Adhi Aksharno Vhem - 1 in Gujarati Short Stories by Shabdavkash books and stories PDF | અઢી અક્ષરનો વ્હેમ ભાગ -૧

Featured Books
Categories
Share

અઢી અક્ષરનો વ્હેમ ભાગ -૧

અઢી અક્ષરનો વ્હેમ

સુત્રધાર: અશ્વિન મજીઠિયા
પ્રકરણના લેખક: હેમલ વૈષ્ણવ

*પ્રસ્તાવના*

શબ્દાવકાશ.. આ એક એવું ગૃપ..એક એવું જૂથ છે.. કે જેનાં સભ્યો બધા જ તરવરીયા..અને સદા ઉત્સાહસભર જ હોય છે અને એટલે જ કંઇક ને કંઇક કરવાની તાલાવેલી કોઈને ને કોઈને થતી જ રહેતી હોય છે.

આવી જ રીતે અમુક મહિના પહેલા આ ગૃપના ૧૬ સભ્યોને સાથે મળીને એક વાર્તા લખવાનો વિચાર આવ્યો. આવા વિચાર તો બહુ બધાને આવતા હોય છે, પણ આ સભ્યોએ તો નિર્ણય કર્યો કોઈક બોલ્ડ ટોપિક પર વાર્તા લખવાનો. તેમના મતાનુસાર ભ્રુણ હત્યા, દહેજ, નાલાયક દીકરો, વૃદ્ધ માબાપની વેદના, વહુની વગોવણી, દીકરીની વાહવાહ.. જેવા વિષયો પર તો એટલું બધું લખાઈ ચુક્યું છે, કે આ બધા વિષયો સાવ જ ચવાઈ ચવાઈને ચીલાચાલુ થઇ ગયા છે. અને માટે જ કોઈ એવો વિષય લેવો જોઈએ કે જેની પર બહુ ઓછું લખાયું હોય.

એટલે બધા સભ્યોને કોઈક એવી વેગળી થીમ લઇ આવવાનું કહેવામાં આવ્યું, કે જેમાંથી કોઈ પણ એક થીમ બહુમતીથી પસંદ કરી, તે થીમને વિસ્તારીને તેની પર એક લાંબી વાર્તા લખી શકાય. [થીમ એટલે..સમજો ને એક વાર્તાની એક સાવ જ આછી પાતળી રૂપરેખા..બસ ચાર-પાંચ લાઈનોમાં]

અને બે ચાર દિવસોમાં જ બધા સભ્યો પાસેથી ઘણી રસપ્રદ થીમ્સ આવી. એજ-ડીફરન્સ એટલે કે વય-તફાવત [પ્રૌઢ પુરુષ અને એક કન્યા, કે આધેડ સ્ત્રી અને યુવાન પુરુષનું પ્રેમ-પ્રકરણ), ડેવીશન ઇન સેકસુઅલ-ટેસ્ટ [હોમોસેકસ્યુઆલીટી, લેસ્બિયનીઝમ] અને આવા આવા ઓફ-બીટ વિષયો પર આધારિત કેટલીક થીમ્સ ગૃપ સમક્ષ આવી ગઈ. આ બધી થીમ્સ જેવી આ ગૃપમાં પ્રસ્તુત થઇ, કે તરત જ બધાને એવું લાગ્યું કે આ લેખન-સફર ખુબ જ રસપ્રદ જ રહેવાની.

અંતે જયારે બધાના મત લેવાયા, તો મહત્તમ મત મળ્યા હોય તેવી આ એક થીમ પસંદ થઇ. અને બસ.. તે ક્ષણથી જ જાણે કે થોકબંધ હોમવર્ક મળી ગયું..આ વિષયમાં સંશોધન કરવાનું હોમવર્ક.

પણ ત્યારે જ પાછો ગૃપમાં એક બીજો ય વિચાર રજુ થયો, કે જે આનાથી ય વધુ રસપ્રદ હતો. અને તે એ, કે આ ૧૬ સભ્યો ૮-૮ સભ્યોની બે ટીમમાં વિભાજીત થઇ જાય. અને પછી આ જ પ્લોટ પર બંને ટીમ પોતપોતાની રીતે વાર્તાને આગળ વધારે, કારણ જે પ્લોટ પસંદ કરવામાં આવ્યો હતો તેને એક પાઈલોટ-પ્લોટ જ કહી શકાય તેમ હતો, કે જેમાં ફક્ત એટલી જ સામગ્રી હતી કે જેનાથી ફક્ત પ્રથમ પ્રકરણ જ લખી શકાય. અને પછી વાર્તાને આગળ કેમ વધારવી તે એક પડકાર જ હતો બંને ટીમ માટે. અને માટે જ બધા સોળેસોળ સભ્યોને આ વિચાર ગમી ગયો. એટલે, તે નવા વિચાર અનુસાર અનુસાર બે ટીમ બની ગઈ, Aટીમ અને Bટીમ.

