21 mi sadi nu ver - 49 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | 21મી સદીનું વેર - 49

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

21મી સદીનું વેર - 49

21મી સદીનું વેર

પ્રકરણ-48

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ નીકળે છે અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

કિશન અને આચાર્ય છુટા પડ્યા ત્યારે બન્નેની આંખોમાં આશુ સાથે અમુક પ્રશ્નો હતા.કિશન તો ખુબ ખુશ હતો.કારણ કે તેની ધારણા સાચી પડી હતી.એક એક કડી જોડીને તેણે જે અનુમાન લગાવ્યુ હતુ કે તેના પિતા જીવે છે તે એકદમ સાચુ પડ્યુ હતુ.જેને અહીં બધા આચાર્ય તરીકે ઓળખે છે તે તેના પિતા કૃષ્ણકાંત પંડ્યા હતા.તેના પિતાએ તેને કહ્યુ આવ મારી પાસે બેસ દિકરા કેટલા વર્ષ સુધી હું તારાથી દુર રહ્યો છું.આજે તને મન ભરીને જોઇ લેવા દે.તારા જેવા તેજસ્વી દિકરાથી દુર રહેવાનુ દુઃખ શું હોઇ તે હું જ જાણુ છું.જેના માટે ગર્વથી કહી શકાય કે આ મારો દિકરો છે તેને પોતાનાથી દુર રાખી જે દુઃખ મે ભોગવ્યુ છે તેનો તને ક્યારેય અંદાજ નહી આવે.એમ કહી આચાર્ય તેની ખુરશીમા બેઠા એટલે કિશન તેના પગ પાસે બેસી ગયો અને તેણે આચાર્યના ખોળામાં માથુ મુકી દીધુ.બન્ને પોતપોતાના વિચારોમાં ખોવાઇ ગયા. ક્યાંય સુધી બન્ને એમજ બેઠા રહ્યા.વાતની શરૂઆત કરતા આચાર્યએ કહ્યુ “તને કેમ ખબર પડી કે હું અહી છું?.મે લીંક મોકલી તેમાં તો માત્ર નીજાનંદ આશ્રમની જ લીંક હતી.”

“મને તો એ પહેલેથી ખબર હતી કે તમે જીવો છો. પહેલી વખત મને ત્યારે શક ગયો જ્યારે મને મમ્મીના કબાટમાંથી ઘણાબધા રૂપીયા એક સાથે મળ્યા.પછી બીજી વખત જ્યારે મને ખબર પડી કે કોઈક મમ્મીની હોસ્પીટલની ફી ભરી ગયુ ત્યારે મને શંકા ગઇ એટલે મે તપાસ કરી તો પહેલા તો કંઇ માહીતી ના મળી પણ પછી મે ત્યાં હોસ્પીટલ પર એક માણસ મુકેલો તેના દ્વારા ખબર પડીકે મમ્મીને કોઇક વ્યક્તિ મળવા આવે છે અને મમ્મી તેની સાથે વાતો કરે છે.આ સાંભળી મારો શક પાકો થઇ ગયો.કેમકે મમ્મી જો મારી સાથે ન બોલતી હોય તો હવે કોણ બાકી રહ્યુ જેના પર તેને મારા કરતા પણ વધુ ભરોશો હોય.ત્યારબાદ તમે મને જે પણ લીંક મોકલી તેના પર તમારા અક્ષરો હતા જે હું સારી રીતે ઓળખતો હતો.મારો વિશ્વાસ ધીમે ધીમે દ્રઢ થતો ગયો.અને છેલ્લે જ્યારે મે નીજાનંદ આશ્રમ પરથી ફોન પર વાત કરી ત્યારે તો મને પાકો વિશ્વાસ થઇ ગયો હતો કે સામે તમેજ છો એટલેજ હું અહી આવ્યો.”

