dan ane sanman in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | દાન અને સન્માન

Featured Books
Categories
Share

દાન અને સન્માન

દાન અને સન્માન

 

असंभोगेन सामान्यं कृपणस्य धनं परैः ।
अस्येदमिति संबन्धो हानौ दुःखेन गम्यते ॥  હિતોપદેશ

કંજુસ પોતે તેના ધનનો ક્યારેય ઉપભોગ કરતો નથી. તેથી તેનું ધન જાણે કે બીજા લોકો માટે જ રાખેલું હોય. જ્યારે તે ધન ખોવાઈ જાય છે અથવા નુકસાન થાય છે, ત્યારે જ તેને “આ તો મારું હતું!” એવી મમતા અને દુઃખનો અનુભવ થાય છે.

कार्पण्यदोषोपहतस्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः । શ્રીમદ ભગવદ ગીતા

 

એક વખતની વાત છે. ગુજરાતના એક સમૃદ્ધ નગરમાં ધનરાજભાઈ નામનો એક મહાકંજુસ વ્યક્તિ વસતો હતો. તેની કંજુસીની વાતો નગરના ખૂણે-ખૂણે પ્રસિદ્ધ હતી. ખાવા-પીવામાં, પહેરવા-ઓઢવામાં, એમ કહો કે જીવનના દરેક ક્ષેત્રમાં તે અત્યંત કંજુસ હતો. તેના ઘરમાંથી એક નાની કટોરી ગુમ થઈ ત્યારે તેના દુઃખમાં તેણે ત્રણ દિવસ સુધી કંઈ જ ખાધું નહોતું. તેનાં પત્ની અને બાળકો આવી કંજુસીથી દુઃખી-દુખી  થઈ ગયાં હતાં. શેરી ના લોકો તેને કોઈ સામાજિક કાર્યમાં કદી દાન કરતો ન જોયો હતો, તેથી તેની કોઈ ઇજ્જત નહોતી. લોકો કહેતા, “કંજુસનું ધન સ્મશાન માં જ જાય, પણ જે આપ્યું તે જ તારું.”

એક વાર ધનરાજભાઈના પડોશમાં વેદમંત્રો અને ઉપનિષદો પર આધારિત ધાર્મિક કથાનું આયોજન થયું. વાયુમંડળમાં વેદિક સ્વરોની મધુર ધ્વનિ ગુંજતી હતી. કથાવાચકના મુખેથી નીકળતા શબ્દો જાણે અમૃત વરસાવતા હતા. સદ્બુદ્ધિના પ્રકાશે પ્રભાવિત થઈને ધનરાજભાઈ પણ સત્સંગમાં પહોંચી ગયો. વેદોના વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાંભળીને તેના હૃદયમાં અજીબ રસ જાગ્યો. વૈદિક જ્ઞાન વ્યવહારુ, વાસ્તવિક અને સત્ય-અસત્યનું સ્પષ્ટ બોધ કરાવનાર હતું.

કથા માં એક ગીતાજી ના શ્લોક નું ભાષ્ય થયું.

श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ।

ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति ॥ (ભગવદ્ ગીતા, અધ્યાય ૪, શ્લોક ૩૯)

 

આ શ્લોકે તેના અંતરને સ્પર્શ્યું. કોઈ તેની કદર ન કરે તો પણ તે પ્રતિદિન કથામાં આવવા લાગ્યો. કથાના અંતે તે સૌથી પહેલો પ્રશ્ન પૂછતો. તેની રુચિ વધતી ગઈ. “જ્ઞાન એ જ સાચું ધન છે,” એવું તેને લાગવા માંડ્યું.

 

કથાના સમાપન પર કથાવાચકે જાહેર કર્યું કે કાલે લંગરનું આયોજન છે. જેને શ્રદ્ધા હોય તે કંઈ પણ લાવીને દાન કરી શકે. નગરવાસીઓએ શ્રદ્ધાનુસાર અનાજ, ફળ, વસ્ત્રો અને ધન લાવ્યા. ધનરાજભાઈના હૃદયમાં પણ શ્રદ્ધાની જ્યોત પ્રગટી. તેણે પોતાની જીવનભરની અમૂલ્ય સંપત્તિ – સોનાના ગહેરા, હીરા-જવાહેરાત, જેવરો – એક મોટી ગઠ્ઠીમાં બાંધી અને માથે મૂકીને લઈ આવ્યો.

લંગરસ્થળે ભારે ભીડ હતી. ધનરાજભાઈને જોઈને કોઈ આગળ ન વધવા દેતું. લોકો વિચારતા, “આ મહાકંજુસ કંઈ લાવ્યો હશે?” સૌએ પોતપોતાનું દાન આપીને યથાસ્થાને બેસી ગયા. હવે ધનરાજભાઈની વારી આવી. તે વિદ્વાન બ્રાહ્મણ તરફ આગળ વધ્યો. તેને જોઈને સૌના મોં પર હાસ્ય ફરી વળ્યું. પણ તે અડગ રહ્યો.

