GEETA - QUESTION IS YOUR ANSWES'S BY SHRI KRISHNA - 1 in Gujarati Magazine by Hardik Galiya books and stories PDF | ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1

Featured Books
Categories
Share

ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1


મિત્રો હું છું હાર્દિક ગાળિયા. અહીંયા યુવા મિત્રોને ગમે અને જીવનમાં કેવી રીતે ઉપયોગી બને તે રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતાને શબ્દો દ્વારા અને પોડકાસ્ટ ના સ્વરૂપમાં અહીં લખવાનો પ્રયત્ન કર્યો છે જેમાં ભગવદ ગીતાના સિદ્ધાંતો પ્રમાણે અને રીયલ લાઈફ ના એક્ઝામ્પલ તેનું રિસર્ચ કરી બંનેને સાથે લાવીને મૂક્યા છે. 


હાર્દિક: હેલ્લો.. હેલ્લો.. માઈક ટેસ્ટિંગ.. ૧, ૨, ૩.. ઓકે!
કેમ છો મારા વ્હાલા વાચકો, સોરી સોરી..સ્વાગત છે તમારા સૌના ફેવરિટ અડ્ડા પર. હું છું તમારો હોસ્ટ અને દોસ્ત, હાર્દિક!

     મિત્રો, સાચું કહેજો.. આજે સવારે ઉઠ્યા ત્યારે સૌથી પહેલો વિચાર શું આવ્યો હતો?

     "યાર, પાછું ઓફિસ જવાનું?" અથવા "આ ઘરની કચકચ ક્યારે પતશે?"

     જો તમને પણ લાઈફમાં એવું લાગતું હોય ને કે ચારે બાજુથી પ્રોબ્લેમ્સની 'ઘેરાબંધી' થઈ ગઈ છે, મોબાઈલનું નેટ ચાલે છે પણ મગજનું નેટ ચોંટી ગયું છે.. તો તમે સાચી જગ્યાએ આવ્યા છો.
આજે આપણે વાત કરવાના છીએ એક એવા પુસ્તકની જે ૫૦૦૦ વર્ષ જૂનું છે, પણ લાગે છે કે જાણે કાલે જ લખાયું હોય. વાત છે - શ્રીમદ ભગવદ ગીતાની.

     ઘણાને એમ થશે કે "હાર્દિકભાઈ, રહેવા દો ને યાર, હજી તો જુવાન છીએ, અત્યારથી ગીતા ક્યાં વાંચવી? એ તો રિટાયર થયા પછીનો સબ્જેક્ટ છે. બસ, આ જ ગેરસમજ તોડવા માટે મેં આજે સ્ટુડિયોમાં એક ખાસ મહેમાનને બોલાવ્યા છે. જેઓ ધોતી પણ પહેરે છે અને લેપટોપ પણ વાપરે છે. જે સંસ્કૃતના શ્લોકો પણ બોલે છે અને શેરબજારના આંકડા પણ જાણે છે.

વેલકમ પ્લીઝ... શાસ્ત્રીજી!

શાસ્ત્રીજી: નમસ્તે હાર્દિકભાઈ, અને નમસ્તે સૌ મિત્રોને. હાર્દિક, તારી શરૂઆત જ બહુ જોરદાર હતી. અને તે જે કહ્યું ને કે "ગીતા વૃદ્ધાવસ્થા માટે છે", એ સૌથી મોટો 'મિથ' (Myth) છે.

હાર્દિક: કેમ સાહેબ? આપણા વડીલો તો કહેતા હોય કે ભાઈ ઘડપણમાં રામનું નામ લેવાય, અત્યારે તો જલસા કરો!

શાસ્ત્રીજી: (હસીને) ભાઈ, એક વાત કહે. તું નવો આઈફોન લે, તો એનું મેન્યુઅલ (Manual) ક્યારે વાંચે? ફોન બગડી જાય અને ભંગાર થઈ જાય પછી? કે ફોન વાપરવાનું શરૂ કરે ત્યારે?

હાર્દિક: સ્વાભાવિક છે, પહેલા જ વાંચવું પડે ને! નહિતર તો મોંઘો ફોન ડબલું થઈ જાય.

