Sanatan Dharmni Vaato - 6 in Gujarati Mythological Stories by Siddharth Maniyar books and stories PDF | સનાતન ધર્મની વાતો - ભાગ 6 - ધર્મ, વિજ્ઞાન અને ભક્તિનો સંગમ

Featured Books
Categories
Share

સનાતન ધર્મની વાતો - ભાગ 6 - ધર્મ, વિજ્ઞાન અને ભક્તિનો સંગમ

રામાયણના જીવંત પુરાવા, હનુમાનજીની શક્તિનું રહસ્ય અને મહાભારતના મહાયોદ્ધાઓની અનકહી કહાણી

પ્રસિદ્ધ લેખક વિક્રાંત પાંડેએ સુપરટોક્સ પોડકાસ્ટમાં હિન્દુ મહાકાવ્યોના તાર્કિક અને વૈજ્ઞાનિક પુરાવાઓ રજૂ કર્યા. આ લેખમાં રામાયણના ભૌગોલિક પુરાવા, હનુમાનજીની શક્તિનો સ્ત્રોત, શબરીના બોરનું શાસ્ત્રીય સત્ય, કર્ણના જીવનનું ધર્મસંકટ અને અશ્વત્થામાના શ્રાપની ગહન વિગતો તેમજ નર્મદા પરિક્રમાના આધ્યાત્મિક મહત્ત્વનું વિસ્તૃત વિશ્લેષણ કરવામાં આવ્યું છે. મહાકાવ્યોને માત્ર ધર્મગ્રંથો નહીં પણ જીવનના નીતિશાસ્ત્રના દસ્તાવેજ તરીકે જોવાની દૃષ્ટિ.

પ્રસિદ્ધ લેખક, અનુવાદક અને ભારતીય શાસ્ત્રોના ઊંડા અભ્યાસી વિક્રાંત પાંડેએ સુપરટોક્સ પોડકાસ્ટમાં હિન્દુ મહાકાવ્યો રામાયણ અને મહાભારતના અનેક અજાણ્યા, વિવાદાસ્પદ અને ગૂઢ રહસ્યોનું અદ્ભુત વિશ્લેષણ કરીને શ્રોતાઓને વિચારતા કરી દીધા છે. વિક્રાંત પાંડેએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ભારતીય શાસ્ત્રોને માત્ર આસ્થાના વિષય તરીકે નહીં, પરંતુ જીવન જીવવાની નીતિ સમજાવતા ઇતિહાસ, વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના અદ્ભુત સંમિશ્રણ તરીકે જોવા જોઈએ. તેમની આ ચર્ચા ધાર્મિક કથાઓના પુનરાવર્તનથી આગળ વધીને, તથ્યો અને તર્ક દ્વારા મહાકાવ્યોના ગહન રહસ્યોને સરળ ભાષામાં સમજાવે છે.

વિક્રાંત પાંડે ભારપૂર્વક માહિતી આપે છે કે, રામાયણ માત્ર પૌરાણિક કથા નથી, પરંતુ એક જીવંત ઇતિહાસ છે. તેઓ પોતાના પુસ્તક ઇન ધી ફૂટસ્ટેપ ઓફ રામામાં રામાયણ કાળના સ્થાનોની યાત્રા કરીને આ વાત સાબિત કરે છે. તેમણે પોતાના પુસ્તક અને રામાયણના રહસ્યો જણાવતા કહ્યું હતું કે, ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાએ તેમના ૧૪ વર્ષના વનવાસ દરમિયાન જે સ્થાનોની યાત્રા કરી હતી, તેમાંથી મોટાભાગના સ્થળો, મંદિરો અને પ્રદેશો આજે પણ ભારતમાં અને શ્રીલંકામાં અકબંધ છે. આ સ્થળોનું સ્થાનિક લોકસાહિત્ય અને પૌરાણિક વર્ણન વાલ્મીકિ રામાયણ સાથે આશ્ચર્યજનક રીતે મેળ ખાય છે.

તેમણે ઉમેર્યું હતું કે, રામ સેતુ એ રામાયણના સૌથી મોટા ભૌગોલિક પુરાવાઓ પૈકી એક છે. ભલે ભૂસ્તરશાસ્ત્રીઓ તેને ચૂનાના પથ્થરોની કુદરતી રચના ગણે, પરંતુ આ રચનાનું અસ્તિત્વ અને તેનું રામેશ્વરમથી શ્રીલંકા સુધીનું વિસ્તરણ, વાલ્મીકિ રામાયણમાં વર્ણવેલ સેતુબંધનની કથાનું સમર્થન કરે છે. આ એક એન્જિનિયરિંગ માર્વેલ છે, જે એ યુગની તત્કાલીન જ્ઞાન અને તકનીકનો પરિચય કરાવે છે.

