jal parini prem kahani - 36 in Gujarati Love Stories by Bhumika Gadhvi books and stories PDF | જલ પરીની પ્રેમ કહાની - 36

Featured Books
Categories
Share

જલ પરીની પ્રેમ કહાની - 36

આજની રાત બહું ભારે છે. કહેવાય છે ને કે રાહ જોતા હોઈએ ત્યારે સમય વધુ લાંબો થઈ જાય છે. મુકુલ અને મીનાક્ષી સાથે પણ આજે આવું જ કંઇક ઘટી રહ્યું છે.  આમ તેમ પડખા ફેરવતાં ફેરવતાં અને કાલ નો સૂરજ મુકુલ માટે તકલીફ લઈને આવશે કે એની તકલીફોનું નિવારણ લઈ એની ચિંતા કરતા કરતા આખરે ઉષાનું કિરણ સમુદ્રના જળને ભેદી ને છેક મત્સ્ય લોક સુધી પહોંચી જ ગયું.


      સમુદ્રનું તળિયું સૂર્યદેવ ના તીખા અને તેજ સોનેરી કિરણો થી સોનાની દ્વારિકા સમ લાગવા લાગ્યું. જેમ જેમ રાજસભા મધ્યે ઉપસ્થિત થવાનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ મુકુલ અને મીનાક્ષી બંનેનું હૃદય ખૂબ ઝડપથી ધબકી રહ્યું છે. 


      રાજકુમારી આપને આપના પિતા મહારાજે એમના કક્ષમાં ઉપસ્થિત થવાનો આદેશ આપ્યો છે.  શશી મીનાક્ષી માટે તેના પિતાનો આદેશ લઈને તેના કક્ષ માં ઉપસ્થિત થઈ. શશી ના અવાજ થી મીનાક્ષી ની વિચાર યાત્રા ભંગ થઈ. એણે શશી સામે નજર કરી તો મીનાક્ષીની આંખમાં રાત્રિ નો ઉજાગરો અને કોઈ અજાણી વેદના એ જાણે ઘેરો કરી લીધો છે.


      મીનાક્ષી ની આંખો સજલ હતી. એ કંઈ જ બોલ્યા વગર પિતા મહારાજ ના કક્ષ તરફ ચાલી ગઈ. 


      પિતા મહારાજ આપે મને અહીં ઉપસ્થિત થવાનું કહ્યું છે, પ્રણામ કરતા મીનાક્ષી બોલી. હવે આપનું સ્વાસ્થ્ય કેમ છે પિતા મહારાજ. સ્વસ્થ છું હજું એટલો જર્જરિત નથી થયો કે મારા કર્તવ્ય નું વહન ના કરી શકું. મીનાક્ષી ને પોતાના પિતા ના સ્વરમાં આજે વ્હાલ ના બદલે કટાક્ષ વધારે અનુભવાયો.


      પિતા મહારાજ આપણાં કુળદેવી માદરી દેવી ની કૃપા આપની ઉપર હંમેશા રહે અને આપ સ્વસ્થ જ રહો હું તો એજ ઇચ્છુ છું. મહારાજે મીનાક્ષી ના ચહેરા પર નજર કરી અને હાથ નો ઈશારો કરી પોતાની બાજુમાં બેસવા કહ્યું. મીનાક્ષી એ એમ કર્યું.


       મીનાક્ષી તું કોઈ સામાન્ય મત્સ્ય કન્યા નથી તું આ રાજ્ય ની રાજકુમારી છે. રાજકુમારી નું પદ જેટલું ગૌરવશાળી છે એટલું જ કર્તવ્યનિષ્ઠ પણ છે, માટે એની ગરિમા ને ઠેસ પહોંચે એવું કોઈ પણ કાર્ય મને તારી પાસે થી અપેક્ષિત નથી. જી પિતા મહારાજ. મીનાક્ષી એ ટુંકમાં હામી ભરી. હું અપેક્ષા કરું છું કે આજે રાજસભા માં કોઈ પણ અન અપેક્ષિત વર્તન કોઈના તરફ થી પણ નહિ થાય, એમાં રાજકુમારી નો પણ સમાવેશ થાય છે. જી પિતા મહારાજ કિન્તુ, બસ મીનાક્ષી મારે જે કહેવાનું હતું મેં કહી દીધું છે હવે તું જઈ શકે છે, થોડી જ ક્ષણોમાં આપણે રાજસભા માં ઉપસ્થિત થવાનું છે.