શાસ્ત્રીજી: બસ! આ માનવ જીવન પણ એક મોંઘો ફોન છે, અને ગીતા એનું 'યુઝર મેન્યુઅલ' છે. હવે જો તમે છેક ૬૦ વર્ષે મેન્યુઅલ ખોલો, તો ત્યાં સુધીમાં તો બેટરી પણ ઉતરી ગઈ હોય અને સ્ક્રીન પણ તૂટી ગઈ હોય! ગીતા યુદ્ધના મેદાનમાં સંભળાવવામાં આવી હતી, કોઈ રિટાયરમેન્ટ હોમમાં નહીં. અને યુદ્ધ કોને હોય? યુવાનોને હોય!
હાર્દિક: વાહ! લો બોલો, પહેલો જ સિક્સર મારી દીધો સાહેબ તમે. મતલબ કે અત્યારે જ જાગવું પડશે. તો ચાલો, મેન્યુઅલનું પહેલું પાનું ખોલીએ. અધ્યાય ૧ - અર્જુનવિષાદ યોગ. સાહેબ, આ 'વિષાદ' એટલે શું? સાદી ભાષામાં સમજાવો ને.


શાસ્ત્રીજી: વિષાદ એટલે ઊંડું દુઃખ, હતાશા, અથવા જેને આજની ભાષામાં આપણે Deep Depression કે Anxiety કહીએ છીએ.
હાર્દિક, કલ્પના કર. કુરુક્ષેત્રનું મેદાન છે. ૧૮ અક્ષૌહિણી સેના સામસામે ઊભી છે. હાથીઓની ચીસ, ઘોડાઓના હણહણાટ અને લાખો સૈનિકોનો શોરબકોર છે. ધૂળની ડમરીઓ ઉડે છે.
અને વચમાં ઊભો છે અર્જુન. જેના રથના સારથી ખુદ ભગવાન કૃષ્ણ છે. અર્જુન કહે છે, "હે અચ્યુત! મારો રથ બંને સેનાની વચ્ચે લઈ લો."

હાર્દિક: એ તો ફૂલ કોન્ફિડન્સમાં હતો ને? કે લાવ જોઈ લઉં કોણ કોણ લડવા આવ્યું છે મારી સામે!

શાસ્ત્રીજી: બિલકુલ! એ કોન્ફિડન્સમાં જ હતો. પણ જેવો રથ વચ્ચે ગયો અને એણે નજર ફેરવી... એનો આખો સીન બદલાઈ ગયો.
એણે જોયું તો સામે કોઈ દુશ્મન નહોતા. સામે એના કાકા ભીષ્મ પિતામહ હતા, જેમના ખોળામાં એ રમ્યો હતો. ગુરુ દ્રોણ હતા, જેમણે એને ધનુષ પકડતા શીખવાડ્યું હતું. મામા, સાળા, ભાઈઓ, મિત્રો... બધા જ પોતાના!
અને અચાનક, જે અર્જુન દેવો સાથે લડી શકતો હતો, એને પરસેવો છૂટી ગયો.

ગીતામાં લખ્યું છે: સીદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ | (મારા અંગો તૂટે છે, મારું મોઢું સુકાય છે).

હાર્દિક: ઓ બાપ રે! એટલે કે ભાઈનું બીપી લો થઈ ગયું?

શાસ્ત્રીજી: ખાલી બીપી લો નહીં, એને Panic Attack આવ્યો. એનું શરીર ધ્રૂજવા લાગ્યું, હાથમાંથી ગાંડીવ ધનુષ સરી પડ્યું. એને ઉભા રહેવાની તાકાત નહોતી રહી. એ રથમાં પાછો બેસી ગયો.
વિચાર કર, આ એ જ અર્જુન છે જેને આખા વિશ્વનો શ્રેષ્ઠ યોદ્ધા કહેવાય છે. પણ જ્યારે લાગણી (Emotion) અને ફરજ (Duty) વચ્ચે ટક્કર થઈ, ત્યારે એની સિસ્ટમ ક્રેશ થઈ ગઈ.

હાર્દિક: સાહેબ, આ તો સેમ પેલી વાત થઈ. મારા એક મિત્રનો કિસ્સો યાદ આવ્યો. એ બહુ હોશિયાર, આઈ.આઈ.ટી. (IIT) માં ભણેલો. પણ ઇન્ટરવ્યુ આપવા ગયો ને, ત્યાં પેનલ સામે જોઈને એવો ગભરાયો કે એને ચક્કર આવી ગયા. તો શું એ અર્જુન જેવો વિષાદ જ કહેવાય?

શાસ્ત્રીજી: ચોક્કસ! અર્જુનની હાલત આપણે સમજવી બહુ જરૂરી છે. અર્જુનને 'મરવાનો' ડર નહોતો. એને ખબર હતી કે હું જીતીશ તો પણ હું જ હારીશ.

