કાળી મજ્જર રાત, એક લાંબો દરિયા કિનારો, શાંત સૂસવાટા મારતો પવન, ખડખડતા મોજાં નો સ્વર એવો લાગે જાણે કોઈ યુવાન છોકરીએ પગ માં ઝાંઝર પહેરી ને દોડતી હોય, ગોળ ચંદ્ર પર એની ચાંદની ની ઓઢણી ને એ ચાંદની નો પ્રકાશ વિશાળ સમુદ્રના પાણી માં પડ્યા બાદ જે અદભુત ને રચનાત્મક નજારો ઉદ્ભવતો હતો જાણે કોઈ ચિત્રકાર ઘેલ માં આવી ને ચિત્ર બનાવતો હોય આવી જ રીતે કુદરત પણ જાણે પૃથ્વી પર એનું ચિત્ર દોરતી હોય.
ને આવી સુંદર રાત માં દરિયા ના કિનારા થી થોડું પાછળ કિનારા ની કુણી ખાખી રેત માં એક સુંદર છોકરી બેસી હતી, ને એની સુંદરતા ની વાત કરું તો ફક્ત એટલું કે આ જે રાત નું સોંદર્ય ઉદભવેલું ને એનો પડછાયો એ છોકરી ના મોં પર પડી રહ્યો હોય એવું લાગતું હતું આ એની સુંદરતા હતી પણ એ છોકરી બેસી એમ હતી જાણે કોઈ મહાન યોદ્ધો જે ક્યારેય યુદ્ધ ના હાર્યો હોય,પરાજય જેની આજુબાજુ ના ફરકી સકે ને એવા યોદ્ધાએ જ્યારે જીવન માં પેહલી વાર હાર સ્વીકારી હોય ને એના મોઢા પર જે નિરાશા હોય એવી નિરાશા આ છોકરી ના મોં પર દેખાતી હતી.
ને એવામાં જ પાછળ થી એક અવાજ આવ્યો, " તું આટલું ધારી ધારી ને પાણી મા જોઇશ તો દરિયા માં કાણું નઈ પડી જાય પ્રાચી?"
એણે પાછળ ફરીને જોયું તો બીજું કોઈ નહિ પણ એનો મિત્ર શિવમ હતો.
પણ આ સાંભળીને એણે કઈ કહ્યું નહિ ને પરત પાછી એ સમુદ્ર તરફ જોવા લાગી એક ઉદાસ મોં એ,
શિવમ એની બાજુમાં આવી ને બેઠો ને એણે પૂછ્યું, 'મેં એવું સાંભળ્યું છે કે અડધી રાત્રે આવી રીતે સમુદ્ર કિનારે બેસીએ ને તો સુંદર છોકરીઓ ને સમુદ્ર એની પાસે બોલાવી લે છે ને જો એ તને એની પાસે બોલાવી લેશે તો પછી મારું શું થશે ?'
પ્રાચી એ એક હલકું સ્મિત આપતા શિવમ તરફ જોયું ને બોલી, 'શરમ નથી આવતી તને, તારા લગ્ન થઈ ગયાં છે આટલી સુંદર પત્ની છે તારી ને છતાંય તું મારી જોડે ફ્લર્ટ કરે છે.'
શિવમ એ વળતા જવાબ આપ્યો, 'જો એક તો લગ્ન ને ફ્લર્ટ ને કઈ લેવા દેવા નથી ને બીજું લગ્ન થી યાદ આવ્યું અહી પાછળ રિસોર્ટ માં અંદર પણ કોઈના લગ્ન ચાલી રહ્યા છે, તું કદાચ એ છોકરા ને ઓળખે છે.' ને શિવમ ની આ વાત પૂરી થતાં જ પ્રાચી ના જમણા આંખમાં થી આંસૂ નો એક રેલો એના ગાલ પર આવ્યો ને એવી રીતે આવ્યો કે એના આંખ માં લગાવેલા કાજળ ના અસ્તિત્વ ને છિન્નભિન્ન કરતો આવ્યો, બસ એ જ રીતે એનું હૃદય પણ છિન્નભિન્ન થઈ રહ્યું હતું. કેમ કે પાછળ રિસોર્ટ માં જે છોકરા માં લગ્ન થઈ રહ્યા છે એ બીજું કોઈ નઈ પણ પ્રાચી નો પ્રેમ નિસર્ગ છે. નિસર્ગ પણ પ્રાચી ને પ્રેમ કરે છે પણ આપણા સમાજના જૂના રિતી રિવાજો, જાત પાત ની બનાવેલી ખોખલી ઢાલ એણે ફક્ત જમીન પર જ નહિ લોકો ના હૃદય માં પણ રેખાઓ બનાવી છે ને એના જ લીધે આ બંને નો પ્રેમ આજે અમર થવા જઈ રહ્યો છે.
