21 mi sadi nu ver - 48 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | 21મી સદીનું વેર - 48

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

21મી સદીનું વેર - 48

21મી સદીનું વેર

પ્રકરણ-48

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ નીકળે છે અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

ફોટા જોઇ કિશને ગણેશને ફોન કર્યો અને ઓફીસમાં બોલાવ્યો અને ફોટા બતાવ્યા અને કિશને ગણેશને કહ્યુ

“તુ એક કામ કર કાલે સવારે વંથલી જા હું ગગનને કહી દઉ છું કે તે પણ વંથલી આવી જાય તમે પેલા ડો. હિમાંશુ મકવાણા પાસેથી સપનાની ફાઇલ લઇ આવ. તું ડૉકટર ને મળવા જતો નહી ગગનને જ મોકલજે. ” એમ કહી કિશને ગગનને ફોન કરી વંથલી આવી જવા સમજાવ્યુ. અને પછી ગણેશને કહ્યુ

“પાછળથીજ નીકળી જજે કાર ભલે અહીજ પડી. અને ત્યાં જે પણ બને તેની મને જાણ કરજે. આ ફાઇલ ખુબ અગત્યની છે. ” ત્યારબાદ ગણેશ ઓફીસમાંથી નીકળી બહાર આવ્યો અને ઇંટરવ્યુ માટે આવનાર યુવાનોને બેસાડવાની ચા પાણીની વ્યવસ્થામાં પડી ગયો. એક્ઝેટ છ વાગે કિશન અને નેહા કિશનની ચેમ્બરમાં બેઠા અને ગણેશ બહાર બેઠો. ગણેશે પહેલા યુવાનને ઇંટરવ્યુ માટે અંદર મોકલ્યો. કિશને પહેલા થોડી ઔપચારીક પુછ-પરછ કરી પછી થોડા કાયદાને લગતા સવાલો પુછ્યા અને પછી તે યુવાનનુ બેકગ્રાઉન્ડ જાણવા માટે થોડા સવાલો કર્યા. આમનેઆમ એક પછી એક બધા યુવાનોનો વારો આવી ગયો બધાનેજ ફોન પર તમને જાણ કરીશુ તેમ કહી દેવામાં આવ્યુ હતુ. એટલે ઇંટરવ્યુ પત્યા પછી કિશને ગણેશને અંદર બોલાવ્યો અને ચા નાસ્તાનો ઓર્ડર આપવાનુ કહ્યુ. કિશન અને નેહાએ બધામાંથી બે યુવાનોને પસંદ કર્યા અને બીજા દિવસે પર્સનલ મીટીંગ માટે બન્ને ને અલગ અલગ સમયે બોલાવ્યા.

બીજા દિવસે ગણેશ વંથલી ગયો હતો કિશન અને નેહાએ પેલા બન્ને યુવાનો સાથે વાત કરી તેમાંથી એક સૌરભ શર્મા નામના એક છોકરાને પસંદ કર્યો તેની પાછળનુ કારણ તેની આર્થિક પરીસ્થિતી અને તેની કાબેલીયત હતી. તે ખુબ હોશિયાર તો હતોજ પણ તેની આર્થિક પરીસ્થિતી નબળી હતી અને તેને નોકરીની જરૂરીયાત હતી. છેલ્લે તેને એપોઇન્ટમેન્ટ આપતી વખતે નેહાની હાજરીમાં કિશને તેને કહ્યુ “જો સૌરભ તને અમે સીલેક્ટ કર્યો તેની પાછળ તારી કાબેલીયત જવાબદાર છે પણ મારે તારી પાસેથી બીજી પણ એક ચીજની અપેક્ષા છે અને તે છે વફાદારી. અહી હું કોઇ પ્રોફેસનલ સંબંધથીજ જોડાયેલો છું એવુ નથી. મારે મારી ઓફીસના દરેક કર્મચારી સાથે આત્મિય સંબંધ છે. અત્યાર સુધીમાં બે વ્યક્તિ આ ઓફીસમાં છે એક આ નેહા અને બીજો ગણેશ. આ બન્ને વ્યક્તિને કોઇ પણ તકલીફ હોય તો તે મને નિસંકોચ વાત કરે છે. અને હું તે તકલીફ દુર કરવા શક્ય એટલી મદદ કરૂ છું. સામે પક્ષે હું તે બન્ને પર આંખ બંધ કરીને વિશ્વાસ મુકી શકુ એમ છું. અહિ એક પરિવારની ભાવના છે અને અમે આશા રાખીએ કે તુ પણ તે ભાવના સાથે કામ કરે. અહી સમયનુ કોઇ બંધન નથી તને જરૂર હોય અને તુ મને કહ્યા વિના ન આવે તો પણ ચાલશે. જ્યારે સામે ક્યારેક વધુ પણ રોકાવુ પડશે. આ બધુ એક લાગણીના ભાગ રૂપે છે કોઇ દબાણથી નહી. તુ હવે અમારા પરિવારનો ભાગ છે. અમે ઇચ્છીએ કે પંડ્યા કંન્સલ્ટીંગ ફર્મનો તુ અવિભાજ્ય ભાગ થઇને રહે. ”