વાલ્મીકિ રામાયણમાં તત્કાલીન ગ્રહોની સ્થિતિ, ખગોળીય ઘટનાઓ જેમ કે, સૂર્ય અને ચંદ્ર ગ્રહણ અને ચોક્કસ ભૌગોલિક સ્થાનોનું વર્ણન છે. આધુનિક ખગોળશાસ્ત્રીઓ આ વિગતોનો ઉપયોગ કરીને રામાયણના યુગ અને મુખ્ય ઘટનાઓની તારીખોનું વૈજ્ઞાનિક પદ્ધતિઓથી અનુમાન લગાવી શક્યા છે, જે રામાયણને એક સચોટ ઇતિહાસ તરીકે સ્થાપિત કરે છે.

લેખક વિક્રાંત પાંડેએ આસ્થા અને શાસ્ત્રીય તથ્યો વચ્ચેના ગૂંચવડાને ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે, ખાસ કરીને શબરી માતાના પ્રખ્યાત પ્રસંગ વિશે. તેમણે રામાયણની લોકપ્રિય કથા મુજબ, શબરી માતાએ ભગવાન રામને પ્રેમવશ થઈને બોર ચખીને અર્પણ કર્યા હતા, જેથી રામને કદાચ ખાટા બોર ન મળી જાય. ભક્તના આ નિસ્વાર્થ પ્રેમને કારણે ભગવાન રામે એંઠા બોર પણ પ્રેમથી ખાધા હતા.

જોકે, વિક્રાંત પાંડે દાવો કરે છેકે, બોર ચખીને અર્પણ કરવાની વાર્તા વાલ્મીકિ રામાયણ કે તુલસીદાસજીના રામચરિતમાનસમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખિત નથી. આ કથા સમય જતાં ભક્તિ ભાવને વધુ મધુર અને ભાવનાત્મક બનાવવા માટે લોકવાયકા દ્વારા જનમાનસમાં પ્રસરી છે. વિક્રાંત પાંડેનું વિશ્લેષણ એ સંદેશ આપે છેકે, શબરી માતાની ભક્તિનું સાચું મૂલ્ય બોર ચખવામાં નહીં, પરંતુ ભગવાન રામના આગમન માટેની તેમની અખંડ પ્રતીક્ષા અને આંતરિક શુદ્ધિમાં રહેલું છે. આ વિશ્લેષણ શ્રદ્ધાને જાળવી રાખીને પણ સત્યની શોધ કરવા પ્રોત્સાહિત કરે છે.

રામાયણના સૌથી મહત્વના પાત્ર અને હનુમાનજી, જેઓ અષ્ટ ચિરંજીવીઓ પૈકીના એક છે અને કળિયુગના સાક્ષાત દેવતા માનવામાં આવે છે, તેમની શક્તિનો સાચો સ્ત્રોત વિક્રાંત પાંડે સરળતાથી સમજાવે છે. વિક્રાંત પાંડે કહે છેકે, હનુમાનજીની અપ્રતિમ શક્તિનું રહસ્ય તેમના ત્રણ ગુણોના સંયોજનમાં રહેલું છે, જેમાં બ્રહ્મચર્ય (મન પર અદ્ભુત નિયંત્રણ), શારીરિક બળ (આંતરિક અને બાહ્ય), અને સર્વોચ્ચ નિષ્કામ ભક્તિનો સમાવેશ થાય છે. આ ત્રણેય ગુણોનું સંતુલન તેમને કલ્યાણકારી અને શક્તિશાળી બનાવે છે.

હનુમાનજીના દર્શન માટેની શરત ભૌતિક પૂજા કે અનુષ્ઠાન કરતાં આંતરિક સમર્પણ પર ભાર મૂકે છે. જ્યારે કોઈ વ્યક્તિમાં હનુમાનજીની જેમ રામ પ્રત્યે ઊંડો, નિસ્વાર્થ અને અખંડ ભક્તિ ભાવ હોય કે તે પણ પોતાની જાતને સંપૂર્ણ રીતે ભગવાનને સમર્પિત કરી શકે, તો જ તેને તેમના દર્શન થઈ શકે છે. હનુમાનજીનું હૃદયમાં સીતારામ બતાવવું, આંતરિક સમર્પણની પરાકાષ્ઠા દર્શાવે છે.