કિશનની વાત સાંભળી આચાર્યે કહ્યુ “મને તારા પર ગર્વ છે દિકરા.તુ મારી ધારણા કરતા પણ વધુ ચાલાક છે”

કિશને કહ્યુ “પણ પપ્પા તમે અહી કંઇ રીતે પહોંચ્યા? અને તમે અહી છો તો ત્યાં જે મરી ગયુ તે કોણ હતુ.?”

આ સાંભળી આચાર્યના ચહેરા પર દૂઃખના ભાવ ધસી આવ્યા અને બોલ્યા “દિકરા એ ખુબ મોટી કથા છે એક કામ કર તુ રાત્રે જમીને અહી આવજે આપણે બેસીને બધી વાત કરીશુ.તને તારા દરેક સવાલના જવાબ હું આપીશ.અને હવે આગળ શું કરવુ તે પણ ચર્ચા કરીશુ.”

ત્યારબાદ કિશન ત્યાંથી નીકળી જમવા માટે ભોજનાલયમાં ગયો અને જમીને તેની રૂમ પર ગયો અને સાથે લાવેલ પોર્ટફોલીયોમાં બધીજ વસ્તુ છેકે નહી તે ચેક કરતો હતો.ત્યાં એક યુવાન આવ્યો અને બોલ્યો “તમને આચાર્ય તેના કક્ષમાં બોલાવે છે.” એમ કહી તે યુવાન જતો રહ્યો એટલે કિશન પોર્ટફોલીયો લઇને આચાર્યના કક્ષમાં ગયો.આચાર્યે તેને સામેની ખુરશીમાં બેસવા કહ્યુ એટલે કિશન બેઠો.આચાર્યે કિશનને પુછ્યુ “ જમવાનુ કેવુ લાગ્યુ આશ્રમનું?”