Aટીમની નેતાગીરી સોંપવામાં આવી અશ્વિન મજીઠિયાને, અને Bટીમના લીડર બનાવવામાં આવ્યા હેમલ વૈષ્ણવને, કે જેમણે પોતે જ આ પાઈલોટ પ્લોટ ગૃપમાં રજુ કર્યો હતો. તેમનો પ્લોટ બહુમતીથી પસંદ કરવામાં આવ્યો હતો, એટલે પ્રથમ પ્રકરણ પણ તેમને ભાગે જ લખવાનું આવ્યું.

બે ટીમના બે સિક્રેટ ગૃપ ફેસબુક પર બની ગયા, અને પછી ત્યાં જ બધી ચર્ચાઓ થવા લાગી. એક ટીમના સભ્યોનો બીજી ટીમના ફેસબુક-ગૃપમાં પ્રવેશ વર્જ્ય હતો, એટલે આ લેખન-સફર દરમ્યાન એક ટીમ શું અને કેવું લખે છે, તે બીજી ટીમથી સાવ ખાનગી જ રહેતું. તેમ જ સાથે સાથે ફેસબુક પર ત્રીજુ એક ગૃપ એવું બનાવવામાં આવ્યું, કે જે આ સોળેસોળ સભ્યોનું સહિયારું ગૃપ હતું.

એટલે આ સહિયારા ગૃપમાં કાલાંતરે જયારે જયારે બંને ટીમ પોતપોતાની વાર્તાઓના પ્રકરણ અપલોડ કરતી, ત્યારે ત્યારે બંને ટીમના સભ્યો આશ્ચર્યના આંચકા ખાવા લાગ્યા, કે પોતાની ટીમ જે રીતે વાર્તાને આગળ લઇ ગઈ હતી, તેની કરતા સાવ વેગળા જ પ્રકારે સામેવાળી ટીમે તેને આગળ વધારી હતી.

બંને વાર્તાઓની શરૂઆત ભલે સાવ સરખી હતી, હીરો-હિરોઈન અને અમુક પાત્રો પણ ભલે એકસમાન હતા, છતાં ય આગળ જતા બંને વાર્તાના વાર્તા-તત્વ અને માવજતમાં જમીન-અસમાનનો ફરક હતો.

'વાર્તા એક, વહેણ બે' નામના આ પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂરો કર્યા બાદ, 'એ' અને 'બી' ટીમના બંને સુત્રધારોએ આ બેઉ વાર્તાઓ ફક્ત ૧૬ સભ્યો પુરતી સીમિત ન રાખતા, તેને 'માતૃભરતી'ના વિશાલ વાંચક-ગણ સમક્ષ રજુ કરવાનું નક્કી કર્યું, કે જેથી વાંચકો પણ તે જ રોમાંચનો આસ્વાદ માણી શકે, કે જે એક સમયે અમે ૧૬ સભ્યોએ માણ્યો હતો.

પહેલા બંને વાર્તાઓના એક -એક પ્રકરણ દર અઠવાડિયે રજુ કરવાનો વિચાર આવ્યો, પણ એક સરખા પાત્રોની બે વાર્તા એક સાથે વાંચતા-વાંચતા, વાંચકોના મનમાં કદાચ બંને વાર્તાઓના પ્લોટની ભેળસેળ થઇ જાય, અને શક્યત: તેઓ મૂંઝાઈ પણ જાય. પરિણામસ્વરૂપે કાળ-ક્રમે તેમની રસ-ક્ષતિ થવાની શક્યતાઓને પણ ધ્યાનમાં રાખવી પડી.

એટલે દર અઠવાડિયે બંને વાર્તાના એક-એક પ્રકરણ રજુ કરવાની બદલે, દર અઠવાડિયે એક જ વાર્તાના બે-બે પ્રકરણ રજુ કરવાનું નક્કી થયું. તે અનુસાર આ એક વાર્તા 'અઢી અક્ષરનો વહેમ' પૂરી થયા બાદ, એ જ વાર્તાની શરૂઆત વાંચકોએ ફરીથી વાંચવાની રહેશે, પણ પછી આ વાર્તાને 'તિમિર મધ્યે તેજ કરણ'ના નામે એક નવી જ દિશામાં વહેતી જોવાનો લ્હાવો પણ વાંચકોને મળતો રહેશે.

