પ્લાનનાં વિચારે મિતુલને ફરી મુડમાં લાવી દીધો હતો.
ટુવાલ કમર ફરતે વીંટાળી ભીના ડીલે જ મિતુલ રૂમમાં પહોંચ્યો અને બેડ પર લંબાવી દીધું. કંઇક વિચારી સ્ટેલાને ફોન લગાડ્યો, “
હલ્લો સિસ્ટર, હાઉ આર યુ?”
હજુ તો સવારે જ ગુસ્સે થયેલા ડોક્ટર મિતુલનાં ફોનની અપેક્ષા તો હતી જ નહીં, એટલે અત્યારે ડોક્ટરનો ફોન પર આવો વ્યવહાર સ્ટેલાને ચુપ કરી ગયો. “
સ્ટેલા, કેન યુ હિયર મી?” ના અવાજે સ્ટેલા ફરી ભાનમાં આવી, “
યસ સર”“
સ્ટેલા, ડો.અનિલની હિલચાલ અને વાતચીતો પર બરાબર વોચ રાખજે.” “
પણ સર, પેલા છોકરાનો એચ.આઈ.વી. કેસ ?” “
સ્ટેલા, એ જ વાત પર જ આવું છું. તેં જ એને એચ.આઈ.વી.પોઝીટીવ બનાવ્યો છે, તો હવે એ નાટક ચાલુ રાખ. અને હા..હવે પછી, કોઈનાં પણ રીપોર્ટસ સાથે છેડછાડ નહીં કરતી. વી ડોન્ટ વોન્ટ એની મોર ટ્રબલ. અને બી કેરફુલ, ડો.અનિલ પેલાં અનિકેત બાબતે કોઈ વાત ન કરે તે માટે તેનાંથી થોડું ડીસ્ટન્સ જ રાખજે, અને જો તે છોકરાની કોઈ બીજી જગ્યાએ આગળ ટ્રીટમેન્ટ કરવાની વાત સંભળાય, કે એવો કંઇક લોચો પડે, તો તરત જ ત્યાંથી સીધી નવ, દો, ગ્યારહ..સમજી ?”“
પણ સર, મારી જોબ ?““
યુ સ્ટુપીડ..! થોડી વાર પહેલાં તો કહેતી હતી, કે ડર લાગે છે." મિતુલે થોડા ચિઢાઈને કહ્યું, "અને હવે જોબની ફિકર થાય છે? ડોન્ટ ફરગેટ, પેલા ડો.સોમેશ્વરનું નામ આગળ કરીને પણ, એક્ચ્યુલી આ જોબ તો મેં જ તને અપાવી છે. અને આમ જ બીજી પણ અપાવી દઈશ. ડોન્ટ વરી. ચાલ, હવે મને આરામ કરવા દે.."
સર..! તમને ખબર પડી? ડો. સોમેશ્વરે સ્યુસાઈડ કર્યું !""
વોટ ?" મિતુલે ચોંકીને પૂછ્યું."
હા સર. આજનાં અહીંના ન્યુઝપેપરોમાં તો આવ્યું છે.""
ઓકે. આઈ વિલ ચેક ઇટ. તું હવે ફોન મુક, અને મારી સૂચનાઓ ધ્યાનમાં રાખીને કામ કરતી રહેજે." કહીને મિતુલે બેડ પર લંબાવ્યું.

"ડો. સોમેશ્વર..! સાલાની લાલચની કોઈ સીમા જ નહોતી. એક દિવસ તો આ બધા મોટા માથાઓ તેની કુરબાની લેશે જ તેની ખાતરી હતી, અને આખરે એમ જ થયું. સોમેશ્વર, તું બરોબર સમયસર ગયો યાર, તું તો છૂટ્યો, ને જતાં જતાં થોડીઘણી મારી ય ચિંતા તું દુર કરતો ગયો." મનોમન થોડી શાંતિ અનુભવતો પલંગ પર સુસ્તપણે આળોટતો રહ્યો.

