હાર્દિક: નમસ્કાર મિત્રો! સ્વાગત છે ફરી એકવાર આપણા પોડકાસ્ટમાં ગીતા : સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના . હું છું હાર્દિક અને આપણી સાથે છે આપણા ગાઈડ, શાસ્ત્રીજી.
શાસ્ત્રીજી, આજે મારે આજની શરૂઆત એક કડવી સત્ય ઘટનાથી કરવી છે. હમણાં હું નીચે ચા પીતો હતો ત્યાં બે યુવાનો વાત કરતા હતા. એક છોકરો કહેતો હતો, "યાર, મારે યુટ્યુબર બની જવું છે, ભુવન બામની જેમ." બીજો કહેતો હતો, "ના ભાઈ, અત્યારે તો શેરબજારનો જમાનો છે, હું ટ્રેડિંગ શીખું છું."
મેં પૂછ્યું, "તમને શેમાં રસ છે?" તો બંને ચૂપ! આજે દરેકને બીજા જેવું બનવું છે. કોઈને 'પોતાના' જેવું નથી રહેવું.
શાસ્ત્રીજી, આનું કારણ શું?
શાસ્ત્રીજી: નમસ્તે હાર્દિક, નમસ્તે શ્રોતા મિત્રો.
હાર્દિક, તારો પ્રશ્ન બહુ ગંભીર છે. આજના જમાનાનો રોગ છે - FOMO (Fear Of Missing Out).આપણે બધા એક રેસમાં દોડીએ છીએ, પણ ખબર નથી કે ફિનિશ લાઈન ક્યાં છે.
ગીતાના ત્રીજા અધ્યાયમાં અર્જુનની પણ આ જ હાલત હતી. એને યુદ્ધ નહોતું કરવું, એને ભીખ માંગીને જીવન ગુજારવું હતું. એને લાગતું હતું કે સાધુ બની જવું સહેલું છે અને રાજા બનવું અઘરું છે.
ત્યારે કૃષ્ણએ એક બ્રહ્માસ્ત્ર આપ્યું, જેનો મંત્ર છે:
"શ્રેયાન્સ્વધર્મો વિગુણઃ પરધર્માત્સ્વનુષ્ઠિતાત્ |" (ગીતા ૩.૩૫)
હાર્દિક: એટલે શું? પ્રેક્ટિકલ ભાષામાં સમજાવો ને!
શાસ્ત્રીજી: જો, એક ઉદાહરણ આપું.માની લે કે તારી પાસે iPhone છે. હવે તું એમાં Android ની એપ નાખવાની કોશિશ કરે તો શું થાય?
હાર્દિક: ફોન હેંગ થઈ જાય, સિસ્ટમ ક્રેશ થઈ જાય.
શાસ્ત્રીજી: બસ! દરેક માણસ એક અલગ ‘ઓપરેટિંગ સિસ્ટમ’ સાથે જન્મ્યો છે.કોઈની ઓપરેટિંગ સિસ્ટમ ‘બિઝનેસ’ની છે, કોઈની ‘કળા’ની છે, કોઈની ‘સેવા’ની છે.જ્યારે ‘કળા’ વાળી સિસ્ટમનો માણસ ‘બિઝનેસ’ કરવાની ટ્રાય કરે (કેમ કે પડોશી કરે છે), ત્યારે એની લાઈફ ‘હેંગ’ થઈ જાય છે. એ ડિપ્રેશનમાં આવી જાય છે.સ્વધર્મ એટલે તમારી પોતાની ઓપરેટિંગ સિસ્ટમ ઓળખવી.
હાર્દિક: પણ શાસ્ત્રીજી, પ્રોબ્લેમ એ છે કે આપણને નાનપણથી જ કહેવામાં આવે છે કે "શર્માજીના દીકરા જેવો બન." સ્કૂલમાં પણ જે ફર્સ્ટ આવે એનું જ સન્માન થાય. તો આપણને આપણી ‘સિસ્ટમ’ ખબર કઈ રીતે પડે?
શાસ્ત્રીજી: સાચું. આપણી શિક્ષણ પદ્ધતિ માછલી, વાંદરા અને હાથી - બધાને એક જ પરીક્ષા આપે છે: "ઝાડ પર ચડો!"
હવે માછલીને તો એમ જ લાગે ને કે હું મૂર્ખ છું?
