ગામડાની એ નદીનો કિનારો આજે પણ એ જ લાલચોળ સંધ્યાનો સાક્ષી હતો. પણ સમયના વહેણે બધું જ બદલી નાખ્યું હતું. નદીના શાંત પાણીમાં આજે પણ સૂરજ આથમતો હતો, પણ એ કિનારે બેસીને સૂર્યાસ્ત જોનારી એ જોડી હવે તૂટી ગઈ હતી.
અશુ... ગામનો એક એવો યુવાન જેનો સાવળો વાન, લાંબા વાળ અને રુઆબદાર મૂછો તેને બીજાથી અલગ પાડતી. અશુના હૃદયમાં માત્ર એક જ નામ ગુંજતું— "જીયા".
જીયા એટલે જાણે સ્વર્ગમાંથી ઉતરેલી કોઈ અપ્સરા. ગોરું મુખડું, પૂનમના ચાંદ જેવી શીતળતા અને લાંબા કાળા ભમ્મર વાળ જ્યારે પવનમાં ઉડતા ત્યારે અશુના શ્વાસ રોકાઈ જતા. એની નાની નાની આંખોમાં આખું આકાશ સમાઈ જતું.
ગામડું હતું, એટલે પ્રેમમાં ખુલ્લેઆમ વાત કરવાની તો હિંમત નહોતી, બસ પાદરે કે ખેતરે જતી વખતે નજરો મળી જતી અને કાગળની ચિઠ્ઠીઓની આપ-લેમાં આખો સંસાર રચાઈ જતો.ધીમે ધીમે આ પ્રેમ નદીના પટની જેમ વિસ્તરતો ગયો. શિયાળો હોય કે ચોમાસું, સૂરજ આથમવાનો સમય થાય એટલે બંને નદી કિનારે પહોંચી જતાં. એક દિવસ આવી જ એક રાતીચોળ સાંજે, જીયાએ અશુના મજબૂત ખભા પર માથું મૂક્યું. સૂરજ અડધો પાણીમાં ડૂબી ગયો હતો. જીયાએ ધીમેથી પૂછ્યું, "અશુ, આપણે ક્યાં સુધી આમ ચોરીછૂપીથી મળતા રહીશું? ક્યારેક તો આ સૂરજ આપણા મિલનની સાક્ષી પૂરશે ને?" અશુએ તેનો હાથ પકડીને કહ્યું, "તું ચિંતા ન કર, હવે તારા પપ્પા સાથે વાત કરી લે. આપણે લગ્ન કરી લઈએ." પણ જીયાના ચહેરા પર ડર હતો, "અશુ, જ્ઞાતિ અલગ છે... પપ્પા ક્યારેય નહીં માને." અશુ પાસે ત્યારે કોઈ જવાબ નહોતો, બસ એક આશા હતી.
પણ ગામના લોકોની નજર બહુ તીક્ષ્ણ હોય છે. વાત વાયુવેગે જીયાના પિતા સુધી પહોંચી. એક દિવસ જીયાના પિતાએ તેને જોરદાર તમાચો મારી દીધો અને અશુને પણ બોલાવીને ધમકાવ્યો. જીયાનું ઘરબહાર નીકળવાનું બંધ થઈ ગયું. એક દિવસ જ્યારે આખું ઘર ગામતરે ગયું હતું, ત્યારે અશુ હિંમત કરીને જીયાને મળવા પહોંચ્યો. જીયા તેને વળગીને રડી પડી, "અશુ, તું મને કેટલો પ્રેમ કરે છે?" અશુએ તેની આંખો લૂછતા કહ્યું, "મારી જિંદગીથી પણ વધારે." જીયાએ ભાગી જવાની જીદ કરી, પણ અશુ મર્યાદામાં રહ્યો. તેણે કહ્યું, "ભાગીને જઈશું તો તારા પરિવારની આબરૂ જશે, આપણે ધીમેથી મનાવી લઈશું." એ એની સૌથી મોટી ભૂલ હતી.
થોડીવારમાં જ પિતા પાછા આવ્યા. તેમણે જીયાને મીઠાઈ ખવડાવીને કહ્યું, "બેટા, બાજુના ગામમાં તારી સગાઈ નક્કી કરી નાખી છે." એ મીઠાઈ જીયા માટે ઝેર સમાન હતી. તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે કરગરી, રડી, પણ પથ્થર દિલ પિતા ના પીગળ્યા. હારીને જીયાએ પોતાની સખી સાથે અશુને એક છેલ્લો પત્ર મોકલ્યો: *"અશુ, આ જન્મે આપણો સંગાથ નથી લખાયો. હું જાઉં છું, પણ તું મને વચન આપજે કે તારા દિલમાં મારા સિવાય કોઈને સ્થાન નહીં આપે. હું તારી હતી અને તારી જ રહીશ."*તે જ રાત્રે જીયાએ પોતાના રૂમમાં પંખા સાથે ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી દીધી. જ્યારે અશુને આ સમાચાર મળ્યા, ત્યારે એ જીવતો જ મરી ગયો. સ્મશાનમાં જ્યારે જીયાની ચિતા સળગી, ત્યારે અશુના સપનાઓ પણ રાખ થઈ ગયા.આજે મહિનાઓ વીતી ગયા છે. અશુ હવે એ અશુ રહ્યો નથી. છાતી સુધી વધેલી દાઢી, ગૂંચવાયેલા વાળ અને પગમાં ચંપલ વગર એ રખડતો રહે છે. તેના એક હાથમાં હંમેશા સળગતી સિગારેટ હોય છે, જેનો ધુમાડો એના જીવનના અંધકાર જેવો લાગે છે. એ ક્યારેક સ્મશાનમાં જઈને બેસે છે તો ક્યારેક નદી કિનારે એ જ પથ્થર પર બેસીને શૂન્યમાં જોયા કરે છે. તેની આંખો હંમેશા લાલચોળ રહે છે- કદાચ ઉજાગરાને લીધે અથવા તો વહી ગયેલા આંસુઓના થાકને લીધે.લોકો પસાર થાય તો એ કોઈની સામે જોતો નથી. એ તો બસ હવામાં હાથ લંબાવીને જાણે જીયાનો હાથ પકડતો હોય તેમ વાતો કરે છે. ક્યારેક ખડખડાટ હસે છે તો ક્યારેક ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગે છે. જમવાનું કે પીવાનું એને ભાન નથી. લોકો તેને 'પાગલ' કહે છે, પણ અશુ પાગલ નથી, એ તો એક એવો પ્રેમી છે જેણે પોતાનો આત્મા એ રાતે જીયાની ચિતા સાથે જ બાળી નાખ્યો હતો. આજે તો બસ એનું શરીર રખડે છે, જેની દરેક સાસમાં જીયાના નામની પીડા છે. નદીનું પાણી વહેતું રહે છે, સૂરજ રોજ આથમે છે, પણ અશુ માટે એ સાંજ ક્યારેય પૂરી થતી નથી. એ પથ્થર જેવો થઈ ગયો છે, પણ એ પથ્થરની અંદર આજે પણ જીયાનું નામ ધબકે છે.
**વો જલ ગઈ મગર મેરે દિલ કી આગ બાકી હૈ,** **અબ મેરે સાથ બસ ધુઆં ઔર ઉસકી રાખ બાકી હૈ.**