વિશ્વમાં સૌથી વધુ વસ્તી ખ્રિસ્તી સમુદાયની છે જેનું ધર્મ પુસ્તક બાઇબલ છે જેમાં આમ તો ધર્મનાં સ્થાપક ઇસુ મસીહનાં જીવન અને તેમના દ્વારા અપાયેલા ઉપદેશનો સંગ્રહાયેલો છે પણ સાથોસાથ કેટલીક એવી વાતોનો પણ ઉલ્લેખ છે જે રહસ્યમય છે.આ પુસ્તકમાં કેટલીક ઐતિહાસિક રહસ્યમય બાબતો અને થિયોલોજિકલ મિસ્ટ્રીઝનો ઉલ્લેખ છે.આ વસ્તુઓ તેના નિષ્ણાંતોને પણ ગુંચવણમાં નાંખનારી છે.
એક સૌથી મોટો પ્રશ્ન હંમેશા એ કરાય છે કે આખરે હોલી ગ્રેલ ક્યાં છે..ક્રિશ્ચિયન માઇથોલોજી અનુસાર હોલી ગ્રેલ એક ડિશ, પ્લેટ કે કપ છે જેનો ઉપયોગ જિસસે લાસ્ટ સપર દરમિયાન કર્યો હતો.કહેવાય છે કે તે અલૌકિક ચમત્કારી શક્તિઓ ધરાવે છે.કહેવાય છે કે બારમી સદી દરમિયાન જોસેફ એરિમેથીઆને ગ્રેલ વારસામા મળ્યો હતો જે તેમણે તેમના અનુયાયીઓ સાથે ગ્રેટ બ્રિટન મોકલ્યો હતો.જો કે હાલમાં હોલી ગ્રેલ ક્યાં છે તેનો સાચો પત્તો કોઇને નથી.આ કપની માલિકી અંગે પણ ઘણી ચર્ચાઓ થાય છે જે અનુસાર તે કપનો કબજો એક સમયે નાઇટ ટેમ્પલર પાસે હતો તેમના સમય દરમિયાન જ હોલી ગ્રેલની કિવદંતીઓ વધારે પ્રચલિત થઇ હતી.આ ઉપરાંત કેટલાક ચર્ચો પણ તેનો કબજો ધરાવતા હોવાનો દાવો કરતા હતા.વેલેન્શિયા કેથેડ્રલનાં સેન્ટ મેરી ચર્ચમાં આ કપ હોવાનો દાવો કરાતો હતો.કહેવાય છે કે તે કપ પહેલી સદી દરમિયાન સેન્ટ પીટર રોમમાં લાવ્યા હતા.ત્યારબાદ તે કપ ત્રીજી સદીમાં સેન્ટ લોરેન્સ સ્પેનનાં હોએસ્કા ખાતે લાવ્યા હોવાનો પણ દાવો કરાય છે.એક અન્ય કથા અનુસાર હોલી ગ્રેલને રોઝેલિન ચેપલની નીચે દાટી દેવાયો હતો.આ ઉપરાંત એવી પણ કથા પ્રચલિત છે કે આ કપની માલિકી આમ તો ગુપ્ત પંથની પાસે હતી અને તેની તેઓ રક્ષા કરતા રહ્યાં હતા.એવું પણ કહેવાતું હતું કે ટેમ્પલરે તે કપને ઓક આઇલેન્ડમાં સંતાડયો હતો અને તેનું સ્થળ નોવા સ્કોટિયાનું મની પીટ હોવાનો દાવો કરાય છે જો કે હોલી ગ્રેલ કોની પાસે છે તે હાલ તો કોઇ જાણતું નથી તેના અસ્તિત્વ સામે પણ શંકાઓ કરાય છે.