આ સાંભળી સૌરભે કહ્યુ “સર મે તમને પહેલી વાર જોયા ત્યારથીજ તમારા માટે મને એક અલગજ લાગણી થયેલી અને આપણી ઓફીસમાં આ ભાવનાને લીધે એક અલગજ એનર્જી અનુભવાય છે. હું તમને કોઇ ફરીયાદનો મોકો નહી આપુ એ મારૂ પ્રોમિસ છે. ”

“ઓકે,બાકી બધુ કામ તને નેહા સમજાવશે. તુ ક્યારથી જોઇન કરવા માગે છે?” કિશને કહ્યુ.

“ હું આજથીજ કામ કરવા માગુ છું” સૌરભે કહ્યુ.

“ના આજથી નહી. તુ કાલથીજ જોઇન કર. તારો પગાર આજથી ચાલુ થઇ ગયો. પણ તુ નોકરી કાલથી જોઇન કરજે “ એમ કહી કિશને તેના ડ્રોઅરમાંથી 5 હજાર રૂપીયા કાઢી સૌરભને આપ્યા અને કહ્યુ “કાલે 9 વાગે આવી જજે. ” આ જોઇ સૌરભ ખુશ થઇ ગયો અને કિશનનો આભાર માની બહાર નીકળ્યો. તેના ગયા પછી કિશને નેહાને કહ્યુ “જોજે થોડો સમય તેના પર ધ્યાન રાખજે. માણસ વિશ્વાસુ છે કે નહી તે ચકાસજે. ”

“હા,લાગે છે તો સારો. પણ જોઇએ કેવુ કામ કરે છે. ” નેહાએ કહ્યુ.

“જો નેહા હવે મારે ગમે ત્યારે એકાદ અઠવાડીયા માટે બહાર જવુ પડશે. અને કદાચ એવુ પણ બને કે થોડા દિવસ માટે ઓફિસ પણ બંધ કરવી પડે. ” કિશન આટલુ કહી નેહાનો પ્રતિભાવ જાણવા રોકાયો.

“કિશનભાઇ તમે શું કરો છો એજ મને તો સમજાતુ નથી. અને આ ઓફીસ શુ કામ બંધ રાખવી પડે?” નેહાએ થોડા ગુસ્સાથી કહ્યુ.

“જો નેહા મને ખબર છે તને મારી ફિકર છે પણ આ કેસ મારી પર્સનલ લાઇફ સાથે જોડાયેલો છે. હું તને પછી બધુજ કહીશ પણ અત્યારે એટલુ સમજ કે આ કેસ મારા પપ્પા સાથે જોડાયેલો છે. આનાથી વધારે અત્યારે હું તને કંઇ કહી શકુ એમ નથી. હવે હું જ્યાં જવાનો છુ ત્યાં આ કેસ ફાઇનલ તબક્કામાં આવી જશે તેને લીધે કદાચ તે લોકો ઓફીસ પર પણ ખતરો ઉભો કરી શકે એટલે કદાચ ઓફીસ પણ થોડા દિવસ બંધ કરવી પડે. એ સંજોગોમાં આપણે એડવાન્સ કામ પતાવી દઇએ જેથી આપણા બીજનેશને કોઇ નુકશાન ન જાય. ”

આ સાંભળી નેહાએ કહ્યુ “ઓકે પણ તમે કોઇ જાતનુ ખોટુ રીસ્ક નહી લેતા. અને તમે ઇશિતાને થોડી વાત તો કરો. ”

“ના હું તેને સારી રીતે ઓળખુ છું આ વાત સાંભળતાજ તે અહી દોડી આવશે. હમણા તેને કંઇ કહેવુ નથી એવુ લાગશે તો હું પાછળથી તેને જાણ કરીશ. ”

“ઓકે તો હવે શું કામ કરવુ છે?” નેહા એ વાતમાં સહમત થતા કહ્યુ.

