Baalvartao in Gujarati Children Stories by Rakesh Thakkar books and stories PDF | બાળવાર્તાઓ

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

બાળવાર્તાઓ

બાળવાર્તાઓ

- રાકેશ ઠક્કર

લોભ અને લુચ્ચાઈનું ફળ

એક ગામમાં શ્યામલાલ નામનો શાહુકાર રહેતો હતો. તેનો મુખ્ય ધંધો વ્યાજ લઈ લોકોને ઉધાર પૈસા આપવાનો હતો. જેમને પૈસાની જરૂર પડે તે શેઠ શ્યામલાલ પાસેથી વ્યાજે લઈ જતા. અને દર મહિને વ્યાજ ચૂકવતા. અને જયારે લીધેલા પૈસાની સગવડ થઈ જાય ત્યારે શ્યામલાલને પરત આપી દેતા.

એક દિવસ અચાનક શેઠ શ્યામલાલનું અકસ્માતમાં અચાનક મોત થઈ ગયું. થોડા દિવસ શોક પાળવામાં આવ્યો. પછી શેઠની પત્ની તારાબેન સામે વ્યાજે ધીરાણ કરેલા પૈસા પરત મેળવવાની સમસ્યા ઉભી થઇ. કેટલાક પ્રામાણિક લોકો તો સામે ચાલીને કહી ગયા કે તેઓ સમય પર પૈસા પરત આપી દેશે. પણ કેટલાક લોકો શેઠ ગુજરી ગયા તેથી પરત આપવાની ઈચ્છા રાખતા ન હતા. એટલે તેમની પાસેથી પૈસા કઢાવવાનું કામ મુશ્કેલ હતું.

એ લોકો પોતાને દાદ નહિ આપે એમ જાણ્યા પછી શેઠાણી તારાબેનને શેઠના ખાસ મિત્ર નવીનદાસ યાદ આવ્યા. તેમને ઘરે બોલાવ્યા. શેઠાણીએ નવીનદાસને પોતાની સમસ્યા જણાવી મદદ કરવા વિનંતી કરી.

નવીનદાસે શેઠાણીને મદદ કરવાની ખાતરી આપી. પણ સાથે શરત મૂકી કે તેને પણ ભાગ મળવો જોઈએ. તે આ કામ માટે સમય આપવાનો અને મહેનત કરવાનો હોવાથી તેને ફાયદો મળવો જોઈએ.

તારાબેને વિચાર્યું કે નવીનદાસ સિવાય કોઈની મદદ મળી શકે એમ નથી. આમ પણ જો ઉઘરાણી નહિ કરું તો પૈસા ગયા ખાતે જ ગણાશે. નવીનદાસ જેટલા પરત લાવી શકે એટલો નફો જ છે. એમાંથી આપવામાં કોઈ વાંધો નથી. હવે બીજી કોઈ એવી જાણીતી અને વિશ્વાસુ વ્યક્તિ પણ નથી કે મદદ કરી શકશે. શેઠાણી તારાબેને નવીનદાસની શરત માની લીધી. અને કહ્યું કે,''તમે પૈસા વસૂલવાનું શરૂ કરો. પછી આવેલ પૈસામાંથી તમારી ઈચ્છા હોય એટલા મને આપજો.''

નવીનદાસ તો શેઠાણીની વાત સાંભળી ખુશ થઈ ગયો. શેઠ શ્યામલાલે જેમને ઉધાર આપ્યા હતા તેમના નામની યાદી નવીનદાસે શેઠાણી પાસેથી મેળવી લીધી. અને ઉઘરાણીમાં લાગી ગયો. તેણે કેટલાકની પાસે પ્રેમથી તો કેટલાક પાસેથી પોલીસમાં ફરિયાદની ધમકી આપીને પૈસા વસૂલ કર્યા. તેણે થોડા દિવસોમાં શેઠે ધીરાણ આપેલા મોટાભાગના પૈસા વસૂલ કરી લીધા.