**==**==**==**==**

પણ તેનાં નાના ભાઈ અનિલનાં જીવનમાં ક્યાં શાંતિ હતી ? મિતુલે જ લગાવેલી આગ અનિલનાં પરિવાર-જીવનમાં ફેલાઈ ચુકી હતી. "
એનકેશ કરી લે તારા માતૃત્વને..." અનિકેતથી અલગ કરવા પોતાનાં મોમ-ડેડ સ્યુસાઈડ જેવી ધમકીનું નાટક કરી શકે, એ વિચાર જ પ્રણાલીને બેચેન કરી ગયો હતો. જેના જીવન માટે બાલ્કનીમાં અનિલ-મીના ચિંતન કરી રહ્યા હતાં, એ પ્રણાલી ધુઆં-પુઆં થઇ પોતાના રૂમમાં જઈ બેડ પર ફસડાઈ પડી હતી. પ્રણાલી એમની વાતો સાંભળી ચુકી છે, એ વાતે અજાણ મીના-અનિલની વાતો હજુય ચાલુ રહી. “
અનિલ, પણ આ વાતનાં પ્રત્યાઘાત પડશે તો ?”“
હા, પણ અનિકેતનાં જીવનનું પૂર્ણવિરામ કોઈને ખબર નથી. એનાં આઘાત કરતા, પ્રનીનાં પ્રત્યાઘાત હેન્ડલ કરવા વધુ ઇઝી રહેશે.”“
પણ પ્રની ? અનિકેતને છોડવા તૈયાર ન થઇ તો ?”“
ન છુટકે જો અનિકેતને અપનાવવો પડે, તો ટ્રીટમેન્ટ તો છે જ. થતી હશે એટલી કરાવશું. પણ મીના, આ ઓપ્શન વિચારવો જ નથી. તું તૈયારી કરવા માંડ. અનિકેતને પ્રનીનાં જીવનમાંથી હવે દુર કરે જ છુટકો.”
અનિલના જવાબે મીનાબેન કન્વીન્સ જરૂર થયા, પણ એક મા થઇને દીકરીને છેતરવાની અનુભૂતિએ તેમને અંદરથી હચમચાવી મુક્યા હતા. ડો. અનિલે બાલ્કનીમાંથી ઉભા થઇ રૂમ તરફ પગ ઉપાડ્યા કે મીનાબેને હળવે'કથી પૂછ્યું,“
કેમ ડોક્ટર સાહેબ? હવે હૃદયનો ડૂમો ડાયરીને હવાલે કરવો છે કે શું?”
ડો. અનિલને નિયમિત ડાયરી લખવાની આદત. અને જિંદગીને હલબલાવી મુકતા પ્રસંગો વખતે ડાયરીનાં પાનાં જ અનિલના સાચા સાથીદાર બનતા. ડો. અનિલ, પ્રણાલીને પણ ડાયરી લખવા પ્રોત્સાહન આપતા. અને દર જન્મદિને ઢગલો ગીફ્ટ સહીત, ડાયરી પણ પ્રનીના હિસ્સામાં આવતી. પણ પ્રણાલીની એ ડાયરીઓ ફક્ત ટેબલની શોભા જ વધારતી. કોઈક બીજો પ્રસંગ હોત, તો આવી ડાયરીના પાનાં જ ડો. અનિલની સંગતે ચડત, પણ આજે ?
ડો. અનિલે એક ક્ષણ અટકી મીનાને ઉત્તર વાળ્યો, “ના... બસ આજે ઊંઘના ખોળામાં જંપલાવી દેવું છે.” અને પગ બેડરૂમની દિશામાં પોતાના પગ ઉપડ્યા.
.“
એનકેશ કરી લે તું, તારા માતૃત્વને.." મા નાં પ્રેમનો આવો ઉપયોગ? અને એ પણ મારી ખુદની મોમ? ડેડી, તમે અનીને પસંદ ન કરીને મોમને ચીઢવતા કે ‘આને બહુ મોઢે ન ચઢાવ’, ત્યારે મને તો હતું કે આ તમારા પ્રેમની રીત છે, પણ મને શી ખબર આ તમારા પ્રેમની રમત હતી. મારા અનિકેતને એની પ્રણાલીથી અલગ કરવાની રમત. અને હવે તમે આ રમતમાં મારી મોમને પણ તૈયાર કરી લીધી.... વાહ ડેડ”"
જિંદગી હચમચી ઉઠે, ન કોઈ રસ્તો જડે તો બસ તું બેસી જા કલમનાં ખોળે." ડો. અનિલની આ જૂની અને વારંવાર અપાયેલી સલાહને કારણે, તેમની જાણ બહાર આજે પ્રણાલીનાં શબ્દો ડાયરીમાં પગરવ માંડી રહ્યા હતા, પણ ફક્ત તેનાં પિતાની નકારાત્મક છબી ઉભરાવવા માટે જ.
આંખોમાં આંસુનાં કારણે આવી ગયેલી ઝાંખપ દુર કરી પ્રણાલીએ ફરી ડાયરીનું અનુસંધાન જોડ્યું.“
ડેડ, તમે સક્સેસફૂલ ડોક્ટર ખરા, પણ સક્સેસફૂલ ડેડ ન બની શક્યા. તમારી દિકરીનાં પ્રેમની પરવા નથી અને તમારા ભાઈની પસંદને મારે માથે થોપવી છે. અનિકેત તમને પસંદ ન હતો, તો પછી એણે એગેજ્મેન્ટ રીંગ આપી પ્રપોઝ કર્યું, ત્યારે કેમ ચુપ રહ્યા ? આનાં કરતા તો તમારી દીકરીનું ગળું દાબી દેવું હતું ને ! મિતુલ અંકલના ફ્રેન્ડના દીકરામાં તમને એવું તે શું દેખાયું, કે જે અનિકેતમાં નથી ? અનિકેતની બાદબાકીએ તમારે ભાઈનાં સબંધનો સરવાળો કરવો છે, પણ આમાં તમારી પ્રનીનો ભાગાકાર થઇ જશે. અને મોમ..! તું તો મારી વ્હાલી મોમ છે ને? મારા કરતા તો તને અનિકેત વધુ પસંદ છે. તેને કુટુંબનો પ્રેમ નથી મળ્યો, તો તે તેને આ કમી પૂરી કરી આપી. તેં જ એને તારા હાથની દાળ-ઢોકળીનો સ્વાદ ચખાડ્યો હતો ને? તને એમ જ હતું ને, કે આ અનિકેત તારી દિકરીનો હાથ પકડી લે ? મોમ, તું તો એક સ્ત્રી છે ને ? તો સ્ત્રી થઇ તું તારી દીકરીને ન સમજી શકી ? તારી આ પ્રની ક્યારેય કોઈ છોકરા સામે જુએ છે ખરી ? તને કેમ નથી સમજાતું કે મને છોકરાઓની કંપની ખુશ નથી કરી શકતી? છોકરાને જોઈ મને કોઈ લાગણી નથી થતી કે નથી શરીરમાં કોઈ તરંગો ઉઠતા. મોમ તને તો આ સમજાવું જોઈએ ને ! મોમ, તે મને જોઈ છે મારા અની સાથે ? એની સાથે હું કેવી મસ્ત ખુશ રહું છું ! એની કંપની મને ગમે છે. હા મોમ, તારી આ દીકરીને ફક્ત અનિકેતની કંપની જ ગમે છે. બીજો કોઈ છોકરો એને માનસિક ખુશી તો શું, શારીરિક સુખ પણ નહિ આપી શકે. તમે મારા મેરેજ બીજા સાથે કરાવી દેશો, પણ આ પ્રની ઉત્તેજિત અને ઓતપ્રોત જ નહીં થઇ શકે તો ? તો શું, મારું એ મેરેજ ટકશે ? મોમ, તારી દીકરી અનિકેતનો સહવાસ માણી ચુકી છે. તને આ ખબર પડશે તો તું ગુસ્સે થઈશ, નારાજ પણ થઈશ. પણ મોમ, ડુ યુ નો ? એ એક અનિકેતની કંપની જ મને ઉત્તેજિત કરી શકી. મોમ, પતિ તરીકે અનિકેત હશે, તો જ હું પત્ની-ધર્મ બજાવી શકીશ, મારી જાતને ખુશ રાખી શકીશ. અને મને ખુશ જોઇને તમે પણ ખુશ થશો ને ? મારી ઉદાસીએ તમારી આંખોમાં ઝાંખપ નહિ આવે ? મોમ, મારા માટે તું મને સમજ, ડેડીને પણ સમજાવ. અનિકેત મારો છે, હું અનિકેતની છું, અને અમે બન્ને તમારા. મોમ, ડેડ, પ્લીઝ તમારી પ્રની ખુબ દુઃખી છે. 'માતૃત્વનું તે વળી કોઈ વળતર હોય?' મોમ, આ તેં જ કીધું હતું ને ! પ્લીઝ, પ્લીઝ. મને અનિકેત સાથે જવા દો. તમે મિતુલ અંકલને જો ન કહી શકતા હો, તો હું મિતુલ અંકલને વાત કરું. મિતુલ અંકલ એમની વ્હાલી ભત્રીજીની વાત માનશે જ. અંકલ..! માનશો ને ?”

