Apharan - 17 in Gujarati Adventure Stories by Param Desai books and stories PDF | અપહરણ - 17

Featured Books
  • A Normal Day

    सुबह के आठ बजकर सत्रह मिनट हो चुके थे।कमरे की खिड़की से आती...

  • हुक्म और हसरत -33

    ️ हुक्म और हसरत ️#Arsiaएपिसोड 33 — भरोसे के पीछे पिछले कुछ द...

  • adhuri mulakat ka pyaar

    बिल्कुल ️ मैं लगभग 609 शब्दों की एक नई प्रेम कहानी लिख रहा ह...

  • किरदार से आगे !(Beyond the Character)

    " किरदार तो दुनिया देखती है, लेकिन किरदार के पीछे छिपा इंसान...

  • Devil की दास्तान - 56

    (रात का समय।कमरे में हल्की नीली रोशनी फैली हुई है। खिड़की से...

Categories
Share

અપહરણ - 17

17. રહસ્યો પરથી ઊંચકાયો પડદો

 

એ રાત્રે સાયમન અને એના માણસો ફ્રેડી જોસેફના ઘરે જ રોકાયા. અમને પણ એણે અમારા ઘરે ન જવા દીધા. અમે ત્યાંથી ટેલિફોન કરીને અમારા ઘરે અમારી સલામતીની વાત કરી દીધી હતી અને અમે ફ્રેડી જોસેફના ઘરે રોકાયા છીએ એમ પણ જણાવી દીધું હતું. ફ્રેડી સાહેબને અમે આખી વાત કરી દીધી હતી. એ બધું સાંભળીને એ ભારે અચંબિત થઈ ગયા હતા. એમણે વોટ્સન જલદી જ પાછો મળી જશે એવું અમને આશ્વાસન આપ્યું હતું અને સાથે જ પેલી અજ્ઞાત ટોળકી, જેણે અમને દોલત સુધી પહોંચવા દેવામાં અવરોધો ઊભા કર્યા હતા, એના વિશે પણ એમના ચહેરા પર રહસ્યના ભાવ ઊભર્યા હતા.

બીજે દિવસે સવારે આઠ વાગ્યે સાયમન ફ્રેડી જોસેફ અને અમને પાંચ જણાને જીપમાં બેસાડીને બૅંક ઓફ લીમા જવા નીકળ્યો. બૅંક નવ વાગ્યે ખુલી જતી હતી. પાછળ બીજી જીપમાં એના માણસો પણ અમારો પીછો કરતા આવી રહ્યા હતા. આખા રસ્તે મને અજંપો થતો રહ્યો. આખરે આજે અમને અમારો મિત્ર વોટ્સન પાછો મળી જવાનો હતો. પણ ક્યારે ? અને ક્યાં રખાયો હતો એને ?

અડધા કલાકે જીપો બૅંક ઓફ લીમાના દ્વાર પાસે આવીને ઊભી રહી. થોડી વાર એમ જ બધા બેસી રહ્યા ત્યાં સુધીમાં નવ વાગ્યા અને બૅંકનો દરવાજો ખુલ્યો.

‘ચાલો અંદર !’ સાયમને એની બાજુની સીટ પર બેઠેલા ફ્રેડી જોસેફને કહ્યું. ‘...અને ખબર છે ને ? કંઈ જ આડુંઅવળું નથી કરવાનું તમારે. ચૂપચાપ લૉકરમાંથી ચાવી લઈને આવી જવાનું છે. હું અહીં બહાર જ ઊભો છું. મને જો ચાવી નહીં મળે તો તમે તો જાન ગુમાવશો જ, પણ આ છોકરાઓનો મિત્ર પણ નહીં બચે.’

પહેલીવાર એની ધમકીથી મને બીક લાગી. આ માણસ એના બાપ જેવો જ ઝનૂની લાગતો હતો. એ કંઈ પણ કરી શકતો હતો. એની વાતની ગંભીરતા જાણીને ફ્રેડી જોસેફ જીપમાંથી ઊતર્યા અને બૅંકમાં ગયા. દસ-પંદર મિનિટ સુધી અમે જીપમાં કશું જ બોલ્યા વગર બેસી રહ્યા. સાયમન બહાર જ ઊભો હતો.

ત્યાં ફ્રેડી જોસેફ આવ્યા.

‘બેસો જીપમાં ફટાફટ.’ સાયમનનો આદેશ છૂટ્યો.

બંને લોકો જીપમાં બેસી ગયા એટલે સાયમને જીપ આગળ દોડાવી મૂકી. હવે એ લીમાના બંદર વિસ્તાર તરફ જઈ રહ્યો હતો. થોડી વારે એક મેદાન જેવી જગ્યામાં એણે જીપ લાવીને ઊભી રાખી. પછી પોતે કબજે કરેલી પેટી કાઢી.