“ ખુબ મજા આવી સાદુ પણ સ્વાદિષ્ટ ભોજન હતુ.” ત્યારબાદ આચાર્યે વાતની શરૂઆત કરતા કહ્યુ “ હું તને શરૂઆતથીજ આખી વાત કરૂ છું.મારી સ્કુલની એક છોકરી અને બાજુના ગામ ઝાંપાગઢ સ્કુલની એક છોકરી બન્ને જુનાગઢ રમતોત્સવમાં ભાગ લેવા ગયા હતા.અને ત્યાં જે થયુ તે તુ જાણે છે બરાબરને?” કિશને હકારમાં માથુ હલાવ્યુ એટલે આચાર્યે આગળ કહ્યુ “હા તે વાતની મને ખબર પડી.સીવીલમાં એક મારો મિત્ર પટ્ટાવાળાની નોકરીમાં હતો.તેણે મને બધી વાત કરી.એટલે મને ખબર પડી કે છોકરીની તેને ખબર વગર કીડની કાઢી લીધી છે.તેમા મે અને મારા મિત્રએ તપાસ કરી અને તે છોકરીના રીપોર્ટ ફરીથી કરાવ્યા તો અમને ખબર પડીકે આતો માનવ અંગોને વેચવાનુ એક મોટુ કોભાંડ ચાલે છે.એટલે મે આપણા ગામના તે સમયના યુવા કાર્યકર મૌલીકભાઇને વાત કરી.પણ તે મારી ભુલ હતી આ નેટવર્ક ખુબ ઉંચા લોકો સુધી ફેલાયેલુ હતુ અને તે લોકોને ખબર પડી ગઇ કે હું આ બધુજ જાણુ છું અને મારી પાસે સબુત છે. ‘મને વચ્ચે એવી ખબર પડેલી કે આ કોભાંડમાં ઝાંપાગઢના શિક્ષક રમણીકભાઇ પણ સામેલ છે એટલે હું તેની સાથે પણ ઝગડેલો.આ બધાને લીધે તે લોકોને મારાથી ખતરો લાગ્યો એટલે તેણે મને મારવાનો પ્લાન બનાવ્યો.એક દિવસ હું સ્કુલ છુટી ગયા પછી સ્કુલમાં બેસીને કામ કરતો હતો ત્યાં એક માણસ મારી ઓફીસમાં આવ્યો તેને જોઇને હું અવાચક થઇ ગયો અને ખુબ ખુશ થઇ ગયો.હું ખુરશીમાંથી ઉભો થઇ ગયો તે પણ મારી પાસે આવી મને ભેટી પડ્યો.તે માણસ હતો મારો નાનો ભાઇ પ્રહલાદ પંડ્યા.તે તેને ક્યારેય જોયો નથી કેમ કે તારા જન્મ પહેલા તે એક પેઢીમાં કામ કરતો હતો.ત્યાંથી કંઇક ઉચાપત કરી ઘર છોડી ભાગી ગયો હતો.તેને અચાનક આવેલો જોઇ હું ખુશ થઇ ગયો.અમે બન્ને ભાઇઓ બેસીને વાતો કરતા હતા.મે તેને ઘરે આવવા કહ્યુ પણ તેણે ના પાડી અને કહ્યુ હું ફક્ત તમનેજ મળવા આવેલો મારે 3 હજાર રૂપીયાની જરૂર છે.હું લગ્ન કરવા માગુ છું.ત્યારબાદ તેણે મને વાત કરીકે તેને એક છોકરી સાથે પ્રેમ થઇ ગયો છે અને તે બન્ને લગ્ન કરવા માગે છે અને તે છોકરીનુ સરનામુ પણ મને આપ્યુ.આ સાંભળી મે તેને કહ્યુ “તુ અહી બેસ હું તને ઘરેથી પૈસા લઇ આવી આપુ છું.” એમ કહી હું ઘરે પૈસા લેવા ગયો અને તે ત્યાં મારી ઓફીસમાં બેઠો.હું પૈસા લઇને આવ્યો ત્યાં તો મારી ઓફીસમાં આગ લાગી હતી અને તેમા તે સળગી ગયો હતો.મે સ્કુલની પાછળ એક બાઇકનો અવાજ સાંભળ્યો એટલે હું ત્યાં દોડીને ગયો તો બે યુવક હતા.જે કોઇને ફોન પર કહેતા હતા “હા ભાઇ તે માસ્તરનુ કામ પુરુ થઇ ગયુ છે.” આ સાંભળી મને આખી વાત સમજાઇ ગઇ કે તે લોકો મને મારવા આવ્યા હતા.અને મારા જેવાજ દેખાવને લીધે તેણે મારા ભાઇને મારી નાખ્યો.આ વિચાર આવતા જ હું ધ્રુજી ગયો અને મને સમજાઇ ગયુ કે આ જે પણ છે તે બહુ પહોંચેલી માયા છે.જો હું જીવતો છું તેવી ખબર પડશે તો તે મને અથવા મારા પરીવારને ફરીથી મારવાની કોશિસ કરશે એટલે મે થોડુ વિચારીને સ્કુલની પાછળથી જ જુનાગઢ તરફ નીકળી ગયો.જુનાગઢ આવી હું ભારતી બાપુને મળ્યો અને બધી વાત કરી તો તેણે મને અહી મોકલ્યો.ત્યારે હજુ આ આશ્રમ નવોજ થયો હતો.એટલે હું અહી આવીને કામ કરીને રહેવા લાગ્યો અને ધીમે ધીમે આ આશ્રમનો સંપુર્ણ વહીવટ મારા હાથમાં આવી ગયો.અહીના ગુરૂજી અત્યારે હીમાલયમાં ગયા છે એટલે આશ્રમની સંપુર્ણ જવાબદારી મારી છે.હવે આ આશ્રમની ઘણી શાખા પણ છે.”વાત પુરી કરી આચાર્ય રોકાયા એટલે કિશને કહ્યુ “મમ્મીને કંઇ રીતે ખબર પડીકે તમે જીવો છો?”