**==**==**==**==**

મોડી સવાર સુધી બેડ પર પડ્યા પડ્યા તે દિવસનાં તાજા અખબાર પર નજર ફેરવીને થાકેલી ડો.અનિલની આંખો ઘેરાઈ રહી હતી, પણ કેમે ય કરી શાંતિથી ઊંઘી નહોતા શકતા.

તો પેલી બાજુ રત્નાગિરી રિસોર્ટમાં મિતુલની આંખો ખુલી, ત્યારે સુરજ લગભગ મધ્યાહને પહોંચવા આવ્યો હતો. સવારે ફ્રેશ થયા બાદ આમ તો ઊંઘવાની આદત નહીં, પણ આજે મિતુલને આ ઊંઘ આશીર્વાદરૂપ લાગી. બેડ પર બેઠા બેઠા જ મિતુલે રમતનાં પાસા ગોઠવવા માંડ્યા, અને નવો પ્લાન વિચારતો રહ્યો. ના, અનિકેત સાથે રમેલી રમત પ્રણાલી સાથે નથી દોહરાવવી. પણ અનિકેતને પ્રણાલીથી દુર તો કરવો જ છે, એમ વિચારી એણે મુંબઈ ફોન લગાડ્યો. ફોનની રીંગ વાગતા જ શાંતિ ઈચ્છતા ડો. અનિલને થયું કે ‘કોણ બાકી રહ્યું છે હવે’ અને ક-મને ફોન ઉપાડ્યો.

