દંતકથાઓથી માંડીને આપણાં પ્રાચીન ગણાતા ગ્રંથોમાં એવા પ્રાણીઓનાં ઉલ્લેખ જોવા મળે છે જેનું વર્ણન સાંભળતા તે માત્ર કપોળકલ્પિત હોવાનું જ લાગે છે.તેમના હોવા અંગેનાં કોઇ નક્કર પુરાવા પણ હોતા નથી.પણ જો કોઇ તમને કહે કે તેમાંના ઘણાં પ્રાણીઓ આજે પણ અસ્તિત્વ ધરાવે છે તો શું થાય.આ પ્રકારનાં પ્રાણીઓ હોવાના કેટલાક પુરાવા સાંપડ્યા પણ છે.
મત્સ્ય કન્યા જેને મર્મેડ તરીકે પણ ઓળખવામાં આવે છે જે એવું પ્રાણી છે જેનું અડધુ અંગ માછલીનું અને અડધુ અંગ માનવીનું હોય છે.માછીમારોની કથાઓ અનુસાર આ જીવ દરિયામાં રહે છે.આમ તો આ જીવ કપોળ કલ્પિત હોવાનું મનાતું હતું પણ આ જીવ અસ્તિત્વ ધરાવતું હોવાનાં પુરાવા સાંપડ્યા છે.અમેરિકાને શોધનારા ક્રિસ્ટોફર કોલંબસે પોતાની અમેરિકાની પ્રથમ મુલાકાત સમયે જ ત્રણ જેટલી મત્સ્ય કન્યાઓ જોયાનો ઉલ્લેખ કર્યો હતો.તેણે જણાવ્યું હતું કે આ મર્મેડ જેવી કહેવાય છે તેવી દેખાવે સુંદર ન હતી. તેના વર્ણન પરથી આ જીવ ડ્યુગોંગની નજીકનો સંબંધી હોવાનું જણાય છે.ડ્યુગોંગ અને મર્મેડને આમ તો તેમના આકારને કારણે સી કાઉઝ પણ કહેવાય છે.ડ્યુગોંગને માછીમારોએ મર્મેડ ગણવાની ભૂલ કરી હતી કારણકે તે પણ તેના જેવા જ લાગે છે.પુર્ણ વિકસિત સી કાઉઝ છ ફુટ લાંબી હોય છે તેમને પણ પાંચ આંગળીઓ હોય છે અને તે ખડક પર માનવીની જેમ ઉભી રહી શકે છે.પાણીમાં જ્યારે તરતી હોય છે ત્યારે તે મર્મેડ જેવી જ લાગે છે.
ક્રેકન દંતકથાઓમાં વર્ણિત એ વિશાળ જીવ છે જે ઓક્ટોપસ જેવો છે અને દરિયામા રહે છે.આ વિશાળ જીવે અનેક જહાજો ડુબાડીને તેના પર રહેલા માનવીઓનું ભક્ષણ કર્યાની કહાનીઓ માછીમારોનાં મુખે કહેવાય છે.દંતકથા અનુસાર ક્રેકન પોતાના હાથો વડે જહાજ પર હુમલો કરે છે અને તેને ડુબાડી દે છે અને તેમ કરવામાં તે નિષ્ફળ રહે તો તે જહાજની આસપાસ ખુબ જ ઝડપથી ચક્કર લગાવે છે અને વિશાળ ભ્રમર ઉત્પન્ન કરે છે જેમાં સપડાઇને આખરે જહાજ સમુદ્રમાં ડુબી જતું હોય છે.આ ક્રેકન આમ તો વિશાળ સ્કવીડ છે જે આમ તો દેખાવે ભયંકર લાગે છે પણ તે તદ્દન નિર્દોષ અને નિરૂપદ્રવી દરિયાઇ જીવ છે.તેણે કોઇ જહાજ પર હુમલો કર્યાના કોઇ પુરાવા અત્યાર સુધી તો સાંપડ્યા નથી.જો કે ક્રેકન દંતકથાઓમાંથી વાસ્તવિકતામાં ત્યારે પ્રવેશ પામ્યો જ્યારે ૧૮૫૩માં ડેન્માર્કનાં દરિયાકાંઠેથી જાયન્ટ સ્કવીડનાં અવશેષ મળ્યા હતા.