“પહેલાતો એ બધાજ કેસ લઇલે જેની કોર્ટની તારીખ આવતા 10 દિવસમાં આવતી હોય તે બધાજ કેસના કાગળ તૈયાર કરી નાખીએ એટલે તારે માત્ર કોર્ટમાં હાજરી આપી બીજી તારીખ માંગી લેવાની. બીજુ જે પણ પેંડીંગ કામ છે તે પણ લઇલે એ પણ પુરૂ કરી નાખીએ. ” કિશને કહ્યુ એટલે નેહા બધી ફાઇલ લઇ આવી અને બન્ને કામ કરવા લાગ્યા. એકાદ કલાક કામ કર્યુ ત્યાં ગણેશનો ફોન આવ્યો કે ગગનને ફાઇલ મળી ગઇ છે એટલે કિશને કહ્યુ “તે ફાઇલ લઇ તુ ઓફીસ પર આવી જા અને ગગનને કહે કે હું તેને પછી ફોન કરીશ. ” ત્યારબાદ ફોન કટ કરી કિશન ફરીથી કામમાં લાગી ગયો. 11 વાગ્યે ગણેશ ફાઇલ લઇને આવ્યો એટલે કિશને ફાઇલ ચેક કરી અને ગણેશને કહ્યુ “હવે આપણે ફાઇનલ સ્ટેપ પર આવીએ છીએ. એટલે તુ તારી પાસે અત્યાર સુધીના જે કંઇ પણ આ કેશના રેકોર્ડીંગ છે તેની સીડી બનાવી મને આપી દે આ સિવાય પેલી ઝંખનાની સીડી અને આ બધી ફાઇલોની બે કોપી કરી એક મને કંપ્લીટ પોર્ટફોલીઓ બનાવી આપ. અને બે દિવસ પછીની રાજકોટથી દિલ્લીની ફ્લાઇટમાં મારૂ બુકીંગ કરાવી દે” આ સાંભળી ગણેશે કહ્યુ “હું તમારી સાથે આવુ છું. ” એટલે કિશને તેને આખો પ્લાન સમજાવ્યો જે ગણેશને પણ યોગ્ય લાગ્યો એટલે તેણે કિશનની વાત માની લીધી અને બધા કામ પતાવવા બહાર નીકળ્યો.

આમજ બે દિવસ બધા કામ પુરા કરવામાં પસાર થઇ ગયા. અને પછી એક દિવસ કિશન આગળની જેમજ કોઇને ખબર ના પડે તેમ ચુપચાપ રાજકોટથી દિલ્લીના પ્લેનમાં બેસી ગયો. દિલ્લી ઉતર્યો ત્યાં તેનો મિત્ર શરદ ઠેસીયા તેને લેવા માટે એરપોર્ટ પર આવ્યો હતો. કિશન બહાર નીકળી તેની પાસે ગયો એટલે બન્ને મિત્રો ભેટી પડ્યા. શરદ કિશનને તેના ઘરે લઇ ગયો. કિશન ફ્રેશ થઇ બહાર નીકળ્યો એટલે બન્ને તૈયાર થઇ બહાર જમવા ગયા. જમી આવીને બન્ને એ મોડે સુધી વાતો કરી. કિશને તેને અહીથી હરીદ્વાર જવુ છે એવુ કહ્યુ અને ત્યાં જવા પાછળનો હેતુ અને આગળની બધી વાત કરી. આમનેઆમ બન્ને મિત્રો મોડે સુધી વાત કરતા બેસી રહ્યા. સવારે શરદે આપેલી ડ્રાઇવર સાથેની કારમાં કિશન હરીદ્વાર જવા નીકળ્યો. હરીદ્વાર પહોંચી કિશને એ દિવસ હરીદ્વારમાંજ રોકાવાનું નક્કી કર્યુ અને હોટલમાં રૂમ રાખ્યો, ગંગા સ્નાન કર્યુ, એક સારી લોજમાં જમ્યો અને હોટલ પર જઇ ઉંધી ગયો. બપોર પછી તે ત્યાં થોડુ ફર્યો અને સાંજે ગંગા આરતીના દર્શન કર્યા. રાત્રે હરકી પેઢીમાં ફર્યો અને પછી હોટેલ પર જઇ સુઇ ગયો.