“હેય અનીલ. કેમ છે ?”
મિતુલના ફોનથી ખુશ થવું કે ઉદાસ, એ અનિલ નક્કી ન કરી શકતા શુષ્ક રીતે જવાબ વાળ્યો,“
યા... મિતુલ, ફાઈન. બોલ”“
ટેન્શનમાં લાગે છે.” પુછીને મિતુલ આગળ બબડ્યો, “હા. દિકરીની જિંદગીનો સવાલ છે, ટેન્શન તો હોય જ. પણ અનિલ. તું ચિંતા ન કર, તું બધું મારા પર છોડી દે, અનિકેતનો કાંટો હું કાઢી નાખીશ.”
“વોટ?” અનિલે બેડ પર બેઠા થઈ જતા રીએક્શન આપ્યું, એનાં હૈયે ફાળ પડી કે મિતુલ આ શું વાત કરી રહ્યો છે. “
અરે ભાઈ, કાંટો કાઢી નાખીશ એટલે, હું એને આપણી પ્રણાલીની લાઈફમાંથી બહાર કરી દઈશ.”“
ઓહ, થેન્ક્સ મિતુલ. પણ પ્રણાલી નહીં માને તો ? એમ થાય છે કે સેફ સાઈડ તરીકે અનિકેતની ટ્રીટમેન્ટ શરુ કરાવી દઉં.”
અનિલનું મન ધારેલી દિશામાં જ લપસતું જોઈ અસ્વસ્થ થયેલા મિતુલે તરત જ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો,“
અનિલ, મારા ભાઇ ! થોડા દિવસ ખમી જા. અનિકેતની તો આપણે ટ્રીટમેન્ટ કરાવશું જ. પણ જો હમણાં શરુ કરાવશું તો અનિકેતનાં એઇડ્સ બાબતે બધાને ખબર પડી જશે. અને પછી જો જરૂર પડી, તો ત્યારે અનિકેત પ્રણાલીના સબંધને આગળ કરી, કોઈ પ્રણાલીનો હાથ નહીં પકડે તો ?"
મિતુલનો આ ઘા ધારેલા નિશાને વાગ્યો. અનિલ ધ્રુજી ઉઠ્યો, અને મિતુલની હામાં હા મેળવતા કહ્યું,“
ઠીક છે મિતુલ, તું જેમ કહે એમ. હાલ આપણે આ વાત બહાર નથી પાડવી.” સરળ અને સાલસ સ્વભાવના નાનાભાઈએ મોટાભાઈનાં આ સાથ-સધિયારાથી થોડી હળવાશ અનુભવી, "આજનું છાપું વાચ્યું ? પેલા ડો. સોમેશ્વરે આત્મહત્યા કરી લીધી." "
હા મને ય ખબર પડી અનીલ. અનામત ધારાનો લાભ મેળવવા ઇચ્છતા સવર્ણોને નકલી બર્થ સર્ટીફીકેટ બનાવી આપવાનાં આ મસમોટા કૌભાંડમાં મોટા મોટા રાજકીય સાપ છુટ્ટા ફરે છે, એટલે એ સોમેશ્વર જેવા કેટલાય સાપોલિયાનો અત્યાર સુધી ભોગ લેવાયો છે, તે આ એક તેમાં વધારો થયો. એની વે, હાલ રત્નાગિરી છું, મુંબઈ આવીને મળું. બાય !” મિતુલે વાત પૂરી કરતા કહ્યું.

અનિલને વિચારતો મૂકી મિતુલે બાજી ફટાફટ ગોઠવવા માંડી. આ વખતે તેની શયતાની ચાલ સામે ભત્રીજીનો પ્રેમ જીતી ગયો. તેણે પ્રણાલી સામે કોઈ પણ રમત રમવાનું માંડી વાળ્યું. ‘આ જીત ફક્ત ભત્રીજી પ્રણાલીની એકલીની જ છે. પ્રણાલીનાં મંગેતર અનિકેતે તો ભોગવવું જ રહ્યું’, એમ વિચારતા મિતુલની આંખો સામે અનિકેતનું ફોટોશૂટ આંખો સામે તરવરી ઉઠ્યું.
તેણે પોતાનાં મોબાઈલની ગેલેરી ખોલી, અને આ વખતે અમસ્તા જ તેણે પેલા બધા ફોટાઓ જરા ધ્યાનથી જોયા, તો તેનાથી પ્રભાવિત થયા વિના તે ન રહી શક્યો.
તેણે માર્ક કર્યું, કે દરેક ફોટામાંની વેગવેગળી પોઝીશનમાં, આટલા અંધારામાં ય અનિકેતનું મોઢું સાફ દેખાઈ આવે તેની કાળજી લેવામાં આવી હતી. અને સાથે સાથે, તેની સાથેનો બીજા યુવક કોણ છે, તે વાતનો એક પણ ફોટામાં બિલકુલ અણસાર નહોતો આવતો. મતલબ કે. તે બીજો યુવક ચોક્કસ પ્રોફેશનલ લેવલનો, ખુબ હોશિયાર હોવો જોઈએ. તે કોણ છે, તેની ઉત્સુકતા તરત જ મિતુલને થઇ આવી, અને તેણે સંજુને ફોન જોડ્યો.