આ જીવ દરિયાના ઉંડા પેટાળમાં રહેતો હોવાને કારણે તેના વિશે લોકોને બહુ ઓછી માહિતી હતી.આ પ્રાણી કોઇપણ જીવિત પ્રાણી કરતા વધારે વિશાળ આંખો ધરાવતું હતુ.આ પ્રાણી વિકસિત અવસ્થામાં અઢાર મીટર લાંબુ હોય છે અને તેનો શિકાર સ્પર્મ વ્હેલ હોવાનું જણાયું હતું.જો કે વિશાળ સ્કવીડ જ તેનો શિકાર કરતા બાકી તો નબળા સ્કવીડ તો વ્હેલનો સામનો કરવાનો આવે તો પલાયન કરવામાં જ શાણપણ ધરાવતા હતા.ડ્રેગન આમ તો કપોળકલ્પિત પ્રાણી છે ખાસ કરીને ચીનમાં તેના વિશે ઘણી કથાઓ પ્રચલિત છે.કથાઓ અનુસાર તેનો દેહ સાપ જેવો હોય છે અને તેની પાંખો ચામાચીડિયા જેવી હોય છે.તેના નખ બહુ તિક્ષ્ણ હોય છે.તે મોંમાંથી આગને ઓકતો હોવાની કથાઓ છે.આમ તો ડ્રેગન અંગે વિશ્વનાં અનેક દેશોમાં જુદી જુદી કથાઓ જોવા મળે છે.એવું પણ કહેવાય છે કે તેઓ નાશ પામ્યા હતા અને તેમના અવશેષો સ્થાનિકોને મળ્યા હતા જેમના દ્વારા ડ્રેગનનાં અસ્તિત્વની કથાઓ વહેતી મુકાઇ હતી.વર્ણન અનુસાર કેટલાક વિશાળ હતા કેટલાક ન હતા કેટલાકને પાંખો હતી કેટલાકને મતે તેમના ન્હોર તિક્ષ્ણ હતા.જો કે મોંમાંથી આગ ઓકવાની વાત કોઇએ કરી ન હતી.જો કે આ પ્રાણી ડ્રેગન નહિ પણ ડાયનાસોર હતા ડાયનાસોરને કારણે જ ડ્રેગનની કથાઓ પ્રચલિત થઇ હતી.ચીનમાં વિશાળ ડાયનાસોરનાં અવશેષો મળ્યા બાદ ત્યાં ડ્રેગનની કથાઓ પ્રચલિત બની હતી.
માઓરી આદિવાસીઓની દંતકથાઓમાં ઉડતા વિશાળ પક્ષીની કથા સાંભળવા મળે છે.આ પક્ષીઓ હવામાં ઉડતા ઉડતા જ માણસને પણ પોતાના પંજાઓમાં લઇને ઉડી જતા હોવાનું તેમાં વર્ણન છે.આ પક્ષીને પોકાઇ તરીકે ઓળખવામાં આવે છે.કેન્ટરબરી સંગ્રહાલયનાં સંશોધક ફ્રેડરિક રિચાર્ડસને જણાવ્યું હતું કે આ પક્ષી વાસ્તવમાં અસ્તિત્વ ધરાવતું હતું.હાસ્ટ ઇગલ એ વિશ્વમાં સૌથી વિશાળ ગરૂડ મનાય છે.તેની પાંખો આશરે ત્રણ મીટર પહોળી હોય છે અને તેનો શિકાર પણ સોથી અઢીસો કિલો વજન ધરાવતા મોઆ પક્ષી હોય છે.માનવીનું વજન તો તેનાથી ઓછુ હોય છે એટલે તે માનવીઓનો શિકાર સહેલાઇથી કરી શકે છે.ન્યુઝીલેન્ડમાં જ્યારે માનવીએ પહેલી વખત પગલા માંડ્યા ત્યારે તેના માટે થોડી દુવિધા ઉભી થઇ હતી અને તેને માણસ અને માઓમાં કોઇ ફરક લાગ્યો ન હતો અને તેનો શિકાર માનવી પણ થતા હતા જો કે ત્યારબાદ ત્યાં માનવીઓએ પહેરવેશની શરૂઆત કરી ત્યારે તેની દુવિધાનો અંત આવ્યો હતો જો કે શિકાર તરીકે તેને માણસ પણ ચાલી જાય તેમ હતા.
