૧ મહિના પહેલા
"આર યુ રેડી ઓલ ગર્લ્સ??"
" યસ સર "
વન, ટુ ,થ્રી , શિક્ષકે સિટી વગાડી. બધી ગર્લ્સની દોડ શરૂ થઈ. ખુશી પણ એ દોડમાં શામિલ હતી. એની આંખોમાં જીતવાનો જોશ અને આત્મવિશ્વાસ છલકાઈ રહ્યો હતો. શરૂઆત માં થોડોક સમય ત્રીજા સ્થાને રહી પણ જેમ જેમ દોડ વધતી ગઈ એમ બીજી છોકરીઓ થાક મહેસૂસ કરવા લાગી પણ ખુશીના પગ ન થાક્યા કે ન રૂક્યા. તે અંત સુધી દોડતી દોડતી બીજા અને છેવટે પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યું.
ખુશી ફરી એકવાર સ્પોર્ટ્સમાં ફર્સ્ટ રેન્ક લાવી. ક્લાસમાં કોઈ એક્ઝામ હોય કે ક્લાસની બહાર કોઈ પ્રવુતિ ખુશી હંમેશા અવ્વલ આવતી. ખુશી આજે ખૂબ જ ખુશ હતી આ ખુશીનું કારણ પ્રથમ રેન્ક પ્રાપ્ત કરવું તો હતું જ પણ લાંબા લોકડાઉન પછી સ્કૂલમાં આજે પેહલી હરીફાઈ હતી. આ વખતે પણ ખુશી પ્રથમ રેન્ક લાવી.
ખુશી બસમાંથી ઝડપથી ઉતરી. એને પાછળ ફરીને પોતાના ફ્રેન્ડ અને શિક્ષકની સામે પણ ન જોયું અને દોડીને બુટ- મોજા સહિત મમ્મી પાસે જઈને જોરથી બથ ભરી ગઈ. મમ્મી મમ્મી એમ જોરથી ચિલ્લાવા લાગી.
શું છે?? આજે મારી દીકરી બોવ જ ખુશ લાગે છે."
ગાજર સુધારતા સુધારતા કૈલાશબેન ( ખુશીના મમ્મી) બોલ્યા.
" ખુશ કેમ ન હોય ? આજે તારી દીકરી આખી સ્કૂલમાં દોડમાં પ્રથમ રેન્ક જો લાવી છે.." પોતાની લટને પાછળ કરતા ઈતરાઈને બોલી.
કૈલાશબેન પણ ખુશીની જેમ પોતાની લટને પાછળ કરતા બોલ્યા :-" પ્રથમ રેન્ક આવે જ ને!! દીકરી કોની છે??"
બંને ખડખડાટ હસી પડ્યા. ત્યાં ખુશીની નજર ગાજર પર ગઈ.
"આજ સાંજે શું બનાવાનું છે??"
"તારો મનપસંદ ગાજરનો હલવો."
ખુશીની ખુશીમાં આજ ચાર ચાંદ લાગી ગયા. સવારમાં સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક અને સાંજે એનો મનપસંદ ગાજરનો હલવો. ખુશી ફ્રેશ થઈ કપડા બદલાવીને ગાર્ડનમાં રમવા ગઈ.
ખુશી રમીને સાંજે ઘરે આવી. ખુશીને આવતા જોઈ કૈલાશબેન બોલ્યા :-" આ જોવો ખુશી પણ આવી ગઈ
આવ ,જો કોણ આવ્યું છે??"
ખુશી ડાઇનિંગ ટેબલ પાસે ગઈ. ખુશીના પપ્પા ( મહેશભાઈ) એ કેનિલભાઈ તરફ નજર કરતા બોલ્યા :-" ઓળખે છે આને??"
ખુશી એ ના પાડી.
ત્યાં કેનિલભાઈ ખુદ બોલ્યા:-" ક્યાંથી ઓળખે બિચારી..સાવ નાની હતી ત્યારે જોઈતી, અત્યારે જોવો કેટલી મોટી થઈ છે ખુશી...!!"
ખુશીએ હાથ જોડીને નમસ્તે કહ્યું. ત્યાં કેનિલભાઈએ ખુશીના બને ગાલ ખેંચીને બોલ્યા:-" ઓહો!! , બઘું જ બદલાઈ ગયું, નાનેથી મોટી થઈ ગઈ પણ ગાલ બિલકુલ પહેલાની જેમ કોમળ અને મુલાયમ છે.." અને કેનિલભાઈ હસવા લાગ્યા. એની સાથે કૈલાશબેન અને મહેશભાઈ પણ હસ્યા. પણ ખુશીને આ હરકત બિલકુલ ના ગમી.
સૌએ જમવાનું શરૂ કર્યું. આખા ડિનરમાં થયેલી વાતોમાં બસ એક જ ટોપિક રહ્યો ખુશી. કેનિલભાઈ કોઈ પણ વાતને હરીફરીને ખુશીની વાત પર લઈ આવતા. ખુશીને કેનિલભાઈનો આ સ્વભાવ બિલકુલ ના ગમ્યો અને આમ કહો તો કેનીલભાઈ જ ન ગમ્યા. ખુશીને ને થયું હમણાં બધાની સામે એ કેનિલ ને કહી દે કે આજ પછી મારા ગાલ ને કે મને બિલકુલ પણ સ્પર્શ નહિ કરવાનો.