"ગુડ મોર્નિંગ સર" સામેથી સુસ્તીથી છલોછલ સંજુનો અવાજ આવ્યો. ‘નેક્સ્ટ એસાઈનમેન્ટ’નો મિતુલનો વાયદો યાદ આવતા આશાભર્યા સ્વરે સંજુએ આગળ પૂછ્યું, "ફરમાઈયે. સુબહ સુબહ યાદ કિયા ગુલામ કો ?""
અરે, બસ ઐસે હી. ઉન સબ તસ્વીરો કો દેખ રહા થા, તો સોચા તુમ સે બાત કર લું." "
કયું સર ? બરાબર નહીં લગી ક્યા ?""
અરે ઐસા નહીં, બલ્કે કાફી મસ્ત ક્લિક હુઈ હૈ સબ. વો દુસરા છોકરા કૌન હૈ ? કાફી શાતીર લગતા હૈ. હર ફોટો મેં અપના બકરા તો સાફ દીખ રહા હૈ, મગર એક મેં ભી વો.. "
"ઓ, હાં જી સર. હૈ વો એક...અપના હી એક શાગિર્દ." સંજુએ પોરસાતા પોરસાતા કહ્યું."
કાફી હુશાર લગતા હૈ." મિતુલે રસ દેખાડતા કહ્યું."
હાં હૈ તો. લેકિન જરૂરત સે જ્યાદા. હેહેહે..! તભી તો મેરી સોબત છોડ કે કિસી એક અરબ કે સાથ દુબઈ ચલા ગયા થા. લેકિન ઉધર ઉસકી હુશારી ખજુર કે દામ ભી નહીં બિકી. બસ એક-દેઢ સાલમે હી ઉસ અરબને GPL દે દી, તો દૂમ પકડ કે આ ગયા ફિર અપને પાસ. અબ કહીં જાને કા નામ નહીં લેગા. હેહેહે. ઓર કુછ કામ કરવાના હૈ ઉસ સે ? તો હુક્મ કીજીયે." સંજુને નવા એસાઈનમેન્ટની આશા બતાવી."
અભી તો નહીં, આગે હોગા તો કહૂંગા." "
ઓકે સર, કભી આઇયે યહાં અપને બારમેં, તો મિલાતા હું ઉસ સે. વૈસે...મિલને જૈસા લડકા હૈ વો.""
ઠીક હૈ. આતા હું કભી”, કહીને મિતુલે ફોન મૂકી દીધો.

પેલા ગોવાવાળા ટોનીએ દાખવેલ આ સંજુને તે હજુ સુધી મળ્યો તો નહોતો, પણ એકવાર તો એને મળવું જોઈએ, તેવું મિતુલને લાગ્યું.

સંજુમાંથી ધ્યાન હટાવી મિતુલે ફરી ફોટાઓમાં ધ્યાન પરોવ્યું. તેમાંથી બીજા અમુક ફોટાઓ તેણે અનિકેતનાં ફરી પાછા વોટ્સઅપ પર મોકલવા માટે પસંદ કરી લીધા અને સિલેક્ટેડ ફોટોઝ અનિકેતનાં નંબર પર વોટ્સઅપથી રવાના કર્યા.
પણ આ શું ! સેન્ડ કરેલા ફોટો સેન્ડ ન થયા. હથિયાર હેઠા પડ્યા, એટલે તેણે ફરી વાર પ્રયત્ન કર્યો, પણ અનિકેતે પોતાનો નંબર બ્લોક કરેલો હોઈ, આ પ્રયત્ન પણ નિષ્ફળ ગયો. મિતુલને તરત જ અંદાજો આવી ગયો, કે અનિકેતે તેને બ્લોક કર્યો છે, પણ તે હિમત ન હાર્યો.
તેણે ફોન સ્વીચ-ઓફ કર્યો. પછી પોતાનું એક જુનું સીમ-કાર્ડ શોધી કાઢી, તેને પોતાનાં ફોનમાં નાખ્યું, અને ફોન ચાલુ કર્યો. તેની આંગળીઓએ ફરી થોડી કસરત કરી, અને અનિકેતનાં હોટ-ફોટોશૂટ આલ્બમનાં બીજા થોડા ફોટા અનિકેતનાં નંબર પર રવાના થયા. અનિકેતનાં વ્હોટસઅપ પર ફોટા પહોંચ્યાની પહોંચ રૂપે ડબલ-ટીકનું નિશાન આવ્યું, અને મિતુલને આખી બાજી પોતાનાં કંટ્રોલમાં લાગી.

ફરી પોતાનો ફોન સ્વીચ-ઓફ કરી તેણે જુના સીમ-કાર્ડની જગ્યાએ પોતાનું રેગ્યુલર સીમ-કાર્ડ બદલાવી, ફોન રીસ્ટાર્ટ કરી દીધો, અને શાંતિથી ફરી પલંગ પર લંબાવ્યું.

**==**==**==**==**

પણ આ બધાંના થોડા કલાક પહેલા, શહેરને બીજે ખૂણે, અનીકેતના ઘરમાં...વહેલી સવારનાં ખુશનુમા વાતાવરણમાંય આ યુવાનની માનસિક સ્થિતિ ડામાડોળ હતી.

