કલા એ પોતાની અંદર અનેક અર્થો છુપાવીને બેઠેલી હોય છે કલાકારે તેની રચના કરી હોય ત્યારે તેણે પોતાના મનોજગતને સાકાર રૂપ આપવા માટે તેનો ઉપયોગ કર્યો હોય છે તે કારણે જ્યારે તેને લોકો જોતા હોય છે ત્યારે તેમને પોતાની રસ રૂચિ અનુસાર તેમાં અર્થ સાંપડતા હોય છે અને તેમાં વૈવિધ્ય હોય છે આ કલાકૃત્તિઓનો પોતાનો એક સમૃદ્ધ ઇતિહાસ હોય છે તેની સાથે અનેક અદૃભૂત બાબતો સંકળાયેલી હોય છે જે દર્શકોને અને ભાવકોને આશ્ચર્યચકિત કરતી હોય છે.
ધ આર્નોલફિની પોટ્રેઇટની રચના ૧૪૩૪માં ડચ આર્ટિસ્ટ જેન વેન ઇકે કરી હતી જે કલાજગતમાં બહુ મહત્વપુર્ણ સ્થાન ધરાવે છે જો કે તેની સાથે અનેક વિવાદો પણ જોડાયેલા છે.આ ચિત્રની રચના જે પદાર્થ વડે કરાઇ છે તે રહસ્યમય છે કારણકે પંદરમી સદીનાં આરંભમાં પશ્ચિમ યુરોપિયન આર્ટનાં ગાળામાં તે ઉપલબ્ધ ન હતું.આ ચિત્રને ધ્યાનથી જોઇએ ત્યારે જણાય છે કે તેમાં રહેલા દર્પણમાં આખા ઓરડાનું પ્રતિબિંબ જોવા મળે છે જેમાં દરવાજામાં બે આકૃત્તિઓ જણાય છે.જેમાં ઘણી ઝીણી વિગતોને પણ સમાવી લેવામાં આવી છે.આ રચનામાં જે પાત્રોને રજુ કરાયા છે તે પણ તે કાળમાં જે રીતે પાત્રોને રજુ કરતા હતા તેના કરતા અલગ જ છે.જો કે આ ચિત્ર આજે પણ નિષ્ણાંતો માટે એક ગુઢ બાબત છે અને તેનો અભ્યાસ આજે પણ થઇ રહ્યો છે અને તેમાં રહેલા અર્થને શોધવાનો પ્રયાસ ચાલુ જ છે.
બ્રાઝીલનાં શહેર બ્રસેલ્સમાં જનારા મોટાભાગનાં પ્રવાસીઓ ત્યાનાં શિલ્પોને જરૂર નિહાળતા હોય છે જેમાં એક જાણીતી મુર્તિ છે મેનેકેન પીસ.આ મુર્તિ એક એવા બાળકની છે જે પેશાબ કરી રહ્યો છે.આ મુર્તિ અહી ૧૩૮૮નાં સમયથી છે.જો કે કહેવાય છે કે અસલ મુર્તિ નષ્ટ થઇ ગઇ હતી અને હાલમાં જે મુર્તિ છે તેની રચના શિલ્પકાર જેરોમ ડક્યુસ્નોઇએ ૧૬૧૯માં કરી હતી જેણે પેલી અસલ મુર્તિને જોઇ હતી.આ બાળક અંગે એવી કિવંદતી પ્રચલિત છે કે તેણે એક હુમલાના સમયે બ્રસેલ્સની રક્ષા કરી હતી અને તે કાર્ય તેણે પેશાબ દ્વારા કર્યુ હતું જ્યારે કેટલા નિષ્ણાંતો કહે છે કે આ મુર્તિ ખરેખર તો ડ્યુક ગોડફ્રે ત્રીજાની છે અને તેણે પણ દુશ્મનો પર પેશાબ કર્યો હતો અને તેઓ હારી ગયા હતા.આ મુર્તિ પર દર વર્ષે નવા વાઘા ચડાવવામાં આવે છે અને તેના વોર્ડરોબમાં આજે ૯૦૦ જોડી કપડા છે.