તો અત્રે પ્રસ્તુત છે, અશ્વિન મજીઠિયાના નેતૃત્વ હેઠળની Aટીમની વાર્તા 'અઢી અક્ષરનો વહેમ'નું આ પહેલું પ્રકરણ, જેના લેખક છે શ્રી હેમલ વૈષ્ણવ, કે જેઓ Bટીમના નેતા પણ છે.

આ વાર્તા પૂરી થયા બાદ તેમની Bટીમની વાર્તા 'તિમિર મધ્યે તેજ કિરણ' પણ વાંચવાનું ન ચૂકશો, નહીં તો એક અનેરા અદ્ભુત અનુભવથી વંચિત રહી જશો.
આભાર,

[શબ્દાવકાશ ગૃપ વતી],
અશ્વિન મજીઠિયા
હેમલ વૈષ્ણવ

.

[પ્રકરણ-૧]

"હાય મા..."
લેપટોપ ખોલતાંની સાથે જ સ્ક્રીન પર ઝબૂકી ઉઠેલા કાળા વીંછીને જોઇને પ્રણાલીના ગળામાંથી આછી ચીસ નીકળી ગઈ. "
અનિ ...યુ ..રાસ્કલ ,આઈ વિલ કીલ યુ વીથ માય બેર હેન્ડસ ." બોલતાં જ પ્રણાલી કોલેજની લોબીમાં દોડી. કોલેજની લોબી પાછળ ચા ની ચૂસકી લઇ રહેલા અશ્ફાકે ધસમસતા દોડી રહેલી પ્રણાલીને પહેલા જોઈ. બીજી તરફ ઉભેલા પોતાના જીગરી દોસ્ત અનિકેતને ચેતવણી આપતા કહ્યું, "બીડુ , રન ફોર યોર લાઈફ , ઓર એલ્સ યુ આર અ ડેડ મેન ."
અશ્ફાકના વાક્યોની અનિકેત પર કોઈ અસર જ ના થઇ હોય એમ એણે ખાલી થયેલો ચાનો કપ શાંતિથી ટેબલ ઉપર મૂક્યો. ત્યાં સુધીમાં તો પ્રણાલી પોતાની બે નાજુક મુઠ્ઠીઓ બળપૂર્વક વાળીને અનિકેત ઉપર ધસી પડી. એની પહેલાં કે એ પોતાની નાજુક મુઠ્ઠીઓનો વરસાદ અનિકેતના ચૌડા સીના પર વરસાવે, અનિકેતે એના મજબૂત પહોળા પંજામાં હાંફી રહેલી પ્રણાલીની બન્ને કલાઈઓ પકડી લીધી. અનિકેત પોતાની શરારતી બદામી આંખો, પ્રણાલીની મારકણી આંખોમાં પરોવતાં બોલ્યો, “કલાઈયો પર જબસે, ઘડીકી જગહ તેરે હાથ ક્યા પહન લિયે મૈને, રૂક ગઈ હૈ નબ્ઝ ઔર વક્ત ઉડતા રહેતા હૈ"
અનિકેતના બીજા હાથમાં શિવ કુમાર શર્માના "સંતૂર વાદન" ના પ્રોગ્રામની ટીકીટ હતી. પ્રણાલીનો રહ્યોસહ્યો ગુસ્સો પણ ઉતરી ગયો. અનિકેતના હાથમાંથી ટીકીટો ખૂંચવી લેતા, પ્રણાલી વહાલથી એને વળગી પડી. દોડવાને કારણે હજી પણ પ્રણાલીના હૃદયના ધબકારા વધેલા હતા, જેને અનિકેત પોતાના સીનામાં મહેસૂસ કરી રહ્યો હતો. સુખની બીજી શું ડેફીનેશન હોઈ શકે ? એણે મનોમન જ વિચાર્યું. દૂર બેઠેલા અશ્ફાકે કોમેન્ટ કરી, "ગુરુ ! લડકિયાં પટાના તો કોઈ તુજસે સીખે" પછી અનિકેત પાસે જતાં એ બોલ્યો, "મૈ તો સમજા થા તુને હમ દોનો કે લીયે યે ટીક્ટે મંગવાઇ થી, યે બીચ મેં કહાં સે આ ગઈ ?"
અનિકેતે પણ નાટકિય સાદે, અશ્ફાકની ક્લીન શેવ્ડ દાઢી પર હાથ ફેરવતાં કહ્યું, "ઓયે, મેરી જાન તુજે ના, ફિર કભી લે જાઉંગા, યે એક મદહોશી કી રાત તો ઇસ નાઝનીન કે સાથ ગુજારને દે ઝાલીમ, તેરી બહોત મહેરબાની હોગી"
કોલેજના ગેટ પાસે બી.એમ ડબલ્યુનું હોર્ન સંભળાતા જ પ્રણાલી અનિકેતથી થોડી દૂર ખસી ગઈ, "અનિ ,લેટ મી ગેટ માય લેપટોપ ફ્રોમ ઇન સાઈડ , ડેડ ઇસ હિયર " .