બે-ત્રણ દિવસનો કારમો વિયોગ આપીને તેનો આ યાર અશ્ફાક, બધાં જ અપમાન, બધાં જ મનદુઃખ ભૂલીને અનિકેતના ઘરે પાછો ફર્યો, ત્યારે બ્લેકમેઇલીંગની ફિકર અને અશ્ફાકની જુદાઈથી જાણે કે અનિકેત તો સાવ અધમુઓ જ થઇ ગયો હતો. આવે વખતે જ્યારે તેણે અશ્ફાકને દરવાજામાં આવતો જોયો, તો જોતાવેંત મનમાં એક જ લાગણી ઉભરાઈ આવી હતી.

"तुम को देखा तो ये ख़याल आया
ज़िन्दगी धुप, तुम घना साया.."

તે પછી તરતનું જ અશ્ફાક સાથેનું શરીર-સુખ અને તેનો માનસિક ટેકો બંને એક સાથે પામીને તૃપ્ત થયેલું અનિકેતનું મન, તો ય તેને ઊંઘવા નહોતું દેતું. તેની આંખો બંધ હતી, પણ મગજ કેટકેટલી દિશાઓમાં દોડી રહ્યું હતું.
તેની બંધ આંખોમાં પ્રણાલી અને અશ્ફાકની છબીઓ ભેગી થઇ જતા, તે ઝબકી ગયો. બાજુમાં જ અશ્ફાકને સુતો જોઈ અનિકેતની આંગળીઓ જાતે જ અશ્ફાકની પીઠ અને માથામાં ફરવા માંડી. આ ચહેરો રહસ્યમય તો ત્યારેય હતો, અને આજેય છે. તો શું હશે ઈતિહાસ અશ્ફાકનો ? “
આ એ જ અશ્ફાક છે,” અનિકેત વિચારવા લાગ્યો, “કે જેણે પોતાની જિંદગીની ઉદાસી ભૂલી જઈને મને ખુશ રાખવામાં બે વર્ષ ખર્ચી નાંખ્યા છે. અને મેં તો એને ક્યારેય એની ઉદાસી વિષે પૂછ્યું નહિ. કેવો છું હું? કરું પણ શું? જિંદગીની એકલતાએ મને એટલા ડામ દીધા હતા, કે અશ્ફાકનો સંગાથ ત્યારે મને તારણહાર લાગ્યો અને પકડી લીધો મેં અશ્ફાકને. ને પછી તેની સાથે ખાધું, પીધું, રખડ્યો...શરીર શેક્યું, પણ ખબર નહીં કેમ, એનાં મગજની સળો હું ખોલી શક્યો નહીં. પણ હા, કદાચ અશ્ફાક જ નહોતો ઇચ્છતો પોતાનાં ભૂતકાળ ઉખેડવાને. નહીં તો બે વર્ષ પહેલાં, હું અશ્ફાકને પેલાં બીયર-બારમાં જયારે પહેલી વાર મળ્યો હતો, ત્યારે આ બિચારાની હાલત કેવી હતી? પોતાનાં માલીકથી તરછોડાયેલા અને ઘર ભૂલી ગયેલ એક ગલુડિયા જેવી..! આગલા પ્રેમી સાથેનાં તાજા તાજા બ્રેકઅપ બાદ મરવાને વાંકે જીવતો આ ગભરુ યુવાન, મારી થોડી એવી આળપંપાળથી એટલો ગદગદ થઇ ગયો હતો, કે એક રાત માટે અહીં આવ્યો હતો તે સદાય માટે અહીં જ રહી પડ્યો. હા, ઊંચા-પુરા મજબૂત શરીરમાં આ યુવાનનું હૈયું તો ડરેલું, થાકેલું, ઉદાસ અને લાચાર જ હતું. થાકી ગયો હતો એકલતાથી તે કદાચ. કે પછી ડરતો હતો એ, પેલાં જાલિમ એકલપણાથી, કે જેનાથી ત્રાસીને તે આત્મહત્યા કરવાની ય એક નાકામ કોશિષ પણ કરી બેઠેલો. તેણે તો જો કે ક્યારેય આવી કોશિષની વાત મને કરી જ નથી, પણ ઊંઘમાનાં તેનાં બબડાટ થકી જ હું જાણવા પામ્યો છું, કે જો તે કોશિષ કામયાબ રહી હોત, તો આ અશ્ફાક, મારી જિંદગીમાં ક્યારેય આવ્યો ન હોત. અને આવ્યા બાદ પણ, ચાર દિવસ પહેલાના મારા તેની સાથેના પેલા નિષ્ઠુર વલણથી ફરી એકવાર આ અશ્ફાક, મારા માટે ભૂતકાળ બની ગયો હોત. અશ્ફાક દોસ્ત, સારું થયું તું મોટું મન રાખીને પાછો આવી ગયો. થેન્ક્સ યાર. યુ આર સો સ્વીટ એન્ડ કેરીંગ.”
અનિકેતની આંખો ભીની થઇ ગઈ. હમેશા કોરી રહેલી તેની આંખો આજે ભીંજાઈ, તો તેની જિંદગીને હરીભરી બનાવનાર બે પાત્રો, તેની બન્ને આંખોમાં તરવરી ઉઠ્યા. અશ્ફાક અને પ્રણાલી.