ધ ગાર્ડન ઓફ અર્થલી એ ચિત્ર જગતની સૌથી મહત્વપુર્ણ કૃત્તિઓમાંની એક છે જે ત્રણ જુદી જુદી પેનલમાં રચાઇ હતી.આ ચિત્રની રચના નેધરલેન્ડનાં જાણીતા ચિત્રકાર હિરોનિમસ બોસ્કે ૧૪૯૦થી ૧૫૧૦ની વચ્ચેના ગાળામાં કરી હતી.જેમાં ડાબી તરફ ઇડન ગાર્ડનમાં આદમ અને ઇવને દર્શાવાયા છે વચ્ચેની પેનલમાં માનવી અને પશુઓને અલગ અલગ ક્રિયાઓ કરતા દર્શાવાયા છે જ્યારે જમણી પેનલમાં નરકને દર્શાવવામાં આવ્યું છે.જો કે આ ચિત્રમાં એવી વસ્તુઓને આલેખિત કરાઇ છે જે આજે પણ જોનારાઓને મંત્રમુગ્ધ કરવા ઉપરાંત વિચારતા કરી દે છે.આ ચિત્રમાં કેટલાક પાત્રો મ્યુઝિકનાં વાજિંત્રો વિચિત્ર રીતે વગાડતા દર્શાવાયા છે.ઓકસફોર્ડનાં કેટલાક સંગીત નિષ્ણાંતોએ ચિત્ર જોઇને તેમાં રહેલા વાજિંત્રોની રચના કરી હતી અને જ્યારે તેને વગાડવામાં આવ્યા ત્યારે તેમાંથી ભયંકર નાદ નિકળ્યા હતા.ચિત્રમાં એક પાત્રની પાસે નરકનાં ગીતની નકલ પણ જોવા મળે છે.
મધ્યયુગની જે કેટલીક ચિત્રકૃત્તિઓ બચાવી શકાઇ છે તેમાં ધ બેયુક્સ ટેપેસ્ટ્રીનો સમાવેશ થાય છે.આ ચિત્ર સિત્તેર મીટર લાંબું છે અને કાપડ પર તૈયાર કરાયું છે જેમાં નોર્મન હુમલા સમયે વિલિયમ કોન્કર અને કિંગ હેરોલ્ડ વચ્ચેની જંગનાં પચાસ જેટલા દૃશ્યો કંડારવામાં આવ્યા છે.આ ચિત્ર માટે એવું કહેવાય છે કે તેમાં રહેલા દૃશ્યોને ઇંગ્લેન્ડમાં રહેલી મહિલા પાદરીઓએ પહેલા અલગ અલગ તૈયાર કર્યા હતા અને ત્યારબાદ તેને કાપડમાં એક સ્થળે જોડી દેવાયા હતા.હાલનાં નિષ્ણાંતો કહે છે કે ચિત્રમાં જે લોકોને દર્શાવાયા છે તે તમામ એક બીજાથી ભિન્ન છે.જો કે તે ચિત્રનું મુળ આજે પણ રહસ્યમય છે.કહેવાય છે કે વિલિયમનો ભાઇ બિશપ ઓડો હતો જેણે આ પેનલને તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો.જો કે હાલનાં નિષ્ણાંતો તે માટે એડિથ ગોડવિન્સનને ચિત્ર તૈયાર કરાવનાર ગણાવે છે જે પરાજિત હેરોલ્ડની બહેન હતી.એક ઇતિહાસકાર આ પેનલને તૈયાર કરાવનાર વ્યક્તિ તરીકે સ્કોલેન્ડને ગણાવે છે જે આ ટેપેસ્ટ્રીમાં રહેલી ઘટનાઓનો સાક્ષી હતો.