‘લાવો ચાવી !’ એણે ફ્રેડી જોસેફ તરફ હાથ લંબાવ્યો. ફ્રેડી સાહેબે આનાકાની વગર ચાવી એના હાથમાં મૂકી દીધી.

ચાવી જોઈને સાયમનની આંખોમાં ચમક આવી. એણે પેટીમાં ચાવી લગાવીને પેટી ઉઘાડી. અમારા બધાની નજર એ પેટી ઉપર જ હતી. એ છીછરી હતી એટલે એમાં કંઈ સોનામહોરો તો ન જ હોય. તો પછી અંદરથી શું નીકળવાનું હતું ?

સપાટ પેટીમાંથી સાયમને કાગળો કાઢ્યા. એ કાગળો સામે ઘડીભર ચોંકીને જોઈ જ રહ્યો.

‘આ શું છે ?’ એણે ફ્રેડી જોસેફને પૂછ્યું. કાગળો જોઈને ફ્રેડી સાહેબ ખડખડાટ હસી પડ્યા. અમે એમની સામે મોં પહોળું કરીને જોઈ રહ્યા. એવું તે શું હતું એ કાગળોમાં કે એ આમ હાંસી ઉડાવી રહ્યા હોય એમ હસી રહ્યા હતા.

થોડી પળો બાદ હસવું બંધ કરી ફ્રેડી જોસેફ ગંભીર થઈને બોલ્યા, ‘તારે મારો ખજાનો જોઈતો હતો ને ? તો આ જ છે. લઈ લે લેવાય તો !’ ફરી એમના મોઢા પર સ્મિત ફેલાયું.

સાયમને પાંચેક મિનિટ સુધી કાગળો વાંચ્યા. પછી વળી ફ્રેડી જોસેફ સામે તાકી રહ્યો.

‘આ... આ તો... આ તો...’

‘આ મારું વિલ – વસિયતનામું છે, સાયમન !’ ફ્રેડી સાહેબ બોલ્યા અને અમને સૌને આંચકો લાગ્યો. મેં મારા દોસ્તોની સામે જોયું. એ બધાયની આંખોમાં મોટો પ્રશ્નાર્થ સળવળતો હતો.

ફ્રેડી જોસેફે આગળ ચલાવ્યું, ‘તને શું લાગ્યું ? મેં વાસ્કરનના પહાડોમાં કંઈ હીરામોતી દાટ્યા હશે ! એમ જ તું માનતો હોઈશ ને ? પણ અફસોસ કે તારું અનુમાન ખોટું નીકળ્યું. આ કાગળમાં મેં જીવનભર કરેલી કમાણીનો બચેલો હિસ્સો છે. બધું મળીને લાખેક સોલ છે જે હું મારા ઉત્તરાધિકારીને સોંપવા માગતો હતો. મારા જેવો જ કોઈ સાહસિક આ રકમનો ઉપયોગ સંશોધન માટે, ખોજ માટે, સાહસિક અભિયાન માટે કરે એમ હું ઈચ્છું છું. એટલે મેં આખો પ્લાન ઘડ્યો કે જે કોઈ મારી આ દોલતને શોધી લાવે એ એનો માલિક. હવે વાત એવી બની છે કે આ છોકરાઓ મારા આ વિલના હકદાર છે. એટલે આ રકમ એમને જ મળશે. આ કાગળ મારી અને આ તમામ છોકરાઓની સહી પછી જ અને એમના સાહસના જરૂરી પુરાવાઓ જોડ્યા પછી જ કામનો બનશે. એ સિવાય કોઈને કશું જ નહીં મળે, તને પણ નહીં !’

ફ્રેડી જોસેફની વાત સાંભળીને ત્યાં ઊભેલા સૌ કોઈના મોં એકદમ પહોળાં થઈ ગયાં. ખુદ અમે લોકો પણ એમની સામે બસ જોઈ જ રહ્યા. અમારી સામે ઊભેલો એ નિવૃત્ત સાહસિક અમને કોઈ અજાયબીથી ઓછો નહોતો લાગતો. કોઈ વિચારી પણ ન શકે એવું પરાક્રમ એમણે કર્યું હતું. પોતાની સંપત્તિ આમ જ અન્યને દાનમાં આપી દેવા એ તૈયાર થઈ ગયા હતા.

‘હવે હું કોઈને નહીં છોડું !’ સાયમને અચાનક પોતાની રિવોલ્વર ખીસામાંથી બહાર કાઢીને બાજુમાં બેઠેલા ફ્રેડીસાહેબ તરફ તાકી, ‘બહાર નીકળ ચાલ ! બધા જ બહાર નીકળો.’ એણે અમને પણ આદેશ આપ્યો.

