આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યાં છે ત્યારે એવી દંતકથાઓનો કોઇઅર્થ રહેતો નથી જેનો કોઇ પાયો જ હોતો નથી.જો કે આપણાં પુર્વજો દ્વારા આપણને કેટલીક કથાઓ, પાત્રો વારસામાં અપાયા છે જે મોટાભાગે કોઇ એક વ્યક્તિની કલ્પના નથી પણ તે સંખ્યાબંધ લોકોની માન્યતા સાથે સંકળાયેલ બાબત હોય છે અને તેનો વાસ્તવિકતા સાથે પણ સંબંધ હોય છે.
આજથી પચ્ચીસસો વર્ષ અગાઉ જયારે લોકો ગ્રીસનું ભ્રમણ કરતા ત્યારે તેમને ઓરેકલ ઓફ ડેલ્ફીની વાતો સાંભળવા મળતી હતી.આ ડેલ્ફી ભવિષ્ય પણ ભાખતી હતી અને તેની વાતો મોટાભાગે તો ઉખાણાની ભાષામાં બોલાતી હતી જેને લોકોએ ઉકેલવી પડતી હતી.જો કે તેના અસ્તિત્વ અંગે ઘણાં શંકાઓ વ્યકત કરતા હતા પણ વૈજ્ઞાનિકોના સમુદાયે ડેલ્ફીની સાઇટનું સંશોધન કર્યુ ત્યારે તેમને ઘણી હેરતજનક વાતો જણાઇ હતી.તેના ધ્વસ્ત થયેલા મંદિરના કાટમાળની નીચેથી વૈજ્ઞાનિકોને ઓઇલી લાઇમસ્ટોનનાં ખડકો મળ્યા હતા.આ મંદિર એક ફોલ્ટ પર બંધાયેલું હતું એટલે તે સમયાંતરે ડોલતુ રહેતું હતું અને જ્યારે તે ડોલતું ત્યારે ત્યાં ભયંકર ગરમીનું સર્જન થતું હતું.કેમિસ્ટોને ત્યાં ઇથેલિનનાં પુરાવા મળ્યા હતા.આ ગેસને કારણે વ્યક્તિ વાસ્તવિકતા સાથે સંપર્ક ખોરવી દે છે અને તે કાલ્પનિક લોકમાં ચાલ્યો જાય છે.આ કારણે જ ડેલ્ફીની ભાષા લોકોને મુંઝવણમાં મુકનાર લાગતી હતી કારણકે તે આ વાયુને શ્વાસમાં લેતી હતી.
આફ્રીકન ગુલામોનાં વંશજો એ હૈતીની મોટાભાગની પ્રજા છે જે વુડુમાં પણ વિશ્વાસ ધરાવે છે.જે પશ્ચિમ આફ્રિકામાં ધર્મનો દરજ્જો ધરાવે છે.આ ધર્મમાં માનનાર તેનો પુજારી જેને બોકોર કહેવાય છે તે મૃત વ્યક્તિને જીવિત કરી શકે છે જેને ઝોમ્બી તરીકે ઓળખવામાં આવે છે.આ ઝોમ્બી સ્વતંત્ર હોતા નથી તેને તેના માલિકની ઇચ્છાનુસાર જ કામ કરવા પડે છે.તેનો માલિક તેની પાસે મોટાભાગે તો ગુલામીના કામ કરાવે છે.જો કે હૈતી સિવાય મોટાભાગના લોકો આ કથાઓને ગંભીરતાથી લેતા ન હતા પણ જ્યારે તેમને તેનો પુરાવો મળ્યો ત્યારે તેમને આ વાત માનવી પડી હતી.