હોલી ગ્રેલની જેમ અન્ય એક રહસ્યમય બાબત આર્ક ઓફ કોવેનન્ટ છે.આ એક બોક્સ છે જેમાં ટેન કમાંડમેન્ટ સચવાયેલા પડ્યા છે જે ટેબ્લેટ પર અંકાયેલા છે અને તેનો ઉલ્લેખ બાઇબલમાં પણ કરાયો છે.કહેવાય છે કે આર્ક ઓફ કોવેનન્ટ જેરૂસલેમમાં સાચવી રાખવામાં આવ્યો હતો પણ તેના મંદિર પર બેબિલિયનોએ હુમલો કર્યો હતો અને તેને નષ્ટ કર્યુ હતું.આ ઘટના બાદ આર્ક કયાં છે તે એક પ્રશ્ન બનીને રહી ગયું છે.તે કયાં હશે તે અંગે કેટલીક થિયરીઓ પ્રચલિત થઇ છે તે અનુસાર તેને પાદરીઓએ યોજનાપુર્વક ગુપ્ત સ્થળે સંતાડી દીધો છે.આ ગુપ્ત સ્થળ માઉન્ટ ટેમ્પલ હોવાનું કહેવાય છે.જેરૂસલેમમાં આવેલ આ મંદિરની તપાસ કરાઇ ત્યારે ત્યાં એક ગુપ્ત ટનલ મળી આવી હતી પણ તે સ્થળે ખોદકામ પ્રતિબંધિત હતું.ઇસ્લામિક પવિત્ર સ્થળ ડોમ ઓફ રોક જે આમ તો પહેલા સોલોમન મંદિરની પાસે હોવાનું કહેવાય છે ત્યાં આ પવિત્ર વસ્તુ રખાઇ હોવાનો પણ દાવો કરાય છે.બાઇબલ અનુસાર જ્યારે સોલોમને મંદિરનું નિર્માણ કર્યુ ત્યારે આર્ક ત્યાં સ્થાપિત કર્યુ હતું.જો કે આજે આ આર્ક ક્યાં છે તેનો કોઇને ખ્યાલ નથી.
જેન્સીસનાં જણાવ્યાનુસાર સોડોમ, ગોમોરાહ, આદ્માહ અને જેબોઇમમાં રહેનારા લોકોની પાપી વૃત્તિઓને કારણે તેમના પર પરમાત્માનો ક્રોધ વરસ્યો હતો અને તેમના શહેરોનો નાશ થયો હતો જો કે આજે આ શહેરો કયાં હશે તે સવાલ છે.ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામ બંનેમાં આ શહેરો અને તેના રહેવાસીઓ દ્વારા આચરાયેલા પાપકૃત્યોનો ઉલ્લેખ કરાયેલો છે.જો કે પુરાતત્વવિદોમાં આ સ્થળો કયાં હશે તે એક ચર્ચાનો વિષય છે.બાઇબલ અનુસાર તે શહેરો મૃત સમુદ્રનાં કિનારે હતા.તેમાં જે સ્થળનો ઉલ્લેખ છે તેની મુલાકાત ૧૯૭૩માં વોલ્ટર ઇ. રાસ્ટ અને આર.થોમસ સોબ નામનાં પુરાતત્વવિદોએ લીધી હોવાનો દાવો કરાય છે.આમ તો બાબ ઇધ દ્રા નામનાં આ સ્થળનું ખોદકામ ૧૯૬૫માં પુરાતત્વવિદ પોલ લોપે કર્યુ હતું.આ ઉપરાંત અન્ય શક્યતાઓ ન્યુમેરિયા, ઇસ્સાફી, ફેઇફેહ અને ખાનાઝીર હોવાનું પણ કહેવાય છે.આ સ્થળોની મુલાકાત પણ સોબ અને રાસ્ટે લીધી હતી.આ તમામ સ્થળો મૃત સમુદ્રની આસપાસ છે.આ સ્થળોએથી અગ્નિકાંડનાં પુરાવા, ઘણાં પત્થરો પરથી સલ્ફરનાં પુરાવા પણ મળ્યા છે.