કહેવાય છે કે ઘોડાઓ માં એટલી આવડત કુદરતે ભરેલી હોય છે કે તે પોતાના માલિક ને માત્ર સ્પર્શ થી જ ઓળખી જાય.
અને ગુજરાત માં સૌરાષ્ટ્ર એટલે કે સોરઠ ની વાત કરીએ તો કહેવાય છે કે સોરઠ માં 36 જાત ની ઘોડીઓ જોવા મળતી જેમાં પીરાણી, રેશમ, પટી,ફુલમાળ,માણકી, ઢેલ,કેસર, તાજણ,હેમલ વગેરે ઘોડીઓ નો સમાવેશ થાય છે.
ઘોડા કે ઘોડીઓ ની વાત આવે અને આપણા જાણીતા એવા લોક સાહિત્યકાર ઇશરદાન ગઢવી નું લખેલું આ સપાખરું યાદ ના આવે એવું બને જ કેમ!!
પિરાણી, તાજણ, ઢેલ, હેમલ, માણકી, પટી, નોરાળી, હિરાળી વળી મૂંગી,ફુલમાળ, બોદલી,માછલી,રેડી, છીંગાળી, છોગાળી,બેરી, છપર, વાંગળી, શેલ્સ ચાંગી, ચમર ઢાળ,ભૂતડી, દાવલી,રેશમ, કેશર,મુગટ મૂલ્ય, લખી,વાંદરી ને લાલ,અટારી જબાદ,મની,ધીમી,હરણી ને લાસ મોંઘા મૂલવાળી એવા ધરા સોરઠારા તુરંગા ઓલાદ.
આવી જ વાત છે સૌરાષ્ટ્ર ના કચ્છ જિલ્લામાં આવેલા રાપર ગામ માં રહેતા એક માલધારી દરબાર એની ઘોડી અને સોરઠ માં વસવાટ ની.
શાર્દુલ ભગત રાપર ગામ ના મોભી ગણાતા,આખાયે પંથક માં શાર્દુલ ભગત એની ઘોડેસવારી અને ઘોડીઓ ના જબરા શોખીન તરીકે ઓળખાતા, આખુયે ગામ શાર્દુલ બાપુ ને પૂછ્યા વગર કોઈ કામ કરે નઈ.અને શાર્દુલ ભગત પણ કોઈ ને નબળી સલાહ કે પાછું પગલું ભરવાનું શીખવે નઈ.
શાર્દુલ ભગત ને લોકો બાપુ કહી ને બોલાવતા.આખાયે રાપર માં શાર્દુલ બાપુ ની આણ વર્તાતી, ગાયો ભેંસો રાખતા અને એને ચરાવવા જાતા અને ઘોડીઓ નો જબરો શોખ રાખતા એમ તો બાપુ ની ઘોડાહર માં જાતવાન એક ને જોવો ને બીજી ને ભૂલો એવી બીજી 4 ઘોડીઓ હતી પણ બાપુ નું મન તો એની કેસર ઉપર જ ઠરતું.
જેમ સ્ત્રી માં રૂપ હોય એમ જાતવાન ઘોડીઓ માં રૂપ હોય છે.કેસર નો ધોળો વાન ચંદ્રમા ની ચાંદની માં ચાંદી જેવો ચમકતો અને સૂર્ય ના અજવાળા માં તો આંખો અંજાવી દે એની સુંવાળી રેશમી કેશવાળી અને નમણી આંખો એ જોઈને જ મન ઓગળી જાય.
રોજ ના પોતાના નિયમ મુજબ બાપુ પેલું પહર ચારી ને આવી ને સીધા ઘોડાહર માં ગયા બધી ઘોડીઓ ના માથા અને શરીર પર વ્હાલ થી હાથ ફેરવીને કેસર પાસે બેસી ગયા એને વ્હાલ થી પંપાળી ને બોલ્યા કા બાપ તે આજેય ખાધું નઈ? તું નઈ ખા તો હું યે કેમ કોળિયો મોઢે લય જાઉં જે થાવાનું હતું એ થઈ ગયું,લે થોડુંક ખાઈ લે ત્રણ દી થઈ ગયા હવે તો હઠ મેલ.
આવું કહેતા દરબાર ની આંખ માં ઝળઝળીયા આવી ગયા પોતાની વ્હાલી કેસર ની માં ત્રણ દિવસ પહેલા સ્વર્ગે સિધાવી હતી એના દુઃખ માં કેસર અને દરબાર બેમાંથી એકેય એ ત્રણ દિવસ થી એક કોળિયો એ ભર્યો ના હતો કેસર ની માં ને દરબાર હેત થી ગુલાબી કહી ને બોલાવતા,આજે દરબાર ઘોડાહર માં આવી ને પોતાની વ્હાલી કેસર ને ખવરાવે છે પણ માલિક નું કહેવું સમજતી હોય એમ કેસર માથું હલાવી ને ના પાડતી હોય એમ ઊભી રહી ગઈ.
દરબાર એ એને સમજાવતા કહ્યું મારી ગુલાબી તો મનેય તારી જેમ વાલી જ હતી એને મેં તારી જેમ જ ઉછેરી ને મોટી કરી થી પણ કુદરત ને કોણ પુગી વળે. કુદરત ની કળા તો એજ જાણે! લે હાલ થોડુંક ખાઈ લે આમ ભૂખા કેટલાક દી રહીશું.