બીજા દિવસે કિશને ડ્રાઇવરને કહ્યુ “અહીથી ઋષીકેશ જતા રસ્તા પર નીજાનંદ આશ્રમ આવેલો છે ત્યાં લઇલે. ”

કાર ઋષિકેશ જતા રસ્તા પર આગળ વધવા લાગી કિશન પાછળની સીટ પર બેસીને કુદરતે રચેલી અદભુત પ્રકૃતિના સોંદર્યને જોતો રહ્યો ઉંચા પહાડો અને તેમની વચ્ચે થઇને વહેતી ગંગામૈયા જાણે આ પથ્થરોના દિલમાંથી વહેતી હોય તેવી અદભુત રીતે વહે છે. ભગવાન અહી આવે અને વસવાટ કરે તેમાં કોઇ આશ્ચર્ય નથી કેમકે આ પ્રકૃતિ જોઇને ખુદ સર્જનહારનેજ પોતાના સર્જન પર મોહ થઇ જાય તેવી આ જગ્યા છે. આ જગ્યા પર હરીનો વાસ છે એટલેજ તો તેનુ નામ હરીદ્વાર છે. એટલે જ તો ઓશો એ લખ્યુ છે કે “પ્રકૃતિ અને પરમાત્મા એ અલગ નથી પણ એક જ વસ્તુ ના બે છેડા છે. પ્રકૃતિજ આગળ વધતા અદ્રશ્ય થઇ પરમાત્માનુ રૂપ ધારણ કરે છે અને પરમાત્માનો જે છેડો દેખાય છે તેને આપણે પ્રકૃતિ કહીએ છીએ. ” અહી પ્રકૃતિ અને પરમાત્માના આ અવિભાજ્યપણાનો સાક્ષાત્કાર થાય છે. આમનેઆમ કિશન કેટલાય સમય સુધી આ પ્રકૃતિના સોંદર્યને પીતો રહ્યો અને વિચારોમાં ખોવાયેલો રહ્યો વચ્ચે એક જગ્યાએ કાર ઉભી રાખી ચા પાણી પીધા અને ફરીથી મુસાફરીની શરૂઆત કરી. લગભગ અડધા કલાક પછી નીજાનંદ આશ્રમનો એક રસ્તો ડાબી બાજુ આવ્યો. કાર તે રસ્તા પર જવા લાગી આ રસ્તો મુખ્ય રસ્તાથી થોડો સાંકડો હતો. કાર ચારેક કિલોમીટર ચાલી ત્યાં સામે નીજાનંદ આશ્રમનું મોટુ બિલ્ડીંગ દેખાયુ. કિશને સામે નજર કરી એ સાથેજ કિશન ખુશ થઇ ગયો. સામે એક વિશાળ ટેકરી પર નીજાનંદ આશ્રમ હતો અને તે ટેકરીની એકદમ પાછળ ગંગાનદી પસાર થતી હતી અને આજુબાજુ વૃક્ષોથી આચ્છાદિત મેદાન હતુ. કાર નીજાનંદ આશ્રમના ગેટ પાસે પહોંચીને ઉભી રહી અને કિશન નીચે ઉતર્યો એટલે ડ્રાઇવરે ત્યાં રહેલ પાર્કીંગમાં કાર પાર્ક કરી. કિશન ગેટ પાસે ગયો અને ત્યાં રહેલ સિક્યોરીટી ગાર્ડને કહ્યું “હું ગુજરાતથી આવુ છું મારે આચાર્યને મળવુ છે. ” આ સાંભળી સિક્યોરીટી ગાર્ડે કિશન પાસે આઇ કાર્ડ માગ્યુ એટલે કિશને ખીસ્સામાંથી તેનુ આઇ કાર્ડ કાઢીને આપ્યુ. આઇ. કાર્ડ લઇ સિક્યોરીટી ગાર્ડ તેની ઓફીસમાં ગયો અને આઇ કાર્ડની ઝેરોક્ષ કરી અને રજીસ્ટરમાં બધી વિગત નોંધી. ત્યારબાદ તે કિશન પાસે આવ્યો અને આઇ કાર્ડ પાછુ આપ્યુ અને રજીસ્ટરમાં કિશનની સહી લીધી. આ પ્રક્રિયા પતતા કિશન અંદર દાખલ થયો. આખા આશ્રમમાં નિરવ શાંતિ હતી. ઘણા બધા લોકો ત્યાં આસપાસ રહેલ ઝુપડીમાં યોગ અને પ્રાણાયામ કરી રહ્યા હતા. ઘણા બધા સાફ સફાઇ કરી રહ્યા હતા. આટલા બધા માણસો હોવા છતા વાતાવરણમાં એકદમ શાંતિ હતી. કિશન સામે બીલ્ડીંગ તરફ જતા રસ્તા પર આગળ વધ્યો અને બીલ્ડીંગમાં દાખલ થયો. બીલ્ડીંગમાં દાખલ થતાજ હોટલની જેમજ એક મોટા રીસેપ્શન ડેસ્ક પર એક યુવાન સન્યાસી ઉભા ઉભા કામ કરી રહ્યા હતા. કિશન તેની પાસે ગયો અને કહ્યુ “મારે આચાર્યને મળવુ છે. ” પેલા સન્યાસીએ ઉપર જોયુ અને કિશનને જોઇ પુછ્યુ