આ ઉપરાંત પ્રારંભિક બ્રોન્ઝ એઝ દરમિયાન ત્યાંથી વસાહતીઓ દુર થયાનાં પુરાવા મળે છે.આમ તો ઇડન ગાર્ડનનાં અસ્તિત્વ અંગે ઘણાં માને છે કે તે કાલ્પનિક નહી પણ વાસ્તવિક સ્થળ હોવું જોઇએ.બાઇબલમાં તે ક્યાં હતું તે અંગેના સંકેત મળી આવે છે.આ કારણે તે સંકેતોને આધારે તેને શોધવાનાં ઘણાં પ્રયાસો કરાયા છે.જેન્સીસની નિર્માણ કથા અનુસાર ઇડન અને ચાર નદીઓ ( પિશોન, ગિહોન, ટાઇગ્રીસ, યુફ્રેટસ), અને ત્રણ સ્થળો ( હવિલાહ, એસ્સિરિયા, કુશ).ઇડનનું સ્થળ ટાઇગ્રીસ અને યુફ્રેટસ એ ઉત્તર મેસોપોટેમિયા એ ઇરાકમાં છે આ ઉપરાંત આફ્રિકા અને પર્સિયન ગલ્ફમાં પણ તે હોવાનું કહેવાય છે.જો કે ઇડન ગાર્ડન ક્યાં છે તે એક રહસ્ય જ છે.જો કે જેન્સિસ અનુસાર ઇડન ગાર્ડન એ ઇથોપિયામાં છે.આ સ્થળ ગેહોન નદીની પાસે છે તેવો ઉલ્લેખ બાઇબલમાં કરાયો છે.૧૯૭૪થી પેલેઓન્ટોલોજિસ્ટ કહે છે કે ઇથોપિયા એ પ્રારંભિક માનવીઓનું વસાહત સ્થળ છે અને તે સ્થળ પર માનવો છ મિલિયન વર્ષ પહેલાથી વસવાટ કરતા હોવાનો દાવો કરાય છે અને તે જ ઇડન ગાર્ડનનું વાસ્તવિક સ્થાન હોવાનું કહેવાય છે.
વિશ્વનાં ઘણાં ધર્મ પુસ્તકોમાં ગુઢ ભાષામાં કેટલીક વાતો લખાયેલી હોવાનું જણાયું છે એ જ રીતે બાઇબલમાં પણ કેટલાક રહસ્યમય કોડ જોવા મળે છે જેને તોરાહ કોડ કહેવાય છે.આ કોડને ડિકોડ કરવા માટે જે અભ્યાસ કરાયો હતો તેને બુક ઓફ ધ બાઇબલ કોડ કહેવાય છે.આ કોડની ભાષા હિબ્રુ હોવાનું પણ કહેવાય છે.આ કોડમાં કેટલીક આગાહીઓ કરાઇ હોવાનું કહેવાય છે જેનો ઉપયોગ કરીને પત્રકાર માઇકેલ ડ્રોસ્નીને જે આગાહી કરી હતી તેના આધારે જ ઇઝરાયેલનાં વડાપ્રધાન યિત્ઝાક રાબિન પર હુમલાની આગાહી કરી શકાઇ હતી.આ આગાહી તેમણે ૧૯૯૪માં કરી હતી.
બાઇબલમાં કેટલીક આદિમ પ્રજાતિઓનો ઉલ્લેખ કરાયો છે જે ઇઝરાયેલ નષ્ટ થયા બાદ સમયની ગર્તામાં ખોવાઇ જવા પામી હતી.યહુદીઓના કેટલાક સમુદાયો માને છે કે આ પ્રજાતિનાં બચી ગયેલા વંશજો ભવિષ્યમાં આવી શકે છે.આ નષ્ટ થયેલી પ્રજાતિઓનાં વંશજોમાં કોણ હોઇ શકે છે તેની ચર્ચા થાય છે તે અનુસાર આઇરિશ, નેટિવ અમેરિકન્સ, બ્રિટીશ અને જાપાનીઝ તે સમુદાયનાં વંશજ હોવાનું કહેવાય છે.આ ઉપરાંત ચીનમાં રહેતા કેફેન્ગ યહુદી સમુદાય પણ તેમના વંશજો હોવાનું કહેવાય છે.