આ ભાગમાં આપણે એ જ ચર્ચા કરીશું કે આ દેખાદેખીની દુનિયામાં પોતાની જાતને કેવી રીતે સાચવવી.
હાર્દિક: તો શાસ્ત્રીજી, ગીતામાં કૃષ્ણ ભગવાને આ ‘નેચર’ (Nature) ને કેવી રીતે સમજાવ્યું છે? શું કોઈ કેટેગરી છે?
શાસ્ત્રીજી: હા, ભગવાને ચાર મનોવૈજ્ઞાનિક પ્રકારો (Psychological Types) આપ્યા છે. આને લોકોએ ‘જાતિ’ બનાવી દીધી, પણ હકીકતમાં આ ‘ગુણ’ છે. ધ્યાનથી સાંભળજો મિત્રો, તમે આમાંથી કયા ગ્રુપમાં આવો છો એ નક્કી કરજો.
૧. બ્રાહ્મણ વર્ણ (The Intellectual): આ એ લોકો છે જેમને જ્ઞાનમાં રસ છે. પૈસા મળે કે ના મળે, એમને નવું જાણવું ગમે, ભણાવવું ગમે, રિસર્ચ કરવું ગમે. (જેમ કે વૈજ્ઞાનિકો, શિક્ષકો, લેખકો).
૨. ક્ષત્રિય વર્ણ (The Leader/Warrior): જેને પાવર ગમે, ચેલેન્જ ગમે, અન્યાય સામે લડવું ગમે. એ શાંતિથી બેસી ના શકે. (જેમ કે આર્મી, પોલીસ, રાજનેતાઓ, લીડરો).
૩. વૈશ્ય વર્ણ (The Entrepreneur): જેનું મગજ હંમેશા નફા-નુકસાનમાં ચાલે. એ માટીમાંથી પણ સોનું બનાવી લે. એને બિઝનેસ અને મેનેજમેન્ટમાં જ મજા આવે.
૪. શૂદ્ર વર્ણ (The Artisan/Service Oriented): આ શબ્દને ખોટી રીતે લેવાયો છે. આ એ લોકો છે જે કળા પ્રેમી છે, જેમને પોતાના હાથથી કામ કરવું ગમે છે, જેમને સર્વિસ આપવામાં આનંદ આવે છે. (જેમ કે કલાકારો, એન્જિનિયરો, કારીગરો, ડોક્ટરો જે સેવાભાવી છે).
હવે હાર્દિક, તકલીફ ક્યાં થાય છે ખબર છે?
હાર્દિક: ક્યાં?
શાસ્ત્રીજી: જ્યારે એક ‘બ્રાહ્મણ’ પ્રકૃતિનો માણસ (જેને વાંચવું-લખવું ગમે છે), એ પૈસા જોઈને ‘શેરબજાર’ (વૈશ્યનું કામ) માં ઘૂસી જાય.
એ ત્યાં પૈસા કમાશે, પણ રાત્રે ઊંઘ નહીં આવે. એને સતત સ્ટ્રેસ રહેશે. આને કહેવાય - પરધર્મો ભયાવહઃ (બીજાનો ધર્મ ભયજનક છે).
હાર્દિક: ઓહ! એટલે પેલો ‘થ્રી ઈડિયટ્સ’ પિક્ચરનો ફરહાન! જેને ફોટોગ્રાફર બનવું હતું પણ પપ્પાના કહેવાથી એન્જિનિયરિંગ કરતો હતો?
શાસ્ત્રીજી: એકદમ સચોટ ઉદાહરણ! ફરહાનનો સ્વધર્મ ‘ફોટોગ્રાફી’ હતો. જો એ એન્જિનિયર બન્યો હોત તો એક ખરાબ એન્જિનિયર બનત અને દુખી રહેત. ફોટોગ્રાફર બનીને એ કદાચ પૈસા ઓછા કમાશે, પણ સુખી રહેશે.
ગીતા કહે છે: સ્વધર્મે નિધનં શ્રેયઃ (પોતાના ધર્મમાં મરવું પણ સારું છે). મતલબ કે નિષ્ફળ જાવ તો પણ વાંધો નહીં, પણ ફિલ્ડ તો તમારું હોવું જોઈએ.
હાર્દિક: ચાલો શાસ્ત્રીજી, હવે થોડા રિયલ લાઈફ ઉદાહરણો લઈએ. મારા ધ્યાનમાં ત્રણ સિચ્યુએશન છે. તમે ગીતાના ચશ્મા પહેરીને આનું સોલ્યુશન આપો.