“તમે ક્યાંથી આવો છો? આચાર્યને તમારે શુ કામ મળવુ છે?”

“હું ગુજરાતથી આવુ છું. મારે આચાર્ય સાથે વાત થઇ હતી તેણે મને મળવા આવવા માટે કહ્યુ હતુ. ” કિશને કહ્યુ પણ હવે કિશને અચાનક આવવા માટે પસ્તાવો થયો. કિશને અહી કોઇ પણ જાણ કર્યા વિના આવવાનુ નક્કી કર્યુ હતુ. એટલે તેણે અગાઉથી ફોન કરી આવવાની જાણ કરી નહોતી. પણ હવે કિશનને થયુ કે જો આચાર્ય ક્યાંક બહાર ગયા હશે તો પોતાનો પ્લાન ફેઇલ જશે. અને જાણે તેના વિચાર સાચા પડતા હોય તેમ પેલા સંન્યાસીએ કહ્યુ

“આચાર્ય તો એક કામ માટે બહાર ગયા છે. ”

આ સાંભળી કિશન નિરાશ થઇ ગયો. તેણે પુછ્યુ “આચાર્ય ક્યારે આવશે?”

“લગભગ તો સાંજે આવી જશે. નહીતર કાલે તો ચોક્કસ આવશે. તમે ઇચ્છો તો અહી રોકાઇ શકો છો. ”

“હા હું અહીજ રાકાઇશ. ” કિશને કહ્યુ.