જયારે શેઠાણીએ નવીનદાસ પાસે પરત આવેલા પૈસા માગ્યા ત્યારે તેમાંથી બહુ ઓછા આપવા તે રાજી થયો. શેઠાણીને કલ્પના ન હતી કે તેમના પતિનો મિત્ર પૈસા જોઈને દાનત બગાડશે. શેઠાણીને એમ હતું કે અડધાથી વધારે રકમ તેને મળશે. પણ સાવ ઓછી રકમ આપવા માગતા નવીનદાસ પાસેથી રકમ સ્વીકારી નહિ. અને ન્યાયાલયમાં જઈને નવીનદાસ વિરૂધ્ધ ફરિયાદ કરી. ન્યાયાલયમાંથી નવીનદાસને હાજર રહેવા માટે હુકમ થયો. અને સુનાવણી શરૂ થઈ.

ન્યાયાધીશે બંને પક્ષની દલીલો સાંભળી. પૈસા ઉઘરાવવા માટે કેવી વાત થઈ હતી અને શું નક્કી થયું હતું તે જાણ્યું. પછી નવીનદાસ પાસેથી વસૂલ થયેલ રકમનો હિસાબ મેળવ્યો. અને બીજા દિવસે વસૂલ કરેલ તમામ પૈસા સાથે ન્યાયાલયમાં હાજર રહેવા કહ્યું.

બીજા દિવસે નવીનદાસે તમામ રકમ રજૂ કરી. ન્યાયાધીશે નવીનદાસે વસૂલ કરેલ ધનના બે ભાગ કરાવ્યા. તેમાં એક ભાગમાં ઘણા વધારે પૈસા હતા અને બીજા ભાગમાં થોડા પૈસા હતા.

ન્યાયાધીશે નવીનદાસને બંને ઢગલા બતાવીને પૂછયું કે કયો ઢગલો લેવા ઈચ્છે છે?

નવીનદાસે તો વિચાર્યા વગર તરત જ કહી દીધું કે,''હું મોટો ઢગલો લેવા માગું છું. મેં બહુ મહેનતથી આ રકમ વસૂલ કરી છે. શેઠાણી માટે તો બધા પૈસા ગયા ખાતે જેવા જ હતા.''

ત્યારે ન્યાયાધીશે તેને યાદ અપાવ્યું અને હુકમ સંભળાવતા કહ્યું, ''તારી અને શેઠાણી વચ્ચે થયેલા કરાર મુજબ આ ધનનો મોટો ઢગલો શેઠાણીને આપવામાં આવે છે. અને નાનો ઢગલો તને આપવામાં આવે છે.''

નવીનદાસને ન્યાયાધીશના આદેશથી આંચકો લાગ્યો. તેણે કહ્યું, ''આ તો અન્યાય કહેવાય. શેઠાણીએ હું ચાહું એટલા પૈસા લઈ શકીશ એમ કહ્યું હતું.''

ન્યાયાધીશ કહે,''બરાબર યાદ કર. તારા કહ્યા પ્રમાણે જ આ વહેંચણી થઈ છે. શેઠાણીએ તને કહ્યું હતું કે આવેલ પૈસામાંથી ''તમારી ઈચ્છા હોય એટલા મને આપજો.'' તારી ઈચ્છા વધુ પૈસાની છે. હવે તું વધુ ભાગ ઈચ્છે છે. એટલે એ શેઠાણીને આપવાનો થાય છે. તારી ઈચ્છા મુજબ વધુ ભાગ શેઠાણીને અને ઓછો ભાગ તારે લેવાનો રહેશે.''

નવીનદાસને પોતાની લુચ્ચાઈનું ફળ મળી ગયું. તેને થયું કે લોભ ના રાખ્યો હોત તો વધુ ધન મળ્યું હોત. શેઠાણીને ન્યાય મળતા તેણે ન્યાયાધીશનો આભાર માન્યો.

