'ચિરંજીવી' એટલે અમર નહીં, પરંતુ અતિ દીર્ઘાયુ
હિંદુ કાળગણના અને પૌરાણિક સત્યોનું મહા-વિશ્લેષણ
સપ્ત ચિરંજીવીનું મૃત્યુ નિશ્ચિત છે! આ દાવો હિંદુ શાસ્ત્રોના ગહન અભ્યાસ પર આધારિત છે. લેખક વિનીત અગ્રવાલ સાથેના એક લાંબા પોડકાસ્ટમાં ચિરંજીવીની સાચી વ્યાખ્યા, પશ્ચિમી અનુવાદની ભૂલ, બ્રહ્માજીના કાળચક્રમાં તેમનું સ્થાન અને રામાયણ-મહાભારતની લોકપ્રિય માન્યતાઓના સત્યનું વિસ્તૃત વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ત્યારે આવો જાણીએ ભારતીય જ્ઞાન પ્રણાલીના અજાણ્યા રહસ્યો.
યુટ્યુબ પર અવારા મુસાફિર ચેનલ પરના એક લાંબા પોડકાસ્ટમાં લેખક, ડૉક્ટર અને પૌરાણિક વિષયોના ગહન જ્ઞાતા વિનીત અગ્રવાલ સાથે હિંદુ ધર્મના સૌથી રસપ્રદ અને રહસ્યમય વિષય ચિરંજીવી પર મંથન કરવામાં આવ્યું છે. આ ચર્ચા માત્ર પૌરાણિક કથાઓનું વર્ણન નથી, પરંતુ શાસ્ત્રોક્ત કાળગણના અને શબ્દાર્થના આધારે એક ગહન તુલનાત્મક વિશ્લેષણ છે, જે દાયકાઓથી પ્રચલિત ઘણી લોકમાન્યતાઓને પડકારે છે. આ ચર્ચાનું તારણ એ છે કે સપ્ત ચિરંજીવી પણ અંતે તો અમર નથી, પરંતુ તેમનું મૃત્યુ પણ બ્રહ્માંડીય સમયના ચક્રમાં નિશ્ચિત છે. ત્યારે આવો જાણીએ ભારતીય જ્ઞાન પ્રણાલીના અજાણ્યા રહસ્યો.
વિનીત અગ્રવાલે ભારપૂર્વક સમજાવ્યું હતું કે, ચિરંજીવી શબ્દનો જે રીતે અર્થ કરવામાં આવે છે, તે અધૂરો છે. ખાસ કરીને પશ્ચિમી સંસ્કૃતિમાં તેમને સાત અમર તરીકે ઓળખવામાં આવે છે, જે મૂળભૂત રીતે ખોટો અનુવાદ છે. સંસ્કૃત શબ્દ ચિરંજીવીન બે શબ્દોનો સમન્વય છે. જેમાં એક ચિરમ્, જેનો અર્થ થાય છે લાંબું, દીર્ઘકાલીન, અને બીજો છે, જીવિન્ જેનો અર્થ થાય છે જીવન જીવનાર. આથી, તેનો શાસ્ત્રીય અર્થ થાય છે કે, જે ખૂબ લાંબુ જીવન જીવશે અથવા અતિ દીર્ઘાયુ હશે.
અગ્રવાલના મતે, આ પાત્રોને પ્રાપ્ત થયેલું આયુષ્ય અત્યંત મોટું અને સામાન્ય માનવીની કલ્પના બહારનું છે, જે ઘણીવાર આખો કલ્પ અથવા મહાયુગ જેટલું લાંબુ હોઈ શકે છે. પરંતુ તેમનો એક નિશ્ચિત જીવનકાળ હોય છે. તેમનું મૃત્યુ ન થાય તેવું નથી, પરંતુ તે મૃત્યુ બ્રહ્માજીના કાળચક્ર સાથે જોડાયેલું હોવાથી અત્યંત લાંબા સમય પછી થાય છે, જેને આપણે ભૂલથી અમરત્વ માની લઈએ છીએ. આ તફાવત જ ચિરંજીવીને અમરત્વથી અલગ પાડે છે.