જો ભીષ્મ મરી જશે, તો વિજયનો શું મતલબ?

આપણી લાઈફમાં પણ આવું જ થાય છે. આપણે ઘણીવાર એવી સિચ્યુએશનમાં ફસાઈ જઈએ છીએ જ્યાં "આગળ કૂવો અને પાછળ ખાઈ" હોય.

હાર્દિક: સાચી વાત. એટલે કે પ્રોબ્લેમ બહાર નહોતો, પ્રોબ્લેમ અંદર હતો. સાહેબ, અર્જુન સામે તો ભીષ્મ અને દ્રોણ હતા. પણ અત્યારે અમારા જેવું યુથ, જે ઓફિસમાં જાય છે, કોલેજમાં જાય છે... એમની લાઈફમાં કુરુક્ષેત્ર ક્યાં છે? અમને તો કોઈ તીર મારતું નથી. તો અમારે આ વસ્તુ ક્યાં રિલેટ કરવી?

શાસ્ત્રીજી: બહુ સારો સવાલ છે. કુરુક્ષેત્ર માત્ર જમીનનો ટુકડો નથી, એ આપણું મગજ છે. ચાલ, આપણે બે સિચ્યુએશન જોઈએ. તું મને કહેજે કે આમાં તને અર્જુન દેખાય છે કે નહીં.

સિચ્યુએશન ૧: કરિયરનું કુરુક્ષેત્ર

એક યુવાન છોકરો છે, નામ છે 'રાહુલ'. રાહુલને ફોટોગ્રાફીનો જબરદસ્ત શોખ છે. એ ફોટા પાડે તો લોકો જોતા રહી જાય.
પણ એના પપ્પાની ઈચ્છા છે કે એ સિવિલ એન્જિનિયર બને અને ફેમિલી બિઝનેસ સંભાળે.
હવે રાહુલ ઓફિસમાં બેઠો બેઠો કંટાળે છે. એને કામમાં જીવ નથી લાગતો. એને થાય છે કે "નોકરી છોડી દઉં". પણ જેવો રાજીનામું આપવાનો વિચાર કરે, એને પપ્પાનો ચહેરો યાદ આવે. "પપ્પા દુઃખી થશે તો?", "સમાજ શું કહેશે કે ધંધો ડુબાડ્યો?", "પગાર બંધ થશે તો EMI કોણ ભરશે?"

હાર્દિક: અરે સાહેબ, આ રાહુલ તો મારો પાક્કો ભાઈબંધ લાગે છે! આ તો ઘરે-ઘરેની કહાની છે.

શાસ્ત્રીજી: તો જો, અહીં રાહુલ 'અર્જુન' છે. એનું મન (ગાંડીવ) એના હાથમાંથી છૂટી રહ્યું છે.
  કૌરવો કોણ? સમાજનો ડર, નિષ્ફળતાનો ભય, લોગ ક્યા કહેંગે.
  સ્વજનો કોણ? પપ્પાની લાગણી, કુટુંબની આશા.
   રાહુલને ખબર છે કે એ જે કરી રહ્યો છે એમાં એ ખુશ નથી (યુદ્ધ નથી કરવું), પણ એની પાસે બીજો કોઈ રસ્તો પણ નથી (ભાગી પણ નથી શકતો). આ કન્ફ્યુઝન એ જ વિષાદ.

હાર્દિક: ગજબ! મેં ક્યારેય આ રીતે વિચાર્યું જ નહોતું. સારું બીજું ઉદાહરણ?

શાસ્ત્રીજી: સિચ્યુએશન ૨: સંબંધોનું કુરુક્ષેત્ર (Relationships)
ધારો કે એક છોકરી છે, 'પ્રિયા'. પ્રિયા એક રિલેશનશિપમાં છે છેલ્લા ૫ વર્ષથી. છોકરો સારો નથી, એને વારેવારે અપમાનિત કરે છે, શક કરે છે. જેને આપણે 'Toxic' કહીએ.
પ્રિયાને ખબર છે કે આ લગ્ન કરવા જેવું નથી. એનું મગજ કહે છે "છોડી દે".
પણ એનું દિલ કહે છે - "ના હોં! આપણે ૫ વર્ષ સાથે રહ્યા. હવે હું બીજા કોઈ સાથે કેવી રીતે સેટ થઈશ? અને કદાચ લગ્ન પછી એ સુધરી જાય તો?"
અહીં પ્રિયા સત્યને જોઈ રહી છે છતાં, 'મોહ' (Attachment) ને કારણે નિર્ણય નથી લઈ શકતી. આ પણ અર્જુનની સ્થિતિ છે. અર્જુનને પણ મોહ હતો કે "આ મારા ગુરુ છે, આ મારા ભાઈ છે, એમને કેમ મારું?"