મારો એક મિત્ર છે, સુરેશ. એ બેંકમાં મેનેજર છે. પગાર સારો છે, ૯ થી ૫ ની નોકરી છે, શનિ-રવિ રજા. પણ હમણાં એણે ‘શાર્ક ટેન્ક’ શો જોયો. હવે એને નોકરી છોડીને ‘ચાની કીટલી’ નું સ્ટાર્ટઅપ કરવું છે. એને બિઝનેસનું કક્કો નથી આવડતો, રિસ્ક લેતા ડર લાગે છે, પણ દેખાદેખીમાં કૂદવું છે.
શાસ્ત્રીજી: સુરેશભાઈ અત્યારે ‘આત્મહત્યા’ કરવા જઈ રહ્યા છે.
જો સુરેશની પ્રકૃતિ ‘સ્થિરતા’ (Stability) વાળી હોય, તો બિઝનેસની ‘અસ્થિરતા’ એને હાર્ટ એટેક આપી દેશે.
બિઝનેસ એનો સ્વધર્મ નથી. એને બેંકની નોકરીમાં જ ક્રિએટિવિટી શોધવી જોઈએ. કદાચ બેંકમાં નવી સ્કીમ લોન્ચ કરે, કસ્ટમર સર્વિસ સુધારે. એટલે કે જો તમે વાઘ છો તો જંગલમાં રહો, અને જો તમે ગાય છો તો વાઘની નકલ કરીને શિકાર કરવા ના જાવ.
હાર્દિક: આ બહુ કોમન છે. મારી સોસાયટીમાં એક બેન છે, શિલ્પાબેન. એમને ઘર સજાવવું, રસોઈ બનાવવી અને બાળકોને ઉછેરવા બહુ ગમે છે. એમાં એ ખુશ છે. પણ એમના સગા-વહાલા ટોકે છે: "તું તો ગ્રેજ્યુએટ છે, ઘરે બેસીને શું કરે છે? નોકરી કર ને!"
હવે શિલ્પાબેન ડિપ્રેશનમાં છે કે "હું કઈ કમાતી નથી એટલે મારી કોઈ વેલ્યુ નથી."
શાસ્ત્રીજી: આ સમાજની કરુણતા છે.
શિલ્પાબેનનો સ્વધર્મ ‘ગૃહિણી’ બનવાનો છે અને એમાં એ શ્રેષ્ઠ છે. એક ઘરને ‘મંદિર’ બનાવવું એ કોઈ CEO ની પોસ્ટ કરતા નાનું કામ નથી.
ગીતા મુજબ, જો શિલ્પાબેન પરાણે નોકરી કરશે, તો એ ઓફિસમાં પણ દુખી રહેશે અને ઘર પણ બગડશે.
કૃષ્ણ કહે છે: "સહજં કર્મ કૌન્તેય સદોષમપિ ન ત્યજેત્ |"
(ગીતા ૧૮.૪૮)
અર્થાત્: જે કામ તમારા સ્વભાવમાં સહજ છે, ભલે એમાં થોડી ખામી હોય કે પૈસા ઓછા હોય, તો પણ એ છોડવું નહીં. શિલ્પાબેને ગર્વથી કહેવું જોઈએ કે "હું હોમ મેનેજર છું."
હાર્દિક: એક વિદ્યાર્થી છે, ૧૨ સાયન્સમાં છે. એને ગિટાર વગાડવું છે, પણ પપ્પા કહે છે કે "પહેલા IIT કર, પછી જે કરવું હોય એ કરજે." હવે એ છોકરો નથી ભણી શકતો કે નથી ગિટાર વગાડી શકતો.
શાસ્ત્રીજી: અહીં પપ્પાએ સમજવાની જરૂર છે. પણ જો પપ્પા ના સમજે, તો છોકરા માટે રસ્તો શું?
અહીં ‘કર્મયોગ’ આવે. છોકરાએ અત્યારે ‘વિદ્યાર્થી’ તરીકેનો ધર્મ બજાવવો પડે. એણે પપ્પા સાથે ડીલ કરવી જોઈએ: "હું ભણવામાં મારું બેસ્ટ આપીશ, પણ રોજના ૨ કલાક મને ગિટાર માટે જોઈએ."