જો હાસ્ટ પોતાના પંજામાં માનવીને ઉપાડી શકે તેવું હતું તો રોક તો એક કરતા વધારે માનવીઓને પોતાના પંજામાં સહેલાઇથી ઉપાડી શકે તેવું પક્ષી હતું.એવું કહેવાય છે કે તે એટલું શક્તિશાળી હતું કે તે જમીન પરથી પુર્ણ વિકસિત હાથીને પણ ઉપાડી શકે તેમ હતું.માછીમારોની દંતકથાઓ અનુસાર આ પક્ષી આફ્રીકાના કિનારે આવેલા ટાપુ પર વસવાટ કરતું હતું.વાસ્તવમાં આદિવાસીઓએ જેને જોયું હતું તે કદાચ એપોર્યનિસ હતું.જેને એલિફન્ટ બર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે.તેનું વજન દસ ટન હોય છે અને તે દસ ફુટનું હોય છે.આ પક્ષીને સૌથી વિશાળ પક્ષી કહેવાય છે.તે માડાગાસ્કરમાં વસવાટ કરે છે.જો કે તે હાથીને હવામાં ઉઠાવી શકતું નથી કારણકે તે ઉડી શકતું નથી.માડાગાસ્કરમાં હાથીઓ પણ રહેતા નથી.આ પક્ષી વિશાળ તો છે પણ આકારમાં હાથી કરતા નાનું છે.આ પક્ષી અહી નવસો વર્ષ પહેલા રહેતું હતું પણ ત્યારબાદ તે નાશ પામ્યું હતું.માનવીઓએ તેનો બેફામ શિકાર કરીને તેના અસ્તિત્વનો અંત આણ્યો હતો.દંતકથાઓમાં એવા ઘોડાનું વર્ણન મળે છે જેને માથે શિંગડુ હોય છે અને તેને યુનિકોર્ન પણ કહેવાય છે.આ પ્રકારનું પ્રાણી અસ્તિત્વ તો ધરાવે છે પણ જેમ કથાઓમાં તેમનું વર્ણન હોય છે તેવા તે હોતા નથી.વાસ્તવમાં જેને આપણે યુનિકોર્ન માનીએ છીએ તે ગેંડા હતા.સાયબેરિયન યુનિકોર્ન એ આ દંતકથાઓનો આધાર છે.તે પણ ચાર પગે ચાલે છે અને તેમના માથે પણ શિંગડુ હોય છે.ગેડો જો કે યુનિકોર્નની તુલનાએ વધારે મજબૂત, વિશાળ હોય છે.તેનું વજન આશરે ચાર ટન જેટલું હોય છે.આ સાયબેરિયન યુનિકોર્ન આશરે ૩૯૦૦૦ વર્ષ પહેલા યુરેશિયામાં વસવાટ કરતું હતું ત્યારબાદ તેનો અંત આવ્યો હતો.આજે તેને મળતું પ્રાણી ગેંડો છે પણ તે વધારે આક્રમક હોય છે અને માનવીઓ તેનાથી દુર રહેવામાં જ લાભ હોવાનું માને છે.ગ્રીફિન એ એક અન્ય હાઇબ્રીડ પ્રાણી છે જેની દંતકથાઓ પ્રચલિત છે આ પ્રાણી માનવી જેવો ચહેરો ધરાવે છે અને તેને પાંખો પણ હોય છે તેનો આગલો પગ ગરૂડ જેવો અને પાછળ પુંછડી અને સિંહ જેવા પગ હોય છે.તે ઉડી શકે છે.કહેવાય છે કે આ પ્રાણી માનવજાતનો જન્મ થયો તે પહેલા ધરતી પર અસ્તિત્વ ધરાવતું હતુ.જો કે તે પ્રોટોસેરાટોપ્સ તરીકે ઓળખાતું ડાયનાસોર હોવાની શક્યતા છે.