પ્રકરણ--૩
*રાહ સાથે આગળ વધતો સંધષૅ*
એકબાજુ આટલા વર્ષો પછી પણ મેજર માધવ કયાં છે? કઈ પરિસ્થિતિમાં છે?જીવિત છે કે મરી ગયા છે?કોઈ જ ખબર કે માહિતી પૂરી આર્મી શોધી શકી ન હતી.હા, એક દિલાસો હતો કે મેજર માધવની શોધખોળ ચાલુ જ છે, પણ કોઈ કડી મળી રહી નથી.
આ એક દિલાસા સાથે રાધા પણ જીવી રહી હતી કે મેજર માધવ પૃથ્વી ના કોઈ ખૂણે ક્યાંક ને ક્યાંક હજુ જીવે છે અને જીવનના અંતિમ શ્વાસ સુધી તેની રાહ જોશે. રાધા તેની દિકરી સાથે જીવનને આગળ ધપાવી રહી હતી. રાધા એક આર્મી ઓફિસર ની પત્ની હતી. એટલે એના માટે જીવનનો પર્યાય હતો બહાદુરી અને ખુમારી થી દરેક સંજોગોમાં લડતા રહેવું. રાધાએ તેના પતિ મેજર માધવ ની ગેરહાજરીમાં પણ દિકરી મેધુ ને પણ ખૂબ વ્હાલથી સંભાળી હતી. બે નાનકડી અને નિર્દોષ આખો રાધા ને દરેક કઠિન પરિસ્થિતિમાં હિંમતથી લડતા જોએ રાખે. રાધાને જોઈ એમ થાય કે સૈનિકો ની પત્નીનું જીવન કદાચ આવું જ હોતું હશે, રાધાની મેજર માધવ માટે ની રાહ અને સંઘર્ષ તેનું એક જીવતું જાગતું ઉદાહરણ હતી. રાધા આમ તો ચૂપચાપ રહેવા વાળી, પણ રાધાની આખો ખૂબ બોલકી હતી. તે એક હથિયાર વગરના યોધ્ધાની જેમ રોજ એક યુધ્ધ લડતી એ યુદ્ધનું નામ હતું સમય સામે જોયા વગર ની "રાહ" .
ધણી વખત રાધાને રડવું હોય, પોક મૂકી ને રડવું હોય, પણ પછી એને વિચાર આવતો કે રડીશ તો આ આસુ કોણ લુછશે, મને છાની કોણ રાખશે? ? મારાં માથે હાથ મૂકી... ચૂપ થઈ જા રાધા.. હું છું ને.. એવું કહેવા વાળું પણ કોઈ ન હતું. અને ધીમે ધીમે રાધાની અંદરની રાધા મરતી ગઈ હવે આગની સૂકી ભઠ્ઠ જમીન પર આસુની એક ટીપું ય પડતું નથી. જીવન જયારે ખૂબ થકાવે ત્યારે રાધાની હસી નુ. સરનામું હતી તેની વહાલી 'મેધુ'.આ નાનકડી તગતગતી આંખો સતત એક વ્હાલ શોધ્યા કરે, એ વ્હાલનુ સરનામું એટલે રાધા. અને રાધા મા' માટે આ નાનકડી ઢીંગલી એટલે 'મેધુ'. બંને માં દીકરી ખૂબ વહાલથી એક નાનકડા ઘરમાં રહે. રાધા મેઘાના ઉછેરમાં કોઈ કચાસ રાખવા માંગતી ન હતી રાક્ષસ જેવા બરફીલા પહાડો ની વચ્ચે એક હુંફાળું જીવન એટલે રાધા અને એની નાનકડી દિકરી મેઘા.