તેણે વિદ્વાનને પ્રણામ કર્યા અને ગઠ્ઠી ચરણોમાં મૂકી ખોલી. તેમાંથી ચમકતા સોના-હીરાના ઢગલા નીકળ્યા! આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. લોકોની આંખો ફાટી રહી. “આ તો તેની જીવનભરની સંપત્તિ છે!” એવા આશ્ચર્યના સાદો કથા મંડપ માં ગુંજી ઊઠ્યા.

આ ક્ષણે તેના હૃદયમાં કથા માં સાંભળેલો એક શ્લોક સ્મરી ઊઠ્યો:

न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः ।

परेण नाकं निहितं गुहायां विभ्राजते यद्यतयो विशन्ति ॥ (કૈવલ્યોપનિષદ્, મંત્ર ૩)

“કર્મથી નહીં, સંતાનથી નહીં, ધનથી નહીં — ત્યાગથી જ કેટલાક અમરત્વને પામ્યા છે. પરમ સ્વર્ગ તે ગુહા (હૃદય)માં સ્થિત છે જેમાં યતિ (સંન્યાસી) લોકો પ્રવેશ કરે છે અને તે તેજસ્વી રૂપે પ્રકાશિત થાય છે.”

ધનરાજભાઈ ઊઠ્યો અને પાછો જવા લાગ્યો. ત્યારે વિદ્વાને કહ્યું, “મહારાજ! તમે ત્યાં નહીં, અહીં આગળ બેસો.”

તેણે વિનમ્રતાથી કહ્યું, “પંડિતજી! આ મારો આદર નથી, આ તો મારા ધનનો આદર છે. અગાઉ હું રોજ આવતો હતો અને પાછળ જ બેસતો હતો, ત્યારે કોઈ મને પૂછતું પણ નહોતું.”

બ્રાહ્મણે મીઠા સ્વરે કહ્યું, “ના, મહારાજ! આ તમારા ધનનો આદર નથી, પણ તમારા મહાન ત્યાગ (દાન)નો આદર છે. આ ધન તો થોડી વાર પહેલાં તમારી પાસે જ હતું. ત્યારે કોઈ આટલો આદર નહોતો આપ્યો. પણ આજે તમારા ત્યાગે તમને સન્માનિત વ્યક્તિ બનાવી દીધા છે.”

દાનની જ્યોત જગાવે હૃદયમાં,

  કંજુસીના અંધારાને ભેદી નાખે.

                ત્યાગ કરે તે મહાન બને વિશ્વમાં,

સન્માનની માળા ગળે પહેરાવે.

લોકોએ તાળીઓના ગડગડાટથી સભા ગાજી ઊઠી. ધનરાજભાઈની આંખોમાં આંસુ આવી ગયાં. તે સમજી ગયો કે સાચું સન્માન ધનથી નહીં, ત્યાગથી મળે છે. તેના પરિવારે પણ આ દૃશ્ય જોઈને આનંદનાં આંસુ વહાવ્યાં.

 “આપ્યું તે તારું, રાખ્યું તે પારકું.”

જીવનમાં લોભ છોડીને દાન કરો, તો જ સાચું સન્માન અને આત્મિક સુખ પ્રાપ્ત થાય.

આવી જ વેદિક શિક્ષાઓ આપણને પ્રેરણા આપે છે કે દાન અને ત્યાગ જ માનવીને અમર કરી દે છે.

ત્યાર બાદ કથાકારે વ્યાસપીઠ પરથી તેના પરિવારને બોલાવ્યું. કારણ તે ધન પર તેમનો પણ હક હતો. ભગવાન ને ધરાવેલું નારિયેળ અર્પણ થઇ અડધું પાછુ આવે છે અને તે પ્રસાદ થઇ જાય છે. કથાકારે તેમાંથી થોડું ધન લઇ બાકીનું તેના પરિવારને પાછુ આપ્યું.

આજે લોઢું પારસ (વેદો ના શબ્દો) ને અડકી સોનું થઇ ગયું.

परोपकाराय फलन्ति वृक्षाः परोपकाराय वहन्ति नद्यः।
परोपकाराय दुहन्ति गावः परोपकारार्थमिदं शरीरम्॥

“વૃક્ષો પરોપકાર માટે જ ફળે છે, નદીઓ પરોપકાર માટે જ વહે છે, ગાયો પરોપકાર માટે જ દૂધ આપે છે, અને આ શરીર પણ પરોપકાર માટે જ છે.”