“હું જ્યારે અહી સેટ થઇ ગયો અને મને જ્યારે એવુ લાગ્યુ કે ત્યાં બધુજ સમી ગયુ છે ત્યારે મે સૌથી પહેલા ડુંગરપુરના આચાર્ય ઓઝા સાહેબને એક દિવસ ફોન કરી મળવા બોલાવ્યા તે તો મને જોઇ ભેટીજ પડ્યા.મે તેને બધી વાત કરી.તેણે મને કહ્યુ કે “તમારા પત્નીની તબિયત દિવસે દિવસે બગડતી જાય છે.” એટલે મે તેને કહ્યુ કે તમે તેને હું જીવુ છું તે વાત કરજો અને કહેજો કે તે કોઇને કહે નહી.ઓઝા સાહેબ સાથે મે પૈસા પણ મોકલેલા અને તારી મમ્મીને વિશ્વાસ આવે એટલે એક ચીઠી મોકલેલી અને ઓઝા સાહેબને કહ્યુ હતુ કે તે વાંચીલે એટલે તરતજ ફાળી નાખજો.પણ પછી તારી મમ્મીએ મને મળવાની જીદ પકડી હતી.હું ડુંગરપુરમાં તો તેને મળવા આવી શકુ એમ નહોતો.એટલે મે તેને બહાર આવવાનુ કહ્યુ અને તે નાટક કરી જામનગર આવી ગઇ અને તને કોઇ પ્રશ્નના જવાબ ન આપવા પડે એટલે તેણે બોલવાનુજ બંધ કરી દીધુ.”

“તમને શું લાગે છે.તમારી વાત તે લોકો સુધી મૌલીકભાઇએ પહોંચાડી હતી.મૌલીકભાઇ તેની સાથે જોડાયેલા હશે?”

આ સાંભળી આચાર્યના ચહેરા પર હાસ્ય આવી ગયુ અને તે બોલ્યા “કેમ સાસરા સાથે લડવાનુ આવતા ડર લાગે છે?”

આ સાંભળી કિશનના ચહેરા પર સ્માઇલ આવી ગયુ પણ તરતજ તેના ચહેરા પર એક અજબ ભાવ આવ્યા અને તે બોલ્યો “આમા તો સામે ગમે તે હશે.હું છોડવાનો નથી.પછી ભલે તેનુ પરીણામ ગમે તે આવે.”

આ સાંભળી આચાર્યે કહ્યું “પહેલા મને પણ મૌલીકભાઇ પરજ શક હતો.મે તારી મમ્મીને પણ તને ચેતવવા માટે કહેલુ.પણ પછી જ્યારે મને ખબર પડી તારો કોઇ પીછો કરાવે છે ત્યારે મે તેમાં તપાસ કરાવી તો મને ખબર પડીકે આ વાતમાં તે સામેલ નથી.તેની નીચેનો માણસ વિજય વાઘેલા તેને ખબર ન પડે તે રીતે આ નેટવર્ક સાથે સંકળાયેલો છે.”

પછી થોડુ રોકાઇને તે બોલ્યા “દિકરા ઇશિતા સારી છોકરી છે.તને ખુબ પ્રેમ કરે છે.આપણને પ્રેમ કરતી વ્યક્તિને દુઃખ પહોંચાડવા જેવો બીજો કોઇ ગુનો નથી.જીંદગી જીવવાની મજા તોજ આવે જો આપણને ખબર હોય કે કોઇ છે જે આપણા માટે જાન આપવા તૈયાર છે.ઇશિતા જેવી છોકરી નસીબદારનેજ મળે છે.”

એમ કહી આચાર્ય થોડુ રોકાયા એટલે કિશને કહ્યુ “તો પછી તમારી વાત તે લોકો સુધી કોણે પહોંચાડી હતી?”

“એ તો પેલા રમણીકભાઇ જ હતા.”

“આમા પેલી ઝંખનાની સીડીનું શુ મહત્વ છે એ મને સમજાયુ નહી“

“એ સીડી પણ એટલીજ મહત્વની છે.તને ત્યાં સુધી પહોંચાડવાનો આશય એ હતો કે તને ખબર પડે કે આમાં મિનિસ્ટર પણ સંકળાયેલા છે.જેથી તુ સાવચેત થઇ જા.તારો જો પીછો ન થયો હોત તો તને આમા સામેલ જ ના કર્યો હોત.પણ તારો પીછો થયો એટલે તને સાવચેત કરવા માટે તને જાણકારી આપવી પડી”

“અને હા મને જે ફોન કરતા તે માતાને તમે કેમ ઓળખો છો?”