“ આ બાજુ મારી સાથે ચાલો હું તમને તમારો રૂમ ખોલી આપુ. ” એમ કહી તે સંન્યાસી એક ચાવી લઇને ચાલવા લાગ્યો અને કિશન તેની પાછળ ગયો. સંન્યાસી કિશનને બીજા માળે લઇ ગયો અને એક રૂમ ખોલી કિશનને કહ્યુ “આ તમારો રૂમ છે. બપોરે નીચે ભોજન શાળામાં પ્રસાદ લેવા આવી જજો. અને સાંજે પ્રાર્થના સભા અચુક હાજર રહેજો. ” એમ કહી તે સંન્યાસી ત્યાંથી જતો રહ્યો એટલે કિશન રૂમમાં દાખલ થયો. રૂમમાં સામસામે દિવાલ પાસે બે સેટી હતી. એક વાંચવા લખવા માટે નાનુ ટેબલ અને ખુરશી એક ખુણામાં મુકેલુ હતુ અને તેની બાજુમાં વસ્તુ મુકવા માટે નાનો કબાટ હતો. રૂમ નાનો હતો પણ એકદમ સ્વચ્છ હતો. કિશને રૂમમાં ગયો અને તેનુ બેગ ટેબલ પર મુક્યુ અને બેડ પર લાંબા થઇ વિચારવા લાગ્યો અને થોડા સમય બાદ ઉંધી ગયો. એકાદ કલાક ઉંઘ ખેંચી તે ઉઠ્યો ત્યારે જમવાનો સમય થઇ ગયો હતો એટલે તે ઉઠ્યો અને નીચે ભોજન ખંડમાં ગયો. ત્યાં જઇ તે જમ્યો સવારથી કંઇ ખાધુ નહોતુ એટલે ભુખ પણ લાગી હતી અને આશ્રમનું સાદુ ભોજન ખુબજ સરસ હતુ એટલે કિશન ફુલ પેટ જમ્યો અને પછી ફરીથી પોતાના રૂમ પર આવ્યો. રૂમ પર આવી કિશને થોડીવાર વાંચવાનું વિચારી રૂમની બારી ખોલી અને બહારનુ દ્રશ્ય જોઇ તે મંત્ર મુગ્ધ થઇ ગયો. આ બારી આશ્રમની પાછળની બાજુ પર ખુલતી હતી જ્યાથી ગંગા નદી એકદમ નીચેથી પસાર થતી હતી. જાણે તે નદીની ઉપર જ ઉભો હોય તેવુ દ્રશ્ય હતુ. કિશને ખુરશીને બારી પાસે લીધી અને કુદરતના સાનિધ્યમાં બેઠો બેઠો વાંચવા લાગ્યો. એકાદ કલાક બાદ ફરીથી તે ઉંઘી ગયો.

બે દિવસથી એકજ જગ્યાએ બેસી તે હવે અકળાયો હતો. તે જેના પર નજર રાખી રહ્યો હતો તે વ્યક્તિ બે દિવસથી તેની ઓફીસ અને પેન્ટહાઉસમાંથી બહારજ નીકળી ન હતી. એટલે તેણે તેના ઉપરી કાના આહીરને જાણ કરી એટલે કાનાએ કહ્યુ “ઉપર જઇ તપાસ કર કે શું ચાલે છે?”

તે ઉપર ગયો અને PANDYA LEGAL FIRM ની ઓફીસમાં જઇ તેણે એક યુવકને પુછ્યુ “મારે પંડ્યા સાહેબનુ કામ છે. તે ક્યારે મળશે? ”

પેલા યુવકે કહ્યુ “પંડ્યા સાહેબની તબીયત સારી નથી તે બે દિવસથી ઓફીસ નથી આવ્યા. ”

આ વાત સાંભળી તેને થોડી શંકા ગઇ એટલે તેણે આગળ પુછ્યુ “તે ક્યારે મળશે મારે તેનુ કામ છે?”

આ સાંભળી પેલાના ચહેરા પર થોડા અણગમાના ભાવ આવ્યા અને તેણે કહ્યુ “તે હું કેમ કહી શકુ તમને કહ્યુ તો ખરૂ કે તેની તબિયત ખરાબ છે. તમારે જે કંઇ કામ હોય તે મને કહો. ”

આ સાંભળી તેણે કહ્યુ “ના તો હું ફરી પાછો આવીશ. ” એમ કહી તે નીચે ઉતર્યો હવે તેને પુરો વિશ્વાસ થઇ ગયો હતો કે દાળમાં કંઇક કાળુ છે. ” પણ તે નહોતો જાણતો કે “અહી તો આખી દાળ જ કાળી હતી. ”

આ યુવક એટલે રાજુ રામપરા જેને કાના આહીરે કિશનની પાછળ ધ્યાન રાખવાનુ કામ સોંપ્યુ હતુ. અને રાજુ ઉપર કિશનની ઓફીસમાં જેને મળ્યો તે નવો ભરતી કરેલો યુવક સૌરભ શર્મા હતો.

રાજુએ બહાર નીકળી કાના આહીરને ફોન કર્યો અને ઉપર ગયો અને સૌરભ સાથે થયેલી બધીજ વાત કરી. અને પછી કહ્યુ “કાનાભાઇ મને આમાં કંઇક રંધાતુ હોય એવુ લાગે છે. કેમકે ગમે તેમ હોય તે વકીલ ત્યાં નથી એવુ મને લાગે છે. ” આ સાંભળી કાના આહિરનો પિતો છટક્યો અને તેણે ગાળ આપતા કહ્યુ “તો તુ શું ત્યાં કરે છે. તારો બાપ તને પગાર શેનો આપે છે. ”

“ પણ ભાઇ હું તો અહીથી ક્યાંય ગયો જ નથી. મને સમજાતુ જ નથી કે તે કંઇ રીતે ગયો. રાત્રે પેલો નટ્ટુ હોય છે ત્યારે કંઇક થયુ હોય તો મને કેમ ખબર પડે. ” રાજુએ સમજાવતા કહ્યુ.