      મહારાજે મીનાક્ષી ની દલીલ શરૂ થતાં પહેલાં જ પૂરી કરી દીધી. પ્રણામ પિતા મહારાજ કહી બહું  ભારે હૈયે મિનાક્ષી ત્યાંથી ચાલી ગઈ.


      માનવ આપને રાજસભામાં ઉપસ્થિત થવા નો આદેશ છે. એક અનુચરે આવી ને મુકુલ ને કહ્યું. આખરે એ ઘડી આવી જ ગઈ જેની રાહ ગઈકાલ રાત્રિ થી જોવાઈ રહી હતી. અનુચર આગળ અને પાછળ મુકુલ દોરાયો.


      મુકુલ ના પગને કોક અજાણ્યા વજને ભારે કરી દીધા છે, મુકુલ ને લાગ્યું કે એ ચાલી જ નહિ શકે. મોત ને મુઠ્ઠી માં લઈને ચાલનાર અને દુશ્મનો ની ગોળીઓ ના વરસાદ થી પણ ભયભીત ના થનાર મુકુલ ને આજે કોઈ ભય ઘેરી વળ્યો છે. કહે છે ને કે ભય મારવાનો નથી હોતો પણ પોતાના લોકો થી દુર થવાનો હોય છે.


       મુકુલ ને પોતાના જીવન ની કોઈ ચિંતા નથી બસ ફિકર છે પોતાની મમ્મી ની આશા ની અને શ્રદ્ધાની. હે ઈશ્વર જે કંઈ નિર્ણય હોય આ મત્સ્ય લોક ના નિવાસીઓ નો બસ મારી મમ્મી ને સાંભળી લેજો. મુકુલ ના અંતર માંથી આર્ત નાદ થયો. એની આંખો સહેજ છલકાઈ જાય એ પહેલાં જ એણે આંસુ અને વ્યથા બંને ને રોકી લીધા.


       આખરે અનુચર ને અનુસરતો મુકુલ રાજસભા સુધી પહોંચી ગયો. એણે નજર કરી તો એક ઉંચી શીલા જેવા પથ્થર ઉપર એક સર્પાકાર સિંહાસન હતું જેમાં મહારાજ બેઠા હતા તેમની નજીક જ એક તરફ મંત્રી શર્કાન અને બીજી તરફ રાજકુમારી મીનાક્ષી ઊભી હતી. ચારે તરફ મત્સ્ય લોકના નિવાસીઓ હતા. 


       મુકુલ આ બધું જોઈ પોતાની વ્યથા ને વિસરી ગયો. અનેક રંગ બિરંગી અર્ધ માનવ અને અર્ધ મત્સ્ય શરીર વાળા લોકો હતા. મુકુલે ક્યારેય સ્વપ્નમાં પણ નોતું વિચાર્યું કે આવી પણ કોઈ દુનિયા હશે. કેટલી અજીબ છે આ દુનિયા પણ અહીંના લોકો પણ પૃથ્વી નિવાસી જેવાજ છે . અનેકો નર, માદા અને શિશુઓ. તમામ ની નજર મુકુલ ઉપર ચોંટેલી છે. કોઈ મુકુલ ને કુતૂહલ થી જુએ છે, કોઈ જીજ્ઞાશા થી તો કોઈ ભય થી, તો વળી શર્કાન જેવા લોકો ની નજરમાં મુકુલ માટે ઘૃણા છે. 


       મીનાક્ષી ની નજર નીચી છે છતાં મુકુલ એના હૃદય ની વ્યથા ને પારખી ગયો. મુકુલ મહારાજ ની બરોબર સામે જઈને ઊભો રહ્યો અને બે હાથ જોડી પ્રણામ કર્યા. મહારાજે કોઈ જ પણ પ્રકારનો ભાવ પોતાના ચહેરાથી કે આંખોથી કોઈને પણ કળવા ના દીધો.


       આજનો મુદ્દો મહારાજ સમક્ષ રજૂ કરવામાં આવે, મંત્રી શર્કાને પોતાના પદ ના કાર્ય નું વહન કરતા કડક શબ્દોમાં  આદેશ કર્યો.


                                  ક્રમશઃ.............