ગ્રીફીનની જેમ આ પ્રાણી પણ ચાર પગે ચાલતું હતું પણ તેને પાંખો ન હતી.ત્યારે માનવીઓને ડાયનાસોર અંગે વધારે જાણકારી ન હતી અને તેને પક્ષીઓ અંગે માહિતી હતી તેથી તેણે આ પ્રાણી પણ પાંખો ધરાવતું હોવાનું માની લીધુ હતું.જો કે તેની પીઠ પર વિશાળ ખુંધ હોવાને કારણે પણ તે પાંખ હોવાનું માનવીને લાગ્યું હશે.દરિયામાં રહેતા ભયંકર જીવોમાં દરિયાઇ સર્પનો પણ સમાવેશ કરવામાં આવે છે.માછીમારોની દંતકથાઓમાં તે પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવે છે.આ પ્રાણી પણ સંકર પ્રજાતિનો જીવ છે.ક્રેકનની જેમ આ પ્રાણી પણ અસ્તિત્વ ધરાવતો હોવાનું જણાય છે.જો કે આ જીવ એ ઓરફિશ હોવાની વધારે શક્યતા છે કારણકે આ માછલી પણ સાપ જેવી દેખાય છે.જો કે ઓરફિશ વિશાળ હોતી નથી.તેની લંબાઇ ત્રીસ ફુટ જેટલી હોય છે અને માછલીઓમાં તે સૌથી લાંબી હોય છે.જો કે આ જીવ અંગે આપણે વધારે માહિતી ધરાવતા નથી કારણકે તે દરિયાનાં ઉંડા વિસ્તારોમાં વસવાટ કરે છે.તે જો કે માનવીઓ કે માછલીઓનો શિકાર કરતી નથી પણ દરિયાનાં ઉંડા પેટાળમાં વસતા દરિયાઇ જીવો તેનો ખોરાક હોય છે.આ માછલી સત્તાવાર રીતે ૧૭૭૨માં મળી આવી હતી અને એક સદી બાદ તેના અંગેની દંતકથાઓ પ્રચલિત થઇ હતી.હિમાલયનાં નિવાસીઓ તેમજ નેપાળ અને ચીનનાં લોકોમાં ઉંચા પર્વતીય વિસ્તારોમાં રહેતા એક વિશાળ જીવની કથાઓ પ્રચલિત છે જેને લોકો યેતિ તરીકે ઓળખાવે છે.૧૯૨૧માં જ્યારે કેટલાક બ્રિટીશ પર્વતારોહકોએ એવરેસ્ટનું ચઢાણ કર્યુ ત્યારે તેમને આ જીવનાં પગનાં પગલાઓની છાપ મળી હોવાનો દાવો કરાયો હતો.પર્વતારોહકો અનુસાર અહીનાં નિવાસીઓમાં આ જીવ મેથો કાંગમી તરીકે જાણીતો છે.જો કે એક પત્રકાર હન્રી ન્યુમેને કેટલાક લોકોની મુલાકાત લીધી તે દરમિયાન તેણે તેમનાં કેટલાક શબ્દોનો ખોટો અર્થ કાઢ્યો હતો અને તે કારણે આ યેતિ શબ્દ પ્રચલિત થયો હતો.પણ હિમાલયનાં લોકો જેને યેતિ કહે છે તે કોઇ મનુષ્ય નહિ પણ વિશાળ રીંછ છે જે તે વિસ્તારમાં વસવાટ કરે છે.અહી બે પ્રકારની રીંછની પ્રજાતિઓ રહે છે અને તે પણ યેતિ જેવી જ આકૃત્તિ ધરાવે છે.ડીએનએ ટેસ્ટમાં જણાયું છે કે જે વાળ, ચામડી, દાંત, ફર અને અન્ય અવશેષ મળ્યા છે તે આ રીંછની પ્રજાતિનાં છે જેને યેતિનાં નામે ચઢાવી દેવાયા છે.