“તમને બન્નેને એક કામ ઠીકથી કરતા નથી આવડતુ. પેલો તમારો બાપ મને છોડશે નહી. ” એમ કહી કાના આહિર વિચારવા લાગ્યો કે હવે શું કરવું? ભાઇને વાત તો કરવીજ પડશે. પણ આ સાંભળી ભાઇ મને છોડશે નહી.

“હવે સાંભળ તુ ત્યાંજ રહેજે અને કંઇ પણ બને તો મને જાણ કરજે. હું ભાઇને વાત કરૂ છુ તે સુચના આપશે એ પ્રમાણે વાત કરીશુ. ” આમ કહી કાના આહીરે ફોન કટ કરી ફરીથી એક ફોન લગાવ્યો સામેથી ફોન ઉંચકાયો એટલે કાનાએ ડરતા ડરતા કહ્યુ “ભાઇ તે વકીલ ક્યાંક છટકી ગયો લાગે છે. બે દિવસથી તે બહાર નીકળ્યોજ નથી એટલે મે રાજુને ઉપર તપાસ કરવા મોકલ્યો હતો. પણ તેના માણસે કહ્યુ કે વકીલની તબિયત સારી નથી એટલે આરામ કરે છે. પણ મને એવુ લાગે છે કે તે વકીલ ક્યાંક છટકી ગયો છે. ”

આ સાંભળી સામેવાળા માણસે કહ્યુ “તમને બધાને હું આટલા વર્ષથી સાચવુ છું શુ કામે? એક કામ કરતા આવડતુ નથી. જો આ વકીલ છટકી ગયો હશે તો પેલો ગેંડો મને છોડશે નહી. તે મને કાચો ને કાચો ખાઇ જશે. તમને કહ્યુ હતુ ને કે કામમાં કાંઇ ગડબડ ન થાય તે જોજો પણ તમે બધા અકલના બળદીયા કઇ સમજતાજ નથી. જો જો કંઇ પણ ખોટુ થયુ છે ને બધાની ચામડી ઉતારી લઇશ. જા તુ હવે ત્યાંજ જઇને મરાવ અને મને કંઇ પણ થાય તરતજ રીપોર્ટ કરજે. ”

એમ કહી સામેથી ફોન મુકાઇ ગયો. અને કાના આહીર પણ આ સાંભળી ધ્રુજી ગયો. અને તેને પણ પેલા તેના બન્ને માણસો પર ગુસ્સો આવ્યો. એટલે બાઇક લઇને તેની પાસે જવા નીકળ્યો. તેણે જેને ફોન કર્યો હતો તે હતો જુનાગઢ જીલ્લા લોકશક્તિ પાર્ટીનો પ્રમુખ વિજય વાઘેલા અને વિજયવાઘેલાએ જેનો ગેંડા તરીકે ઉલ્લેખ કર્યો હતો. તે અમોલ કોઠારી હતો.

કાનો આહિર હજુ પોતાની બાઇક પર કાળવા ચોકમાં પહોંચ્યો ત્યાં તેના મોબાઇલમાં વિજયભાઇનો કોલ આવ્યો અને કહ્યુ “તારા જે પણ માણસ હોય તેને બોલાવી લે અને તે વકીલ અથવા તેના માણસ જે પણ મળે તેને ઉંચકી આપણા અડા પર લઇ આવ. ”

“શું બધાને ઉંચકી લેવાના છે? પણ તે વકીલતો ત્યાં નથી. ” કાનાએ સામેથી પુછ્યુ.