હાર્દિક: એટલે કે સાહેબ, જ્યાં જ્યાં આપણી લાગણીઓ આપણી બુદ્ધિને હાઈજેક (Hijack) કરી લે, ત્યાં ત્યાં મહાભારત શરૂ?

શાસ્ત્રીજી: absolutely right ! ૧૦૦ માર્કસ તને. જ્યારે પણ તમને એવું થાય કે "શું કરું અને શું ના કરું?" (Dilemma), ત્યારે સમજવું કે ગીતાના પહેલા અધ્યાયમાં તમારો પ્રવેશ થઈ ગયો છે.

હાર્દિક: પણ સાહેબ, એક વાત હજી ખૂંચે છે. અર્જુન તો બહુ ડાહી-ડાહી વાતો કરતો હતો. એણે કૃષ્ણને કહ્યું કે "યુદ્ધ કરવાથી કુલ નાશ પામે, સ્ત્રીઓ બગડે, પાપ લાગે."
તો આ વાત તો સાચી જ ને? યુદ્ધ તો ખરાબ જ છે. ગાંધીજી પણ અહિંસામાં માનતા હતા. તો પછી કૃષ્ણએ એની વાત કેમ ના માની? અર્જુન સાચો જ હતો ને!

શાસ્ત્રીજી:  જ તો ગીતાનો સૌથી રસપ્રદ વળાંક છે.

હાર્દિક, એક વાત યાદ રાખજે. "જ્યારે માણસને ડર લાગે ને, ત્યારે એ ફિલોસોફર બની જાય છે."

હાર્દિક: હેં? આ શું બોલ્યા? જરા ફોડ પાડો ને.

શાસ્ત્રીજી: જો, તારે સવારે ૫ વાગ્યે ઉઠીને જોગિંગ કરવા જવું છે. પણ એલાર્મ વાગે અને ઠંડી ફૂલ હોય. તું રજાઈમાંથી બહાર ના નીકળે અને મનોમન શું વિચારે?
શું તું એમ વિચારે કે "હું આળસુ છું?"
ના! તું એમ વિચારશે - "આજે ઊંઘ પૂરી નથી થઈ. અને સાયન્સ કહે છે કે ૮ કલાકની ઊંઘ બહુ જરૂરી છે. જો શરીરને આરામ નહીં આપું તો બીમાર પડી જઈશ. એટલે આજે સૂઈ જવું એ જ હિતમાં છે."

હાર્દિક: હા હા હા! સાહેબ, તમે તો મારી પોલ ખોલી નાખી! હું રોજ જીમ ના જવા માટે આવા જ બહાના આપું છું. "આજે પગ દુખે છે, આજે મૂડ નથી."

શાસ્ત્રીજી: આને મનોવિજ્ઞાન (Psychology) માં કહેવાય Intellectualization.
અર્જુન ડરી ગયો હતો. એના હાથ ધ્રૂજતા હતા. પણ એ ક્ષત્રિય હતો, એટલે એ ખુલ્લેઆમ એમ ના કહી શકે કે "મને બીક લાગે છે."
એટલે એણે ધર્મનો સહારો લીધો. એણે કૃષ્ણને કહ્યું - "હું તો પાપથી ડરું છું, એટલે યુદ્ધ નથી કરતો."
એ પોતાની કાયરતાને (Cowardice) કરુણા (Compassion) નું લેબલ લગાવી રહ્યો હતો.
પણ કૃષ્ણ તો... કૃષ્ણ છે! એ અંતર્યામી છે. એ સમજી ગયા કે આ અર્જુનનો "વિવેક" નથી બોલતો, આ અર્જુનનો "ડર" બોલે છે.

હાર્દિક: ઓ તેરી! મતલબ કે આપણે જ્યારે બહુ મોટા મોટા સિદ્ધાંતોની વાતો કરીએ ત્યારે ચેક કરવું કે આપણે ખરેખર સિદ્ધાંતવાદી છીએ કે પછી ફાટી પડી છે એટલે ભાગી રહ્યા છીએ!