સ્વધર્મ એટલે બળવો કરવો એવું નથી. ક્યારેક જવાબદારીઓ પણ નિભાવવી પડે. પણ પોતાના ‘પેશન’ ને મરવા ના દેવાય. સાઈડમાં પણ એ જીવંત રાખવું પડે.
હાર્દિક: શાસ્ત્રીજી, તમારા ફોનમાં નોટિફિકેશન બંધ કરો! આપણું વોટ્સએપ તો છલકાઈ ગયું છે. એપિસોડ સાંભળતા સાંભળતા જ લોકોના દિલના અતરાયેલા સવાલો બહાર આવી ગયા છે. તો પરમિશન હોય તો બે-ત્રણ અઘરા અને ઈન્ટરેસ્ટિંગ સવાલો લઈએ?
શાસ્ત્રીજી: અરે બિલકુલ! જનતાના સવાલ તો ભગવાનનો આદેશ. પૂછો શું કહે છે આપણા મિત્રો?
હાર્દિક: પહેલો સવાલ અમદાવાદથી સ્મિતાબેનનો છે. એમની ઉંમર ૪૫ વર્ષ છે.
એ લખે છે: "શાસ્ત્રીજી, હું છેલ્લા ૧૫ વર્ષથી એક સરકારી ઓફિસમાં ક્લાર્ક છું. પગાર સારો છે, પણ મને ત્યાં જવાનો હવે કંટાળો આવે છે. મારો જીવ ‘ગાર્ડનિંગ’ (બાગકામ) માં છે. મને થાય છે કે નોકરી છોડીને નર્સરી ચાલુ કરું. પણ હવે આ ઉંમરે રિસ્ક લેવાય? શું ૪૫ વર્ષે ‘સ્વધર્મ’ બદલાય?"
શાસ્ત્રીજી: વાહ સ્મિતાબેન! બહુ સારો સવાલ છે.
જુઓ, સ્વધર્મ ક્યારેય બદલાતો નથી, આપણે મોડા ઓળખીએ છીએ એટલું જ. તમને ગાર્ડનિંગ ગમે છે એ તમારો મૂળ સ્વભાવ છે.
પરંતુ ગીતા ‘વ્યવહારુ’ છે. કૃષ્ણ અર્જુનને એમ નથી કહેતા કે "કાલે ને કાલે બધું છોડી દે."
તમારે ‘ટ્રાન્ઝિશન’ (Transition) લેવું જોઈએ.
એકદમ નોકરી છોડીને કૂદકો ન મારતા. પહેલા રજાના દિવસોમાં નર્સરીનું કામ શરૂ કરો. જુઓ કે શું તમે એમાંથી આવક ઉભી કરી શકો છો? શું તમને શારીરિક મહેનત ફાવે છે?
જ્યારે તમારો ‘શોખ’ તમારો ‘વ્યવસાય’ બની શકે એવો કોન્ફિડન્સ આવે, ત્યારે જ જૂનું છોડજો.
સ્વધર્મ એટલે ‘મૂર્ખામીભર્યું સાહસ’ નહીં, પણ ‘આયોજનબદ્ધ બદલાવ’. ૪૫ વર્ષે શરૂઆત કરવી એ મોડું નથી, પણ વગર વિચાર્યે કૂદવું એ વહેલું છે.
હાર્દિક: સાચી વાત. એટલે કે સ્મિતાબેન, એક હાથમાં ડાળખી પકડો પછી જ બીજા હાથથી થડ છોડજો! શાસ્ત્રીજી, આ સવાલ જરાક વિચિત્ર છે. સુરતથી મોન્ટુ પૂછે છે:
"સાહેબ, તમે કહ્યું કે જે કામમાં મજા આવે એ સ્વધર્મ. મને તો આખો દિવસ પબજી (PUBG) રમવામાં અને બપોરે ઊંઘવામાં જ મજા આવે છે. તો શું ‘ઊંઘવું’ મારો સ્વધર્મ ગણાય? તો પછી મારા પપ્પા મને કેમ વઢે છે?"
શાસ્ત્રીજી: મોન્ટુ ભાઈ! તમે તો ગજબ કરી!
જુઓ, ગીતાના ૧૮મા અધ્યાયમાં ભગવાને સુખના ત્રણ પ્રકાર કહ્યા છે: સાત્વિક, રાજસી અને તામસી.