કલેરવિયસનું મોત વીસ વર્ષ પહેલા થઇ ગયું હતું પણ તે હાલમાં લોકોને જોવા મળ્યો હતો.તેણે દાવો કર્યો હતો કે બોકોરે તેને દાસ તરીકે જીવતો રાખ્યો હતો.ડો.વેડ ડેવિસે આ અંગે તપાસ કરી હતી અને તેઓ તે માટે હૈતી ગયા હતા.તેમને તપાસ દરમિયાન ખબર પડી કે બોકોર ઝોમ્બી પાવડરનો ઉપયોગ કરતા હતા.આ પાવડરની જ્યારે તપાસ કરાઇ ત્યારે તેમાં પફર ફીશનાં તત્વો અને ઝેરી દેડકાની ચામડીનાં અવશેષો તેમાં મળ્યા હતા.આ પાવડર લેનાર વ્યક્તિને જ્યારે લોકો જુએ ત્યારે તેમને તે મરી ગયાનું જણાય છે.ત્યારબાદ તેને કબરમાંથી બહાર કઢાય છે અને તેને અન્ય ખતરનાક ડ્રગ અપાય છે જેના કારણે તે પોતે કોણ હતો તે ભૂલી જાય છે અને તેના માલિક દ્વારા જે હુકમ અપાય તેનું તે પાલન કરે છે.૧૯૯૨માં વેલી ઓફ કિંગ્સમાં તપાસ દરમિયાન તુતનખામનની કબર મળી આવી હતી અને આ શોધને કારણે પુરાતત્વવિદ્ હોવાર્ડ કાર્ટર જગવિખ્યાત થઇ ગયા હતા.જો કે આ તપાસમાં સામેલ મોટાભાગના લોકો એક પછી એક મોતને ઘાટ ઉતર્યા હતા.આ તપાસ માટે જેણે ભંડોળ આપ્યું હતું તે લોર્ડ કાર્નાર્વોનને મચ્છરે ડંખ માર્યો અને તે માર્યા ગયા હતા.જેણે એ મમીનો એક્સરે કર્યો હતો તે વૈજ્ઞાનિક પણ કોઇ રહસ્યમય રોગનો શિકાર થયા હતા અને મોતને ભેટ્યા હતા.જેણે કબરને ખોદવાને કામમાં ભાગ લીધો હતો તે પણ ઝેરને કારણે મોતને ભેટ્યો હતો અને જેણે એ સ્થળની મુલાકાત લીધી હતી તે પણ મોતને ભેટ્યો હતો.ત્યારબાદ મમીનાં શ્રાપની વાતો ફેલાઇ હતી જેને ઘણાં લોકોએ નકારી હતી કારણકે આ અભિયાનમાં સંકળાયેલા ઘણાં લોકો માર્યા ગયા હતા પણ ઘણાં લોકોને કશું જ થયું ન હતું.હોવાર્ડ કાર્ટરનું મોત ૬૪ વર્ષે થયું હતુ.
ગ્રીકોએ ટ્રોય પર કબજો કરવા માટે દસ વર્ષ ખર્ચ્યા હતા અને આખરે ટ્રોજન હોર્સની રચના કર્યા બાદ તેઓ આ નગરને કબજે કરી શક્યા હતા.આ વિશાળ કદનાં ઘોડાને જોઇને સૈનિકો તેને અંદર લઇ ગયા હતા અને તેમાં રહેલા સૈનિકો નિકળ્યા હતા અને તેમણે નગરનો દરવાજો બાકી રહેલા સૈન્ય માટે ખોલ્યો હતો.આ કથા આપણને આમ તો હોમરની ઓડિસીમાં મળે છે.જો કે એ વાત પણ હકીકત છે કે આ માત્ર કથા ન હતી પણ તે વાસ્તવિકતા હતી.