દરબાર આવી આવી વાતો થી કેસર ને રીઝવે છે.દરબાર ની વાતો સાંભળી ને કેસર ની સાથે સાથે બીજી ઘોડીઓ ની આંખ માંથી પણ આંસુડા વહી જાય છે અને પોતે હણહણાટી કરી ને કેસર ને માની જવા કહેતી હોય એમ હણહણે છે.છેવટે દરબાર ની હઠ આગળ કેસર એ હઠ મૂકી દીધી અને લીલા ઘાસ ના બે - ચાર તરણા મોઢા માં લે લીધા આ જોઈ દરબાર ને નિરાંત થઈ.
દરબાર ઘણી વાર સુધી કેસર પાસે જ બેસી રહ્યા અને પછી ડેલી માં આવ્યા અને ત્યાં બેસી હુક્કો ગડગડાવવા લાગ્યા,ઓરડે દરબાર ના એકના એક અને લાડકા દીકરી માન બાઈ ચિંતા માં બેઠા છે કે આજે ત્રણ દાડા થયા બાપુ એ ખાવાની સામુયે નથી જોયું.
એને સમાચાર મળ્યા કે બાપુ ડેલીએ આવી ગયા છે અને હુક્કો પીવે છે તો માન બાઈ એ એક જુવાનિયા ને ડેલીએ દોડાવ્યો અને કહેરાવ્યું કે બાપુ શિરામણ કરી જાય.
જુવાનિયા એ ડેલીએ આવી ને કહ્યું બાપુ બેની બા એ તમને શિરામણી કરવા બોલાવ્યા છે,દરબાર ઝટ દઈને ઊઠ્યા અને ઓરડે ગયા ઓસરી માં હાથ પગ ધોઈ ને દરબાર શિરામણ કરવા બેઠા એ જોઈને માન બાઈ ઉતાવળે પગે શિરામણ લાવ્યા.
બાજરા નો દૂધ જેવો ધોળો રોટલો અને એમાં ટીપાં પડે એટલું વચ્ચે નાખેલું ઘી,સાથે ગોળ નો ગાંગડો અને ભગર ભેંસ નું તાજું ફીણ વાળું દૂધ છલોછલ ભરેલી તાંસળી.ઉતાવળ માં માન બાઈ ને જરીક ઠેબું આવતા દૂધ ના બે ચાર ટીપાં હેઠા પડી ગયા.
આ..... આ.....બેટા કા આટલી ઉતાવળ ?ધીરજ રાખો! દીકરી ને ઠેબું વાગતા દરબાર બોલી ઊઠ્યા.
ઉતાવળ એ વાત ની છે બાપુ કે ક્યાંક તમે ઊભા થઈ ને જતા ના રો આ ત્રણ દાડા થયા તયે આજ અન્ન સામે જોયું છે.
હશે બાપા !હવે મારી કેસર એ ખાઇ લીધું એટલે હું યે જોને બેસી ગયો.દરબાર દીકરી ને સમજાવતા બોલ્યા.
ફળિયા માં રમતા છોકરાઓ માંથી એક દસેક વર્ષ ના છોકરા એ કહ્યું બાપુ માન બા એ આજેય નથી ખાધું ખાલી અમને જ ખવરાવી દીધું.
આ સાંભળી દરબાર ની છાતી માં શેરડો પડ્યો અને બોલી ઊઠ્યા કા દીકરા તમે ના ખાધું આવું તે કોઈ કરતું હશે?
તો કેવું કરે બાપુ? જે દીકરી ના બાપ ના મોંમાં અન્ન નો એક દાણો ના ગયો હોય એ દીકરી કેમ ખાઇ ?
પોતાની વ્હાલસોઈ દીકરી માં મોઢા માંથી આવા વેણ સાંભળી દરબાર થોડી વાર થંભી ગયા અને બોલ્યા મારી એક લાડકી ને ખવરાવવા માં આ બાપ એના બીજા કાળજા ના કટકા ને ભૂલી ગયો.દીકરી માન બાઈ હવે તમેય શિરામણ કરી લો.
હા બાપુ તમે શિરાવી લો હું યે શિરાવી લેશ,કહેતા માન બાઈ રસોડા માં જતા રહ્યા.
બાપુ શિરાવી ને વળી પાછા ઘોડાહર માં ગયા અને કેસર ને છોડી ને બાર લાવ્યા,ત્યાં ગામ ના પટેલ લુણા પટેલ નીકળ્યા અને બોલ્યા..રામ રામ બાપુ આજે કેસર ની સવારી કરવાના છો કે?
રામ રામ પટેલ રામ રામ! એ જોને ભાઈ કેટલાય દાડા થી ઘોડાહર માં બાંધી રાખી છે આજે એકાદ આંટો વાડીએ દઈ આવું તો એનું એ મન વળે.
આવું કહેતા બાપુ એ કેસર માથે રાંગ વળી અને કેસરે ડબલા માંડ્યા વાડી ના કેડે,પણ એની ચાલ જાણે વીજળી સમી.
ડગલા માંડતા ધરા ધમકે જાણે આભ તણી વીજળી ચમકે,આંખ ઉઘડે ત્યાં તો કેસર ઠેકાણે પુગતી.
માથે બેસેલો અસવાર સરખો બેસે ના બેસે સમોનમો થઈ રે ત્યાં તો કેસર ઠેકાણે પૂગી ગઈ હોય.
વાડીએ પૂગતા જ દરબારે કેસર ને આંબા ના થડીયે બાંધી ને પોતે વાડી માં આંટો મારી મોલાત નું નિરીક્ષણ કરવા લાગ્યા. આંટોમારી થોડી વાર બેસી ને દરબાર પાછા ગામ તરફ નીકળી પડ્યા.