ગામના ચોરે ડાયરો બેઠો હતો,અલકમલક ની વાતો થતી હતી અને કસુંબા ની મોજ મણાતી હતી.
છેટે થી દરબાર ને આવતા જોયા ને આખોયે ડાયરો બાપુ ને રામ રામ કરતો ઊભો થઈ ગયો.બાપુએ ઘોડી થંભાવી અને ડાયરાને રામ રામ કર્યા અને ડેલીએ ડાયરાને આવવાનું નિમંત્રણ આપી ઘોડી હંકારી મૂકી.
દરબાર એ કેસર ને ઘોડાહર માં બાંધી અને બધી ઘોડીઓ ને નિરણ નાખી,બપોર નુ ટાણું થવા આવ્યું હતું.બાપુ ડેલીએ જઈ ને હજી બેઠા ત્યાં એને રસ્તે દૂર થી આવતો ઘોડેસવાર દેખાયો.
એ નજીક આવ્યો એ પહેલા જ દરબાર ઓળખી ગયા અને એને આવકારવા સામાં ડગલા માંડ્યા,આવો આવો કાઠી આજે તો મારા રાપર ની ધરા પાવન કરી છે તમે,આવું કહેતા ઘોડેસવાર નીચે ઉતર્યો એ પહેલાં જ બાથ માં લઈ લીધો.
કાઠી એ પણ દરબાર નો આવો આવકાર સ્વીકાર્યો અને બોલ્યા કા દરબાર સવો તો હેમખેમ ને?
તમારી અને દાદા સૂરજ ની દયા છે ભા! અને પછી ડેલીમાં ઊભેલા જુવાનિયા ને સાદ દેતા બોલ્યા અલ્યા કેહુર ઢોલિયા ઢાળો આજ તો રાપર માં બાબરિયાવાડ ના કાઠી મૂળુ ભા પધાર્યા છે.
ડેલીએ ઢોલિયા ઢળાણા, ટેકા મુકાણા, અને કસુંબા તૈયાર કરાણા,હોકા માં કોલસો અને ઝરદા ભરાણા. શાર્દુલ દરબાર અને મૂળુ કાઠી બેઠા છે એકબીજાના સમાચાર પૂછે છે અને હોકા પીવે છે.
દરબારે ઓરડે બેની બા ને કહેવરાવ્યું કે આજે લાપસી ના આંધરણ મૂકજો મારા મોંઘેરા મેમાન આવા છે.
ઓરડે માનબાઈ ને ખબર પડી કે બાબરિયાવાડ થી મૂળુ કાઠી આવ્યા છે તો હરખાઈ ગયા અને લાપસી રાંધવા મૂકી દીધી હારે જાર બાજરાના રોટલા અને રીંગણ નું શાક બનાવ્યું ભોજન તૈયાર થતા ડેલીએ થી જમવા બોલાવ્યા.
ઓસરી માં મૂળુ ભા અને દરબાર બપોરા કરવા બેઠા છે અને માનબાઈ આગ્રહ કરી કરી ને પીરસે છે.
મૂળુ કાઠી અને દરબાર નો સંબંધ મામા ફઇ ના ભાઈઓ નો હતો,મૂળુ ભા ના માં ને દરબાર ના પિતા એ બેન કરી માનેલા ત્યાર થી આ સંબંધ આમ જ ચાલ્યો. દરબાર અને મૂળુ ભા ને સગા ભાઈ જેટલું હેત હતું એકબીજા ઉપર.
બપોરા કરી ને દરબાર મૂળુ ભા ને મેડી એ પોરો ખાવા લે ગયા, બેય ભાઈઓ અલકમલક ની વાતો કરે છે વાત વાત માં મૂળુ ભા એ કહ્યું,શાર્દુલ ભા દીકરી માનબાઈ નું કાંઈ વિચાર્યું કે હવે?બેન બા ઉંમર લાયક થયા છે.કોઈ મુરતિયો જોયો કે?
ના રે ભા મન માં તો ઘણું છે પણ એને લાયક મુરતિયો કોઈ નજરે નથી પડતો,માં વગર ની દીકરી છે કોઈ સારું ઠેકાણું મળે તો હાથ પીળા કરી દવ.આવું કહેતા દરબાર ના મોઢા પર ચિંતા ની લકીરો વર્તાવા લાગી.
અરે ભા બેન બા ઉંમર લાયક થયા એની ચિંતા બાપ ઠેકાણે થાય એ વાત હાચી પણ તમે ક્યો તો એક ઠેકાણું બતાવું.
બોલ ને બાપ તો તો મારા માથે થી ભર હળવો થાય.કહેતા દરબાર મૂળુ કાઠી ની સામે જોઈ રહ્યા.
અમારા બાબરિયાવાડ માં જ છે વિહા ખુમાણ નો દીકરો હામો ખુમાણ હું વાત કરી જોઈ એને.
ભલે ભા,કહેતા દરબાર ના મન માં થોડી શાંતિ વળી.
બીજે દી સવારે મૂળુ કાઠી એ દરબાર પાસે થી રજા લઈ ને પોતાનો ઘોડો બાબરિયાવાડ ન કેડે હાલતો કર્યો. બાબરિયાવાડ પૂગી ને વિહા ખુમાણ ની ડેલી એ જઈ વિહા ખુમાણ ને સાદ દીધો,વીહો ખુમાણ ડેલીએ આવ્યા અને કહ્યું મૂળુ તું છે આવ આવ.
મૂળુ ભા એ ઘોડો ડેલી આગળ બાંધી વિહા ખુમાણ સાથે ત્યાં જ બેસી ગયા અને વાતો કરવા લાગ્યા. વિહા ખુમાણ એ મૂળુ કાઠી ને પૂછ્યું આમ કઈ દશે થી આવે છે ?
રાપરે ગ્યો થા આપા શાર્દુલ ભા ને મળવા.મૂળુ એ જવાબ આપતા કહ્યું
સૌ હેમખેમ તો છે ને ભા? આપા એ પ્રશ્નાર્થ કરતા પૂછ્યું.
હા આપા હેમખેમ છે બધા હું તો અમથો જ ગ્યો થો ઘણા વખત થી દરબાર ને મળ્યો નોતો એટલે. કાઠી એ જવાબ આપ્યો. આપા એક વાત નાખવી થી તમારા કાને એટલે ઘોડો આયા થંભાવી દીધો.
બોલ ને બાપ એમ એટલો અચકા કા વળી? આપા એ હસતા હસતા કહ્યું
આપા વાત એમ છે કે શાર્દુલ ભા ની દીકરી માનબાઈ માગું આપણા હામા ભા માટે નાખવું થું.કાઠી એ વાત પૂરી કરી.
એમાં શું કાઠી અચકા છો હામ ભા ને વાત કરી જોઈ ને પછી રાપરે જાશું આપણે કાકો ભત્રીજો.આપા એ જવાબ વાળ્યો.
ભલે આપા લ્યો તયે રામ રામ,કહેતા કાઠી ઊભા થયા.
રામ રામ ભા આવજે પાછો કહી ને આપા એ રજા આપી.
મૂળુ કાઠી પોતાની ડેલીએ આવી ઘોડા ઉપર થી ઊતરી ને ઘોડો ચાકર ને બાંધવા આપી અંદર જતા રહ્યા.