શાસ્ત્રોમાં જે સાત ચિરંજીવીઓનો ઉલ્લેખ છે, તે કાળચક્રના વિવિધ મહત્ત્વના યુગો સાથે જોડાયેલા છે. જેમાં અશ્વત્થામા, બલિ (મહાબલિ), વ્યાસ (વેદવ્યાસ), હનુમાન (હનુમાનજી), વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામનો સમાવેશ થાય છે. આ સિવાય, આઠમા ચિરંજીવી તરીકે મહર્ષિ માર્કણ્ડેયનું નામ પણ ઘણી જગ્યાએ ઉલ્લેખાયેલું છે.
પોડકાસ્ટમાં અશ્વત્થામા અને વેદવ્યાસજીના વર્તમાન અને ભવિષ્યના રોલ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. વેદવ્યાસજીનું નિવાસસ્થાન બદ્રીનાથમાં બદ્રીકાશ્રમ છે. વેદવ્યાસજીએ જ્ઞાન અને ધર્મની જાળવણી માટે વેદોનું સંકલન કર્યું અને મહાભારત જેવા ગ્રંથોની રચના કરી.
જ્યારે અશ્વત્થામાના ભવિષ્ય અંગે વાત કરીએ તો સૌથી આશ્ચર્યજનક વિશ્લેષણ એ હતું કે, પુરાણોના આધારે, આગામી મનવંતરમાં (એક વિશાળ કાળચક્ર) અશ્વત્થામા સ્વયં વ્યાસનું મહત્ત્વપૂર્ણ પદ સંભાળશે. આ દર્શાવે છે કે આ પાત્રો માત્ર દીર્ઘાયુ ભોગવવા માટે નથી, પરંતુ બ્રહ્માંડીય જ્ઞાન અને વ્યવસ્થા જાળવવા માટે તેમને ચોક્કસ જવાબદારીઓ સોંપવામાં આવી છે. અશ્વત્થામા વિશેની લોકકથાઓ જેમ કે, કોઈ મંદિર કે ધાબા પર દેખાવું માત્ર વાર્તાઓ છે, તેમ જણાવવામાં આવ્યું હતું, જે પૌરાણિક સત્યો અને લોકવાયકાઓ વચ્ચેનો તફાવત સમજાવે છે.
ભગવાન વિષ્ણુના દસમા અને અંતિમ અવતાર કલ્કિ અવતાર સાથે પણ ચિરંજીવીઓનું જોડાણ છે, જે કળિયુગના અંતનો સંકેત આપે છે. શાસ્ત્રો મુજબ, કલ્કિ અવતારનું જન્મસ્થાન ઉત્તર પ્રદેશનું સંભલ છે. શાસ્ત્રોમાં કલ્કિ ભગવાનના સમગ્ર જીવનનું વર્ણન છે, જેમાં તેઓ સિંહલ દ્વીપ (શ્રીલંકા)ની રાજકુમારી સાથે વિવાહ કરશે. અન્ય પૌરાણિક ગ્રંથો મુજબ, ચિરંજીવી પરશુરામ કલ્કિ અવતારના ગુરૂ અને માર્ગદર્શક બનશે. તેઓ કલ્કિને અસ્ત્ર-શસ્ત્રનું જ્ઞાન આપશે, જેથી તેઓ કળિયુગના અંતે માનવતાને બચાવી શકે. આ દર્શાવે છે કે ચિરંજીવીઓનો રોલ માત્ર વર્તમાન યુગમાં જ નહીં, પરંતુ ભવિષ્યના ધાર્મિક પરિવર્તનમાં પણ નિર્ણાયક છે.