તમને ઊંઘવામાં જે મજા આવે છે ને, એ ‘તામસી સુખ’ છે. જે શરૂઆતમાં સારું લાગે પણ છેલ્લે તમને બરબાદ કરી નાખે.
સ્વધર્મ એટલે એવું કામ જે ‘સર્જનાત્મક’ (Creative) હોય અને જેનાથી સમાજનું પણ ભલું થાય. તારા ઊંઘવાથી દુનિયાને શું ફાયદો? તારા પબજી રમવાથી કોનું પેટ ભરાશે?
આળસ એ સ્વધર્મ નથી, એ સ્વધર્મનો દુશ્મન છે. જે કામ કર્યા પછી તમને ગર્વ થાય, એનર્જી વધે એ સ્વધર્મ. ઊંઘ્યા પછી તો વધારે આળસ આવે, એટલે એ તારો ભ્રમ છે બેટા! પપ્પા સાચા છે, જરાક કામધંધે લાગો!
હાર્દિક: સાંભળ્યું મોન્ટુ? આળસને ‘સ્વધર્મ’નું લેબલ નહિ લગાડવાનું!
હવે એક સીરિયસ સવાલ. વડોદરાથી ઋષિ પૂછે છે:
"હું ૨૨ વર્ષનો છું. મને ક્રિકેટ રમવું પણ ગમે છે, કવિતા લખવી પણ ગમે છે અને કોડિંગ કરવું પણ ફાવે છે. હું બધું થોડું થોડું કરું છું પણ કોઈ એક વસ્તુમાં માસ્ટર નથી બની શકતો. મારો સ્વધર્મ કયો છે એ નક્કી નથી કરી શકતો. હું બહુ કન્ફ્યુઝ છું."
શાસ્ત્રીજી: હમ્મ... આને કહેવાય ‘Jack of all trades, master of none’.
ઋષિ, ગીતા કહે છે "એક સાધે સબ સધે".
જ્યારે આપણે ૧૦ જગ્યાએ ખાડા ખોદીએ ને, તો ક્યાંયથી પાણી ના નીકળે. એક જગ્યાએ ૧૦૦ ફૂટ ખોદો તો જ પાણી આવે.
તારે તારી જાતને પૂછવું પડશે: "આ ત્રણમાંથી કયું કામ એવું છે, જે હું પૈસા ન મળે તો પણ આખી જિંદગી કરી શકું?"
કદાચ કોડિંગ તારું ‘પેટ’ ભરશે, અને કવિતા તારો ‘આત્મા’ ભરશે. તો તું કોડિંગને કરિયર બનાવ અને કવિતાને હોબી.
સ્વધર્મના બે ભાગ પાડી દે:
૧. વ્યવસાયિક ધર્મ (Profession): જે ઘર ચલાવે.
૨. આત્મિક ધર્મ (Passion): જે મન શાંત રાખે.
બધું મિક્સ ન કર. એકને મેઈન રોડ પર રાખ અને બીજાને સર્વિસ રોડ પર.
હાર્દિક: વાહ! શું ક્લેરિટી છે! "એક સાધે સબ સધે".
શાસ્ત્રીજી, હજી એક છેલ્લો સવાલ લઈ લઈએ? રાજકોટથી એક પિતાનો સવાલ છે.પરસોત્તમભાઈ લખે છે: "મારી હાર્ડવેરની દુકાન છે, વર્ષોથી જમાવેલી છે. મારો દીકરો કહે છે કે એને ફોટોગ્રાફર બનવું છે. હવે આ જામી ગયેલી દુકાન કોણ સંભાળશે? શું દીકરાનો સ્વધર્મ નથી કે બાપનો ધંધો સાચવે? શું આમાં હું ખોટો છું?"
શાસ્ત્રીજી: પરસોત્તમભાઈ, તમારી ચિંતા વ્યાજબી છે. પણ અહીં ‘કુળધર્મ’ અને ‘સ્વધર્મ’ વચ્ચે ટક્કર છે.મહાભારતમાં ભીષ્મ પિતામહે ‘કુળધર્મ’ (રાજ્ય રક્ષા) પસંદ કર્યો, પણ એમાં એમનો આત્મા કચડાઈ ગયો.જો તમે તમારા દીકરાને જબરદસ્તી દુકાને બેસાડશો, તો બે નુકસાન થશે:
૧. એ દુકાન પર બેઠો બેઠો પણ ફોટાના વિચારો કરશે, એટલે ગ્રાહક સાચવી નહીં શકે. દુકાન ડૂબશે.