ફલોરેન્સની મુલાકાત લેનાર પ્રવાસીઓ રેનેસા કાળનાં ચિત્રો અને શિલ્પોનો આનંદ ઉઠાવતા હોય છે જ્યાં બેન્ડીનેલીની હર્કયુલસ અને કેકસની મુર્તિ છે જ્યાં સેબિન મહિલા પર બળાત્કાર કરતા પ્રાણીઓની મુર્તિ છે પણ જે મુર્તિ સૌનું ધ્યાન ખેંચે છે તે છે સેલિનીની માસ્ટરપીસ સમાન હેડસ ઓફ મેડુસા છે.આ મુર્તિમાં પર્સિયસનાં હાથમાં મેડુસાનું માથું છે અને તેનું મૃત શરીર તેના પગની પાસે પડેલું છે.આ મુર્તિ ગ્રીકોની જાણીતી દંતકથા પર આધારિત છે.કહેવાય છે કે આ મુર્તિ બનાવવાનો આદેશ કોસિમો પહેલાએ આપ્યો હતો જ્યારે તે ગ્રાન્ડ ડયુક બન્યો હતો અને તેનું અનાવરણ ૧૫૫૪માં કરાયું હતું.કહેવાય છે કે સેલિનીએ પોતાનો જ ચહેરો મુર્તિમાં કંડાર્યો હતો જ્યારે આ મુર્તિને પાછળથી જોવામાં આવે છે ત્યારે તેમાં એક હેલ્મેટ અને એક ચહેરો દેખાય છે જે સેલિનીનો હતો.
રશિયાએ લેનિનની ઘણી મુર્તિઓ તેના સમયકાળમાં બનાવી હતી પણ જે સૌથી મહત્વપુર્ણ છે તે મુર્તિ એન્ટાર્ટિકામાં બનાવાઇ છે.કોલ્ડવોર દરમિયાન અમેરિકાએ દક્ષિણ ધ્રુવ પર એક રિસર્ચ સ્ટેશન બનાવ્યું હતું જેને જોઇને રશિયાએ પણ ત્યાં એક રિસર્ચ સ્ટેશન ૧૯૫૮માં તૈયાર કર્યુ હતું.જો કે તેમણે જે જગા પસંદ કરી હતી તે બહુ દુર્ગમ વિસ્તારમાં હતી જ્યાં પહોંચવું લગભગ અશક્ય હતું.અહી રશિયનો માત્ર કેટલોક સમય જ રહ્યાં હતા અને ત્યારબાદ તેમણે આ જગા છોડી દીધી હતી પણ જતા જતા તેમણે ત્યાં લેનિનની એક મુર્તિ બનાવી હતી.ત્યારબાદ તેઓ ત્યાં ૧૯૬૭માં ગયા હતા ત્યારબાદ ચાલીસ વર્ષ સુધી તે જગાની કોઇને યાદ આવી ન હતી પણ ૨૦૦૭માં કેનેડા અને બ્રિટનની એક ટીમ ત્યાં પહોંચી હતી.લગભગ ૪૯ દિવસની મુશ્કેલ યાત્રા બાદ જ્યારે તેઓ ત્યાં પહોચ્યા ત્યારે તેમને માત્ર પેલી લેનિનની મુર્તિ જ અડગ ઉભેલી દેખાઇ હતી બાકી બધુ તો બરફની ચાદરમાં ઢંકાઇ ગયું હતું.
ધ એડોરેશન ઓફ ધ મેગી એ બાઇબલની કથાનું એક દૃશ્ય છે જેમાં ત્રણ મેગી એક તારાનો પીછો કરે છે અને બાળ ઇસુને ભેટ આપે છે.આ દૃશ્ય આમ તો અનેક રચનાઓમાં જોવા મળે છે અને તેનો ઉપયોગ જાણીતા ચિત્રકારો બોટ્ટીસેલી, રેમ્બ્રાન્ટ, લિયોનાર્દો વિન્ચી અને રૂબેન્સે પણ કર્યો છે.જો કે તેરમી સદીનાં જાણીતા ઇટાલિયન ચિત્રકાર ગિયોટ્ટોનું ધ એડોરેશન ઓફ મેગીને આ ચિત્રોમાં માસ્ટરપીસ મનાય છે.કહેવાય છે કે આ ચિત્રમાં જે ડેવિડનો તારો દેખાય છે તે ગિયોટ્ટોએ હેલીનાં ધુમકેતુને જોયા બાદ તૈયાર કર્યો હતો.આ ચિત્રને તૈયાર કરવાનું કામ તેણે ૧૩૦૧માં ચાલુ કર્યુ હતું અને તે ૧૩૦૫માં પુરૂ થયું હતું.હેલીનો ધુમકેતુ પૃથ્વી પાસેથી ૧૩૦૧માં પસાર થયો હતો.યુરોપિયન સ્પેસ એજન્સીએ પણ આ ચિત્રની કદર કરી હતી અને તેમણે કલાકારને આદર આપવા માટે પોતાના એક મિશનને ગિયોટ્ટો નામ આપ્યું હતું.
