તસ્કરી
- રાકેશ ઠક્કર
જ્યારે હિંસા અને એક્શનના નામે બોલિવૂડમાં લોહીની નદીઓ વહેતી હોય ત્યારે નીરજ પાંડે મગજની ચાલાકી અને વ્યૂહરચનાના જોરે ‘તસ્કરી: ધ સ્મગલર્સ વેબ’ (૨૦૨૬) લઈને આવ્યા છે. નીરજની વાર્તાઓ મોટા પડદા કરતાં OTT પર અનેકગણી વધુ પ્રભાવશાળી રહી છે.
નેટફ્લિક્સ પર આવેલી આ નવી વેબસીરીઝમાં બોલિવૂડનું ગૌરવ વધારે તેવું કન્ટેન્ટ આપ્યું છે. નીરજ પાંડે અ વેનસડે, સ્પેશિયલ ૨૬ અને ‘ખાકી’ જેવી શ્રેષ્ઠ કૃતિઓ આપી ચૂક્યા છે. વાર્તા સ્મગલિંગ એટલે કે કરચોરી અને કસ્ટમ વિભાગના સંઘર્ષની આસપાસ વણાયેલી છે. જ્યારે કોઈ દેશી માણસ વિદેશી જમીન પરથી સામાન લાવીને દેશના ટેક્સની ચોરી કરે છે તેને સ્મગલિંગ કહેવાય છે અને તેને રોકવાની જવાબદારી ઈમાનદાર કસ્ટમ ઓફિસર્સ પર હોય છે. તેમની આ લડાઈ ‘તસ્કરી’ માં છે.
ઈમરાન હાશ્મી આ સીરીઝમાં એક એવા કસ્ટમ ઓફિસરના રોલમાં છે જેની બંદૂક હાથથી નહીં પણ મગજથી ચાલે છે. તે એક પણ સ્મગલરને પગપેસારો ન કરવા દેવા મક્કમ છે. ઈમરાનનો અભિનય એટલો દમદાર છે કે દર્શકો તેના જૂના ‘સીરીયલ કિસર’ વાળા રોમેન્ટિક અવતારને સાવ ભૂલી જશે. ઈમરાન હાશ્મી અને શરદ કેલકરની ટક્કર માત્ર સ્મગલર અને પોલીસની વાર્તા નથી પણ બુદ્ધિના ચેસની રમત છે.
શરદ કેલકર ‘ચૌધરી’ નામના વિલનના રોલમાં સ્મગલિંગના એવા અજીબોગરીબ ફોર્મ્યુલા બતાવે છે જે અગાઉ ક્યારેય પડદા પર જોવા મળ્યા નથી. બેગના ટાયર, લેપટોપના વાયર, શબના કોફિનથી લઈને જીવતા માણસના પેટ સુધી સોનાનું સ્મગલિંગ કેવી રીતે થઈ શકે તેની વિગતો જોઈને સ્તબ્ધ થઈ જવાય છે. હિંસા, લોહીયાળ જંગ કે એક્શન માત્ર ૧૦ ટકા જ છે. બાકીની ૯૦ ટકા વાર્તા મગજની ચાલાકી અને વ્યૂહરચના પર આધારિત છે. હિંસા ઓછી અને સસ્પેન્સ વધારે એવી નીરજ પાંડેની સિગ્નેચર સ્ટાઈલ સો ટકા સફળ રહી છે.
દરેક એપિસોડના અંતે આવતા ટ્વિસ્ટ સીરીઝ છોડવા નહીં દે. સાત એપિસોડમાં એક પછી બીજો એપિસોડ જોયા વગર રહી શકાશે નહીં. નીરજે સામાન્ય લાગતી વાર્તાને પણ ટ્વિસ્ટ અને ટર્ન્સથી એટલી રોમાંચક બનાવી છે કે દર્શકો સતત ખુરશી સાથે જકડાયેલા રહે છે. અભિનયના મોરચે ઈમરાન હાશ્મી ફરી એકવાર સાબિત કરે છે કે તે સ્ક્રિપ્ટ પસંદ કરવામાં માહેર છે. એક શાંત, ગંભીર અને અત્યંત ઈમાનદાર કસ્ટમ ઓફિસર તરીકે તેણે જે રીતે પોતાની ભૂમિકા ભજવી છે તે લાજવાબ છે. ઇમરાનની સૌથી મોટી તાકાત તેનો સંયમિત અભિનય છે. સંવાદો અને ચહેરાથી તે રહસ્ય ઊભું કરી શકે છે. તેની સામે શરદ કેલકર વિલન તરીકે પોતાની કરડાકી અને અવાજથી પ્રભાવ પાડે છે. જોકે, તટસ્થ રીતે જોતા એવું લાગે છે કે શરદ કેલકર જેવા સક્ષમ અભિનેતાને થોડો વધુ સ્ક્રીન ટાઈમ અને વધુ મજબૂત વિલન તરીકે ઊભરવાની તક આપવાની જરૂર હતી. સીરીઝમાં ઘણા નવા કલાકારો છે. જે સરપ્રાઈઝ પેકેજ સાબિત થાય છે અને કયું પાત્ર ક્યારે પલટી મારશે તેની કલ્પના કરવું મુશ્કેલ બની જાય છે.
સૌથી નોંધપાત્ર વાત એ છે કે આ એક સંપૂર્ણ પારિવારિક શૉ છે, જેમાં કોઈ અશ્લીલતા કે વધુ પડતી ગાળો નથી. બોલિવૂડ પાસેથી કંઈક નવું, બુદ્ધિશાળી અને આખા પરિવાર સાથે જોઈ શકાય તેવું કન્ટેન્ટ ઈચ્છતા હોય તો ‘તસ્કરી’ જોવી જ જોઈએ. તે સાબિત કરે છે કે વાસ્તવિક હીરો એ છે જે દેશને છેતરપિંડીથી બચાવે છે. સ્મગલિંગ જેવા જૂના વિષયને જે અંદાજમાં અહીં રજૂ કરવામાં આવ્યો છે તે ખરેખર કાબિલેદાદ છે.
નબળી કડીની વાત કરીએ તો સીરીઝનો ક્લાયમેક્સ જે રીતે અચાનક અને સરળતાથી ઉકેલાઈ જાય છે તે થોડો નિરાશાજનક લાગી શકે છે. છ એપિસોડ સુધી જે તણાવ અને સસ્પેન્સ ઊભું કરવામાં આવ્યું હોય તેના અંતમાં વધુ દમદાર ટકરાવની આશા રાખવી વ્યાજબી છે. છતાં જો મસાલા ફિલ્મોથી કંટાળીને કંઈક નવું, રોમાંચક અને બુદ્ધિશાળી જોવા માંગતા હોવ તો ‘તસ્કરી’ એક મજબૂત અને તટસ્થ ભલામણ છે. કેમકે આ સિરીઝ અન્ય ક્રાઇમ થ્રીલર કરતા અલગ છે.