પ્રાચિન ઇજિપ્તમાં એક જાદુઇ પક્ષી ફિનિક્સની વાત પ્રચલિત હતી જે વૃદ્ધ થયા બાદ મોતને ભેટે છે અને તેમાં અગ્નિ પ્રગટે છે અને તેની રાખમાંથી અન્ય ફિનિક્સ જન્મ લે છે.આ કથા આમ તો ઇસ્ટ આફ્રિકાનો પ્રવાસ કરનાર લોકો દ્વારા અન્ય દેશોમાં પ્રસરી હતી.જો કે આ વાત તેમણે ફલેમિંગોને જોઇને ફેલાવી હતી આ પક્ષી અહીનાં સરોવર વિસ્તારમાં રહે છે જે ઉનાળા દરમિયાન સુકાઇ જાય છે અને સેંકડો પક્ષી બચ્ચા ભોજનની તલાશ માટે અહીંથી બીજા સ્થળે જાય છે અને જ્યારે તેઓ ઉડે છે ત્યારે આકાશમાં વાદળી રંગનું વાદળ સર્જાતું હોવાનું જણાય છે.તેમની ઉડાન આગ લાગી હોય તેવું દૃશ્ય સર્જે છે જેમાંથી બચ્ચા પ્રગટતા હોવાનું જણાય છે.
બે હજાર વર્ષથી લોકોમાં એટલાન્ટિસની કથા પ્રચલિત છે.સૌપ્રથમ તેનો ઉલ્લેખ પ્લેટોનાં લખાણોમાં જોવા મળે છે.આ ભવ્ય સભ્યતા અંગે તેમણે કહ્યું હતું કે તે સમુદ્રમાં ગુમ થઇ ગઇ હતી.એટલાન્ટિસ એ નગરની રાજધાની હતી.જો કે પ્લેટો ઇતિહાસકાર ન હતા અને તેમણે પોતે ક્યારેય સત્યાત્મક લખાણો કર્યાની વાતનો દાવો પણ કર્યો નથી.તેઓ મોટાભાગે તો નૈતિકતાનો આગ્રહ રાખતા હતા.જો કે તે સમયના કાળમાં સમુદ્રમાં ડુબેલા શહેરની વાતો ઘણી પ્રચલિત હતી અને એટલાન્ટિસ પણ તેની જ ઉપજ હોવાનું લોકો માને છે.૩૬૦૦ વર્ષ પહેલા સેન્ટોરિની ટાપુ પર એક જવાળામુખી ફાટ્યો હતો જો કે તેનો એટલાન્ટિસ સાથે કોઇ સંબંધ હોવાની વાત સંકળાયેલી છે કે નહી તે કોઇ જાણતું નથી પણ એ હકીકત છે કે ગ્રીસ, ઇટાલી, ઇજિપ્ત, ઇઝરાયેલ અને ભારતમાં પણ ડુબેલી સંસ્કૃતિની કથાઓ પ્રચલિત છે.
સમુદ્રમાં પ્રવાસ કરનારા ખલાસીઓ અનેક પ્રકારની માન્યતાઓ ધરાવતા હોય છે જેમાં સૌથી ખૌફનાક માન્યતા ફ્લાઇંગ ડચમેન જહાજ સાથે સંકળાયેલી છે.આ જહાજ સમુદ્રમાં ડુબી ગયું હતું અને જેને આ જહાજ જોવા મળે છે તે કમનસીબીનો શિકાર બની જતા હોય છે.કહેવાય છે કે જ્યારે પણ આ જહાજ જોવા મળે છે ત્યારે જહાજીઓ એક પ્રકારની મૃગતૃષ્ણાનો શિકાર બને છે.જેમાં તેમને જહાજો પાણીની સપાટી ઉપર ચાલતા જણાય છે.જો કે આ વાત જહાજને જોવાને કારણે ઉત્પન્ન થવા કરતા સમુદ્રની પરિસ્થિતિને આભારી હોવાનું નિષ્ણાંતો માને છે.