ઇસુની પાંચમી છઠ્ઠી સદી પહેલા પશ્ચિમ આફ્રિકાના પ્રવાસ દરમિયાન પ્રાચીન કાર્થેજનાં સંશોધકોનો સામનો એક નવી પ્રજાતિનાં જીવો સાથે થયો હતો અને તેને તેમણે ગોરિલ્લાઇ તરીકે ઓળખાવ્યા હતા.હાન્નો અને તેમના સમુહે તેમનો પીછો કર્યો હતો પણ તે ત્યાંથી ભાગી ગયા હતા.તે સમુદાયમાં રહેલા નર લોકો વધારે ઝડપી હતા અને તેઓ ખડકો પર ચઢી ગયા હતા અને તેમની ટુકડી પર પત્થરોનો વરસાદ વરસાવ્યો હતો.જો કે માદાઓ પ્રમાણમાં ધીમી હતી અને તેમની ટુકડીએ ત્રણ જેટલી માદાઓને પકડી હતી.જો કે ત્યારબાદ આ પ્રજાતિ અન્ય કોઇની નજરે ચડી ન હતી પણ અમેરિકન મિશનરી ટી.એસ. સેવેઝે તેમને ૧૮૪૭માં ફરી શોધી હતી.તે માનવ ન હતા પણ વાનરની પ્રજાતિ હતી.જેને આજે આપણે ગોરિલા તરીકે ઓળખીએ છીએ.ડોબાર ચુ એ આયરલેન્ડમાં પ્રચલિત વિચિત્ર પ્રાણી છે જેને જળ શ્વાન કે કિંગ ઓટ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે.તે જીવ અરધો શ્વાન જેવો અરધો માછલી જેવો હોવાનું કહેવાય છે.જો કે ઓટ્ટરની તુલનાએ તે પાંચગણો વિશાળ છે તે પાણીમાં તરી શકે છે અને જમીન પર દોડી પણ શકે છે.કહેવાય છે કે તેની ઝડપ ઘોડા કરતા વધારે હોય છે.ડોબર ચુ મોટાભાગે સમુહમાં જ પોતાનો શિકાર કરે છે.તે બહુ આક્રમક હોય છે અને પોતાના શિકારને પિંખી નાંખતા હોય છે.સત્તરમી સદીમાં ગ્રેસ મેકગ્લોનિ ગ્લેન્ડ લાફમાં કપડા ધોતી હતી ત્યારે તેના પતિએ તેની ચીસ સાંભળી તે ત્યાં પહોચ્યો પણ ત્યારે મોડુ થઇ ગયું હતું ડોબર ચુએ તેને પિંખી નાંખી હતી.પતિએ તેના હૃદય પર પ્રહાર કર્યો હતો અને તે મરતી વખતે સીટી જેવો અવાજ કરીને મોતને ભેટ્યું હતું.તેના કારણે તેના સાથી સાવચેત થયા હતા અને તેમણે ત્યાં પહોંચીને પતિને પણ મોતને ઘાટ ઉતાર્યો હતો.આયરલેન્ડમાં લાફનાં કિનારે વસવાટ કરતા લોકોમાં ડોબર ચુની કથાઓ સદીઓથી પ્રચલિત છે.આજે પણ લોકો માને છે કે આ પ્રજાતિ એચિલ આઇલેન્ડમાં વસવાટ કરે છે.