અમે એના કહ્યા પ્રમાણે કર્યું. બધા જીપની બહાર આવી ગયા.

‘તારી પાસેથી તો હું ગમે તેમ કરીને સહી મેળવી જ લઈશ.’ સાયમન રિવોલ્વર ફ્રેડી જોસેફ તરફ લહેરાવતાં બોલ્યો, ‘પણ આ સાલા છોકરાઓ બહુ જિદ્દી છે. એ લોકો અત્યારે કોઈ કાળે સહી નહીં કરે એટલે એનો રસ્તો મારી પાસે છે. એમની સૌથી પ્રિય વ્યક્તિ, એમનો મિત્ર મારી કેદમાં જ છે. અને હું એની સાથે શું કરી શકું છું એનો એમને કોઈ અંદાજ નથી. હા...હા...હા...હા...!’

એ રાક્ષસ જેવું હસ્યો. એના અટ્ટહાસ્યથી અમે થડકી ગયા. એનો કંઈ ભરોસો નહોતો. એ અમારા વોટ્સનને ખરાબમાં ખરાબ નુકસાન કરી શકે એમ હતો.

‘જ્યાં સુધી તમે બધા જ લોકો આ કાગળ પર સહી કરવાનું નક્કી નહીં કરો ત્યાં સુધી વોટ્સન મારા કબજામાં રહેશે. આગળ ક્યાં મળવાનું છે એ હું જણાવીશ. આવજો.’ સાયમન પેલી પેટી પોતાની પાસે રાખીને ફરી એની જીપમાં બેસવા ગયો કે અચાનક ક્યાંકથી ધડાકો થયો, ગોળી છૂટી અને સીધી સાયમન ઊભો હતો એ તરફના જીપના સાઈડ મિરરમાં ઘૂસીને એના ભુક્કા બોલાવી ગઈ.

સાયમન બે ઘડી હબકી ગયો. અમે બધા પણ એકદમ જડની જેમ ઊભા રહી ગયા.

બીજી બે ગાડીઓ આવીને મેદાનમાં ઊભી રહી ગઈ. ગોળી એમાંની જ એક ગાડીમાંથી છૂટી હતી. એક ગાડીમાંથી એક માણસ બહાર નીકળ્યો. મેં એને ઓળખી લીધો અને મને મારા વધુ એક સવાલનો જવાબ મળી ગયો. એ માણસ બીજું કોઈ નહીં પણ આ બધું શરૂ થયું તે પહેલાં મારા ઘરની નીચે આંટા મારી રહેલો શખ્સ જ હતો ! મને મારી આંખો પર જાણે વિશ્વાસ નહોતો બેસતો.

‘આ... આ જ માણસ હતો, ફ્રેડીસાહેબ, જેને મેં મારા ઘરની બહાર નજર રાખતો જોયેલો.’ હું બોલી પડ્યો. મારા મિત્રોની નજર એકાએક પેલા પર પડી.

‘આ તો મારા દીકરાનો મિત્ર માઇકલ છે, એલેક્સ.’ ફ્રેડી જોસેફે ખુલાસો કર્યો. એ વળી બીજું આશ્ચર્ય હતું.

‘તો તમારો દીકરો કોણ છે ?’ પ્રશ્ન થોમસે કર્યો પણ મારા દિલના ધબકારા વધી રહ્યા હતા.

ફ્રેડી સાહેબે થોડી વાર ચૂપ રહ્યા. પછી અનિચ્છાએ બોલતા હોય એમ બોલ્યા, ‘મારો દીકરો છે... પિન્ટો !’

‘હેં...!’, ‘શું...!’, ‘પિન્ટો...?’ અમારા દરેકના મોંમાંથી આવા ઉદ્દગાર નીકળી ગયા.

‘હા. એના દુર્ભાગ્યે અને મારા સદ્દભાગ્યે મારે એની સાથે કોઈ સંબંધ નથી. યુવાનીમાં આવ્યા પછી એ બગડ્યો. એકદમ નાલાયક થઈ ગયો. કોઈ કામધંધો ન કર્યો. બસ મારા પૈસા ઉડાવતો રહ્યો. પૈસા આપવા મને ધમકાવતો રહ્યો. આવું લાંબું ન ચાલે એટલે મેં એને મારી વસિયતમાંથી બાકાત કરી દીધો. એના સિવાય મારા ખાનદાનમાં બીજું કોઈ એવું નથી જે મારી સંપત્તિનું હકદાર બને. એટલે મેં દોલત વાસ્કરન પર છૂપાવી અને જે સાહસ ખેડીને એ શોધી લાવે એને જ મારો વારસદાર ગણવાનું નક્કી કર્યું. મારો નિર્ણય સાંભળીને એ મને રીતસર મારવા પર ઉતરી આવ્યો. પાડોશીઓએ મને બચાવ્યો. પછી એ ઘર છોડીને ભાગી ગયો. પણ તમે લોકો એનું નામ સાંભળીને ચોંક્યા કેમ ?’