પરોપકારનો છોડ

એક ગામમાં કનોજીલાલ નામનો શેઠ રહેતો હતો. તે ખૂબ કંજૂસ હતો. તે પૈસાનો ખૂબ લાલચુ હતો. એક-એક પૈસો બચાવતો અને કરોડપતિ બનવાનું સપનું જોતો હતો. તે કોઈને મદદ કરવામાં માનતો ન હતો. પોતાની પાસે વધુ પૈસા આવે અને ખર્ચ ઓછો થાય એવી તેની ગણતરી રહેતી. પણ તેની પત્ની ધાર્મિક અને દયાળુ હતી. બીજાને મદદરૂપ થતી. બારણે આવતા સાધુ-સંતોને આદર આપતી અને ગરીબોની સેવા કરતી. એ બધું શેઠને ગમતું નહિ. તે સાધુઓને ધૂત્કારી કાઢતો. અને ગરીબોને હડધૂત કરતો.

એક દિવસ શેઠ દુકાને હતા ત્યારે એક તપસ્વી સાધુ આવ્યા. શેઠાણીએ સાધુને ઘરમાં આદરથી બોલાવી ભોજન કરાવ્યું અને યથાશક્તિ ભેટ આપી. સાધુએ શેઠાણીને આશીર્વાદ આપ્યા. જયારે સાધુ જવા માટે રવાના થતા હતા ત્યારે શેઠ આવી પહોંચ્યો. શેઠાણી ગભરાઈ ગઈ. તે જાણતી હતી કે શેઠને કોઈની મદદ કરવાનું ગમતું નથી. તે આવી રીતે કોઈ સાધુને ભિક્ષા કે સન્માન આપતો નથી. અને એમ જ બન્યું.

પોતાના આંગણે સાધુને જોઈ શેઠ ક્રોધિત થઈ ગયો. અને પત્નીની ઝાટકણી કાઢતા કહ્યું,''લીલા, મેં તને ના પાડી છે ને કે આવા સાધુઓને દાન-દક્ષિણા આપવાની નહિ. આ બધા પાખંડી હોય છે. કામકાજ કંઈ કરતા નથી અને મફતનું શોધતા ફરે છે. મારી પરસેવાની કમાણી તું આમ લૂંટાવતી રહીશ તો હું એક દિવસ કંગાળ થઈ જઈશ. મારે ઘરે ઘરે ભીખ માગવાનો વખત આવશે.''

શેઠના સાધુ માટેના અપમાનજનક શબ્દોથી શેઠાણી ધ્રુજી ગઈ. સાધુ કોઈ શાપ ના આપી દે એવા ડરથી તેની જીભ સીવાઈ ગઈ. ત્યારે સાધુએ શેઠનો સ્વભાવ પળવારમાં ઓળખીને હસતાં હસતાં કહ્યું,''ભાઈ, તમને ઘણી બધી દોલત મેળવવાની બહુ ઈચ્છા છે?''

સાધુના આવા પ્રશ્નથી શેઠ એકદમ ચોંકી ઉઠયો. પછી સહેજ અચકાતાં 'હા' કહી.

સાધુ કહે,''તારે કેટલી ધન-દોલત જોઈએ છે?''

શેઠ કહે,''કરોડોની.''

''શું કરીશ આ ધન દોલતનું?''

''મારા માટે આલીશાન મહેલ બનાવીશ. મારા સુખ અને આનંદના તમામ સાધનો ઉપલબ્ધ કરાવીશ.''

''ધન-દોલત પોતાના માટે જ વાપરીશ કે પરોપકાર માટે પણ કંઈક ખર્ચ કરશે?''

''મારા માટે જ ઉપયોગ કરીશ. બીજા માટે શું કામ મારું ધન વાપરું? બીજા સાથે મારે શું લેવાદેવા.''

સાધુએ શેઠની વાત સાંભળી પોતાના ખભે લટકાવેલી ઝોળીમાંથી એક છોડનો બી કાઢયો. અને આપતાં કહ્યું,''આ છોડનો બી તારા ઘર પાછળના વાડામાં વાવજે. આ છોડ તારી કરોડપતિ બનવાની મનોકામના પૂર્ણ કરશે. પરંતુ એ ત્યારે જ શકય બનશે જયારે આ છોડ પર ફળ લાગશે.''