“તે માતા એ બિજુ કોઇ નથી પણ તારા પ્રહલાદ કાકા જેની સાથે લગ્ન કરવાના હતા તે જ સ્ત્રી છે.મેજ તેને ભારતી આશ્રમમાં રખાવી હતી.” આચાર્યએ કહ્યુ.

“હવે શુ કરવુ છે મારી પાસે આટલા પ્રુફ છે પણ તે પુરતા નથી.તે લોકો આરામથી છટકી જશે અને પછી આપણને છોડશે નહી.”એમ કહી કીશને તેનુ પોર્ટફોલીયામાંથી બધુ આચાર્યને બતાવ્યુ.ત્યારબાદ આચાર્ય ઉભા થયા અને રૂમમાં રહેલ એક ગુરૂજીનો ફોટો તેણે દિવાલ પરથી ઉતાર્યો તો તેની પાછળ એક તિજોરી હતી.તે તીજોરી ખોલી આચાર્યે એક પેકેટ કાઢ્યુ જેમા થોડી સીડી અને અમુક કાગળ હતા. આ બધી વસ્તુ તેણે કિશનને આપી અને કહ્યુ “આજની રાત તુ અહીજ આ ડીવીડી પ્લેયર અને ટીવીમાં બધુ જોઇલે.પછી કાલે આપણે શું કરવુ તેના વિશે વાત કરીશુ.” એમ કહી આચાર્ય અંદરના રૂમમાં જતા રહ્યા અને કિશન ડીવીડી જોવા લાગ્યો.

બીજા દિવસે આચાર્યે કિશનને પુછ્યુ “શુ લાગે છે ડીવીડી પરથી.”

“અરે તમે તો જોરદાર સબુત એકઠા કરેલા છે અને ઘટતી વિગતો મારી પાસે છે. આ સબુત તો ભુકંપ લાવી દેશે.બસ હવે મારે મારા મિત્રને આ બધી વાત કરવી પડશે તે હોમમિનિસ્ટરનો સેક્રેટરી છે.તમે તેને ઓળખો છો.પેલો શરદ મારી સાથે માધ્યમિકમાં ભણતો તે બહુ મોટો માણસ બની ગયો છે.”

“ હા પણ જોજે વાત લીક ના થાય.બાકી તને કંઇ કહેવાની જરૂર નથી.” આચાર્યે કહ્યુ.

“આ બધા સબુત લઇ મારે દિલ્લી જવુ પડશે.ફોરેંસીક લેબમાંથી તેની ખરાઇનુ સર્ટીફીકેટ પણ મેળવવુ પડશે.” કિશને કહ્યુ.

“દિકરા તારી કાબેલીયત પર પુરો વિશ્વાસ છે છતા પણ તુ સાવધાન રહેજે.તુ નહી આવે ત્યાં સુધી મને ચિંતા રહેશે.તુ સલામત આવજે બીજુ જે પણ થાય તે હું સહન કરી લઇશ.”

આ સાંભળી કિશન આચાર્યને ભેટી પડ્યો અને પછી ત્યાંથી દીલ્લી જવા રવાના થઇ ગયો.