યહુદીઓના મસિઆહ મોઝેસનાં સમયે યહુદી સમુદાયે તેમની આગેવાની હેઠળ હિજરત કરી હતી આ સમયે કયો ફેરો શાસન કરતો હતો તેવો સવાલ હંમેશા થાય છે.કહેવાય છે કે ફેરોને સબક શિખવવા માટે પરમાત્માએ તેના પર પોતાનો ક્રોધ વરસાવ્યો હતો અને મોઝેસે તેમના અનુયાયીઓ સાથે તે પહેલા જ હિજરત કરી હતી.બુક ઓફ એક્સડસનાં પ્રારંભિક પ્રકરણમાં આ કથા છે જો કે તેમાં કોઇનું નામ નથી પણ તેનો ઉલ્લેખ ફેરો તરીકે જ કરાયો છે.જો કે ઇજિપ્તનાં ઇતિહાસમાં આ સમ્રાટ રામસિસ ધ ગ્રેટ હતો જો કે તેના કોઇ દસ્તાવેજી કે ઐતિહાસિક પ્રમાણો મળતા નથી કે તેના સમયગાળા દરમિયાન પ્લેગ ફાટી નિકળ્યો હતો.આ ઉપરાંત તેના સમયગાળા દરમિયાન ગુલામ હિબ્રુઓએ હિજરત કર્યાનાં પણ કોઇ પુરાવા મળતા નથી.આમ આ ફેરો કોણ હશે તે એક રહસ્ય જ છે.
બાઇબલમાં જે અન્ય એક પ્રચલિત કથા છે તે નોઆહ સાથે સંકળાયેલી છે અને ઇસ્લામમાં પણ તે નુહનાં નામે પ્રચલિત છે.જે અનુસાર પરમાત્માએ પોતાનો ક્રોધ વરસાવ્યો તે પહેલા નોઆહને એક વિશાળ નૌકાનું નિર્માણ કરીને તેના પર તેમને માનનારા અને જીવિત પ્રાણીઓની જોડીઓને લીધી હતી અને ત્યારબાદ ભયંકર પ્રલય આવ્યો હતો જેમાં આ નૌકા પર રહેલા લોકો અને પ્રાણીઓ બચી જવા પામ્યા હતા.આ વિશાળ નૌકા આખરે આજે ક્યાં છે તે એક સવાલ છે જેની સાથે ઇસ્લામ અને ખ્રિસ્તી સમુદાયની સાથોસાથ યહુદીઓની પણ શ્રદ્ધા સંકળાયેલી છે.જો કે નુહની નૌકા અંગે કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ મળ્યા નથી અને પુરાતત્વ વિદો તેને જંગલી ઉંદરની શોધની દોડ તરીકે ઓળખાવે છે.જેન્સિસ અનુસાર આ નૌકા અરારાતની પહાડીઓ પર સ્થિત છે.ઓગણીસમી સદીનાં પુરાતત્વવિદોએ આ પ્રાચીન સ્થળ ઉરાર્તુ હોવાનો દાવો કર્યો હતો.આ સ્થળ જુડાહની રાજધાની અને ઇઝરાયેલ સાથે સંકળાયેલ હોવાનું પણ કહેવાય છે.હાલમાં આ સ્થળ આર્મેનિયા અને પુર્વ તુર્કીની પહાડીઓ હોવાનું કહેવાય છે.એકવીસમી સદીનાં આરંભિક સમયગાળામાં આ સ્થળ અરારાત પર્વત હોવાનું કહેવાયું હતું કારણકે તે પર્વત આમ તો બરફથી છવાયેલો રહે છે અને સેટેલાઇટ દ્વારા લેવાયેલ તસ્વીરોમાં ત્યાં વિશાળ ડાઘો જોવા મળ્યો હતો.આ ઉપરાંત અન્ય એક સ્થળ દુરૂપનાર છે.આ સ્થળ પરથી નૌકાને બનાવવા માટે વપરાયેલ ટિમ્બરનાં લાકડાનાં અવશેષ મળ્યા હતા.