શાસ્ત્રીજી: બરાબર. કૃષ્ણએ એટલે જ પહેલા અધ્યાયમાં કશું ના બોલ્યા. એ સાંભળતા રહ્યા. અર્જુનને ખાલી થવા દીધો. જ્યારે અર્જુન બોલી બોલીને થાક્યો, ત્યારે એ ચૂપ થયો.


હાર્દિક: સાહેબ, વાત તો ગળે ઉતરી ગઈ. હવે થોડા સવાલો લઈ લઈએ અમારા વાચકોના જે મને ઇન્સ્ટાગ્રામ પર આવ્યા છે. આજના છોકરાઓના સવાલ છે હો!

સવાલ ૧: (રીયા, અમદાવાદથી) "શાસ્ત્રીજી, ઘણીવાર એવું થાય છે કે આપણે લાઈફમાં બધું બરાબર કરતા હોઈએ, પણ અચાનક એવું કંઈક બને (જેમ કે બ્રેકઅપ કે જોબ લોસ) અને આપણે તૂટી જઈએ. તો શું આપણે નબળા છીએ?"

શાસ્ત્રીજી: ના રીયા, તમે નબળા નથી. અર્જુન પણ ક્યાં નબળો હતો? એ તો મહાવીર હતો.
યાદ રાખો, તકલીફ પડે અને આંખમાં આંસુ આવે, એ કુદરતી છે. દુઃખ થવું એ પ્રોબ્લેમ નથી. પણ દુઃખમાં જ ડૂબેલા રહેવું અને આગળનું કામ છોડી દેવું - એ પ્રોબ્લેમ છે.
અર્જુન રડ્યો, પણ એ રણમેદાન છોડીને ભાગ્યો નહીં. એ ત્યાં જ બેઠો રહ્યો - કૃષ્ણના પગ પાસે. તમારે પણ ભાગવાનું નથી, બસ સાચા માર્ગદર્શનની રાહ જોવાની છે.

સવાલ ૨: (કેયુર, રાજકોટથી) "અત્યારે કૃષ્ણ તો છે નહીં, તો અમારે ગાઈડન્સ લેવા કોની પાસે જવું?"

હાર્દિક: અરે વાહ! જોરદાર સવાલ. કૃષ્ણનો વોટ્સએપ નંબર તો છે નહીં આપણી પાસે.

શાસ્ત્રીજી: (હસીને) કૃષ્ણ અત્યારે પણ છે, બસ એનું સ્વરૂપ બદલાયું છે.
૧. તમારો વિવેક (Conscience): અંદરનો અવાજ જે તમને કહે છે કે શું સાચું છે.

૨. સાચો મિત્ર: એવો દોસ્ત જે તમારી હા માં હા ના મિલાવે, પણ તમારી ભૂલ બતાવે. કર્ણ દુર્યોધનનો મિત્ર હતો, પણ એણે દુર્યોધનને ખોટા કામમાં સાથ આપ્યો. કૃષ્ણ અર્જુનના મિત્ર હતા, એમણે અર્જુનને ટોક્યો. આવા મિત્ર શોધો.

૩. પુસ્તકો: ગીતા પોતે એક કૃષ્ણ છે.

હાર્દિક: ઓકે સાહેબ. હવે આપણે આજના અંત તરફ જઈએ.
અર્જુન રડ્યો, એણે બહાના કાઢ્યા, દલીલો કરી. પણ પછી એવું શું થયું કે કૃષ્ણએ બોલવાનું શરૂ કર્યું? ટર્નિંગ પોઈન્ટ કયો?

શાસ્ત્રીજી: ટર્નિંગ પોઈન્ટ આવે છે બીજા અધ્યાયના ૭મા શ્લોકમાં. ત્યાં સુધી અર્જુન અને કૃષ્ણ મિત્રો હતા. સખા હતા.
પણ જ્યારે અર્જુનને સમજાયું કે "મારી બુદ્ધિ કામ નથી કરતી, હું કન્ફ્યુઝડ છું", ત્યારે એણે હાથ જોડી દીધા.
એણે કહ્યું: શિષ્યસ્તેડહં શાધિ માં ત્વાં પ્રપન્નમ્ |
મતલબ: "કૃષ્ણ, હવે હું મિત્ર તરીકે નહીં, પણ શિષ્ય તરીકે પૂછું છું. હું તમને શરણે છું. મને રસ્તો બતાવો."

હાર્દિક: એટલે કે 'એટીટ્યુડ' સાઈડમાં મૂકી દીધો?