દોડવા જતી પ્રણાલીનો હાથ પકડતા અનિકેતે પાછી મજાક કરી, "તારા ડેડીનું ભણવાનું હજી પૂરું નથી થયું ? સ્ટીલ હી ઇસ એટેન્ડીંગ ધ કોલેજ ?' ...અનિકેત હજી આગળ કાંઈ બોલે એ પહેલા એના ખભા ઉપર એક વજનદાર પંજો પડ્યો. "વુડ યુ લીવ માય ડાર્લિંગ એલોન ,યંગ મેન ?" ડોક્ટર અનિલ સરૈયાનો ઘેરો અવાજ અનિકેતના કાનમાં ગુંજી ઉઠ્યો. "
ઓહ હાય ડોક્ટર અંકલ, હું "પ્રની" ને એજ કહેતો હતો, કે એનું એકટીવા બગડી ગયું છે એમાં તમને શું કરવા તકલીફ આપે છે? આઈ વુડ હેવ ડ્રોપડ હર ઓફ ..""
યાહ શ્યોર, પછી પાછા તમે ઘરે આવીને મીનાના હાથની દાળ ઢોકળી ખાધા વગર તો ઘરેથી જાવાના નહીં ને? એવી રાઈડ મોંઘી પડે ભઈલા" ડોક્ટર સરૈયાના હોઠના ખૂણે આછું સ્મિત આવી ગયું.
લેપટોપ લઈને આવી પહોંચેલી પ્રણાલીને જોતા જ અનિકેત પાછો શરુ થઇ ગયો, "હેય પ્રની, યોર મોમ હેસ મેઈડ દાળ ઢોકળી ફોર મી. વહાય ડોન્ટ યુ લર્ન ફ્રોમ હર, જો તું શીખી જાયને તારી મોમ પાસેથી દાળ ઢોકળી બનાવતાં, તો અંકલથી પણ મોટી બીએમડબલ્યુ તને લઇ આપીશ, અને આ ડોક્ટર અંકલની જેમ તને જાતે ગાડી નહીં ચલાવવા દઉં. આ અશ્ફાકને આપણો ડ્રાઈવર બનાવી દઈશું."
અત્યાર સુધી દૂર બેઠેલો અશ્ફાક, આ ત્રિપુટી પાસે આવતાં બોલ્યો, "યે અનિ જબ પૈદા હુઆ તબ ભી રોનેકી બજાય મુસ્કુરાયા થા શાયદ" "
ડોક્ટર અંકલ આપ ડોક્ટરો કી જબાનમેં ક્યા કહતે હૈ ઐસે મરીઝ કો ?", અશ્ફાકે પૂછ્યું."
મેનીયાક" ડોક્ટર અનિલ સરૈયા એ પ્રણાલી સાથે કાર તરફ ડગલાં ભરતાં કહ્યું.
લગભગ એમની પાછળ દોડતા દોડતા જ અનિકેતે પહોંચી જઈને કહ્યું .."ઓહ અંકલ ,વન મોર થિંગ , આ બે ટીકીટ્સ શર્માજી ના પ્રોગ્રામની છે , યુ નો, હાવ પ્રની લાઈક્સ સંતૂર . ઇફ યુ ડોન્ટ માઈન્ડ અંકલ , આજે રાત્રે ...""
ઓહ શ્યોર , આજે હું પણ ક્લિનિક પરથી વહેલો ફ્રી થઇ જઈશ .આઈ વિલ હેવ ગૂડ ટાઈમ વિથ માય ડોટર એટ ધી કોન્સર્ટ .." અનિલ ભાઈએ અનિકેતના હાથમાંથી ટીકીટ ખૂંચવી લેતાં કહ્યું ."
બટ અંકલ હું ..." અનિકેતને વચ્ચેથી જ કાપી નાખતાં ડોક્ટર સરૈયા બોલ્યા .."તું ઘરે આવજે ને ?..તારી મીના આન્ટીને દાળ ઢોકળી બનાવવામાં હેલ્પ કરજે . વિ વિલ હેવ ડીનર ટુ ગેધર ,વન્સ વી કમ બેક "...હસતા હસતા સરૈયાએ ગાડીના કાચ ચડાવીને કાર ગેટની બહાર મારી મૂકી.
ખડખડાટ હસતા અશ્ફાક ઉપર તાકીને, અનિકેતે એક નાનો કાંકરો ફેંક્યો, વાંકા વાળીને ઘા ચૂકવી દેતાં અશ્ફાક બોલ્યો, "વોહ ડોક્ટર અંકલ ભી તુજે બહોત બૂરી જગહ ઈન્જેકશન દે કર ભાગ ગયા" અને બંને મિત્રો એકબીજાને વળગીને ફરી હસી પડ્યા.**==**==**==**==**
"
આઈ ડોન્ટ લાઈક ધેટ ચેપ , ઇન ફેક્ટ ,આઈ હેઇટ હિમ " ...સરૈયાએ આગળના રસ્તા પરથી નજર ખસેડ્યા વગર કહ્યું ."
નાઉ ,કમ ઓન ડેડ , યુ નો ધેટ યુ લાઈક હિમ " .. પ્રણાલીએ એના છુટ્ટા વાળને ગરદનને એક ઝટકો આપીને પાછળ કરતાં કહ્યું."
વેલ, આ છોકરો ! મારી એકની એક દીકરીને મારાથી દૂર કરવાનો ટ્રાય કરે છે અને આઈ એમ સપોઝ ટુ લાઈક હિમ. તને પરણીને લઇ જાશે, પછી હું શું કરીશ ?" ડો.સરૈયાએ પોતાની વહાલી દીકરીને ચીડવવાનું ચાલુ રાખ્યું."
