પરિવાર એટલે સંપૂર્ણ બ્રહ્માંડ
શહેરના જૂના ભાગમાં આવેલી એ સંકડી ગલીમાં એક નાનકડું મકાન હતું. મકાન શું, બસ બે રૂમ, એક જૂની ખુરશી, કાચા રંગની દીવાલો અને છતમાંથી ટપકતી બૂંદો. વરસાદ પડે ત્યારે ઘરની અંદર પણ છત્રી ખોલવાની ફરજ પડે એવી હાલત. છતાં, એ ઘરમાં એક એવી ગરમી હતી, જે મોટા બંગલામાં પણ ભાગ્યે જ મળે.
રમેશ એ મકાનનો આધારસ્તંભ હતો. દિવસના બારથી ચૌદ કલાક મજૂરી, ક્યારેક બાંધકામ પર, તો ક્યારેક ટ્રકમાંથી માલ ઉતારતો. હાથમાં પડેલા કાઠાં, પગમાં સતત દુખાવો પણ ચહેરા પર કદી ફરિયાદ નહીં. એ જાણતો હતો કે એની થાકેલી આંખો પાછળ એક પરિવાર રાહ જોઈ રહ્યો છે.
સીતાબેન, એની પત્ની, મૌન શક્તિ હતી. ઓછા સાધનમાં વધુ સુખ શોધવાની કળા એને આવડતી. બે વાટકી દાળમાં ચાર લોકોનું પેટ ભરાઈ જાય એ રીતે રસોઈ બનાવતી. પોતાના સપનાઓ ક્યારેય ઊંચે બોલી ન કહી, પણ પતિ અને સંતાનોના સપનાઓ માટે પોતે ઓગળી જતી.
મેઘા, મોટી દીકરી, નવ વરસની હતી. આંખોમાં સમજદારી વહેલી ઊગેલી. શાળાથી આવીને તરત નાના ભાઈ-બહેનને સંભાળવા લાગતી. પુસ્તકો કરતા વધુ જવાબદારી એની બેગમાં હતી. છતાં, રાત્રે દીવો બળે ત્યારે એ અક્ષરો સાથે સપનાઓ પણ ગૂંથતી.
રાહુલ, પાંચ વરસનો, ઘરની હાસ્યરેખા. પિતાની થાકેલી ગોદમાં બેસી ને પૂછતો, “બાપા, આજે તું જીત્યો?” અને રમેશ હસીને કહેતો, “હા બેટા, આજે પણ જીતી ગયો.”
અને સૌથી નાની પિહુ. હજી બોલતા શીખતી. પગ પકડીને ચાલતી. એની નાની આંગળીઓ રમેશના કપડાં પકડી લે ત્યારે, જાણે દુનિયાની બધી તાકાત એ પકડમાં સમાઈ જતી.
એક સાંજ એવી આવી જ્યારે રમેશ ખાલી હાથ ઘરે પરત ફર્યો. કામ બંધ. બાંધકામનું પ્રોજેક્ટ અટકી ગયું હતું. દરવાજો ખોલતાં જ મેઘાની આંખો એની આંખો શોધી રહી. હાથ ખાલી જોઈને એ ચૂપ રહી ગઈ. સીતાબેને પાણી આપ્યું, અને શાંતિથી પૂછ્યું, “શું થયું?”
“આવતીકાલથી કામ નથી,” રમેશે ધીમે કહ્યું.
એ શબ્દો ઘરની દીવાલો પર અથડાઈને પાછા ફર્યા. પિહુએ હજી પણ પિતાનું પેન્ટ પકડી રાખ્યું હતું. મેઘા એ પકડ જોઈને અંદરથી મજબૂત બની.
રાતે કોઈ બોલ્યું નહીં. પણ કોઈ સૂયું પણ નહીં.
આવતા દિવસો કઠિન હતા. બચત ઓછી હતી. સીતાબેને પોતાના ઘરેણા જે એક બે હતા તે વેચી નાખ્યા. રમેશે રોજ નવી મજૂરી શોધી. ક્યારેક મળતી, ક્યારેક નહીં. મેઘાએ શાળામાંથી આવીને પડોશના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. થોડા રૂપિયા મળે તો એને લાગે આજે ઘર જીતી ગયું.
એક દિવસ શાળાની ફી ભરવાની તારીખ આવી. રમેશ પાસે પૈસા નહોતા. મેઘાએ કહ્યું, “બાપા, આ મહિને હું નહીં જાઉં તો ચાલે.”
રમેશની આંખો ભીની થઈ. “ના દીકરી, તું જશે. મારું ભૂખ્યું રહેવું ચાલશે, તારો અભ્યાસ નહીં અટકે.”
એ રાતે રમેશ મોડી રાત સુધી કામ શોધતો રહ્યો. એક નાનકડા હોટેલમાં વાસણ ધોવાની મજૂરી મળી. પગ દુખતા હતા, હાથ કપાતા હતા, પણ મનમાં એક જ વિચાર મેઘાની અને બીજા બેય બાળકો ની ફી.
