Kayamat - 1 in Gujarati Science-Fiction by Anghad books and stories PDF | કાયામત: અંતિમ આશ્રય - 1

The Author
Featured Books
Categories
Share

કાયામત: અંતિમ આશ્રય - 1


પ્રકરણ ૧: આકાશનો છાયડો

તારીખ: ૧૨ ઓગસ્ટ, ૨૦૨X
સ્થળ: હિમાલયની પહાડીઓમાં આવેલી 'આર્યભટ્ટ એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી'

રાતના ત્રણ વાગ્યા હતા. બહાર બરફીલા પવનો ફૂંકાઈ રહ્યા હતા, પણ ઓબ્ઝર્વેટરીની અંદર વાતાવરણ ગરમાગરમ હતું. મુખ્ય વૈજ્ઞાનિક આર્યન તેની મોટી કમ્પ્યુટર સ્ક્રીન સામે એકીટશે જોઈ રહ્યો હતો. તેની આંખો લાલ ચોળ થઈ ગઈ હતી, કારણ કે છેલ્લા ૭૨ કલાકથી તે સુતો નહોતો.
"આ શક્ય જ નથી..." આર્યન મનમાં બબડ્યો.
તેણે ફરીથી ટેલિસ્કોપના ડેટાને રી-કેલ્ક્યુલેટ કર્યો. તેના હાથ ધ્રૂજી રહ્યા હતા. અવકાશના અનંત અંધકારમાં એક નાનકડું ટપકું દેખાતું હતું, જે પૃથ્વી તરફ અત્યંત ઝડપે ગતિ કરી રહ્યું હતું. તે કોઈ સામાન્ય ઉલ્કા નહોતી. ડર અને રહસ્ય સાથે તેણે ધ્રુજતા અવાજે કહ્યું
"માયા! જલ્દી અહીં આવ!".
તેની આસિસ્ટન્ટ માયા દોડતી આવી. "શું થયું સર? ફરી કોઈ ટેકનિકલ એરર છે?"
"ના માયા, આ એરર નથી. આ 'ડેથ-વોકર' છે." આર્યને સ્ક્રીન તરફ આંગળી ચીંધી.
સ્ક્રીન પર ગણતરીઓ ફરી રહી હતી. Mass, Velocity અને Trajectory ના આંકડાઓ એક ભયાનક સત્ય તરફ ઈશારો કરી રહ્યા હતા. આ ઉલ્કાનું કદ માઉન્ટ એવરેસ્ટ કરતા પણ પાંચ ગણું મોટું હતું. જો તે પૃથ્વી સાથે ટકરાય, તો પૃથ્વી પરનું જીવન એક સેકન્ડના સોમા ભાગમાં રાખ બની જાય.
"સર, આ પૃથ્વીથી કેટલા અંતરે છે?" માયાએ ગભરાતા અવાજે પૂછ્યું. તેના માટે આ રોજ નું ઓબ્ઝર્વેસન નહતું. 
આર્યને ઊંડો શ્વાસ લીધો અને ટેબલ પર પડેલા ગ્લાસમાંથી પાણી પીધું. "આપણી પાસે માત્ર ૧૮ મહિના છે. અને સૌથી ખરાબ વાત એ છે કે, અત્યારે આ દુનિયામાં આપણા સિવાય કોઈને ખબર નથી કે મોત ઉપરથી નીચે આવી રહ્યું છે."
"આપણે તરત જ સરકારને જાણ કરવી જોઈએ, આ નાની વાત નથી, દુનિયા ની તમામ માનવજાતિ માટે કદાચ આ છેલ્લા મોટા સમાચાર હોય શકે છે" માયાએ કહ્યું. 
" હા, માયા દુર્ભાગ્ય છે, દુનિયાનું પણ તારી વાત સાચી છે, પણ સરકારને?" આર્યન કડવું હસ્યો. "માયા, જો આ સમાચાર બહાર આવશે તો આખી દુનિયામાં અરાજકતા ફેલાઈ જશે. લોકો જીવવા માટે એકબીજાને મારવા લાગશે. વસ્તુઓ નો સંગ્રહ કરવા લાગશે કદાચ તમામ માનવજાત એક ઝટકામાં પોતાના અસ્તિત્વ નો અંત જાણી શું નું શું કરી નાખશે, આ વાત અત્યારે અત્યંત ગુપ્ત રાખવી પડશે."
બરાબર એ જ સમયે, આર્યનના કમ્પ્યુટર પર એક નોટિફિકેશન આવ્યું. તેણે ધ્રુજતા હાથે કમ્પ્યુટર ને માઉસ થી તે મેસેજ ખોલ્યો, તે 'વર્લ્ડ સ્પેસ એજન્સી' ના ડાયરેક્ટરનો સીધો મેસેજ હતો. તેમાં ફક્ત ત્રણ શબ્દો લખ્યા હતા: "અમે પણ જોયું." આર્યન ના મો માંથી ખૂબ દુઃખ સાથે શબ્દો સર્યા "ઓહ! તો આ કાળમુખા ને જોનાર અમે એકલા નથી, તે સમજી ગયો અને 
આર્યનને એ પણ સમજાઈ ગયું કે દુનિયાના શક્તિશાળી દેશોને આની જાણ થઈ ચૂકી છે. તે રાત્રે આકાશમાં તારા ચમકી રહ્યા હતા, પણ આર્યન જાણતો હતો કે એ તારાઓ વચ્ચે છુપાયેલો એક 'કાળ' પૃથ્વી તરફ ડગલાં માંડી રહ્યો છે. કદાચ તેના જીવન ની આ એક એવી પળ હતી જે ના આવી હોત તો તેના માટે સારું હોત તેવું તેને લાગ્યું, તેને અત્યારે ઉલ્કા ટકરાવ, આપની માં ' પૃથ્વી ' ના પોપડા ને ચીરી નાખતી એ પળ અને ત્યાર બાદ મચનાર તબાહી ના દ્રશ્યો દેખાતા હતા. 
પૃથ્વીના વિનાશની ઉંટી ગણતરી શરૂ થઈ ચૂકી હતી. પરંતુ, હાલ આર્યન અને માયા આ બાબતે કશું કરવા સક્ષમ ના હતા, કેમ કે આ માત્ર પોતાના નહીં પરંતુ સર્વ માનવજાત ના અસ્તિત્વનો સવાલ હતો. 
આગળ શું થશે?
શું આર્યન સરકાર સાથે મળીને કોઈ પ્લાન બનાવી શકશે? શું માનવજાત બચાવવા માટે કોઈ રસ્તો નીકળશે?