“પ્રણાલીનો પ્રેમ પણ મારા માટે કંઈ કમ તો નથી જ. અને હું’ય પ્રતિબદ્ધ જ છું ને, પ્રણાલીના સબંધ માટે. અને એટલે જ તો પ્રણાલી સાથે એક જ દિવસમાં બે વાર ઉત્કૃષ્ટ પ્રેમ-આચમન કરી શક્યો છું."
પ્રણાલી સાથેની એ હસીન પળો યાદ આવતા જ અનિકેત મલકાઈ ઉઠ્યો. પણ..પણ એ પળોનાં નશા હેઠળ જ તો પોતે અશ્ફાકને આ થોડા દિવસ માટે ખોઈ બેઠો હતો. અને તેની ગેરહાજરીની આ જ બધી નબળી ક્ષણોનો કોઈ એવો ગેરફાયદો ઉઠાવી ગયું, કે જે એને ગઈ કાલે જ સવારે ફોટો અને ધમકી સ્વરૂપે મળી ચુક્યું હતું, પ્રણાલીથી દુર રહેવાની તે ધમકી યાદ આવતા જ અનિકેત ઢીલો થઇ ગયો.


પ્રણાલીને પોતે ખોવા નહોતો માંગતો. પ્રણાલી અને તેનાં મોમ-ડેડને મળી જ તો તે, એક નોર્મલ જીવન જીવવા માટે પ્રેરાયો હતો. અને એટલે જ ગે-રીલેશનમાં હોવા છતાં, એટલી જ ઉત્સુકતાથી પોતે પ્રણાલી તરફ દોડી ગયો હતો. જીવનની એકલતા ભલે તેને ગે-રીલેશન તરફ લઇ ગઈ હોય, પણ એ યુવતીને પણ પોતે એટલી જ પ્રેમાળ રીતે સંભાળી શક્શે, તેમ જ પોતાનો સંસાર પણ વસાવી શકશે, તેવી મહેચ્છાથી પ્રેરાઈને પોતે પ્રણાલીને પ્રપોઝ કરી બેઠો હતો. પણ, તેનાં માટે પોતાનું આખું જીવન સોંપી દેનાર અશ્ફાકને જાણ કર્યા વગર જ પ્રણાલી સાથે રીલેશનશીપમાં રહેવું, હવે અનિકેતને રહી રહી કઠી રહ્યું હતું.

અશ્ફાક, કે જે તેનો હતો, એ પ્રણાલીનાં કારણે દુર થવા તરફ જ હતો. અને પ્રણાલી, કે જે તેની થવા તરફ હતી, ત્યાં ખબર નહીં કોણ એને દુર રહેવા ધમકી આપી રહ્યું હતું. તો શું કરવું ?

“હા, પેલાની નાગચૂડમાંથી છૂટવાનો એક જ રસ્તો છે,” અશ્ફાકના સુંવાળા વાળમાં આંગળીઓ ફેરવતા ફેરવતા અનિકેતે વિચાર્યું, “યસ, પ્રણાલીને હવે હું જાતે જ જણાવી દઉં, કે હું ગે છું. અને આ અશ્ફાક મારો ફક્ત ફ્રેન્ડ જ નથી બલ્કે મારો પ્રેમી પણ છે. અને બસ..પછી બધી વાત ભગવાનની અને પ્રણાલીની મરજી પર છોડી દઈશ.”

આવો દ્રઢ નિર્ણય લઈ લીધા બાદ અનિકેતનું વિહવળ મન હવે થોડું શાંત થયું. બ્લેક્મેલરની આજ્ઞા અનુસાર પ્રણાલીથી દુર રહેવા તરફનું મન તેણે બનાવી લીધું. બાજુમાં જ સુતેલો અશ્ફાક જ હવે તેનો સઘળો આધાર છે, એમ વિચારીને અનિકેતે એને પીઠ પર ચૂમી લીધો.

અનિકેતનાં ચુંબન અને ગરમ આંસુનાં સ્પર્શે અશ્ફાકે પડખું ફેરવ્યું, અને અનિકેતની આંખોમાં આંસુ જોઈ ચિંતામાં બેડ પર બેઠો થઇ ગયો.“
અનિકેત? ક્યા હુઆ ?

“....”

“પ્લીઝ ટેલ મી યાર, આમ..આમ તારી આંખો કેમ ભીંજાઈ ગઈ ?"“
અરે કુછ નહીં. તારી યાદ આવી ગઈ હતી.” અનિકેતે વાત ટૂંકાવી દીધી. સાંભળી અશ્ફાક મુસ્કુરાઈ ઉઠ્યો અને અનિકેતે તેને ચૂમી લીધો.
બે’ય મિત્રો પાછા એકબીજાની આગોશમાં પોઢી ગયા. પણ અનિકેતની આંખોમાં આંસુ જોયા બાદ અશ્ફાક અસ્વસ્થ થઇ ગયો. તે ઊંઘી જ ન શક્યો.

