ગુજરાતના કોઈ એક નાનકડા ગામડામાં, જ્યાં ઘઉં ના ખેતરોની સોનેરી લહેરાત અને આકાશની નીલી છાયા એકબીજાને મળીને અનોખું સૌંદર્ય સર્જતાં હતાં, ત્યાં વસતી હતી ચતુરા દાદી. વર્ષોથી વિધવા થયેલી આ વૃદ્ધા એકલવાયા ઘરમાં રહેતી. તેમના હૃદયમાં માત્ર એક જ આશા હતી – તેમની એકની એક દીકરી સુમિત્રા, જે પાસેના ગામમાં પરણીને સુખેથી રહેતી હતી. દાદીની આંખોમાં વારંવાર એક જ સ્વપ્ન તરવરતું – દીકરીને મળવાનું, તેના હાથના રોટલા ખાવાનું અને તેના બાળકોને રમાડતાં , હાસ્યમાં ડૂબી જવાનું.
એક દિવસ, વસંતની મીઠી હવામાં, ચતુરા દાદીએ નક્કી કર્યું કે હવે દીકરીને મળવા હવે જવું જ પડશે. ઉમર પણ મારી થતી જાય છે. પરંતુ રસ્તો સરળ નહોતો. બંને ગામ વચ્ચે ઘનઘોર જંગલ હતું – જ્યાં વૃક્ષોની ઊંચી ડાળીઓ આકાશને છુપાવતી, પાંદડાંનો સરસરાટ ભયની વાતો કરતો અને અંધારી છાયાઓમાં જંગલી પ્રાણીઓના પગલાંઓ ગુંજતા. પરંતુ દાદીના હૃદયમાં માતૃપ્રેમની આગ હતી, જે કોઈ જંગલને રોકી શકે નહીં.
જંગલમાં પગ મૂકતાં જ એક ભયાનક ઘટના બની. એક વિશાળ સિંહ, જેને જંગલનો રાજા કહેવાતો, ગર્જના કરતો આવ્યો. તેના મોઢામાં ભૂખની લાળ ટપકતી હતી. મોટી રાડ પાડી “આજે તને ખાઈ જઈશ, વૃદ્ધા!” સિંહે ગર્જના કરી.
ચતુરા દાદી ઘણી હોશિયાર હતી. તેમણે તરત જ એક યુક્તિ વિચારી. તેમણે નમ્રતાથી કહ્યું, “રાજા, હું તો ઘણી ઘરડી અને દુબળી-પાતળી છું. મને ખાવાથી તને શું મળશે? માત્ર હાડકાં અને ચામડી! પહેલાં મને મારી દીકરીને ઘરે જવા દે. ત્યાં હું સારું-સારું ખાઈને તાજી-તંદુરસ્ત થઈ જઈશ. પછી તું મને ખાજે, તો તને જબરું માંસ અને લોહી મળશે.”
સિંહે વિચાર્યું અને સાચું જ લાગ્યું. કારણ પાછા ફરવાનો રસ્તો તો એજ હતો . તેણે દાદીને જવા દીધી.
રસ્તે વાઘ અને રીંછ પણ મળ્યા. બંનેએ એ જ ભૂખી આંખે હુમલો કર્યો. દાદીએ એક જ ચાલાકી વાપરી – “પહેલાં મને દીકરીને ઘરે જવા દો, તાજી માજી થવા દો, પછી મને ખાજો.” ત્રણેય જંગલના રાજાઓ મૂરખ બની ગયા.
દીકરીના ઘરે થોડા દિવસોમાં દાદીએ ખૂબ આનંદ કર્યો. ગણા દિવસ પછી પાછા ફરવાનો સમય આવ્યો. હવે તેઓ જાણતાં હતાં કે જંગલમાં ત્રણેય પ્રાણીઓ રાહ જોઈને બેઠા હશે. તેમણે એક અનોખી યુક્તિ વિચારી. તેમણે મોટી લાકડાની કોઠી બનાવી, જેમાં અંદરથી ધક્કો મારીને ગબડાવી શકાય. દાદી કોઠીમાં બેસી ગયાં અને અંદરથી ગબડાવતાં-ગબડાવતાં જંગલ તરફ આગળ વધ્યાં.
જંગલમાં સિંહે આ અજાણી ગબડતી કોઠી જોઈ. તેણે પૂછ્યું, “અરે, તેં એ વૃદ્ધાને જોયા છે જે દીકરીને ઘેર ગઈ હતી? કેટલાયે દિવસોથી પાછી ફરવાની રાહ જોઈએ છીએ.”
દાદીએ અવાજ બદલીને કોઠીમાંથી જવાબ આપ્યો, “કઈ વૃદ્ધા? કયું ગામ? ચાલ, કોઠી, આપણે ગામ આગળ જઈએ…” અને તેમણે કોઠીને વધુ જોરથી ગબડાવી. કોઠી માં જીવ હોય? સિંહ તો આવી અજીબ વસ્તુ જોઈને ગભરાઈ ગયો અને રસ્તો છોડી દીધો.
એ જ રીતે વાઘ અને રીંછ પણ ગભરાઈને ભાગી ગયા. કોઠી ગબડતી-ગબડતી દાદીને ઘરે પહોંચાડી ગઈ.
बुद्धिर्यस्य बलं तस्य निर्बुद्धेस्तु कुतो बलम् ।
बुद्धिना हि बलं प्राप्तं बलिना तु बलं न हि ॥
જેની પાસે બુદ્ધિ છે તેનું જ સાચું બળ છે. બુદ્ધિહીનને બળ ક્યાંથી? બુદ્ધિથી જ બળ પ્રાપ્ત થાય છે, માત્ર શારીરિક બળથી નહીં.
“બુદ્ધિમાન વ્યક્તિ સર્વત્ર વિજયી થાય છે.”
કોઠી ગબડે જંગલની ધરતીએ,
અંદર બેઠી દાદી હસે મનમાં રમતીએ.
સિંહ-વાઘ-રીંછ ભાગે ગભરાઈને, બુદ્ધિની જીત છે આ,
જીવનની સાચી કથાએ.
“બુદ્ધિ એટલે અડધી જીત, અને ચાલાકીથી હાથી પણ ફસાય.”
ચતુરા દાદી તેઓ સહી-સલામત ઘરે પહોંચી ગયાં અને તેમની આંખોમાં વિજયનો ઉજાસ હતો.
આવી જ છે બુદ્ધિની અમર કથા – જેમાં એક સાદી વૃદ્ધા ત્રણ ભયંકર પ્રાણીઓને તેની હોશિયારીથી હરાવી દે છે અને જંગલને પણ મૂર્ખ બનાવી દે છે.