જિસસનાં સૌથી પ્રિય શિષ્ય કોણ તે પણ એક રહસ્યમય પ્રશ્ન છે.ગોસ્પેલ ઓફ જહોન અનુસાર આ શિષ્ય લાસ્ટ સપર દરમિયાન અને તેમના ક્રુસિફિકેશન સમયે હાજર હતા.ગોસ્પેલ ઓફ જહોન આમ તો શિષ્યની સ્મૃતિ પર જ આધારિત છે.જો કે આ શિષ્યના નામનો ઉલ્લેખ કરાયો નથી.આ ઉપરાંત લાસ્ટ સપર અને ક્રુસિફિકેશન સમયે કોણ કોણ હાજર હતા તેનો કોઇ ઉલ્લેખ નથી.અન્ય ત્રણ ગોસ્પેલમાં પણ તેમના નામનો ઉલ્લેખ નથી.જો કે તેમાં તો કોઇ પ્રિય શિષ્યનો ઉલ્લેખ કરાયો નથી.ખાસ કરીને લાસ્ટ સપર દરમિયાન કોઇ શિષ્ય જિસસ પર ઝુકીને ઉભો રહ્યો હોવાનો પણ કોઇ ઉલ્લેખ નથી.આ મામલે માત્ર ઘેરૂ મૌન જ જોવા મળે છે જે આ વાતને વધારે રહસ્યમય બનાવે છે.મોટાભાગના નિષ્ણાંતો આ પ્રિય શિષ્ય લેઝારસ હોવાનું જણાવ્યું છે.તે મેરીનો ભાઇ હતો જેને જિસસે મર્યા બાદ જીવતો કર્યો હતો.જો કે કેટલાક કહે છે તે શિષ્ય મેરી મેગ્દેલેન હતી અને તે કારણે જ ડેન બ્રાઉનને તેમાં રસ પડ્યો હતો જેના આધારે જ તેમણે તેમની લોકપ્રિય નવલકથા વિન્ચી કોડ લખી હતી.
આમ તો બાઇબલમાં ગોસ્પેલનું મહત્વ વધુ છે ત્યારે એક સવાલ હંમેશા ઉઠે છે કે આ ગોસ્પેલનું લખાણ કોનું છે.આમ તો તેનું મહત્વ ન્યુ ટેસ્ટામેન્ટમાં વધારે છે અને અઢારમી સદી સુધી તેમની ઓથરશીપનો સવાલ વિવાદાસ્પદ ન હતો.જો કે હાલનાં નિષ્ણાંતો દ્વારા તેના પર સવાલો ઉઠાવાયા છે અને તેમને શંકા છે કે તેનું લખાણ મેથ્યુ, માર્ક, લ્યુક અને જહોને કર્યુ છે.આમ તો બાઇબલમાં અનેક ચમત્કારિક ઘટનાઓનો ઉલ્લેખ જોવા મળે છે અને તે કથાઓથી મોટાભાગના પશ્ચિમવાસીઓ પરિચિત હોય છે ભલે તે ધાર્મિક હોય કે નાસ્તિક તેઓ આ કથાઓને જાણતા તો હોય છે જ.આ ધર્મ આખા વિશ્વમાં પ્રસરેલો હોવાને કારણે તેની કથાઓ પણ લોકોને જાણમાં હોય છે.ત્યારે એ કયા ચમત્કારો છે જેના વિશે આ ધર્મપુસ્તકમાં વાત કરાઇ છે તે જોઇએ.
આમ તો એકસોર્સિઝમ શબ્દથી મોટાભાગનાં લોકો પરિચિત છે કારણકે શેતાનને કોઇના શરીરમાંથી દુર કરવા માટે કે ઘરને શુદ્ધ કરવા માટે તે પ્રક્રિયા કરાતી હોય છે અને આ પ્રક્રિયા ખુદ જિસસે પણ કરી હોવાનો ઉલ્લેખ બાઇબલમાં છે.બાઇબલમાં શેતાનથી પીડિત વ્યક્તિને લિઝિયન તરીકે ઓળખવામાં આવે છે.જિસસે તે વ્યક્તિનાં શરીરમાં રહેલા શેતાનને તે શરીરમાંથી દુર થવાનો આદેશ આપ્યો હતો ત્યારે તેણે સુવરનાં શરીરમાં જવાની રજા માંગી હતી જે તેને જિસસે આપી હતી અને તે શેતાન પેલા ડુક્કરનાં શરીરમાં ઘુસી જાય છે જેનાથી તે ડુક્કર હિંસક બની જાય છે અને તેના કારણે આખો ટાપુ દરિયામાં ગરકાવ થઇ જાય છે.શેતાન જે વ્યક્તિનાં શરીરમાં હતો તેનું વર્ણન કરાયું છે તે અનુસાર તે ખુબ જ હિંસક હતો અને તે બહુ જોરથી ચીસો પાડતો હતો, લોકો જે સાંકળો વડે તેને બાંધવાનો પ્રયાસ કરતા હતા તે સાંકળોને તે તોડી નાંખવા જેટલું જોર કરતો હતો.તે પોતાની જાતને પત્થરો વડે ઘાયલ કરતો હતો.તેણે જિસસની સામે પણ એ જ પ્રકારનું વર્તન કર્યુ હતું.