ડેડ ! યુ હેવ મોમ વિથ યુ,પછી ક્યાં પ્રોબ્લેમ છે ?" એમબીએનું ભણતી હોશિયાર પ્રણાલી પણ દલીલમાં હારે તેવી ના હતી."
અરે બેટા, તારી મોમ તો મોટી સોશિયલ વર્કર થઇ ગઈ છે, કોણ જાણે કેટલી એન.જી.ઓ માટે કામ કરે છે. ક્યારેક લેપ્રસીવાળા લોકો માટે, તો ક્યારે એઇડ્સ વાળા માટે. ક્યાં ટાઈમ છે એને મારા માટે ?" અનિલ ભાઈએ ગાડીને પોતાના લક્ઝુરીયસ અપાર્ટમેન્ટના કંપાઉંડમાં વાળતા કહ્યું."
ઓહ માય સ્વીટ ડેડુ, ડોન્ટ વરી હજી તો અમારું ફાઈનલ સેમિસ્ટર પૂરું નથી થયું. અનિના પેરેન્ટ્સને અમેરિકાથી આવવા તો દો. ઇવન હી હેસ નોટ પ્રપોઝડ ટુ મી યટ .." અચાનક પ્રણાલીના ગોરા ગાલ પર લાલાશ પ્રકટી આવી.
પેન્ટહાઉસ માટે લિફટનું બટન દબાવતાં ડો. સરૈયાના હાથ થંભી ગયા." ઓહ, તો પ્રપોઝ નથી કર્યું એમને ? ત્યારે તો આ છોકરાને તારી લાઈફમાંથી ફૂટાડી દેવાનો પૂરો ચાન્સ છે, આ લે કોન્સર્ટની બે ટીકીટસ, બ્રાઇબ હિમ વિથ ધિસ, અને કહેજે કે તારા માટે તારા ડેડીએ એક ડોક્ટર છોકરો શોધી રાખ્યો છે. "
ડેડીના હાથમાંથી ટીકીટસ ખૂંચવી લેતાં પ્રણાલી મીઠો છણકો કરતા બોલી. "ઓહ માય ગોડ ,વ્હાય એમ આઈ સરાઉન્ડેડ બાય ઓલ ધીસ પઝેસીવ મેન ઇન માય લાઈફ ફસ્ટ અનિલ ,નાઉ અનિ ..સમથિંગ ઇસ ફની એબાઉટ નેઈમ્સ બીગીનીંગ વિથ અનિ .."
પેન્ટહાઉસમાં દાખલ થતાં જ, સરૈયાએ પત્ની મીનાને બૂમ પાડીને કહ્યું, "સાંભળ, આજે તારો ચમચો, દાળ ઢોકળી ખાવા આવવાનો છે. સાલો જયારે આવે છે ત્યારે અમુલનો આખો ડબ્બો જ તને લગાડવા લઈને આવે છે, નો વન્ડર યોર કોલેસ્ટેરોલ ઇસ સો હાઈ .."
અનિકેતનું નામ સાંભળતા જ મીનાબેનના મોઢા પર ચમક આવી ગઈ. પતિ પર મીઠો ગુસ્સો કરતાં એ બોલ્યા, "તમને કેમ એનાથી બારમો ચંદ્રમાં છે ? બિચારાનાં માં-બાપ પરદેશમાં છે, બન્ને જણા ડાઈવોર્સ લઈને અલગ અલગ જીવે છે. આ છોકરાને માં બાપનું પણ પૂરું સુખ નથી. તો અહીયાં ક્યારેક ઘરનું ખાવા માટે આવે એમાં તમારો કયો ગરાસ લૂંટાઈ જાય છે.""
આ તમારી લાડલી નહીં, પણ આ છોકરો જ અવારનવાર મારી સંસ્થાના કામમાં મદદ કરે છે." મીનાબેન હજી પણ અનિકેતની વકીલાત કરી રહ્યાં હતાં."
આ લે આ તો એના પ્રેમમાં પડી ગઈ, પ્રની યુ હેવ ટફ કોમ્પીટીશન અહેડ" ડો.સરૈયાએ મજાક કરતાં કરતાં કારની ચાવી પ્રણાલી તરફ ફેંકતા કહ્યું" એ સાહેબજાદાને કહેજે, હી કેન ટેક માય કાર ટૂનાઈટ, એની ખખડપાંચમ યામાહા પર તારે એની પાછળ ચીપકીને નથી જવાનું અને ડોકટરે પ્રણાલી તરફ આંખ મીંચકારી."
બોલો, હવે કોણ એનો પક્ષ લે છે ? પ્રની બેટા ! આ જો તારા પપ્પા અનિકેતના પ્રેમમાં પડી ગયાને તો કોમ્પીટીશન ટફ પણ નહીં ઓકવર્ડ પણ થઇ જાશે. આપણો સમાજ આ નહીં સ્વીકારે. આ અમેરિકા નથી સમજીને બેટા" મીનાબેન સરૈયાની ખીંચાઈ કરવાનો મોકો છોડે એમ ના હતાં.
પ્રણાલી સંતોષથી આ મીઠો ઝગડો જોઈ રહી, અને મનોમન એ પણ અનિકેતની જેમ વિચારી રહી" સુખની બીજી શું ડેફીનેશન હોઈ શકે ?"**==**==**==**==**