એક અઠવાડીયા પછી કિશન અને આચાર્ય તેના રૂમમાં બેસી ટીવી પર બ્રેકીંગ ન્યુઝ જોઇ રહ્યા હતા.ન્યુઝ રીપોર્ટર ગળુ ફાટી જાય એટલા અવાજથી બોલી રહ્યો હતો “ગુજરાત અને ભારતમાં ફેલાયેલુ માનવ અંગના ગેરકાયદેસર વેંચાણ અને સેક્સ ટ્રાફીકીંગનુ એક રેકેટ સીબીઆઇએ ઝડપી લીધુ છે.આ રેકેટમાં સામેલ ગુજરાતના એક મિનિસ્ટર અમોલ કોઠારી તેમજ અમદાવાદ સિવિલ હોસ્પીટલના સંચાલક ડૉક્ટરની સાથે સાથે ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે.આ રેકેટ કઇ રીતે પકડાયુ તેની પાછળ કોણ છે તે જાણી શકાયુ નથી પણ અંદરના સુત્રો દ્રારા જાણવા મળ્યુ છે કે એક સાથે પી એમ ઓફીસ,રાષ્ટ્રપતી કાર્યાલય, ગુજરાતના ચિફમીનીષ્ટરના કાર્યાલય અને બેથી ત્રણ મોટા ન્યુઝ ઓફીસના કાર્યાલય પર આ સબુતનુ પાર્સલ કોઇ અજાણી વ્યક્તિએ મોક્લ્યુ હતુ.જેનાથી પ્રાઇમમિનિસ્ટરે સીધી કાર્યવાહી સીબીઆઇને સોપી દીધી છે.અને સીબીઆઇ એ જુદી જુદી જગ્યાએ દરોડા પાડી ઘણા બધા લોકોની ધરપકડ કરવામાં આવી છે.તથા ગુજરાતના મુખ્યમંત્રીએ અમોલ કોઠારીને બધાજ પદ પરથી સસ્પેડ કર્યા છે.” કિશન અને આચાર્ય આ ન્યુઝ જોઇને ખુશ થઇ ગયા.

“હવે મને કહે તે દિલ્લી જઇને શુ કર્યુ હતુ.”

“મે તો કંઇ ખાસ કર્યુ નથી.મે તો આ બધા સબુત શરદને આપ્યા એટલે તે તો આ જોઇને ચોંકી ગયો પછી તો બધુ તેણે જ સંભાળી લીધુ હતુ.ગુજરાતમાં જે પાર્ટી સતામાં છે તેની વીરોધી પાર્ટી કેંદ્રમાં સતામાં છે એટલે પ્રાઇમ મિનિસ્ટરનો પુરો સહયોગ આમા મળ્યો આ ઉપરાંત ગુજરાતના સી.એમનો આ અમોલ કટ્ટર હરીફ હતો એટલે આ બધા પાસા આપણી ફેવરમાં પડ્યા.બાકી તો બધુજ આયોજન શરદેજ સંભાળી લીધુ હતુ.કાલે હું દીલ્લીથી અહી આવવા નીકળ્યો ત્યારેજ તેણે મને કહેલુ કે “કાલના ન્યુઝ જોજે એટલે ખબર પડી જશે.”

તે લોકો વાત કરતા હતા ત્યાંજ કિશનના મોબાઇલમાં શરદનો ફોન આવ્યો અને તેણે કહ્યુ “એલા કિશન સમાચાર જોયા કે નહી?”

“હા સમાચાર જ જોઇએ છીએ.થેંક્યુ યાર તારા વગર આ શક્ય નહોતુ.”

“અ‍રે એ વાત જવાદે તારી મદદથી તો એક મોટુ સેક્સ રેકેટ જડપાયુ છે સી.બી.આઇને દરોડામાં ઘણી મોટી સંખ્યામાં સેક્સ સી.ડી મળી છે અને તેમા થોડી અમોલ કોઠારીની પણ છે.હવે તેના વિરૂધ એવા પુરાવા છે કે તે જીંદગીભર જેલમાં રહેશે.અને હવે તારે ત્યાં રહેવાની જરૂર નથી કેમકે આ સી.ડી મોકલવાની જવાબદારી બીજી એક વ્યક્તિ એ તેના માથે લઇ લીધી છે.હવે તારા પર કોઇને શક નહી જાય.”

“શુ વાત કરે છે કોણ છે એ?”

“કોઇ રમણીકભાઇ વાછાણી છે?”

“ શુ વાત કરે છે?” કિશન ચોકી ગયો.

“હા પણ તેનુ નામ છુપુ રાખ્યુ છે.”