કેનિલભાઇ અને મહેશભાઈ ની દોસ્તી આમ તો દસ વર્ષ પહેલાંથી હતી. દસ વર્ષ પહેલાં બંને મિત્રો એક જ બિલ્ડિંગમાં સાથે રહેતા હતા. પાડોશીના નાતે સંબંધ બંધાયો અને આ સંબંધ દસ વર્ષ પછી પણ કાયમ રહ્યો. કેનિલભાઇની ફેમિલીમાં તેની પત્ની ( નવ્યા બેન ) અને એક ૧૬ વર્ષનો દીકરો ( સુમિત ) હતો.
મહેશભાઈ જે કંપનીમાં કામ કરતા તે કંપની બંધ થઈ ગઈ. અને નવી નોકરી તેને અહમદાબાદમાં મળી. જેથી મહેશભાઈ અને તેની ફેમિલી મુંબઈથી અહમદાબાદ શિફ્ટ થઈ ગયા. અહીં મળેલી જોબથી મહેશભાઈ સંતુષ્ટ તો ન હતા પરંતુ ઘરની જવાબદારી માટે આ જોબ કરવી પડતી હતી.
કેનિલભાઇની કંપનીમાં બઢતી થઈ. પરંતુ આ બઢતીની સાથે તેની બદલી પણ થઈ. આ બદલીમાં તેનું ટ્રાન્સફર મુંબઈથી અમદાવાદ થયું. હવે અહમદાબાદમાં કેનિલભાઇ નું કોઈ જાણીતું ન હતું. ખૂબ વિચાર્યા બાદ એને પોતાનો જૂનો મિત્ર મહેશભાઈ યાદ આવ્યાં. કેનિલભાઈએ મહેશભાઈને વાત કરી તો જાણવા મળ્યું કે એની બાજુમાં જ એક ફ્લેટ ખાલી થયો છે.
આ ફ્લેટ જોવા અને ખરીદવા કેનિલભાઈ અહમદાબાદ આવ્યા અને મહેશભાઈ ની ઘરે ડિનર કર્યું. ડિનર પત્યા પછી કેનિલે ફ્લેટ જોયો અને આખરે ફ્લેટ ખરીદવાનું નક્કી કર્યું. થોડાક સમયમાં જ એનું આખું ફૅમિલી અહીં શિફ્ટ થઈ ગઈ.
બંને ફ્લેટ આજુબાજુમાં હોવાથી બંને ફેમિલી કાફી હળીમળી ચૂકી હતી. કોઈ જગ્યાએ ફરવા જવું હોય કે કોઈ ખાસ વાનગી બનાવી હોય તો એકબીજાને ઘરે દેવા જતા. સાંજે કલાકો સુધી સાથે બેસીને ગપ્પા મારતા. ખુશીને શરૂઆતમાં કેનિલભાઈ ન ગમ્યા પરંતુ જેમ જેમ સમય વધતો ગયો એમ કેનિલભાઇ પ્રત્યેનો ડર અને ગુસ્સો પણ છુમંતર થઈ ગયો.
કેનિલભાઈ પોતાનું વર્ક ઓફિસે ઓછું અને ઘરે બેસીને વધારે કરતા. મહિનામાં માંડ ત્રણ - ચાર દિવસ ઓફિસે જતા, બાકી બધું જ કામ ધરે લેપટોપ પર કરતા. કેનિલભાઈ અને એની વાઈફ બંને લોભી હતા. કેનિલભાઈ પાસે સારી એવી સંપતિ હતી, સારી જોબ પણ હતી છતાં પણ ન કેનિલભાઈને સંતોષ હતો ન એની પત્નીને. એથી નવ્યાબેને જોબ કરવાનું નક્કી કર્યું. સવારથી લઈને સાંજ સુધી જોબ કરવા ઘરની બહાર ઓફિસે રહેતી અને કેનિલભાઈ આખો દિવસ ઘરે લેપટોપ પર વર્ક કરતા. એનો એકનો એક દીકરો સુમિત દસમા ધોરણમાં અભ્યાસ કરતો.
મહેશભાઈની ફેમિલીમાં એક એની પત્ની અને બે બાળકો હતા. એક ૧૪ વર્ષની દીકરી ખુશી અને ૫ વર્ષનો દીકરો રવિ.
બે બાળકો , એની પત્ની અને પોતે ખુદ એમ ચાર વ્યકિતઓની સાથે ઘર ચલાવવું મહેશભાઈ માટે મુશ્કેલ હતું. છતાં પણ કરકસર અને એકજસ્ટ કરીને ઘર ચલાવતા હતા.
બંને ફેમિલી શાંતિપૂર્વક અને હસી મઝાકથી જીવન જીવતા હતા. ત્યાં અચાનક એક દિવસ....
ક્રમશઃ