સંતૂરવાદનનો પ્રોગ્રામ માણીને અનિકેત અને પ્રણાલી ઘરે પાછા આવ્યાં. ગરમાગરમ દાળ ઢોકળીની સોડમ ડાઈનીંગ હોલમાં ફેલાઈ ચૂકી હતી. દિલથી જમ્યા પછી અનિકેતે સાથે લાવેલી ડોન મેલકોર વાઈનની બોટલ ખોલી અને અનિકેત ક્રિસ્ટલના ગ્લાસમાં ચારે જણ માટે વાઈન ભરવા લાગ્યો. સૌથી પહેલો ગ્લાસ એણે પ્રણાલીને આપ્યો ત્યારે ડોક્ટર બોલ્યા વગર ના રહી શક્યા, કેમ કાંઈ ખાસ ઓકેશન છે ? તું પાછો અમેરિકા જાય છે, કાયમ માટે ? તો તો આખી રાત પીવાનું રાખીએ કેમ મીના ?""
અંકલજી, રાત બાકી, બાત બાકી અભી તો બહોત કુછ હૈ બાકી, હૈ ખૂબસે ખૂબતર કહાં, દેખો હમારી નજરે જા કર પહોંચતી હૈ કહાં " અનિકેતે એના જ તોફાની અંદાજમાં જવાબ આપ્યો. પછી થોડા ગંભીર થઇ જતા કહ્યું "અંકલ, ઇન્ડિયા છોડીને અમેરિકા ગયો, ત્યારે દસ વરસનો હતો. પાંચ વરસમાં તો મમ્મી પપ્પાના ડિવોર્સ થઇ ગયા. જયારે જુઓ ત્યારે લડાઈ, ના ફાવ્યું મને, સોળ વરસે તો પાછો અહીયાં આવી ગયો. મોમને ડેડ પૈસા મોકલે રાખે ચિક્કાર, પણ દાળ ઢોકળી થોડી મોકલે ? હસતા હસતા ડૂમા જેવું થઇ ગયું અનિકેતને.
વાતાવરણ અચાનક ગંભીર થઇ ગયું ,એનો ખ્યાલ આવી ગયો હોય એમ અનિકેતે પ્રણાલી તરફ જોઇને કહ્યું .."પ્રની ગ્લાસ પૂરો કરને યાર,એટલે રીફીલ કરી આપું " . પ્રણાલી એ છેલ્લા બે સીપ લેવા ગ્લાસને ઉપાડ્યો અને ગ્લાસને તળિયેથી કાંઇક મીઠો રણકાર આવ્યો . અને ..પ્રણાલી ફાટી આંખે ગ્લાસના તળિયે પડેલી ડાઈમંડ રિંગને જોતી જ રહી . ગરદન ઉંચી કરી તો અનિકેત એક ગોઠણ પર બેસીને એને પૂછી રહ્યો હતો ..."પ્રની , આઈ વોન્ટ ટૂ લિવ વેરી લોંગ એન્ડ હેપ્પી લાઈફ , ઓન્લી યુ કેન મેક ઇટ હેપન ..પ્લિઝ મેરી મી .."..તરત જ એના ગંભીર ચહેરા પર જૂની અને જાણીતી શરારતી મુશ્કાન આવી ગઈ ..."આઈ ડોન્ટ કેર ,ઇફ યુ કાન્ટ મેક દાળ ઢોકળી લાઈક યોર મોમ."
પ્રણાલીએ હળવેથી અનિકેતના વાંકડિયા વાળમાં પોતાની કોમળ આંગળીઓ ફેરવતાં ગળગળા અવાજે કહ્યું "એન્ડ આઈ ડોન્ટ કેર ,ઇફ યુ ડોન્ટ હેવ બીગર બીએમડબલ્યુ ધેન માય ડેડ ." એ મધરાતે ડો .સરૈયાના લીવીંગ રૂમમાં વાઈનના ચાર ખાલી ગ્લાસ અને
આનંદના આંસુઓથી છલોછલ ભરેલી આઠ આંખો હતી!!!**==**==**==**==**