ત્યારબાદ કિશને થોડીવાત કરીને ફોન મુકી દીધો.અને આચાર્ય સામે જોઇને કહ્યુ “એક ચોંકાવી દે તેવા સમાચાર છે?”

આ સાંભળી આચાર્યે હસતા હસતા કહ્યુ “શું સી.ડી મોકલવાની જવાબદારી રમણીકભાઇએ સ્વીકારી લીધી છે એજ ને?”

આ સાંભળી કિશન ફરીથી ચોંકી ગયો અને બોલ્યો “તમને કેમ ખબર પડી?”

“દિકરા હું પણ તારો બાપ છું. એ મેજ ગોઠવણ કરી છે.”

“પણ એ કંઇ રીતે કર્યુ તમે?”

“આ બધી સી.ડી જે પકડાઇ છે તેમાં એક સી.ડી ઓછી છે અને તે મારા કબાટમાં છે.અને તે રમણીકભાઇની છે.” આમ કહી આચાર્ય ગુંઢ હસ્યા.અને તેને જોઇને કિશન પણ હસી પડ્યો.

છ મહિના પછી જુનાગઢની બહાર બાયપાસ પર મધુરમની બાજુમાં આવેલ ફળદુ વાડીમાં શહેરના તમામ મોટા માથા તથા રાજ્યના બધાજ મિનિસ્ટરની હાજરી હતી.સાથે સાથે હાઇકોર્ટના વકીલો અને જજો પણ હાજર હતા. આ બધા જે સમારંભમાં હાજરી આપવા આવ્યા હતા.તે સમારંભ હતો ગુજરાતના નવા ઉભરેલા વકીલ કિશન પંડ્યા અને જુનાગઢના હવે પછીની ધારાસભાની ચુટણીના દાવેદાર તરીકે જેને જોવામાં આવે છે તે ઇશિતા પટેલના લગ્નનો રીસેપ્શન સમારંભ હતો.આખી ફળદુ વાળી ફ્લડલાઇટના પ્રકાશમાં ઝગમગી રહી હતી.આ બધા સાથે કિશન અને ઇશિતાનુ આખુ ગૃપ પણ હતુ.બધાજ ખુશ હતા.કિશને તો આ બધો ખર્ચ કરવાની ના પાડી હતી પણ કિશનની મમ્મીની અને ઇશિતાના પપ્પાની ઇચ્છા ધામધુમથી લગ્ન કરવાની હતી.કિશને લગ્ન તો થોડા માણસોની હાજરીમાંજ કરવાનો આગ્રહ રાખ્યો એટલે રીસેપ્શન ભવ્ય ગોઠવ્યુ હતુ.કિશને બન્ને ના માતા પીતા સામે શરત રાખી હતી કે તે લોકો જેટલો લગ્નમાં ખર્ચ કરે તેટલુ જ ડોનેશન તેણે ઇશિતાના એન.જી.ઓ “જસ્ટીસ ફોર વુમન”ને આપવુ પડશે.

લગ્ન પછી કિશને તેના માતા પિતાને તેની સાથે રહેવાનો આગ્રહ કર્યો હતો પણ તેના પપ્પએ કહ્યુ હતુ “ના હું તો ત્યાંજ રહીશ.આમ પણ હવે અમારી સંન્યાશ્રમ લેવાનીએ ઉમર થઇ ગઇ છે.” કિશનની મમ્મી પણ તેના પપ્પા સાથે નીજાનંદ આશ્રમમાં રહેવા જતી રહી હતી.અને જતા જતા કહેતી ગઇ હતી કે હવે હું ત્યારે તમારી સાથે રહેવા આવીશ જ્યારે ઇશિતા મને કંઇક સારા સમાચાર સંભળાવશે.”

આ સાંભળી ઇશિતા સરમાઇ ગઇ.

લગ્ન પછી કિશન અને ઇશિતા હનીમુન માટે ગોવા જતા રહ્યા.