ઇજિપ્તમાંથી જ્યારે મોઝેસ તેમનાં અનુયાયીઓ સાથે હિજરત કરી ગયા ત્યારે પરમાત્માએ તે દેશ અને તેની પ્રજા પર શાપ વરસાવ્યો હતો જે ઇજિપ્તનાં રોગચાળા તરીકે ઓળખાય છે.તેમાં પહેલું લક્ષણ એ હતું કે આખી નાઇલ નદી લાલ લોહીનાં રંગ જેવી થઇ ગઇ હતી અને તેમાં રહેલી તમામ માછલીઓ મોતને ઘાટ ઉતરી હતી.આ વાતને આપણે લાલ રંગની ફંગશ સાથે સાંકળી શકીએ જેણે પાણીને ઝેરી બનાવી દીધુ હશે આ પાણીમાંથી તમામ દેડકાઓ બહાર નિકળી ગયા હતા અને તેઓ જમીન પર આવ્યા બાદ મોતને ભેટ્યા હતા અને નગરની શેરીઓ મૃત દેડકાઓથી ભરાઇ ગઇ હતી.આ મૃૃત દેડકાઓને ખાવા માટે માખીઓ પેદા થઇ હતી જેની સંખ્યા પણ અગણિત હતી આ માખીઓએ ત્યારબાદ જીવિત પ્રાણીઓને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા.જેના કારણે એન્થ્રેક્સ ફેલાયો હતો જે પ્રાણીઓમાંથી માનવોમાં દાખલ થયો હતો અને લોકો તેનાથી મોતને ઘાટ ઉતર્યા હતા.ત્યારબાદ આખા રાજ્યમાં આગનો પ્રકોપ ફેલાયો હતો જે કદાચ તે સમયે ફાટેલા જવાળામુખીને કારણે હોઇ શકે છે.આ આગ બાદ તીડ આખા શહેર પર તુટી પડ્યા હતા.ત્યારબાદ આખા શહેર પર અંધકાર ઉતરી ગયો હતો અને શહેરમાં રોગચાળો ફેલાઇ ગયો હતો જેણે તમામને મોતને ઘાટ ઉતાર્યા હતા.
જિસસનું પાણી પર ચાલવું એ ખ્યાતનામ ચમત્કાર છે જેની ચર્ચાઓ થતી રહે છે.આમ તો આખા બાઇબલમાં ક્યારેય જિસસે પોતે કોઇ દેખાડો કર્યો નથી પણ આ ઘટનામાં તેમણે તેમનાં અનુયાયીઓને દર્શાવ્યું હતુ કે તેઓ આમ કરી શકે છે.બાઇબલમાં એક કથા બોલતા ગધેડાની પણ છે જે ઘણાંને નવાઇ પમાડે છે.બાલામ કરીને સંત હતા જેમણે આમ તો ત્રણ વખત ઇઝરાયેલીઓને શાપ આપવાનો પ્રયાસ કર્યો હતો પણ ત્રણેય વખત તેમનો શાપ ઇશ્વરે આશિર્વાદમાં બદલ્યો હતો.તેમણે એક ફરિશ્તાને માર્ગ પર ઉભો રહેલો જોયો હતો આમ તો તેને સૌ પહેલા તેમના ગધેડાએ જોયો હતો અને તેણે તેની પાસે જવાનો ઇન્કાર કર્યો હતો.ગધેડાએ ત્રણ વખત ઇન્કાર કર્યો હતો અને ત્રણ વખત બાલામે તેને માર્યો હતો આખરે તે ગધેડાને વાચા ફુટી હતી અને તેણે બાલામને તેને મારવાનું કારણ પુછ્યું હતું.ત્યારે બાલામે કહ્યું હતું કે તે મને મુર્ખ બનાવવાનો પ્રયાસ કર્યો છે જો મારા હાથમાં તલવાર હોત તો હું અબઘડી તને મોતને ઘાટ ઉતારી દેત.