બીજી તરફ મહાકાવ્ય મહાભારતના પાત્રોની જટિલતાને સમજાવતા વિક્રાંત પાંડેએ કર્ણ અને અશ્વત્થામાના જીવનના મહત્ત્વપૂર્ણ પાસાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું હતું કે, મહાભારતનો સૌથી કરુણ અને મહાન યોદ્ધો કર્ણ હતો, જે દાનવીર તરીકે જગવિખ્યાત હતો. કૃષ્ણ અને ઇન્દ્ર દ્વારા અનેક કસોટીઓ કરવા છતાં, કર્ણે હંમેશાં પોતાની દાનવીરતા અને વચનપાલનનો ધર્મ જાળવ્યો. જોકે, તેમનો સૌથી મોટો સંઘર્ષ તેમની વફાદારી અને ધર્મ વચ્ચેનો હતો. કર્ણ જાણતો હતો કે કૌરવો અધર્મની સાથે છે, છતાં તે મિત્રતાના ધર્મને વશ થઈને જીવનના અંત સુધી દુર્યોધનની સાથે જ રહ્યો. કર્ણની કથા દર્શાવે છે કે માનવ જીવનમાં સંબંધોના બંધન અને કૃતજ્ઞતાની ભાવના ક્યારેક વ્યક્તિના વિવેકબુદ્ધિ પર હાવી થઈ જાય છે, અને તેના કારણે મહાન વ્યક્તિઓ પણ દુ:ખદ અંતને પ્રાપ્ત કરે છે.

તેમણે દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા વિષે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અશ્વત્થામા પણ મહાભારત કાળના એક અન્ય ચિરંજીવી પાત્ર છે. તેમણે પોતાના પિતાના છળપૂર્વક થયેલા મૃત્યુનો બદલો લેવા માટે રાત્રે પાંડવોના શિબિરમાં ઘૂસીને દ્રૌપદીના પાંચેય પુત્રોની હત્યા કરી હતી. આ ઘોર પાપને કારણે, અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ નિદોર્ષ ઉત્તરાના ગર્ભમાં રહેલા બાળક પરીક્ષિતને મારવા માટે કરવાના પ્રયાસ બદલ, ભગવાન શ્રી કૃષ્ણએ તેમને અમરત્વનો શ્રાપ આપ્યો હતો.

શ્રાપના ભાગરૂપે, અશ્વત્થામાને તેમના માથા પરનો દૈવી રત્ન (મણિ) કાઢી લેવામાં આવ્યો હતો. આ મણિ તેમને ભૂખ, તરસ અને થાકથી બચાવતો હતો. કૃષ્ણએ શ્રાપ આપ્યો કે તે કળિયુગના અંત સુધી પૃથ્વી પર ભટકતા રહેશે, તેના શરીરમાંથી લોહી અને પરુ નીકળશે અને તેને કોઈ રોગમાંથી મુક્તિ નહીં મળે. કૃષ્ણએ પછીથી અભિમન્યુના પુત્ર પરીક્ષિતને દૈવી શક્તિથી પુનર્જીવિત કર્યા હતા. અશ્વત્થામાના આ શ્રાપની કથા મહાકાવ્યોની વાસ્તવિકતા અને તેના સતત પ્રભાવને દર્શાવે છે.

આધ્યાત્મિક યાત્રાને સમજાવતાં વિક્રાંત પાંડે નર્મદા પરિક્રમાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપે છે. પરિક્રમા વિષે માહિતી આપતા વિક્રાંત પડે જણાવે છેકે, લગભગ ૩૩૦૦ કિલોમીટરની આ પગપાળા યાત્રા છથી આઠ મહિના સુધી ચાલે છે, જેમાં યાત્રીઓ પગમાં કાંટા વાગે, લોહી નીકળે, અને માત્ર જે મળે તે ખાઈને જીવનની અસ્થાયીતા સ્વીકારીને પરિક્રમા પૂરી કરે છે. આ યાત્રાનો મૂળ ઉદ્દેશ્ય શારીરિક કષ્ટ સહન કરીને આત્મિક શુદ્ધિ અને આંતરિક શાંતિ પ્રાપ્ત કરવાનો છે. જે લોકો આવી કઠોર યાત્રા પૂરા મનથી, નિસ્વાર્થ ભાવે અને સમર્પણ સાથે કરે છે, તેમને જ જીવનના ગહન રહસ્યો સમજાય છે અને કેટલીક મહાન આત્માઓના દર્શન થાય છે. આ પ્રવાસ ઈશ્વર પ્રત્યેના અચૂક વિશ્વાસ અને માનવ જીવનની નશ્વરતાનું પ્રતીક છે. તે વ્યક્તિને ભૌતિક દુનિયાથી અલિપ્ત રહીને આત્મ-તત્ત્વ સાથે જોડાવાનો માર્ગ શીખવે છે.

આમ, વિક્રાંત પાંડેનું આ વિશ્લેષણ સ્પષ્ટ કરે છે કે, રામાયણ અને મહાભારત માત્ર ધર્મગ્રંથો નથી, પરંતુ તે જીવન, નીતિ, ધર્મ અને આત્મ-તત્ત્વને સમજાવતા ઇતિહાસ, વિજ્ઞાન અને અખંડ ભક્તિનું એક અદ્ભુત સંમિશ્રણ છે, જે આજે પણ એટલું જ પ્રાસંગિક છે.