દક્ષિણ આફ્રિકાનાં લોકોની દંતકથાઓમાં મામલેમ્બો વિખ્યાત છે.આ પ્રાણી સાપ જેવું હોય છે કેટલાક તેને સાપ જેવો ગણાવે છે તો કેટલાક તેને સાપ, મગર અને ઘોડા જેવું સંકરવર્ણનું પ્રાણી માને છે.તે પોતાના શિકાર પર આક્રમણ કરીને તેને નદીનાં પાણીમાં ખેંચી જાય છે જો કે પોલીસ આ વાતને માનતી નથી પણ અહીનાં નિવાસીઓ દૃઢપણે મામલેમ્બોનાં અસ્તિત્વનો સ્વીકાર કરે છે.ઉત્તર અમેૅરિકાનાં સેન્ટ્રલ પ્લેઇન્સ અને વુડલેન્ડનાં સ્થાનિકોમાં હરણ મહિલાની કથાઓ પ્રચલિત છે.આ જીવ માનવીઓને બહેલાવી તેમને મોતને ઘાટ ઉતારતું હોવાની દંતકથાઓ પ્રચલિત છે.ઓકલાહામાનાં આદિવાસીઓ માને છે કે આ હરણ મહિલા ખુબ જ આક્રમક હોય છે જે માણસને બહેલાવીને તેમનો શિકાર કરે છે.કેટલાક કહે છે કે એ મહિલાનો આત્મા છે જેના પર બળાત્કાર કરીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી અને તેનો આત્મા હરણ તરીકે જન્મ્યો હતો.આ પ્રકારની દંતકથાઓ નેટિવ અમેરિકન્સ સમુદાયમાં ખુબ જ પ્રચલિત છે.ચુપાકાબરા નામનો જીવ આમ તો સૌપ્રથમ પ્યુર્ટો રિકોમાં ૧૯૯૫માં દેખાયો હતો આમ તો આ જીવ પણ શિકાર કરનારો છે અને તે શિકારનુંં લોહી ચુસી જાય છે.તે નાનકડા હરણ જેવો હોય છે અને તેની પુંછડી લાંબી હોય છે.તે કાંગારૂની જેમ ઉભો રહે છે અને તેની ચામડીનો રંગ લીલો હોય છે.આ જીવ આમ તો મેઇન, ઉત્તર મેક્સિકો, રશિયા અને ચિલીમાં જોવા મળ્યો હતો.જો કે જીવ નિષ્ણાંતો ચુપાકાબરાનાં અસ્તિત્વનો ઇન્કાર કરે છે તેઓ માને છે કે લોકોએ કોયોટોને જોયો હશે જે મેક્સિકોમાં રહેતી શ્વાન પ્રજાતિ છે.જો કે ચુપાકાબરાનાં અસ્તિત્વનાં કેટલાક પુરાવા સાંપડ્યા છે.૨૦૧૦માં એનિમલ કન્ટ્રોલનાં હાથે એક ચુપાકાબરાનું મોત થયું હતું.જો કે તે પાછળથી હાઇબ્રીડ કોયોટો હોવાનું પુરવાર થયું હતુ.એક ફુટેજમાં વિચિત્ર પ્રકારનો કુતરો જણાયો હતો જેનું માથુ વિશાળ હતું.બ્લેક સ્ટીક મેન પણ દંતકથાઓમાં પ્રચલિત જીવ છે જેની ઉંચાઇ અસાધારણ હોવાનું કહેવાય છે.ક્રિપ્ટોઝુઓલોજિસ્ટ માર્ક વુલ્ફગેંગ મિલરને તે વ્યોમિંગમાં જોવા મળ્યો હતો અને તેમણે તેનો ફોટોગ્રાફ પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો જો કે તે ફોટોમાં સ્પષ્ટપણે જણાયો ન હતો.ફ્રેન્સો નાઇટક્રાઉલર્સ પણ એવો જ જીવ છે જેનો રંગ સંફેદ છે જેની પીઠ નાની માથુ ગોળ છે પણ તેને હાથ નથી.તે પગ પર આધારિત છે.નેટિવ અમેરિકન્સમાં તે વધારે વિખ્યાત છે આ જીવ કેલિફોર્નિયામાં હોમ સિક્યુરિટી કેમેરામાં દેખાયો હતો અને તે યોશમાઇટ નેશનલ પાર્કનાં કેમેરામાં પણ ઝડપાયો હતો.જર્મેનિકોની માન્યતા અનુસાર સ્નેલીગેસ્ટર એ ડ્રેગન જેવો જીવ છે જે અરધુ પક્ષી અને અરધુ પ્રાણી છે જે તિક્ષ્ણ દાંત ધરાવે છે.મેરિલેન્ડની ફ્રેડરિક કન્ટ્રીનાં રહેવાસીઓએ તેને જોયાનો દાવો કર્યો હતો.જો કે ૧૯૦૯માં આ પ્રકારનો જીવ હોવાનું પુરવાર થયું હતું.આ પ્રાણી ન્યુજર્સીથી માંડીને ઓહાયોમાં દેખાયું હતું.તેને જોનારાઓનું કહેવું હતું કે તેની આંખ કપાળમાં હતી.જો કે આ જીવ છેલ્લે મેરિલેન્ડની વોશિંગ્ટન કાઉન્ટીમાં દેખાયાનું કહેવાયું હતું ત્યારબાદ તેને કોઇએ જોયું નથી.