અમેરિકન ચિત્રકલાનાં ઇતિહાસમાં જહોન ટ્રમ્બુલનું ડેકલેરેશન ઓફ ઇન્ડીપેન્ડસ બહુ મહત્વપુર્ણ ચિત્ર ગણાય છે.આ ચિત્રને ૧૮૧૭માં તૈયાર કરાયું હતું અને તે અમેરિકન રાજધાનીની ઇમારતમાં ત્યારથી શોભા વધારી રહ્યું છે.તે ચિત્રને બે ડોલરની નોટ પર પણ સ્થાન અપાયું છે.આ ચિત્રમાં આ મુસદ્દો તૈયાર કરાયો ત્યારનું દૃશ્ય કંડારાયું છે.આ ચિત્રમાં મુસદ્દા પર હસ્તાક્ષર કરનારા ૫૬માંથી ૪૨ લોકોને દર્શાવાયા છે.ટ્રમ્બુલ તો તમામને કંડારવા માંગતા હતા પણ ચૌદ લોકોને તે જોઇ શક્યા ન હતા.આ ચિત્રમાં એ ઇન્ડિપેન્ડસ હોલનું દૃશ્ય પણ છે જ્યાં આ ઘટના બની હતી.થોમસ જેફરસન અને જહોન આડમ્સને પણ અહી દર્શાવાયા છે.
સ્પેનનાં સુવર્ણકાળ દરમિયાન ડિયેગો વાલાસ્કવેજનું નામ જાણીતા કલાકારોમાં લેવાતું હતુ જેની જાણીતી રચના રોકેબી વિનસ હતી જેની સાથે અનેક વિવાદો પણ જોડાયેલા છે.આ ચિત્રમાં વિનસ આડા પડેલી સ્થિતિમાં દર્શાવાઇ છે જેની સામે એક દર્પણ છે જેમાં તેનો ચહેરો દેખાય છે.ચિત્રમાં વિનસને નગ્ન અવસ્થામાં દર્શાવાઇ છે.વાલાસ્કવેજે આ ચિત્ર ૧૬૫૧માં પુરૂ કર્યુ હતું.આ એ સમયગાળો હતો જ્યારે કલાકારોને પણ સત્તા દ્વારા શું કરવું અને શું નહી કરવુંના આદેશો અપાતા હતા અને કલામાં નગ્નતાનો નિષેધ હતો.જો કે વાલાસ્કવેઝને શાહી સંરક્ષણ મળેલું હોવાને કારણે જ તે બચી શકયા હતા.આ ચિત્રને ઇંગ્લેન્ડનાં રોકેબી પાર્કમાં મુકાયુ હતું.જો કે ૧૯૦૬માં તેને લંડનની નેશનલ ગેલેરીમાં લઇ જવાયું હતું.જો કે ૧૯૧૪માં આ ચિત્રને નુકસાન પહોચાડવાનો પ્રયાસ થયો હતો જો કે તે ચિત્રને ફરીથી યોગ્ય કરી શકાયું હતું.
માઇકલ એન્જેલોની ડેવિડને કલાજગતમાં બહુ ઉચ્ચ સ્થાન અપાયું છે.જો કે મોટાભાગના લોકો ડેવિડનાં ચહેરાને જોઇ શકતા નથી કારણકે મુર્તિની ઉંચાઇ લગભગ પાંચ મીટર જેટલી છે.ડેવિડનાં ચહેરા પર ગભરામણ, આક્રમકતા અને ભય દેખાય છે.ડેવિડ ગોલિએથ સાથે યુદ્ધ કરવા માટે સજ્જ હોવાનું જણાય છે.જો કે આ મુર્તિનું જ્યારે વિશ્લેષણ કરાય છે ત્યારે તેનાં લિંગનાં આકારને કારણે લોકો ડેવિડ નપુંસક હોવાનું ગણાવે છે જો કે તબીબો કહે છે કે જ્યારે સ્થિતિ બહુ તંગ હોય ત્યારે તેનો આકાર એ જ પ્રકારનો હોય છે જે ડેવિડમાં દર્શાવાયો છે આમ માઇકલ એન્જેલોએ તમામ બાબતોનું ધ્યાન રાખીને જ પોતાનું આ શિલ્પ તૈયાર કર્યુ હતું.