પોતાના થનારા નવા કુટુંબના આગ્રહથી અનિકેત એ રાતે પ્રણાલીના ઘરે જ રોકાઈ રહ્યો. સવારે ઉઠવામાં થોડું મોડું થયું. જલ્દીથી હોસ્ટેલ તરફ ભાગવા માટે દોડાદોડી કરતા અનિકેતને જોઇને મીનાબેને માતાના અધિકારથી કહ્યું" જમ્યા વગર નહીં જતો.""
આન્ટી , સોરી 'મોમ' ..આ પ્રોજેક્ટનું કામ આજે પૂરું કરવું જ પડે એમ છે .આજે સેટરડે ના જેટલું થઇ જાય એટલું સારું , સો આઈ કેન હેલ્પ યુ લીટલ બીટ ઇન પ્રીપેરેશન ફોર યોર સેમીનાર ઓન સન ડે."
બેગ પેકને ખભે ભરાવી, યામાહાની ચાવીને રમાડતા રમાડતા એણે ડાઈનીંગ ટેબલ પર પડેલું એક સફરજન ઉપાડીને બટકું ભરતા છાપું વાંચી રહેલા ડો.સરૈયા તરફ જોઇને તોફાની અંદાજમાં કહ્યું "એન એપલ અ ડે ,કીપ્સ ધ ડોક્ટર અવે , આઈ હોપ ઇટ વર્કસ ""
યુ રાસ્કલ, પહેલા મારી દીકરી, અને હવે આ એપલ, તારી જેવો ચોર તો આખા શહેરમાં નહીં મળે. એટ લીસ્ટ પુટ ધ એપલ બેક" કોલેજીયન અનિકેત સાથે સરૈયા જાણે એક પળ માટે કોલેજીયન બની ગયા, અનિકેતના હાથમાંથી એપલ ખૂંચવવા જતા એમને અનિકેત નો હાથ ગરમ લાગ્યો અને બીજી જ પળે એ બોલી ઉઠ્યા" ડેમ ઇટ યુ હેવ ટેમ્પરેચર, અત્યારે જવાનું રહેવા દે, લેટ મી ગીવ યુ અ શોટ"
અનિકેત સફાળો ઉભો થઇ જતા બોલ્યો. નો નો અંકલ નોટ ધ ઇન્જેક્શન, વ્હીસ્કીનો શોટ હોય તો વાત અલગ છે."
અનિકેતની જીદ છતાં ડો.સરૈયા ઉભા થઇ એમની મેડીકલ કીટ લઇ આવ્યા. "જો અત્યારે મને બ્લડ ટેસ્ટ માટે થોડું બ્લડ લઇ લેવા દે, સાંજે કલીનીક પર આવી જા. બાકીનું ચેક અપ કરી લઈએ."
ટ્યુબમાં ભરાતાં લોહી સામે જોયા પછી મીનાબેન તરફ ફરીને નકલી ફરિયાદના સુરે અનિકેત બોલ્યો" પહેલા ડોટર, હવે ફાધર બસ લોહી પીધે રાખો બિચારા અનિનું, મોમ યુ આર માય ઓન્લી સેવીયોર"
અનિકેત ના માન્યો, પ્રણાલીએ સાથે આવવા ખુબ જીદ કરી, પણ અનિકેત ના માન્યો. એ એક જ વાતે વળગી રહ્યો, " યુ ફીનીશ યોર પ્રોજેક્ટ હિયર, બન્ને ભેગા રહેશું તો આપણે બન્નેમાંથી કોઈ કામ નહી કરીએ."
સરૈયાના આગ્રહથી એ સાંજે અશ્ફાકને લઈને પૂરા ચેક અપ માટે કલીનીક પર આવવાને જરૂર સહમત થયો. એ સાંજે પોતાના રૂમ પાર્ટનર અશ્ફાકને લઈને એ ડોક્ટર સરૈયાના ત્રીજા માળે આવેલાં કલીનીક પર પહોંચ્યો. ચેક અપ દરમિયાન એ સતત જીદ કરતો રહ્યોકે એનો તાવ તો બે કલાકમાં જ ઉતરી ગયો હતો, હવે ચિંતાનું કોઈ કારણ નથી.