‘સર, મેં તમને કહેલું ને કે એક ટુકડીએ સંપત્તિ શોધી લાવવા કહ્યું હતું ને એક ટુકડી અમને અમારું કામ કરતાં રોકી રહી હતી.’ મેં ફોડ પાડ્યો, ‘જે લોકો અમને અટકાવવાની કોશિશ કરી રહ્યા હતા એ ટુકડીનો લીડર પિન્ટો હતો. તમે વિલ એના નામે ન કર્યું તો એ આ રીતે દોલત ઝૂંટવી લેવા માગતો હશે. પણ... દુર્ભાગ્યે એ જીવતો ન બચી શક્યો. દીપડો એને...’

મેં જાણીજોઈને વાક્ય અધૂરું મૂક્યું. પણ ફ્રેડી સાહેબને એનું જરાય દુઃખ થયું હોય એમ ન લાગ્યું. એમણે બસ એક નિસાસો નાખ્યો.

‘તો પછી પેલો સ્ટીવ પણ તમારો જ માણસ ને ?’ ક્રિકે માઇકલને પૂછ્યું.

‘હા.’

‘માઇકલ, મને એક જ વાતનો જવાબ આપી દે.’ મેં કહ્યું, ‘બસમાં મને ફાંસ મારવાનો પ્રયાસ અને વાસ્કરનમાં પહેલી રાત્રે અમારા પર તીરથી થયેલો હુમલો – આ બંને તમે જ કરાવેલા ?’

અમારી વાતચીત દરમિયાન સાયમન અને માઇકલ બંનેના માણસોએ સામસામે બંદૂકો તાકેલી જ રાખી હતી.

‘હા. અમે એક આદિવાસીને હુમલો કરવા કહ્યું હતું. એણે ભૂંગળીમાંથી ફાંસ ફૂંકીને મારવાના એના હથિયારથી એ કીલ ફૂંકેલી. અમે તમને ડરાવવા જ માગતા હતા. પણ તમે પાછા ન ફર્યા એટલે પહેલી રાત્રે તંબૂમાં હતા એ વખતે મારા માણસોએ યાંત્રિક તીરકામઠાથી તીર છોડેલાં. એ કામઠું કપડાંમાં જ સમાઈ જાય એવું હતું એટલે તમને એ શોધવા છતાં ક્યાંય મળ્યું નહીં હોય.’ માઇકલે કહ્યું. છેલ્લે ઉમેર્યું, ‘અમે પણ આ સાયમનના લોકોની જેમ લાઇબ્રેરીઓમાં નજર રાખતા હતા. એટલે તમારા સુધી પહોંચી ગયા અને પછી પીછો કરવા લાગ્યા.’

માઇકલના જવાબથી અમને સંતોષ થઈ ગયો. લગભગ બધા સવાલોના જવાબ મળી ગયા હતા.

‘પેટી મારા હવાલે કરી દે, સાયમન !’ માઇકલનો રંગ અચાનક બદલાયો. એની ટીમ પણ આ પેટીની પાછળ હતી એ હું બે ઘડી ભૂલી જ ગયેલો.

‘માઇકલ દીકરા ! તું પણ...?’ ફ્રેડી જોસેફ માત્ર આટલું જ બોલી શક્યા.

‘શું કરું. પૈસાની લાલચ રોકી નથી શકતો. આમાં તમારે કોઈ જ ચિંતા કરવાની નથી. હું તમને કે આ છોકરાઓને કંઈ જ નહીં કરું. બસ, મને એ દોલત આપી દો.’

‘હવે જા જા ! તને તો આ મળશે...’ કહીને સાયમને રિવોલ્વર માઇકલની જીપ સામે તાકીને ધડાકો કર્યો. ગોળી માઇકલથી ઇંચ જેટલી જ દૂરથી ગઈ. માઇકલે પણ સામે ગોળીબાર કર્યો. બંને ટુકડીના માણસો પછી તો ગોળીઓ છોડવા લાગ્યા. વાતાવરણ ધડાકા-ભડાકાથી ગાજી ઊઠ્યું. અમે જીવ બચાવવા એક જીપ પાછળ લપાઈ ગયા.

(ક્રમશઃ)