સમય વીતતો ગયો. દુખ ઘટ્યા નહીં, પણ એકબીજાનો સહારો વધતો ગયો. મેઘા હવે વધુ સમજદાર બની. રાહુલ પિતાની જેમ હિંમત શીખતો. પિહુની હાસ્યમાં આખું ઘર જીવતું.
એક દિવસ રમેશ ગંભીર રીતે બીમાર પડ્યો. તાવ, કમજોરી. ડૉક્ટરની ફી અશક્ય. સીતાબેન ભાંગી પડી. મેઘાએ પિતાનો હાથ પકડીને કહ્યું, “પપ્પા, તમે મજબૂત છો. તમને કઈ નહીં થાય.”
એ શબ્દોમાં એવી શક્તિ હતી કે રમેશને ફરી શ્વાસ મળ્યો. પડોશીઓએ મદદ કરી. રમેશ સાજો થયો.
થોડા મહિના પછી એક સારો મોકો આવ્યો. એક નાનકડા વર્કશોપમાં કાયમી નોકરી. પગાર ઓછો, પણ સ્થિર. એ દિવસે ઘરમાં દીવો ખાસ રીતે બળ્યો. સીતાબેને મીઠાઈ બનાવી ઓછી ખાંડ, પણ વધારે પ્રેમ.
વર્ષો વીત્યા. મેઘા મોટી થઈ. અભ્યાસ પૂરો કર્યો. નોકરી મળી. પહેલી પગારથી એણે પિતાના માટે નવી ચપ્પલ લાવી. રમેશે ચપ્પલ હાથમાં લઈને કહ્યું, “આ ચપ્પલ કરતાં તું મારી સાચી કમાણી છે.”
રાહુલ કોલેજમાં ગયો. પિહુ શાળામાં ટોપ કરતી. સીતાબેનના વાળ સફેદ થયા, પણ આંખોમાં એ જ શાંતિ.
એક સાંજે બધા સાથે બેઠા હતા. વરસાદ પડી રહ્યો હતો. એ જ જૂનું મકાન, પણ હવે દીવાલો પર રંગ હતો. મેઘાએ સામે ની એક દિવાલ પર લખેલું સુવાક્ય વાંચ્યું:
No matter how poor you think you are, if you have a family, you have everything.
મેઘાએ કહ્યું, “પપ્પા, આ વાક્ય આપણા માટે જ લખાયું છે.”
રમેશે આસપાસ જોયું પત્ની, સંતાનો, હાસ્ય, એકબીજાની પકડ. એ સમજાઈ ગયું કે ગરીબી કદી પૈસાની નથી હોતી. ગરીબી ત્યારે હોય છે, જ્યારે હાથ પકડનાર કોઈ ન હોય.
એ ઘરમાં પૈસા ઓછા હતા, પણ પ્રેમ ભરપૂર. અને એ જ સાચી સમૃદ્ધિ હતી.
પરિવાર એટલે જ બધું.
સમય થોડા સમય માટે સાંભળી ગયો હતો એવું લાગ્યું, પરંતુ સુખની છાયા બહુ નાજુક હોય છે એ વાત ફરી સાબિત થવાની હતી.
રમેશ હવે વર્કશોપમાં કામ કરતો હતો, પણ એની છાતીમાં વારંવાર સળવળ થતી. શ્વાસ લેતા સળવળ, રાતે ઉધરસ, અને ધીમે ધીમે વજન ઘટતું જતું. સીતાબેને અનેક વખત કહ્યું, “ડૉક્ટર બતાવી આવો,” પરંતુ રમેશ હંમેશા ટાળી દેતો. “હજી કામ છે, પૈસા પછી જોઈશું.”
એક દિવસ કામ પર જ એ બેહોશ થઈ ગયો. સાથી મજૂરો દોડીને એને સરકારી હોસ્પિટલ લઈ ગયા. રિપોર્ટ આવ્યા ત્યારે આઘાતજનક સત્ય સામે આવ્યું ટીબી સાથે ફેફસાંમાં ઇન્ફેક્શન, અને લાંબી, ખર્ચાળ સારવાર જરૂરી.
ઘરમાં ફરી એ જ શાંતિ ઉતરી, જે શબ્દો કરતા વધુ બોલતી હતી. મેઘા હોસ્પિટલના કોરિડોરમાં ઊભી હતી. ડૉક્ટરની વાત સાંભળતા જ એને સમજાઈ ગયું હવે લડાઈ લાંબી છે.
દવાઓ તો સરકાર તરફથી મળી જતી, પણ પૂરતું પોષણ, આરામ, અને સમય એ બધું ગરીબી માટે વૈભવ હતું. રમેશ પથારી પર પડ્યો હતો, અને સીતાબેન એની દરેક શ્વાસ સાથે જીવતી હતી.