શાસ્ત્રીજી: બિલકુલ. આને કહેવાય Surrender (શરણાગતિ).
આપણે ડોક્ટર પાસે જઈએ અને આપણી જ હોશિયારી મારીએ કે "સાહેબ, મને લાલ દવા આપો ને પીળી ગોળી આપો", તો ડોક્ટર ઈલાજ કરી શકે?
ના કરી શકે. આપણે કહેવું પડે કે "સાહેબ, મને નથી ખબર શું થયું છે, તમે કહો એમ કરીશ."
જ્યાં સુધી અર્જુન 'હું જાણું છું' ના ઈગોમાં હતો, કૃષ્ણ ચૂપ હતા. જેવું એણે કહ્યું 'હું નથી જાણતો', કૃષ્ણએ જ્ઞાનનો ધોધ વહેવડાવી દીધો.

હાર્દિક: યાર, આ તો બહુ ડીપ વાત છે. આપણને બધાને એમ જ છે કે આપણને બધી ખબર છે. ગૂગલ છે ને!
પણ લાઈફના પ્રોબ્લેમ ગૂગલ પર સર્ચ નથી થતા. એના માટે ગુરુ સામે માથું ઝુકાવવું પડે.

શાસ્ત્રીજી: હા. અને શરણાગતિ એટલે હાર માની લેવી એવું નથી. શરણાગતિ એટલે તમારા મગજનો કંટ્રોલ કોઈ સુપ્રીમ પાવરને આપવો. જ્યારે ડ્રાઈવર થાકી જાય, ત્યારે સ્ટીયરિંગ બાજુવાળા એક્સપર્ટને આપી દેવું - એનું નામ શરણાગતિ.

હાર્દિક: ઓહ હો હો! સાહેબ આજનો એપિસોડ તો ભારેખમ થઈ ગયો, પણ સાથે સાથે એટલો જ હળવો પણ થઈ ગયો.

મગજમાંથી જાણે ૧૦ કિલો વજન ઓછું થઈ ગયું હોય એવું લાગે છે.
તો મિત્રો, આજના એપિસોડની સમરી જોઈ લઈએ તો:

૧. લાઈફમાં પ્રોબ્લેમ આવે, ડિપ્રેશન જેવું લાગે તો ગભરાવું નહીં. અર્જુનને પણ થયું હતું. It's okay not to be okay.

૨. ચેક કરો કે તમે જે કારણો આપો છો એ સાચા છે કે તમે પોતાની જાતને ઉલ્લુ બનાવી રહ્યા છો? (Intellectualization).

૩. જ્યારે રસ્તો ના જડે, ત્યારે 'હું' પણું છોડીને કોઈ એક્સપર્ટ કે ગુરુને શરણે જાવ. મદદ માંગવી એ નબળાઈ નથી, તાકાત છે.

સાહેબ, થેન્ક યુ સો મચ! તમે તો ખરેખર આંખો ખોલી નાખી.

આવતા એપિસોડમાં શું ધડાકો કરવાના છીએ?

શાસ્ત્રીજી: હાર્દિક, હવે અર્જુન શિષ્ય બની ગયો છે. એટલે હવે કૃષ્ણ ડોક્ટર બનીને એનું ઓપરેશન કરશે.
આવતા એપિસોડમાં આપણે જોઈશું 'સાંખ્ય યોગ'. કૃષ્ણ અર્જુનને સમજાવશે કે "તું કોણ છે? આ શરીર છે કે આત્મા?"
અને હા, જો તમને મરવાની બીક લાગતી હોય, તો આવતો એપિસોડ ખાસ જોજો. મૃત્યુનો ડર કાયમ માટે નીકળી જશે.

હાર્દિક: બાપ રે! તો તો જોવું જ પડશે.
મિત્રો, તમને આ એપિસોડ કેવો લાગ્યો? કોમેન્ટમાં લખજો. તમારી લાઈફનું 'કુરુક્ષેત્ર' કયું છે એ પણ જણાવજો.
લાઈક કરો, શેર કરો અને ફોલો કરો જેથી કૃષ્ણની વાણી તમારા સુધી પહોંચતી રહે.
હું છું હાર્દિક, અને આ હતા શાસ્ત્રીજી. મળીએ આવતા અઠવાડિયે.
ત્યાં સુધી... હસતા રહો, લડતા રહો અને કહેતા રહો - જય શ્રી કૃષ્ણ!


જય શ્રી કૃષ્ણ!