વેમ્પાયર અંગેની હોલિવુડ ફિલ્મો જોનાર લોકોને તેમના વિશે એ વાત ખબર હોય છે કે તે પોતાનાં કોફિનમાંથી રાત્રે બહાર નિકળે છે અને તેઓ સુર્ય પ્રકાશને સહન કરી શકતા નથી અને લસણની વાસ પણ તેમના માટે ખતરનાક સાબિત થાય છે.જો કે આ પ્રકારની સ્થિતિનો સામનો એ લોકોને પણ કરવો પડે છે જેમને લોહીની એક બિમારી પોર્ફિરિયા લાગુ પડતી હોય છે.આ રોગ જેને લાગુ પડે છે તે દર્દીઓની ચામડી વધારે સંવેદનશીલ હોય છે અને તેઓ સુર્યપ્રકાશને સહન કરી શકતા નથી.જો તેઓ સુર્ય પ્રકાશનાં સંપર્કમાં આવે તો તેમની ચામડી બળી જાય છે અને તેમને લસણની પણ એલર્જી હોય છે.લસણને કારણે તેમને ભયંકર પીડાનો સામનો કરવો પડતો હોય છે.તેમને દાંતની પણ સમસ્યા થાય છે તેમનાં પેઢા નિકળી જાય છે અને દાંત પણ હોઠની બહાર નિકળી આવતા હોય છે.તેઓ લોકોનું લોહી પીતા નથી પણ તેમનો પેશાબનો રંગ લોહી જેવો લાલ હોય છે.આ કારણે લોકોને લાગે છે કે તેઓ લોહી પીતા હોય છે.જો કે આ રોગ બહુ રેર હોય છે અને તે યુરોપમાં ખાસ્સો પ્રચલિત હતો અને તે કારણે જ વેમ્પાયરની કથાઓ મધ્ય યુરોપમાં વધારે પ્રચલિત થઇ છે.
ઇંગ્લેન્ડમાં લોકો વિલ ઓ ધ વિસ્પ નામનાં રહસ્યમય પ્રકાશની કથાઓને માને છે જે લોકો માટે ખતરનાક સાબિત થાય છે ખાસ કરીને પ્રવાસીઓ આ પ્રકારના પ્રકાશથી બહુ ભયભીત રહેતા હોય છે.આ પ્રકારની કથાઓ સરાઇમાં રહેતા લોકોમાં વધારે પ્રચલિત હતી જેઓ રાત્રે તાપણુ સળગાવીને બેસતા હોય છે અને સમય પસાર કરવા માટે કથાઓ સાંભળે છે.આ પ્રકાશ ખરેખર તો કાલ્પનિક નથી પણ વાસ્તવિકતા છે અને લોકોને તે નજરે પડતો હોય છે.આ પ્રકાશનું કારણ સડેલા વૃક્ષોમાંથી નિકળતા ગેસોને કારણે દેખાય છે.આ સડેલા વૃક્ષો અગ્નિને નિપજાવનાર મિથેન છોડતા હોય છે જે હવાનાં સંપર્કમાં આવતા જ બળી જતા હોય છે.
ગ્રીક સભ્યતામાં એમેઝોનની બહાદુર મહિલાઓની કથાઓ ઘણી પ્રચલિત છે.તે ટ્રોજન યુદ્ધ દરમિયાન યુદ્ધ લડી હતી.એટિક યુદ્ધ દરમિયાન એથેન્સો પર તેમણે હુમલો કર્યો હતો અને તેમણે જ ઇફેસસ શહેરને વસાવ્યું હતું.ગ્રીકોમાં તેમની કથાઓ બહુ લાંબા સમયથી પ્રચલિત છે.જો કે આ કથાઓને કોઇ ગંભીરતાથી લેતું ન હતું.જો કે એક રશિયન પુરાતત્વવિદને આ મહિલા યોદ્ધાઓની કબર મળી આવી હતી જેમાં તેમના હથિયારો મળ્યા હતા અને તેમના શરીર પર યુદ્ધ દરમિયાન થયેલા ઘાનાં પણ પુરાવા મળ્યા હતા.જે કંકાલ મળ્યા હતા તે એ સમયના હતા જ્યારે મહિલાઓ વિશાળ કદની જોવા મળતી ન હતી પણ આ કંકાલોનું કદ અસામાન્ય જોવા મળ્યું હતું.