એક તરફ સમયનું ચક્ર તેની ગતિ એ ચાલી રહ્યું હતું અને બીજી બાજુ સમય સાથે મેધા મોટી થઈ રહી હતી. એક દિકરી સૌથી વધુ નજીક તેનાં પિતાથી હોય છે. જે પ્રેમ મેધા એ કદી જોયો કે મહેસુસ પણ કર્યો ન હતો.સમય અને સમજણની સાથે સાથે મેઘાના પ્રશ્નો પણ બદલાઈ રહ્યા હતા. હવે તેના પ્રશ્નોમાં તેના પિતા વિષે જાણવાની જિજ્ઞાસા વધતી દેખાઈ રહી હતી. રાધા મેધા ને તેના પિતા મેજર માધવની બહાદુરીના કિસ્સાઓ સંભળાવતી. મેઘા બહુ રસપૂર્વક આ બધું સાંભળતી અને મનોમન જાણે અજાણે કોઈ સપનું ગુથી રહી હતી. આ વાત થી બેખબર રાધા હંમેશા મેધાના અમુક પ્રશ્નોને ટાળી દેતી, જે મેઘાની મેજર માધવ વિષે એટલે કે તેના પિતા વિશે જાણવાની જિજ્ઞાસામા વધારો કરતી.અને હોય પણ કેમ નહીં, રાધાએ મેજર માધવ નો ચહેરો મેધા થી છૂપાવી ને કબાટ ની અંદર રહેલા કપડાંઓની વચ્ચે મેજર માધવ નો ફોટો સંતાડી ને રાખ્યો હતો. જે દિવસે મેધા તેના પિતા વિષે જાણવા માટે રાધા સાથે લડી અને રડી હોય તે દિવસે રાધા એકલી હોય ત્યારે કપડાં ની વચ્ચે સંતાડેલા ફોટાને કાઢી મેધાથી છૂપાઈને એકાંતમાં રડી લેતી. મેધાની અંદર તેના પિતાનીએક તલાશની આગ પણ ઉમરની સાથે મોટી થઈ રહી હતી. હવે આ આગ કોઈ વિનાશ ન વેરે તો સારું!! એ વિચારી વિચારીને રાધા અંદર ને અંદર ચિંતા મા સરી પડતી.
મેઘા એક આઠ - દસ વર્ષ ની નાનકડી છોકરી હતી પરંતુ પોતાની ઉમરના બીજા બાળકો કરતાં એક અલગ જ ચંચળતા અને બહાદુરી તેનામાં હતા.પહાડી જીવન સરળ તો ન જ હોય પરંતુ મેધા એવી એવી જગ્યાએ અને પર્વતો પર ચઢી જતી જ્યાં જાતા પહેલાં બીજા લોકો સો વખત વિચારે. એક દિવસ તો રાધા મેધાને આખા ઘરમાં, મહોલ્લામાં બધે શોધી વળી, પરંતુ મેઘાનો ક્યાંય પતો લાગી રહ્યો ન હતો. ધીમે ધીમે સૂરજ પણ ઢળી રહ્યો હતો. રાધા તો એકદમ હેબતાઇ જ ગઈ હતી કે મેધા ગઈ ક્યાં હશે? થોડીવારમાં તો પોલીસ ની જીપ રાધાના મહોલ્લામાં આવીને ઉભી રહી. રાધા તો થોડીવાર માટે તો ડરી જ ગઈ હતી કે નક્કી આ જીપની અંદર મેધા જ આવી હશે, પછી મનોમન જાણે પોતાને જ સમજાવતી હોય કે મેધા અને પોલીસ ની જીપની અંદર... એ તો શક્ય જ નથી. તો મહોલ્લામાં પોલીસ ની જીપ આવી શું કરવા હશે??? એ જાણવા માટે રાધા સહિત ધણા લોકો એકઠાં થઈ ગયા હતા.
પછી તો જે બન્યું એ તો ત્યાં હાજર બધા લોકો ને હેરાનીમા મૂકી દે એવું હતું.બધાં ની નજર પોલીસ ની જીપ પર જ હતી, ત્યાં જ અંદરથી સૌથી પહેલાં પેલી આઠ - દસ વર્ષ ની નાનકડી છોકરી મેધા બહાર આવી. તેની પાછળ પાછળ બીજા ચાર - પાંચ પોલીસ ઓફિસર્સ પણ હતા. આવીને, પહેલો પ્રશ્ન એ જ કર્યો કે આ નાનકડી છોકરી ના માતા પિતા કોણ છે? રાધા આગળ આવી, ડરતા ડરતા અને ખચકાતા ખચકાતા ધીમા અવાજે બોલી કે... હું જ એ છોકરીની માતા છું. તમે મને કહો શું કર્યું છે એ છોકરીએ!!
એક પોલીસ ઓફીસરે રાધાને મેધાની બાજુમાં ઉભી રાખી અને તેની ફરતે બધા પોલીસ ઓફિસર્સ ગોઠવાઈ ગયા.રાધા તો મનમાં શું ને શુ વિચારી રહી હતી.તેના આસુ તો બહાર આવવાની ભરપૂર તૈયારીમાં જ હતાં ત્યાં તો બધા ઓફિસર્સ મેધા અને રાધા માટે જોરદાર તાલીઓ વગાડવા લાગ્યા.
રાધાના આશ્ચર્ય નો પાર ન રહ્યો. એક પોલીસ ઓફીસરે રાધાને જાણકારી આપી કે, મેધાએ આ મહોલ્લાને બહુ મોટી જાનહાનિ માથી બચાવી બહુ ઉમદા કાર્ય કર્યું છે.