ત્યારે પેલા ગધેડાએ તેને પુછ્યું કે આ પહેલા મે ક્યારેય આવું વર્તન કર્યુ છે ત્યારે બાલામે જણાવ્યું હતું કે ના.ત્યારબાદ ઇશ્વરે બાલામની આખો ખોલી નાંખી હતી અને તેણે જોયું કે ઇશ્વરનો ફરિશ્તો તલવાર લઇને રસ્તામાં ઉભો રહ્યો છે તેને જોઇને બાલામ જુકી ગયો ત્યારે તે ફરિશ્તાએ પુછ્યું કે તે કેમ તારા ગધેડાને માર્યો ખરેખર તો હું તને મોતને ઘાટ ઉતારવા માટે રસ્તામાં ઉભો રહ્યો હતો અને તારા ગધેડાએ ત્રણ વખત તને મોતથી બચાવ્યો છે.
બાઇબલનો અન્ય એક ખ્યાતનામ ચમત્કાર મોઝેસનો દરિયાને પાર કરવાનો ચમત્કાર છે.આમ તો સેસિલ બી. ડેમિલે પોતાની ૧૯૫૬ની ફિલ્મમાં આ ચમત્કારને દૃશ્ય રૂપ આપ્યું છે જે હોલિવુડની ફિલ્મનાં ચાહકોને આજે પણ યાદ છે.આમ તો ફિલ્મમાં તો દરિયો તરત જ મોઝેસને માર્ગ આપી દેતો દર્શાવ્યો છે પણ બાઇબલમાં આ ઘટનાનો સમયગાળો અલગ છે.બાઇબલની કથાનુસાર ઇજિપ્ત અને ઇઝરાયેલીઓની સેના આખો દિવસ અને રાત એક બીજા સામે લડતી રહી હતી ત્યારબાદ બંનેને આગ અને ધુમાડાએ અલગ પાડ્યા હતા.આખી રાત વાવાઝોડુ ફુંકાતુ રહ્યું હતું અને તે વાવાઝોડાને કારણે દરિયામાં સાંકડો માર્ગ પેદા થયો હતો.આ માર્ગનો રસ્તો કોરો હતો અને તેની આસપાસ પાણીની દિવાલ હતી.મોઝેસ તો પોતાના અનુયાયીઓ સાથે પાર નિકળી ગયા હતા પણ પેલા સમ્રાટનું સૈન્ય તેમની પાછળ આવતા તેમનાં રામ રમી ગયા હતા.
બાઇબલમાં જિસસે પાંચ હજાર લોકોને ભોજન કરાવ્યાનો ચમત્કાર પણ બહુ પ્રચલિત છે.આ કથા ચારેય ગોસ્પેલમાં આલેખાયેલી છે અને તમામ લેખકોએ તેને મહત્વપુર્ણ ગણાવી છે.મેથ્યુએ જણાવ્યાનુસાર જિસસે જેમને ભોજન આપ્યું તેમાં પાંચ હજાર પુરૂષો હતા તેમાં મહિલાઓ અને બાળકોની ગણતરી ન હતી આથી તે સંખ્યા દસ હજાર કરતા વધારે હતી.કથાનુસાર તેમની પાસે માત્ર પાંચ બ્રેડનાં ટુકડા અને બે માછલી હતી પણ તેમ છતાં જ્યારે તમામને ભોજન અપાઇ ગયું ત્યારે પણ ખાસ્સુ ભોજન બચ્યું હતું.આ ચમત્કાર ફરી પણ એક વાર તેમણે કર્યો હતો ત્યારે ખાનારાઓની સંખ્યા ચાર હજાર કરતા વધારે હતી અને ત્યારે પણ ખાસ્સુ ભોજન વધ્યુ હતું.આટલું ભારે પ્રમાણમાં ભોજન ક્યાંથી આવ્યું તેનો કોઇ ખુલાસો પુસ્તકમાં કરાયો નથી પણ તે જન્નતમાંથી આવ્યાનો દાવો કરાય છે.