“હા એલા ઉપરથી કોલ આવી ગયો છે ત્યાં જે પણ મળે તેને ઉંચકી લેવાના. ” વિજયભાઇએ કહ્યુ અને ફોન કટ કરી નાખ્યો. કાના આહિરે તેના માણસોને ફોન લગાવ્યા અને અડધા કલાકમાં તે કિશનની ઓફીસ પર પહોંચ્યો તો ત્યાં ઓફીસ અને પેંટહાઉસ બન્ને બંધ હતા. બધાજ માણસો તેના હાથમાંથી છટકી ગયા હતા. ગણેશે કાના આહીરના લોકેટમાં મુકેલા ગેઝેટ્સે તેનુ કામ કરી દીધુ હતુ. આ જોઇ કાન આહીરનો પિતો ગયો અને તેણે તેના બન્ને માણસોને મણ મણની ગાળો આપીને વિજયભાઇને કોલ કર્યો તો વિજયભાઇ વાઘેલા એ પણ કાનાને કાનમાંથી કિડા ખરી પડે તેવી ગાળો દીધી. બધાજ ઘુંઘવાઇ રહ્યા હતા કે એક નાનો વકીલ તે લોકોના આવડા મોટા નેટવર્કને ઉલ્લુ બનાવી ગયો. પણ હવે કંઇ થઇ શકે તેમ ન હતુ.

આ બાજુ કિશન ઉંઘીને ઉઠ્યો અને નીચે ગયો. ત્યાં રીસેપ્શન પર બેઠેલા માણસને કિશને પુછ્યુ “આચાર્ય આવ્યા કે નહી? ”

“ના હજુ સુધી તો આવ્યા નથી. હવે અડધા કલાકમાં આવે તો ભલે નહીતર કાલે જ આવશે કારણકે સાંજ પછી ઉપરના રસ્તા પર વાહનો આવતા નથી. ” રીસેપ્શન પર બેઠેલા યુવાન સંન્યાસીએ કહ્યુ.

સંન્યાસી કિશનને વારંવાર એ રીતે જોઇ રહ્યો હતો કે જેથી કિશનને થોડી નવાઇ લાગતી હતી. સાથે સાથે તેને પોતાનુ અનુમાન સાચુ છે તેનો વિશ્વાસ પણ થતો હતો.

કિશન ટાઇમ પસાર કરવા માટે આશ્રમના પાછળના ભાગમાં ગયો અને ત્યાંથી એક સીડી નીચે ગંગા નદીના તટમાં ઉતરતી હતી. તે સીડી પર કિશન આગળ વધ્યો. કિશન ગંગા નદીના તટમાં ગયો અહી ગંગા નદીનું વહેણ આગળ ટેકરી સાથે અથડાઇને આવતુ હતુ એટલે થોડુ શાંત હતુ. કિશન થોડો આગળ ગયો અને એકદમ કાઠા પર જઇ બેઠો એકદમ ઠંડુ અને અહલાદક વાતાવરણ હતુ. કિશન આ પ્રકૃતિના સોંદર્યને જોતો એકાદ કલાક બેઠો અને પછી ઠંડીનું પ્રમાણ વધતા તે ઉભો થયો અને ફરીથી આશ્રમમાં આવ્યો. કિશન આશ્રમમાં દાખલ થયો ત્યાંજ રીસેપ્શન પર બેઠેલા સંન્યાસી એ કહ્યુ આચાર્ય આવી ગયા છે અને સામે તેના કક્ષમાં તમારી જ રાહ જોઇ રહ્યા છે. કિશન ધીમે ધીમે કક્ષ તરફ આગળ વધ્યો તેમ તેના હ્રદયના ધબકારા વધતા ગયા. કિશને બારણા પર ટકોરા માર્યા એટલે અંદરથી અવાજ આવ્યો “અંદર આવી જાવ. ” કિશન જેવો અંદર દાખલ થયો અને સામે ખુરશી પર બેઠેલી વ્યક્તિને જોઇ એ સાથેજ તેની આંખો પહોળી થઇ ગઇ. સામે બેઠેલી વ્યક્તિ પણ તેને જોઇને ઉભી થઇ ગઇ અને કિશન પાસે આવી કિશનને ભેટી પડી એ સાથેજ બન્નેની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી અને બન્ને એકબીજાને ક્યાંય સુધી ભેટીને ઉભા રહ્યા.

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર. મિત્રો આ મારી પહેલી નવલકથા છે. તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ- whatsapp no - 9426429160

Email id:- hirenami. jnd@gmail. com

Facebook id:- hirenami_jnd@yahoo. in