૧૯૦૩માં આઇ.ડબલ્યુ. સ્ટીવન્સનો સામનો ગ્રાન્ડ કેન્યોન ખાતે એક વિચિત્ર જીવ સાથે થયો હતો.સ્ટીવન્સે તેને જોયું ત્યારે તે બે ક્રુગરનું લોહી ચુસતો હતો.તેના ચાલીસ વર્ષ બાદ ક્રીપ્ટોઝુઓલોજીસ્ટ ડોન ડેવીસનો પણ સામનો આ પ્રકારનાં જીવ સાથે થયો હતો.આ જીવને ત્યારબાદ મોગોલોન મોન્સ્ટર નામ અપાયું હતું.ફોર્ટ અપાચે રિઝર્વેશનનાં રહેવાસીઓએ પણ આ પ્રકારનો જીવ જોયો હોવાનો દાવો કર્યો છે પણ તેનાં અસ્તિત્વનાં પુરાવા હજી સાંપડ્યા નથી.
મેન્ટીસ મેન સાત ફુટ ઉંચાઇ ધરાવતો જીવ છે જે મેન્ટીસનો શિકાર કરતો હોવાની કથાઓ પ્રચલિત છે.આ જીવ ન્યુજર્સીની મુસ્કોનેટકોંગ નદીમાં જોવા મળ્યું હતું.જો કે આ પ્રાણી પાણીમાં રહેતું હોવાનું ભલે કહેવાય પણ તે નદીની પાસે પોતાનો સમય વ્યતિત કરતો હોવાનાં કોઇ પુરાવા નથી.તેમ છતાં મોટાભાગનાં લોકો તેને પાણીનો જીવ માને છે.જો કે માનવી પાસે હોય તો આ જીવ ત્યાંથી પોબારા ભણી જવામાં માને છે એટલે તે માનવીઓ પર આક્રમણ કરે તેવી સ્થિતિ ઉભી થઇ નથી.
૧૯૬૫ની એક વસંતની રાત્રિએ વેસ્ટ વર્જિનિયાનાં પોઇન્ટ પ્લેઝન્ટની મુલાકાત એક મોથમેને લીધી હતી.લોકો ત્યારે એક વ્યક્તિને દફનાવવાની તૈયારી કરતા હતા ત્યારે તેમણે આકાશમાં કશુંક ઉડતું જોયું હતું.તેમણે જેને ઉડતું જોયું તે પક્ષી ન હતું પણ તે કોઇ વિચિત્ર જીવ હતો.જો કે તે મોથ સાથે કોઇ સંબંધ ધરાવતું નથી પણ તે સાત ફુટનો આકાર ધરાવે છે અને તેની પાંખો દસથી પંદર ફુટની અને તેની રાતી આંખો તેની છાતીની વચ્ચે હોવાનું કહેવાય છે તે પેંગ્વિનની જેમ હાલતુ ચાલતું હોય છે.તેની આંખોમાં જે જુએ તે બેહોશ થઇ જવાનું કહેવાય છે.કેટલાક કહે છે કે તે કોઇ ફરિશ્તો, રાક્ષસ કે શ્રાપિત જીવ હશે.લોકોએ આ મોથમેન નિયમિતપણે ૧૯૬૫થી જોયાનું જણાવે છે.