આ પોડકાસ્ટે એક અત્યંત પ્રચલિત લોકમાન્યતાનું પણ વિચ્છેદન કર્યું. પ્રચલિત માન્યતા છેકે, રામ સેતુ બનાવતી વખતે વાનર સેનાએ પથ્થરો પર રામ નામ લખ્યું હતું, જેના કારણે તે પથ્થરો પાણીમાં તરવા લાગ્યા હતા. વિનીત અગ્રવાલે વાલ્મીકિ રામાયણના ગહન અભ્યાસના આધારે સ્પષ્ટ કર્યું હતું કે, આ વાર્તા હકીકતમાં મૂળભૂત ગ્રંથમાં ઉલ્લેખિત નથી. વાલ્મીકિ રામાયણમાં રામ નામ લખીને પથ્થરો તરાવવાનો કોઈ ઉલ્લેખ મળતો નથી. આ પ્રકારનું તુલનાત્મક વિશ્લેષણ ભારતીય જ્ઞાન પ્રણાલીની સચોટતાને પ્રકાશિત કરે છે, અને માત્ર લોકવાયકાઓ પર આધાર રાખવાને બદલે મૂળ ગ્રંથોનો અભ્યાસ કરવા માટે પ્રેરણા આપે છે.
ચિરંજીવીઓ આટલા લાંબા સમય સુધી શા માટે જીવે છે અને તેમનો અંત ક્યારે નિશ્ચિત છે તે સમજવા માટે, હિંદુ ધર્મમાં વર્ણવેલ બ્રહ્માંડીય કાળચક્રને સમજવું અત્યંત જરૂરી છે, જે બ્રહ્માજીના જીવનકાળ પર આધારિત છે. બ્રહ્માજીનો એક દિવસ ૧૪ મનવંતરનો બનેલો હોય છે. આ સમયગાળો ૪.૩૨ બિલિયન માનવ વર્ષ જેટલો વિશાળ હોય છે. દરેક મનવંતરમાં ૭૧ મહાયુગોનું ચક્ર હોય છે. દરેક મહાયુગ ચક્રમાં ચાર યુગો એટલે કે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળિયુગનો સમાવેશ થાય છે. ચિરંજીવીઓ આ મહાયુગ અને મનવંતરના ચક્રોમાંથી પસાર થાય છે. જ્યારે બ્રહ્માજીની રાત શરૂ થાય છે, તેને પ્રલય કહેવામાં આવે છે. આ પ્રલય દરમિયાન, બ્રહ્માજી દ્વારા તે દિવસે બનાવેલ બ્રહ્માંડની અંદરના તમામ લોક (ગ્રહો અને સ્તરો) વિસર્જન પામે છે. બ્રહ્માંડનું સંપૂર્ણ અસ્તિત્વ સમાપ્ત થતું નથી, પરંતુ અંદરના જીવન સ્વરૂપોનો પ્રલય થાય છે. ત્યારબાદ બ્રહ્માજી ફરીથી સવારે સૃષ્ટિની રચના શરૂ કરે છે. ચિરંજીવીઓનું જીવન અતિ લાંબુ હોવા છતાં, તેઓ આખરે બ્રહ્માજીના કાળચક્ર અને પ્રલયના નિયમોને આધીન છે અને તેમનો અંત આખરે નિશ્ચિત છે.
આ સમગ્ર ચર્ચા ભારતીય જ્ઞાન પ્રણાલીની મહાનતા અને ગહનતાનો પરિચય કરાવે છે. વિનીત અગ્રવાલ ભારપૂર્વક જણાવે છે કે, લોકોએ તેમના ધર્મ, સંસ્કૃતિ અને ઇતિહાસ વિશે માત્ર વાર્તાઓ સાંભળવાને બદલે મૂળ ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ. આ અભ્યાસ જ આપણને સાચી હકીકત અને ગેરમાન્યતાઓ વચ્ચેનો તફાવત સમજાવે છે, અને આપણી સંસ્કૃતિના વારસાને યોગ્ય રીતે સમજવામાં મદદ કરે છે.