Just one visit! in Gujarati Love Stories by Ashoksinh jadeja books and stories PDF | બસ, એક મુલાકાત!

Featured Books
Categories
Share

બસ, એક મુલાકાત!

    અષાઢની એ એક વહેલી સવાર હતી. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને રહી રહીને વીજળીના લિસોટા આખા આકાશને ચીરી રહ્યા હતા. હજુ હમણાં જ વરસી ગયેલા વરસાદને કારણે બસ સ્ટેન્ડની આસપાસની માટીમાંથી એક અજીબ, ભીની સુગંધ પ્રસરેલી હતી. હું દરરોજની જેમ મારા ખભે થેલો લટકાવીને એ જૂની, કાચ ખખડતી એસ.ટી. બસની રાહ જોતો ઊભો હતો. લોકો છત્રીઓ ઓઢીને આમતેમ દોડાદોડ કરતા હતા, પણ મારું ધ્યાન તો રસ્તાના વળાંક પર હતું જ્યાંથી એ કેસરી રંગની બસ દેખાવાની હતી. મારા માટે એ મુસાફરી માત્ર કોલેજ જવા માટે કે કિલોમીટરો કાપવા માટે નહોતી, એ તો મારા આખા દિવસનો શ્વાસ હતી.બસ આવી અને થોભી. મુસાફરોની ભારે ભીડ જામી હતી. દરવાજે ચડવા માટે પડાપડી થતી હતી. એ જ ધક્કામુક્કી અને અફરાતફરીમાં અચાનક કોઈકનો પગ મારા પગ સાથે જોરથી અથડાયો. મેં સહેજ મોઢું બગાડ્યું પણ જેવી સામે નજર ગઈ કે મારો બધો ગુસ્સો હવામાં ઓગળી ગયો. સફેદ ડ્રેસમાં સજ્જ એ છોકરીએ ધીમેથી અને અત્યંત નમ્રતાથી કહ્યું, 'સોરી'. જ્યારે અમારી નજરો મળી, ત્યારે આખી દુનિયાનો શોરબકોર, પેલો કંડક્ટરની વ્હિસલનો અવાજ અને એન્જિનનો ઘરઘરાટ—બધું જ જાણે થંભી ગયું. એ એક પળમાં જાણે જિંદગીભરનું ભાથું બંધાઈ ગયું હતું.ત્યારબાદ તો સિલસિલો શરૂ થયો. વર્ષો સુધી અમે એ જ બસમાં, એ જ રસ્તે અને લગભગ એ જ સીટ પર સાથે મુસાફરી કરી. બહાર ક્યારેક ઉનાળાનો બળબળતો તડકો હોય તો ક્યારેક શિયાળાની ગુલાબી ઠંડી, પણ બસની અંદરનું વાતાવરણ હંમેશા એકસરખું રહેતું. અમે ક્યારેય જાજી વાતો નહોતી કરી. કદાચ અમને બંનેને શબ્દોની જરૂર જ નહોતી લાગતી. અમારી વચ્ચે બસ મૌન વહેતું રહેતું. હું ક્યારેક મારી ચોપડીના પાના ફેરવતો તો એ બારી બહાર ઉડતા ખેતરોને જોયા કરતી. પણ એ મૌનમાં પણ એક અજીબ ખાતરી હતી, એક અતૂટ વિશ્વાસ હતો કે—'આપણે સાથે છીએ.' ઘણીવાર ઈચ્છા થતી કે એને એનું નામ પૂછું, એના ઘર વિશે પૂછું, પણ પછી ડર લાગતો કે ક્યાંક વાત કરવા જતાં આ સુંદર મૌન તૂટી ન જાય.વખત જતાં રસ્તાઓ ફંટાયા. કોલેજનું ભણતર પૂરું થયું અને એની સાથે જ પેલી મુસાફરીનો પણ અંત આવ્યો. છેલ્લા દિવસે પણ હું કશું કહી ન શક્યો. મનમાં એક જ ખટકો રહી ગયો કે, જો હું દિલની વાત કહી દઈશ અને એને ખોટું લાગશે તો? આ પવિત્ર મૌનનો છેડો ફાટી જશે તો? અને બસ, એ ડરના લીધે જ એ મુલાકાત હાથમાંથી રેતીની જેમ સરી ગઈ. હું મારા રસ્તે નીકળી ગયો અને એ એના નસીબના રસ્તે.વર્ષો વીતી ગયા. જિંદગી ભાગદોડમાં વ્યસ્ત થઈ ગઈ. પણ નસીબે ફરી એકવાર એક અણધારી તક આપી. સોશિયલ મીડિયાના જમાનામાં ક્યાંકથી એનો પત્તો મળ્યો. થોડાક દિવસો ફરી મેસેજ દ્વારા વાતોનો દોર શરૂ થયો. જૂની યાદો તાજી થઈ. મને એવું લાગવા માંડ્યું કે જાણે ખોવાયેલી એ એસ.ટી. બસ ફરી પાછી મળી ગઈ છે. અમે જૂની વાતો કરી, પેલી મુસાફરીને યાદ કરી. હજુ તો હું મન મનાવી રહ્યો હતો કે આ વખતે તો દિલની વાત કહી જ દઈશ, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું.જે રીતે એ અચાનક જિંદગીમાં આવી હતી, એથીય વધુ શાંતિથી અને ગંભીરતાથી એ ફરી ગાયબ થઈ ગઈ. કદાચ સામાજિક બંધનો કે અંગત મજબૂરીઓ આડે આવી હશે. આ વખતે તો એણે પાછળ કોઈ સરનામું કે કોઈ સંપર્ક પણ ન છોડ્યો. એનો નંબર બંધ થઈ ગયો અને એનું પ્રોફાઇલ ડિલીટ થઈ ગયું.આજે આઠ-આઠ વર્ષના લાંબા ગાળા પછી પણ, જ્યારે હું એના ગામના પાદરેથી મારી ગાડી લઈને પસાર થાઉં છું, ત્યારે ગાડીની સ્પીડ આપોઆપ ધીમી થઈ જાય છે. મારું હૃદય જોરથી ધડકવા લાગે છે. મારી નજર રસ્તાની બાજુમાં આવેલા એ જૂના ઘરની ડેલી પર અટકી જાય છે. મનમાં હવે કોઈ ફરિયાદ નથી રહી કે નસીબે આવું કેમ કર્યું. હવે તો એને પામવાની જીદ પણ ઓગળી ગઈ છે. બસ, ભીતરમાં એક છેલ્લી અને નાનકડી ઈચ્છા બાકી છે—"ક્યાંક અચાનક, કોઈ વળાંક પર ફરી એક મુલાકાત થઈ જાય. મારે એને કોઈ સવાલ નથી પૂછવા, મારે કોઈ જૂની વાતો નથી ઉખેળવી. મારે કશું જ કહેવું નથી. બસ, એકવાર એને ધરાઈને, મન ભરીને જોવી છે... એ જ જૂની માસૂમિયત સાથે."પણ ડેલી હંમેશા બંધ રહે છે અને રસ્તો દિવસેને દિવસે લાંબો થતો જાય છે. હવે જિંદગીના આ પડાવ પર સમજાય છે કે કેટલીક મુસાફરીઓ ક્યારેય મંજિલ સુધી પહોંચવા માટે નથી હોતી. કેટલીક સફર અધૂરી જ સુંદર હોય છે. જે બસમાં અમે બેઠા હતા, એ બસ જાણે અધવચ્ચે જ શ્વાસ છોડી ગઈ છે, પણ એની સ્મૃતિઓ આજેય તાજી છે.