જો કે અશ્ફાકે એને વચ્ચેથી જ એને રોક્યો, "
યાર તીન મહીનો સે દેખ રહા હૂં, આયે દિન તુજે બુખાર આતા રહેતા હૈ. વો તુને એન્ટી-બાયોટીકસ કા કોર્સ ભી કિયા થા પહેલે, મેરેકુ તો કોઈ ફર્ક નઝર નહીં આયા. અન્કલજી ઠીકસે ચેક કરો ઇસકો. અભી કુછ નહીં બોલેગા વો ઔર રાત ભર મુજે ઉસકી ખાતિર બરદાસ્ત કરની પડતી હૈ."
ડો.સરૈયા પણ અનિકેતના અભ્યાસનું પ્રેશર સમજી શકતા હતા, એમણે દવા આપીને અશ્ફાકને એનું ધ્યાન રાખવાની ભલામણ કરી. કેબીનની બહાર જતા અનિકેતને એમને કહ્યું,"બેટા ! જરૂર પડે તો રાતે ઘરે આવતો રહેજે.”
કેબીનના બારણાં બંધ થયા અને સરૈયાને અચાનક ખ્યાલ આવ્યો કે એમણે અનિકેતને પહેલી વાર "બેટા" કહીને બોલાવ્યો હતો !
બંધ થયેલું બારણું બીજી મીનીટે પાછું ખુલ્યું, નર્સ બાજુની લેબોરેટરીમાંથી આવેલા અનિકેતના બ્લડ રીપોર્ટની ફાઈલ લઈને ઉભી હતી. રીપોર્ટ ઉપર સરૈયાએ અછડતી નજર નાખી. કોલેસ્ટેરોલ હાઈ ! વ્હાઈટ સેલ કાઉન્ટ હાઈ અને ત્યાર પછીની એક લાઈન એમની પર વીજળી બનીને ત્રાટકી વાઈરલ લોડ ટેસ્ટ HIV RNA વેરી હાઈ..!!!
કોઈ ખોટી ફાઈલ તો હાથમાં નોતી ને ? ના ! ફાઈલ પર નામ તો એ જ હતું. અંદરના પેપર્સ પર પણ એ જ નામ. દિલમાં ઘર બનાવી ચૂકેલું એક નામ "અનિકેત હરિવદન પંડ્યા" !
એક અછડતી નજર બારીની બહાર નખાઇ ગઈ ડો.સરૈયાથી, નીચે લેમ્પ પોસ્ટ પાસે પાર્ક કરેલા યામાહા ઉપર બેઠેલા અનિકેતના ચહેરાને અશ્ફાકે બે હથેળીઓ વચ્ચે પકડ્યો હતો. શિયાળાની ઘેરી થતી સાંજના અંધકારમાં પવનના વંટોળિયા વચ્ચે અનિકેતના ચહેરા ઉપર અશ્ફાકનો ઝળુંબી રહેલો ચહેરો.
અનિકેત...એઇડ્સ...અશ્ફાક..ગે...
આઘાત અને રોષના માર્યા ડોકટરથી મુઠ્ઠી પછડાઈ ગઈ ટેબલ પર અને ટેબલ પર મુકેલી નિર્દોષ હાસ્ય વેરતી પ્રણાલીની તસ્વીર વાળી ફ્રેમ ફર્શ પર પડીને કાચના અસંખ્ય ટૂકડાઓ, આવનારા દિવસોની આગાહી કરતા હોય એમ જાણે કહી રહ્યા હતા.

"ઐસે બિખરે હૈ રાત દિન જૈસે, મોતિયો વાલા હાર તૂટ ગયા!" [ક્રમશ:]

.

-હેમલ વૈષ્ણવ