***

મિત્રો આ સ્ટોરી અહી પુરી થાય છે.ક્યારેક આ સ્ટોરીનો કોઇ ભાગ આપને પસંદ ન આવ્યો હોય તો તે બદલ દિલથી માફી માગુ છું.આપ સૌ મારી સાથે જોડાઇ રહ્યા અને પ્રતિભાવ આપતા રહ્યા તે બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર.

આ સ્ટોરી જ્યારે લખવાની શરૂઆત કરી ત્યારે એમ હતુ કે 15 પ્રકરણમાં સ્ટોરી પુરી થઇ જશે.પણ જેમ જેમ સ્ટોરી લખતો ગયો તેમ તેમ સ્ટોરી કોઇ જુદીજ રીતે આગળ વધતી રહી.હું આજે પ્રમાણીક પણે કબુલુ છુ કે મે જે સ્ટોરી શરૂઆતમાં વિચારી હતી તેના કરતા આ સ્ટોરી તદન જુદી છે.જેમ જેમ લખતો ગયો તેમ તેમ વિચારો આવતા ગયા અને તેમાંથી સ્ટોરી આગળ વધતી ગઇ.ક્યારેક એકદમ ડેડ એંડ પણ આવી જતો કે હવે પછી શુ લખીશ પણ જ્યારે લખવા બેસુ અને મનમાં વિચારો આવતા જાય આવુ ઘણીવાર મારી સાથે બન્યુ છે.આ સ્ટોરી હું લખી શક્યો અને તમારા સુધી પહોંચાડી શક્યો તેનો શ્રેય માતૃભારતીને જાય છે જેણે અમારા જેવા નવા લેખકોને એક પ્લેટફોર્મ પુરૂ પાડ્યુકે જેથી અમે અમારા વિચારો તમારા સુધી પહોંચાડી શકીએ.આ માટે હું મહેન્દ્રભાઇ અને માતૃભારતીની ટીમનો ખુબ ખુબ આભાર માનુ છુ. આ સ્ટોરી લખી શક્યો તેની પાછળનુ કારણ મારૂ વાંચન છે અને આ વાંચન શોખ મારી સ્કુલની લાઇબ્રેરીને લીધે જળવાઇ રહ્યો છે તો આ લાઇબ્રેરીની સેવા પુરી પાડવા બદલ મારી શાળાના સંચાલક મંડળનો ખુબ આભારી છું.મારા દરેક પ્રકરણના એડીટર અને જોડણી ભુલને સુધારવામાં મારી શાળાના ગુજરાતીના શિક્ષક સુરેશભાઇ પટેલે ખુબ મદદ કરી છે તે બદલ તેનો ખુબ આભાર.મારા માતા પિતા એ મને સારા સંસ્કાર અને વાંચનો શોખ જન્માવ્યો તોજ અહી સુધી પહોંચી શક્યો અને તેનુ ઋણ ચુકવવાની મારી હેસીયત નથી. જેના સહયોગ વગર આ વાર્તા શક્ય જ નહોતી અને જેણે વારંવાર ઉત્સાહ વધારીને મને લખવા માટે સક્રીય રાખ્યો તથા મારા દરેક પ્રકરણની પહેલી સમીક્ષક અને જેના સાથ અને સહયોગ વગર આ કાર્ય શક્ય જ ના બન્યુ હોત તેવી મારી પત્ની આરતી હિરેન ભટ્ટ નો પણ આ તબક્કે આભાર માનુ છે.કેમકે તેને મોઢેથી ક્યારેય આ કહી શકવાનો નથી.અને છેલ્લે મારા દરેક વાંચકો કે જેણે મારી અપેક્ષા કરતા પણ ખુબ સારો રીસ્પોંસ આપ્યો અને વારંવાર વોટસ એપ અને કોલ દ્વારા પોતાના પ્રતિભાવ આપ્યા એ બધાનો દિલથી ખુબ ખુબ આભાર.

હિરેન કે ભટ્ટ- whatsapp no - 9426429160

Email id:- hirenami.jnd@gmail.com

Facebook id :- hirenami_jnd@yahoo.in