૨. એક સારો ફોટોગ્રાફર દુનિયાને મળતો રહી જશે.
હાર્દિક : તો ઉપાય શું?
તમે એને કહો, "બેટા, તું ફોટોગ્રાફી કર. પણ પાર્ટ-ટાઈમ દુકાનનું માર્કેટિંગ કે ઓનલાઇન સેલિંગ તું સંભાળ."
આજના જમાનામાં સ્વધર્મ અને કુળધર્મનું કોમ્બિનેશન કરવું પડે. એની કળાનો ઉપયોગ તમારા ધંધામાં કરાવો, પણ એને ગાદી પર ખીલ્લો મારીને ન બેસાડો. જે પક્ષીને ઉડવું છે, એને પાંજરામાં સોનાની વાટકી આપશો તોય એ દુઃખી જ રહેશે.
હાર્દિક: જબરદસ્ત વાત કરી! પરસોત્તમભાઈ, છોકરાને કેમેરો અપાવી દો, કાલ સવારે તમારી દુકાનના ફોટા પાડીને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરી દેશે!
શાસ્ત્રીજી: બસ, આ જ છે ગીતાનું પ્રેક્ટિકલ સોલ્યુશન. કોઈને બાંધો નહીં, બધાને ખીલવા દો.
હાર્દિક: તો મિત્રો, આ હતા વોટ્સએપના સવાલો. હવે આપણે આજના એપિસોડના અંત તરફ એટલે કે ‘નિષ્કર્ષ’ તરફ આગળ વધીએ તો બાપુ, આજની વાત તો સોસરવી ઉતરી ગઈ. મતલબ કે આપણે બધા અલગ અલગ ‘બીજ’ છીએ. કોઈ લીમડાનું બીજ છે તો કોઈ આંબાનું. લીમડાએ કેરી આપવાની કોશિશ કરવાની જરૂર નથી, એ છાંયડો આપે એ જ બહુ છે.
શાસ્ત્રીજી: એકદમ સાચું!
તમે જે છો, જેવા છો, એમાં જ શ્રેષ્ઠ બનો.
માઈકલ જેક્સન ડાન્સ કરી શકે, પણ ક્રિકેટ ના રમી શકે. સચિન ક્રિકેટ રમી શકે પણ ડાન્સ ના કરી શકે. તમે તમારી પીચ (Pitch) શોધી લો.
હાર્દિક: તો મિત્રો, આજના એપિસોડનો સારાંશ:
૧. બીજાની નકલ કરવી એ ‘ભયાવહ’ (ખતરનાક) છે.
૨. તમારી પ્રકૃતિ (Nature) ઓળખો - શું તમને શાંતિ ગમે છે? પાવર ગમે છે? પૈસા ગમે છે? કે સેવા?
૩. જે કામમાં તમને સમયનું ભાન ના રહે, એ તમારો સ્વધર્મ.
શાસ્ત્રીજી: અને આજનો પ્રેક્ટિકલ ટાસ્ક ?
હાર્દિક: હા, એ તો કેમ ભુલાય! બોલો.
શાસ્ત્રીજી: શ્રોતા મિત્રો, આજે રાત્રે શાંતિથી બેસીને તમારી જાતને ૩ સવાલ પૂછજો:
૧. જો પૈસાનો કોઈ પ્રોબ્લેમ ના હોય, તો હું આજે શું કરતો હોત?
૨. કયું કામ કરતી વખતે હું થાકતો નથી?
૩. શું હું અત્યારે જે કામ કરું છું એ મારી મરજીથી છે કે સમાજના ડરથી?
તમારા જવાબ અને આ પ્રશ્નો અવશ્ય નોધીને તમારી નજર સામે રાખજો.
હાર્દિક: બિલકુલ! અને આવતા એપિસોડમાં આપણે આ જ સિરીઝ આગળ વધારીશું.. વાત કરીશું
ત્યાં સુધી... તમારા સ્વધર્મને ઓળખો, ઓરીજીનલ રહો, ડુપ્લિકેટ ના બનો.
શાસ્ત્રીજી: જય શ્રી કૃષ્ણ!
હાર્દિક: જય શ્રી કૃષ્ણ!