શેઠે ઉત્સુકતાથી પૂછયું,''પણ ફળ કયારે લાગશે મહારાજ?''

સાધુ કહે,''એ બધું તારા પર આધાર રાખે છે. આ છોડ પરોપકારનો છે. આ છોડ ત્યારે જ પલ્લવિત થશે જયારે તું દિનદુઃખિયાની સેવા કરીશ. જરૂરતમંદોની મદદ કરીશ. પણ જો કોઈને દુઃખ પહોંચાડીશ કે અપમાન કરીશ તો ઉગશે નહિ. અને ઉગી જશે તો પણ ફળ લાગશે નહિ.''

સાધુએ શેઠના જવાબની રાહ જોયા વગર આગળ ચાલવા માંડયું. શેઠ વિચારમાં ડૂબી ગયો.

એ રાત્રે શેઠને ઊંઘ ના આવી. તેને સાધુની વાતે બેચેન કરી દીધો. પરોપકાર કે સેવાનું તેણે કયારેય વિચાર્યું ન હતું. કયારેક વિચારતો કે સાધુ જૂઠો હતો. અને કયારેક ધનની લાલચમાં થતું કે સાધુ તો હંમેશા સારા જ આશીર્વાદ આપતા હોય છે.

શેઠે શેઠાણીનો અભિપ્રાય પૂછયો. શેઠાણીએ કહ્યું કે,''સાધુઓનું બોલેલું સાચું જ પડતું હોય છે.''

આખી રાત મનોમંથન કર્યા પછી શેઠે એમ વિચારીને બી રોપવાનો નિર્ણય કરી લીધો કે છોડ નહિ ઉગે તો પણ કંઈ નુકસાન તો થવાનું નથી. કદાચ સાધુની વાત સાચી પડી જાય. શેઠાણીએ સારો આદર - સત્કાર કર્યો હોવાથી ભેટ આપી હોય શકે. પ્રયત્ન કરવામાં આપણું શું જવાનું છે.

બી રોપ્યા પછી શેઠનો સ્વભાવ બદલાવા લાગ્યો. મનમાં ખાસ ઈચ્છા થતી ન હોવા છતાં તે આંગણે આવતા દિનદુઃખિયાની સેવા અને જરૂરતમંદોની મદદ કરવા લાગ્યો. શરૂઆતમાં થોડું કષ્ટ પડયું. પણ પછી આદત થઈ ગઈ.

હવે તો જે લોકો અગાઉ શેઠની નિંદા કરતા હતા તે પણ શેઠને માન-સન્માન આપવા લાગ્યા. લોકો પર ઉપકાર કર્યા પછી જે આશીર્વાદ મળતા તેનાથી શેઠના દિલને અપાર શાંતિ મળતી. શેઠના સ્વભાવમાં પરિવર્તન આવી ગયું. તેના આંગણે સાધુ- સંતો અને ગરીબો આવતા તો ખાલી હાથ પાછા જતા નહિ.

ધીમે ધીમે શેઠના પરોપકાર અને કરુણાની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ.

બીજી તરફ પેલો પરોપકારનો છોડ પણ વિકાસ પામતો હતો.

છોડ પર ફળ લાગવાની શરૂઆત થઈ ત્યાં સુધીમાં તો શેઠ સાધુની વાતનો મર્મ પામી ચૂકયો હતો. તે સમજી ચૂકયો હતો કે દિનદુઃખિયાની સેવા અને જરૂરતમંદોની મદદ કરવાથી માણસના મનને જે શાંતિ અને સંતોષ મળે છે તેની સામે કરોડોની ધન દોલતની કોઈ કિંમત નથી. કરોડોની ધનદોલતથી પણ આટલું સુખ અને આનંદ પ્રાપ્ત થઈ શકે નહિ. શેઠને હવે કરોડોની ધન-દોલતનો કોઈ મોહ ના રહ્યો.

***