Alpha in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | આલ્ફા

Featured Books
Categories
Share

આલ્ફા

આલ્ફા
-રાકેશ ઠક્કર
 
         વાયઆરએફ સ્પાઈ યુનિવર્સની નવીનતમ ફિલ્મ ‘આલ્ફા’ માં આલિયા ભટ્ટ, શર્વરી, બોબી દેઓલ અને અનિલ કપૂર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ કેટલીક બાબતોમાં સફળ રહી છે તો કેટલીક બાબતોમાં તે દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. ફિલ્મની શરૂઆત કારગિલ યુદ્ધ પછીના સમયગાળાથી થાય છે અને વાર્તા આલ્ફા પ્રોગ્રામ નામના એક ગુપ્ત સુપર હ્યુમન મિલિટરી પ્રોજેક્ટની આસપાસ ફરે છે, જે સામાન્ય મનુષ્યો કરતાં સો ગણા વધુ શક્તિશાળી સૈનિકો તૈયાર કરવા માટે બનાવવામાં આવ્યો છે. ફિલ્મનો પ્રથમ ભાગ ખૂબ જ રસપ્રદ અને વાર્તા પર કેન્દ્રિત હોવાનું માનવામાં આવે છે, જ્યાં પાત્રોનો પરિચય, તેમનો પરસ્પર સંબંધ અને આલ્ફા પ્રોગ્રામનું આયોજન ખૂબ જ સરળ અને આકર્ષક રીતે રજૂ કરવામાં આવ્યું છે. જેના કારણે દર્શકો વાર્તા સાથે જોડાયેલા રહે છે અને સમય ક્યાં પસાર થઈ જાય છે તેની ખબર પડતી નથી.
 
         ફિલ્મનો બીજો ભાગ નબળો સાબિત થાય છે. કારણ કે ત્યાં વાર્તા આગળ વધવાને બદલે માત્ર હાઈ-ઓક્ટેન એક્શન સિક્વન્સ અને બિનજરૂરી દ્રશ્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જે વાર્તાની ગતિને ધીમી પાડે છે. વાર્તામાં કેટલાક એવા ટ્વિસ્ટ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જે અતાર્કિક લાગે છે અને સ્પાઈ થ્રિલર હોવા છતાં ફિલ્મ ઘણી જગ્યાએ ખૂબ જ અનુમાનિત બની જાય છે. જે આ શૈલીની ફિલ્મો માટે નકારાત્મક પાસું ગણાય. સ્પાઈ યુનિવર્સની આ ફિલ્મ મોટા કન્સેપ્ટ પર આધારિત હોવા છતાં નબળા લેખનને કારણે પડદા પર ખાસ પ્રભાવ પાડી શકી નથી. ફિલ્મમાં બે મહિલા કલાકારોને એક્શન ફ્રેન્ચાઈઝીના કેન્દ્રમાં રાખવાનો પ્રયાસ પ્રશંસનીય છે, પરંતુ વાર્તામાં કોઈ નવીનતા નથી. સ્પાઈ યુનિવર્સની અત્યાર સુધીની a સૌથી નબળી ફિલ્મ છે,
 
         કલાકારોના અભિનયની વાત કરીએ તો આલિયા ભટ્ટના કામ વિશે સમીક્ષકોમાં બે વિરોધાભાસી અભિપ્રાય છે. એક તરફ કેટલાકનું માનવું છે કે તેણે એક્શન સીન્સમાં સારું કામ કર્યું છે અને સ્પાઈ યુનિવર્સની એક મોટી ફિલ્મને લીડ કરીને પોતાના કરિયરને નવી ઊંચાઈ આપી છે. જ્યારે બીજી તરફ કેટલાક વિવેચકોનું માનવું છે કે તેણે પોતાના પાત્રને ખૂબ મોટું બતાવવાના ચક્કરમાં અતિશયોક્તિભર્યો અભિનય કર્યો છે અને રોબોટિક શૈલીમાં સંવાદો બોલ્યા છે. જે દ્રશ્યોને નકલી બનાવે છે. બીજી તરફ શર્વરીના અભિનયના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે, જે પડદા પર અત્યંત સ્વાભાવિક, જીવંત અને પ્રભાવશાળી દેખાય છે અને તેના દ્રશ્યો આલિયા ભટ્ટ કરતા પણ વધુ આકર્ષક સાબિત થાય છે.
 
         બોબી દેઓલના પાત્ર વિશે એવું કહેવાયું છે કે તેના પર હરિયાણવી લહેકો બિલકુલ યોગ્ય લાગતો નથી અને તેના પાત્રના વળાંકો અણધાર્યા હોવા છતાં નબળા લેખનને કારણે હાસ્યાસ્પદ લાગે છે. અનિલ કપૂર સાથે જોડાયેલો ફેમિલી એન્ગલ પણ દર્શકો સાથે કોઈ ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરી શકતો નથી. ક્લાઈમેક્સમાં આલિયા ભટ્ટ અને બોબી દેઓલ આમને-સામને આવે છે તે પણ બહુ પ્રભાવશાળી લાગતું નથી. જો કે, ફિલ્મમાં રિતિક રોશન એટલે કે મેજર કબીરનો કેમિયો ફિલ્મનો સૌથી શ્રેષ્ઠ અને રોમાંચક ભાગ માનવામાં આવે છે. ભલે તે વાર્તામાં બહુ તાર્કિક રીતે ફિટ ન થતો હોય પણ દર્શકોમાં જૂની યાદો તાજી કરે છે. આખી ફિલ્મ જાણે એક લાંબી અને કંટાળાજનક એડવર્ટાઈઝમેન્ટ હતી, જેમાં રિતિક રોશન માત્ર ૨ મિનિટ માટે અસલી પ્રોડક્ટ બતાવવા આવ્યો હોય એવું લાગે છે!
 

         મ્યુઝિક અને એક્શન કોરિયોગ્રાફીના વખાણ થયા છે પરંતુ થિયેટરની બહાર નીકળ્યા પછી ગીતો લાંબા સમય સુધી યાદ રહે તેવા નથી. ફિલ્મમાં દેશભક્તિની ગંભીર વાતો વચ્ચે અચાનક બિકીની સીન્સ અને ગીતો આવી જાય છે, જાણે સ્પાઈ એજન્ટ્સ મિશન પર નહીં પણ ગોવા પિકનિક મનાવવા ગયા હોય! ‘આલ્ફા’ એક એવી ફિલ્મ છે જે એક્શનના શોખીનો માટે એક વખત જોવા જેવી ટાઈમપાસ સાબિત થઈ શકે છે પરંતુ તે અસાધારણ કે ‘વાહ!’ ક્ષણો પ્રદાન કરવામાં નિષ્ફળ રહી છે. પરિણામે આ ફિલ્મ સરેરાશ અથવા સરેરાશથી પણ ઓછી કક્ષાની ફિલ્મ તરીકે વર્ણવી શકાય એમ છે.