શિવમ એ એના ખભા પર હાથ મૂક્યો એની સાથે જ પ્રાચી બોલી, "હું શું કરું, કોને કહું મારા હૃદય માં શું ચાલી રહ્યું છે, કેમ કે જેને બધું કેહવાની આદત હતી એ તો આજે કોઈ બીજા નો થઈ રહ્યો છે. મને સમજાઈ નથી રહ્યું કે હું શું કરું, હું એની આગળ જઈ ને રોઈ પણ નથી શકતી કેમ કે એને દુઃખ ના થાય, હું તો અહીં આવવાની પણ નતી પણ એણે જીદ્દ કરી ને મને અહી બોલાવી કેમ કે એને પણ મારા વગર નથી ચાલતું ને હવે બધું જ પતી ગયું, એ પરણી જશે ને જશે એના માળા માં ને મારે આ ખુલા આકાશ માં ભટકવાનું.
એણે એના આંખના આંસૂ લૂછ્યા
"એણે મને કહેલું કે આપની કાસ્ટ અલગ છે મારા ઘરે નહિ ચાલે ને છતાંય મને મારા પર કાબૂ ના રહ્યો ને હું પડી એના પ્રેમ માં, પણ તું જ કે કોઈ તમારી કાળજી કરે, તમારી સાથે સારી સારી વાતો કરે, તમને ખુશ રાખે, તમારી મોટા ભાગ ની ઈચ્છાઓ ને પોતાની સમજી ને પૂરી કરે, તમે એની સાથે હોવ ત્યારે તમને કોઈ બીજા ની ઉણપ ના વર્તાય તો હું કેવી રીતે ના પડું એના પ્રેમ માં, મારું મન કેવી રીતે કાબૂ રહી શકે શિવમ તું જ કે મને શું આમાં મારી ભૂલ છે ?"
આટલું કહેતા ની સાથે એણે શિવમ સામે જોયું,
એનો અવાજ ઢીલો પડી ગયો હતો, એમાં લાચારી ને સંઘર્ષ વચ્ચે ચાલતા યુદ્ધ નું ઝલક આવી રહી હતી.
તારી વાત સાચી છે પ્રાચી, ને આમાં તારી કે એની ભૂલ જરાય નથી, ભૂલ છે તો આ જૂના વિચારો વાળા સમાજ ની જે સમય ની સાથે ક્યારેય બદલાતાં શીખ્યો જ નથી ને એ શીખશે પણ નહિ.
હું તારી તકલીફ સમજી શકું એટલો હોશિયાર નથી પણ તારા આંસૂ ને બદલાતાં રંગ ને જોઈ ને મને તારા પ્રેમ ની કદર છે ને હું એ વાત નું સન્માન પણ કરું છું પણ તારે આ બધી વસ્તુઓ થી આગળ વધવું પડશે ભલે તું થોડો સમય લે એનો વાંધો નથી પણ જો આગળ નહિ વધે ને તો એકલી પડી જઈશ ને નિસર્ગ પણ એવું ક્યારે નહિ ઈચ્છે કે તું જીવન માં એકલી રહે. તારી જે જખમ છે એને પૂરી ના શકું પણ એને વધારે ઊંડો તો નહિ જ થવા દઉં.
આટલું સાંભળતા જ પ્રાચી ના ચહેરા પર એક સ્મિત આવ્યું ને એણે શિવામની આ લાગણી પ્રત્યે નો આભાર માન્યો. ને પછી શિવમ બોલ્યો, "ચલ ને હવે અંદર જઈએ બઉ ભૂખ લાગી છે કંઈ ખાઈ લઈએ." ને એ ને પ્રાચી ઊભા થયા ને રિસોર્ટ ની અંદર ગયા.