પણ, એ કેવી રીતે પોલીસ સાહેબ? મારી મેધુ તો હજુ નાનકડી અને નિર્દોષ છે.રાધાએ પુછ્યું
ઉપરી પોલીસ અધિકારી એ હસી ને કહ્યું... અરે એ તો દરેક માતાને માટે તેનુ બાળક નાનુ જ હોય છે.પણ તમારી મેધાએ તમારા જ મહોલ્લામાં રહેતા અને થોડા જ દિવસમાં અલગ અલગ જગ્યાએ બ્લાસ્ટ કરવાના કાવતરામાં સામેલ સ્લિપર સેલ્સની માહિતી પોલીસ ને આપી અને પોલીસ ને તેના ચહેરા અને એક્ટિવિટી વિષે માહિતી આપી, હજારો દેશવાસીઓના જીવ બચાવ્યા છે. ખરેખર, તમારી દિકરી ખૂબ બહાદુર અને ચબરાક છે. ઢીંગલી થી રમવાના દિવસોમાં તે દેશવાસીઓ ના જીવ બચાવી રહી છે. રાધા તો પોલીસ ઓફિસરની આ વાત સાંભળી આશ્ચર્ય સાથે મેધાની તરફ જોઈ રહી હતી અને મનમાં ને મનમાં તેના પતિ મેજર માધવને યાદ કરી, કહી રહી હતી કે તમે સાથે નથી, પણ આ તમારો પડછાયો તમારે રસ્તે જ નીકળી, દેશવાસીઓના જીવ બચાવી રહી છે. સદાય તેને રક્ષા મળે.
ખેર, મેધાએ એટલુ જણાવ્યું હતું કે તેના પિતા એક આર્મિ ઓફીસર હતા, પણ તેણે તેના પિતાનું નામ બોલી નહીં. શું નામ છે મેધાના પિતાનું? એક ઉપરી પોલીસ અધિકારી રાધાની પૂછતાછ કરી રહ્યા હતાં.
રાધાએ જવાબ આપ્યો 'મેજર માધવ શાસ્ત્રી".આ જવાબના અવાજમાં એક અલગ જ રણકો હતો. આ નામ સાંભળતાં ની સાથે જ જાણે એ ઉપરી પોલીસ અધિકારી જાણે ઘડીભર તો સ્તબ્ધ બની ગયા એવું લાગ્યું કે આ નામ તેના માટે અજાણ્યુ ન હતું.આ નામ પાછળ જે ઘટના ઘટી હતી એ કદાચ એ પણ જાણતા હોય. એ પોલીસ અધિકારીએ જતાં જતાં એક ગૌરવ ભર્યું સેલ્યુટ રાધા સામે કર્યુ.અને કહ્યું" તમે જોજો મેડમ, મેઘા પણ મોટી થઈ એક દિવસ તેના પિતા ની જેમ દેશની રક્ષા કરશે". આ સાંભળીને રાધા ની આખો ભીની થઈ ગઈ અને એકદમથી તેની આત્મા બોલી ઉઠી કે 'મને પણ એવું જ લાગે છે, અને મેધા પણ મોટી થઈ દેશની રક્ષા કરશે.. એ વાતમાં કોઈ જ શંકા નથી. "અને રાધાએ એક નજર ધુધવતા સાહસ જેવી મેધા તરફ નાખી.
થોડો સમય વિત્યા પછી મેધાનો ફરી એ જ પ્રશ્ન મારા પિતા ક્યાં છે? જીવે છે કે મૃત્યુ પામ્યા છે?મારે જાણવું છે.
રાધામાનો ફરી એ જ જવાબ....ખરા સમયે તને બધુંજ કહીશ.રાધા મેધાના પ્રશ્નોને ટાળતી રહેતા. મેધાના મનમાં રાધામા પ્રત્યે હવે અણગમો જન્મી રહ્યો હતો. બન્ને વચ્ચે કડવાશની એક ખાઈ ખોદાઈ રહી હતી. મેધા તેની માતા, રાધાથી દૂર થઇ રહી હતી.
રાધામા નુ ફરી મૌન..... ફરી ખરા સમયની રાહ.... આ રાહનો અંત ક્યારે?
રાધા અને મેધાના આ મૌન સંવાદ અને સંબંધ પર એક વ્યક્તિ ની સંપૂર્ણ નજર હતી. જેનાથી રાધા અને મેધા બન્ને અજાણ હતા. જે મૌન કે ચૂપકી રાધામાએ વર્ષોથી ધારણ કરેલી છે. એની પર પણ કોઈની નજર છે પણ એ અજાણી વ્યક્તિ કોણ હશે?????? કારણ શું?
(ક્રમશઃ)