“HIVગ્રસ્ત એવા મારા આ જીગરીનું ભવિષ્યમાં શું હશે? મારી જીંદગીમાં ભલે નહીં, પણ આ દુનિયાના કોઈક ખૂણામાં તે પોતાના સંસારમાં તો ખુશ છે, તેવી ધરપતની આવરદા કેટલી હશે?”

આત્મહત્યા વહોરી લેવા જેવી તેની નિરાશાજનક જીંદગીમાં નવચેતના પૂરનાર તેનાં આ જીગરજાનની જીંદગીમાં નવપ્રાણ પુરવા પોતે કેટલો અક્ષમ છે, તે વાતથી અશ્ફાક વિહ્વળ થઇ ગયો, અને અનિકેતનાં ઊંઘી ગયા બાદ થોડીવાર પછી હળવેકથી ઉભો થઇ તેણે દુર પડેલા સોફા પર લંબાવ્યું.
.
હજી માંડ થોડી આંખ મળી જ હશે કે અનિકેતનાં મોબાઈલની નોટીફિકેશનની લાઈટ ઝબુક-ઝબુક થતા તેણે જોઈ. ફોન ઉઠાવી નોટીફિકેશન પર નજર ફેરવતા જ અશ્ફાક છળી ઉઠ્યો.

અનિકેતનાં કોઈક અજાણ્યા છોકરા સાથેનાં સહવાસનાં ફોટોગ્રાફ્સ જોઈને પળવારમાં તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઇ ગયો. આટલો નીચે ઉતરી ગયો આ તેનો દોસ્ત? ફક્ત બે-ચાર દિવસની તેની ગેરહાજરીમાં? આને થયું છે શું? એક તરફ હું, તો એક તરફ પ્રણાલી, અને હવે આ ત્રીજો? અને કોઈ ચોથું ય હશે?

ધારદાર પ્રશ્ન ભરેલી નજર તેણે અનિકેત તરફ ફેંકી. પણ તરત જ અનિકેતનો માસુમ પ્રેમાળ ચહેરો તેને ગજબની અપીલ કરી ગયો. ના, આ બે વર્ષમાં ક્યારેય આવું નથી કર્યું, તો આ બધું અચાનક? આ છોકરો આટલો બધો કેમ મુંઝાયેલો છે, કે સારા-નરસાનું તેને કંઈ ભાન જ નથી રહેતું. શું પ્રણાલી તેની પર કોઈ ફોર્સ કરતી હશે? શું હશે? પ્રણાલીની યાદ આવતા જ અશ્ફાકને ડો.અનીલ યાદ આવી ગયા અને ફરી યાદ આવી ગઈ તેમણે કહેલી HIVની વાત. એટલે તરત જ, પળવાર માટે સુષુપ્ત થઇ ગયેલો તેનો મૈત્રી-ભાવ પુનઃ બમણા જોશ સાથે ઉમટી આવ્યો અને સાથે ચિંતા ય થઇ આવી, જે તેનાં ગુસ્સાને સદંતર પીગળાવી ગઈ.

“એક તો એઈડ્ઝ જેવી ગંભીર બિમારી, અને પાછુ આ બ્લેકમેઈલીંગ? શું કિસ્મત છે તારી દોસ્ત, અજીબ ફસાયો છે તું..” અશ્ફાક સ્વગત બબડી ઉઠ્યો.

અનિકેતની સ્થિતિ વિષે જેમ-જેમ વિચારતો ગયો તેમ તેમ અશ્ફાક ગભરાવા માંડ્યો, ક્યાંક અનિકેત પણ હતાશાનો માર્યો મારી જેમ આત્મહત્યા કરવાનું તો નહીં વિચારી લે ને..!. “
નહિ દોસ્ત...
આજ મેં હું, તો વજહ તુમ હો.
અબ તુમ્હારી હર મુશ્કિલ હમારી”

નક્કી કરતાં કરતાં અશ્ફાકની આંખો પાછી ભીંજાઈ ગઈ. અનિકેતનાં રોગ માટે તો પોતે કંઈ કરી શકે તેમ નથી. પણ આ બ્લેકમેઇલીંગની સ્થિતિમાં તો પોતેએ જરૂર કંઇક કરવું જ જોઈએ. પોતાથી જે થાય તે કરી છૂટવું જોઈએ.

હવે ફોટા પરથી નજર હટાવી તેણે બ્લેકમેઇલરનાં ફોન નમ્બર પર ધ્યાન કેન્દ્રિત કર્યું, તો નમ્બર કંઇક જાણીતો લાગ્યો.

મગજને બહુ કષ્ટ આપ્યા વગર તેણે પોતાનાં ફોનની ફોન-બૂક ચેક કરી, તો સ્ક્રીન પર નંબર સામે ફ્લેશ થતા નામને જોઈ આ પરિસ્થિતિમાં પણ હસતા હસતા તે બોલી ઉઠ્યો,“
અચ્છા ? તો આપ હે જનાબ !” [ક્રમશ:]

.

-આર. જે. ગુજરાતી