થોડા મહિનામાં જ પરિસ્થિતિ વધુ ગંભીર બની. એક દિવસ ડૉક્ટરે મેઘાને અલગ બોલાવી કહ્યું, “ફેફસાં બહુ કમજોર થઈ ગયા છે. આગળ ચાલીને લંગ ડેમેજ થવાની શક્યતા છે. કામ કરવું મુશ્કેલ રહેશે.”
એ સાંભળીને મેઘાનું હૃદય ધ્રૂજી ઉઠ્યું. પણ સાચો ઝટકો હજી આવવાનો હતો.
એ જ સમય દરમિયાન સીતાબેન સતત થાકેલી રહેવા લાગી. ખોરાક ઓછો, ઊંઘ ઓછી. એક સાંજ રસોઈ કરતા અચાનક એ પડી ગઈ. તપાસમાં ખબર પડી કિડની ફેલ્યર (સ્ટેજ 4). નિયમિત ડાયાલિસિસ વગર જીવન જોખમમાં.
હવે ઘરમાં બીમારી એક નહીં, બે હતી.
રમેશ પથારી પર પડ્યો પડ્યો આ બધું સાંભળતો રહ્યો. એની આંખોમાં પહેલીવાર લાચારી હતી. “આ બધું મારા લીધે થયું,” એ ધીમે બોલ્યો. “હું નબળો પડ્યો, એટલે તું તૂટી ગઈ.”
સીતાબેને એની આંગળી પકડી લીધી. “પરિવારમાં કોઈ એક તૂટી જાય તો બીજો મજબૂત બને છે. એ જ તો પરિવાર છે.”
ડાયાલિસિસ માટે દર અઠવાડિયે પૈસા જોઈએ. મેઘાએ પોતાના સપનાઓ રોકી દીધા. નોકરી સાથે સાથે ટ્યુશન, સિલાઈ, જે મળ્યું તે કર્યું. રાહુલે કોલેજ છોડી પાર્ટટાઈમ કામ શરૂ કર્યું. પિહુ હજી નાની હતી, પણ ઘરમાં શાંતિ રાખવા હસતી રહેતી.
પરંતુ પૈસા પૂરતા પડતા નહોતા.
એક દિવસ ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું, “કિડની ટ્રાન્સપ્લાન્ટ એકમાત્ર રસ્તો છે. નહીંતર…” વાક્ય અધૂરું રહી ગયું.
મેઘા એ રાતે ઊંઘી નહીં. સવાર પડતા જ એ હોસ્પિટલ પહોંચી. ટેસ્ટ કરાવ્યા. કિડની મેચ થઈ રહી હતી.
સીતાબેને જાણતા જ ચીસ પાડી, “ના! તું નહીં આપશે. તારી આખી જિંદગી બાકી છે.”
મેઘાએ શાંતિથી કહ્યું, “મારી જિંદગી તમે આપેલી છે, માં. આજે હું એ જ પાછું આપી રહી છું.”
રમેશે દીકરીના પગ પકડી લીધા. “મને મરી જવા દે, પણ તને કંઈ નહીં થવા દઉં.”
“પપ્પા,” મેઘાએ કહ્યું, “તમે જીવશો તો જ હું જીવતી રહીશ.”
ઓપરેશનનો દિવસ આવ્યો. કલાકો લાંબી રાહ. ઓપરેશન થિયેટરની બહાર રમેશ અને રાહુલ નિઃશબ્દ બેઠા હતા. પિહુ ભગવાનના ફોટા સામે દીવો બળાવતી હતી.
અંતે સમાચાર આવ્યા ઓપરેશન સફળ.
સીતાબેન નવી જિંદગી લઈને બહાર આવી. મેઘા ICUમાં હતી નબળી, પણ સ્મિત સાથે.
મહિના પસાર થયા. મેઘા ધીમે ધીમે સાજી થઈ. સીતાબેન ફરી ઊભી રહી. રમેશ પણ સારવારથી સ્થિર થયો, પણ હવે એ જાણતો હતો શરીર નહીં, સંબંધો જ સાચી તાકાત છે.
વર્ષો પછી, મેઘાએ એક એનજીઓ શરૂ કરી ગરીબ દર્દીઓ માટે. રાહુલ એની સાથે જોડાયો. પિહુ ડૉક્ટર બનવાનું સપનું જોઈ રહી હતી.
એક દિવસે એ જ ગલીમાં લોકો ભેગા થયા. મેઘા બોલી:
“બીમારી શરીરને તોડે છે, પણ પરિવાર આત્માને બચાવે છે. અને જ્યારે પરિવાર સાથે હોય, ત્યારે કોઈ બલિદાન મોટું લાગતું નથી.”
રમેશ અને સીતાબેન એકબીજાનો હાથ પકડીને બેઠા હતા. એમની આંખોમાં આંસુ હતા દુઃખના નહીં, ગૌરવના.
એ સાંજે ઘરમાં દીવો બળ્યો. એ દીવો સાક્ષી હતો દુખ, બીમારી અને બલિદાન પછી પણ પરિવાર અડગ રહ્યો હતો.
પરિવાર એટલે સંપૂર્ણ બ્રહ્માંડ.