એક અન્ય ચમત્કાર છે જે બાઇબલમાં મહત્વપુર્ણ સ્થાન ધરાવે છે તે એ છે કે જિસસે મરેલા લાઝારસને ચાર દિવસ બાદ જીવતો કર્યો હતો.લાઝારસ મર્યાને ચાર દિવસ થઇ ગયા હતા અને ત્યારબાદ જિસસ ત્યાં આવે છે ત્યારે તેની બહેન મેરી જિસસને કહે છે કે તેનો મૃતદેહ ગંધાઇ ગયો છે તેમ છતાં જિસસે તેની કબર ખોલવાનો આદેશ આપ્યો હતો અને ત્યારબાદ તેમણે લાઝારસને કબરમાંથી બહાર આવવાનો આદેશ આપ્યો અને તે કબરમાંથી જીવતો થઇને બહાર આવ્યો હતો.
જોસુઆએ સુર્યને રોક્યો હોવાનો ચમત્કાર પણ બહુ પ્રચલિત ચમત્કાર છે.જોસુઆ અને તેના સૈન્યએ ગિબિઓનમાં એમોરિત્સની સેના સાથે સંઘર્ષ કર્યો હતો અને તેઓ દુશ્મનનાં લશ્કરને માત આપીને ત્યાંથી નિકળી જવામાં સફળ રહ્યાં હતા.આ કાર્યમાં પરમાત્માએ તેમને મદદ કરી હતી અને જેણે દુશ્મનનાં લશ્કર પર પત્થરોનો વરસાદ કર્યો હતો જેમાં તેઓનો મોટો ભાગ સફાયો પામ્યો હતો.ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં તે કથાને પરમાત્માનાં ક્રોધ સાથે સાંકળવામાં આવી છે.જો આ કથાને સાચી માનવામાં આવે તો તેનો અર્થ એ થાય કે જોસુઆની પ્રાર્થના પર પરમેશ્વરે પૃથ્વીનું પરિભ્રમણ રોકી દીધુ હતું કારણકે તેમ થયા વિના સુર્ય વધારે સમય સુધી આકાશમાં રહી શકે નહિ.
આમ તો બાઇબલની કથા અનુસાર બે લોકો એવા છે જેમણે મોતનો કડવો સ્વાદ ચાખ્યો ન હતો જેમાં એક હતા ઇનોચ અને બીજા હતા એલિજાહ.પહેલાને તો પરમેશ્વરે જાતે જ્ન્નતમાં લીધા હતા જ્યારે બીજા અગ્નિસમાન રથમાં જન્નતમાં ગયા હતા.બાઇબલમાં એક માત્ર જિસસ જ એવા છે જેઓ પોતાની જાતને ફરીથી જીવંત કરી શક્યા હતા.તેઓ ક્રુસ પર ચડ્યા બાદ ત્રણ દિવસ લોકોથી દુર રહ્યાં હતા અને ત્રણ દિવસ બાદ તેમનો આત્મા ફરીથી તેમના શરીરમાં પ્રવેશ્યો હતો.આમ તેમણે મોતને પોતાની અલૌકિક શક્તિઓ વડે માત આપી હતી.
વિજ્ઞાનનું માનીએ તો આખા બ્રહ્માંડનું સર્જન બિંગ બેંગને આભારી છે અને તેની રચનામાં ખાસ્સી સદીઓ વીતી ગઇ હતી જ્યારે બાઇબલ કહે છે કે પરમેશ્વરે તેની રચના માત્ર છ દિવસમાં કરી હતી.બિગબેંગમાં અવાજને પણ મહત્વ અપાય છે પણ બાઇબલ અનુસાર પ્રકાશનું પુંજ અવતરણ પામ્યું હતું પણ તેમાં અવાજ સામેલ ન હતો તે ત્યારબાદ જન્મ્યો હતો.