તેરે ઈશ્ક મેં
- રાકેશ ઠક્કર
'તેરે ઈશ્ક મેં’ ની વાર્તા ભલે તીવ્ર રોમાન્સની હોય પણ તે હિન્દી નિર્દેશક આનંદ એલ. રાયની ટ્રેડમાર્ક સ્ટાઇલમાં છે. આનંદ એલ રાય તીવ્ર પ્રેમકથાઓ કહેવામાં કાબેલ રહ્યા છે. પહેલા ભાગમાં નિર્દેશક જકડી રાખે છે. બીજો ભાગ થોડો નિરાશ કરે છે. વાર્તા તૂટી પડવા લાગે છે અને જ્યારે તે પરાકાષ્ઠા પર પહોંચે છે ત્યારે થોડી ફિલ્મી બની જાય છે. આનંદ ધનુષની ક્ષમતાને ‘રાંઝણા’ થી સારી રીતે જાણે છે. તેમણે ધનુષ પાસેથી એવું પર્ફોમન્સ કઢાવ્યું છે જે ભારતીય સિનેમામાં ભાગ્યે જ જોવા મળે છે. ધનુષનો અભિનય ગમતો હોય તો તેના અદ્ભુત અને જટિલ પર્ફોમન્સ માટે આ ફિલ્મ જોવી જોઈએ.
ધનુષ એક એવો કલાકાર છે જે શંકરના પાત્રના દરેક શેડને સંપૂર્ણપણે જીવી જાણે છે. ધનુષની આંખો અને તેની બોડી લેંગ્વેજ પાત્ર પ્રત્યે સહાનુભૂતિ કરાવે છે અને સાથે જ તેના ખરાબ નિર્ણયો પર ઘૃણા પણ ઉત્પન્ન કરે છે. આ એક મુશ્કેલ કામ ધનુષે ખૂબ જ અસરકારક રીતે કર્યું છે. ધનુષના પાત્રની વાત કરીએ તો શરૂઆતમાં ‘રાંઝણા’ ના કુંદનને બીજા જીવનમાં જોઈ રહ્યા હોય એવું લાગે છે. પછી તે ‘ફાઇટર’ નો ઋતિક રોશન બને છે. તે ’12વી ફેઇલ’ નો વિક્રાંત મેસી બને છે. એટલું જ નહીં ‘કબીર સિંહ’ નો ઝેરી હીરો અને ‘એનિમલ’ નો આલ્ફા મેલ પણ ‘શંકર’ માં જોવા મળશે. બધા પાત્રોની ખીચડી જેવુ શંકરનું પાત્ર વાસ્તવિક લાગતું નથી. કાયદાનો અભ્યાસ કરવાથી લઈને UPSC પરીક્ષા આપવાની વાત અને વળી વાયુસેનામાં તેજસ ઉડાવવા સુધી શંકરની સફર પણ અસહ્ય છે.
કૃતિ સેનનનું પાત્ર પણ બીજાઓને સલાહ આપે છે પણ પોતાની જાતને નિયંત્રિત કરી શકતી નથી. એને સિનેમેટિક સ્વતંત્રતા તરીકે ઓળખવામાં આવે તો પણ થોડી વધારે જ છે! કૃતિ સેનન મુક્તિના પાત્રમાં સારી લાગે છે, જે એક મનોવૈજ્ઞાનિક છે અને શંકરના આક્રમક સ્વભાવને બદલવાનો પ્રયત્ન કરે છે. ધનુષ સાથેની તેની કેમેસ્ટ્રી તીવ્ર અને અસરકારક છે. ધનુષ સામે પોતાની જગ્યા બનાવવી એના માટે મુશ્કેલ છે પણ કૃતિએ તે સહેલાઈથી કર્યું છે. જ્યારે ધનુષનું પાત્ર ટોક્સિક બને છે ત્યારે તેની ઉદાસી અને આઘાત પાત્ર સાથે જોડી રાખે છે. ધનુષ જ્યાં આગ છે, ત્યાં કૃતિ પાણી છે. તે માત્ર સુંદર નાયિકા બનીને નથી રહેતી. જ્યારે તે પોતાની ઓળખ માટે લડે છે ત્યારે તેની આંખોમાં નિર્ભયતા દેખાય છે. તે શંકરના વર્ચસ્વનો સામનો કરે છે, જે આધુનિક યુવતીનું પ્રતિનિધિત્વ કરે છે.
અલબત્ત ફિલ્મનું સૌથી મોટું જમા પાસું ધનુષ અને કૃતિનો અભિનય જ છે. ધનુષને જોઇને ક્યારેય લાગતું નથી કે તે અભિનય કરી રહ્યો છે. તે પડદા પર આવે ત્યારે વિશ્વાસ થાય કે, ‘હા, આ જ છે એવો છોકરો જે પ્રેમમાં પાગલ થઈને કંઈ પણ કરી શકે છે.’ ધનુષ એટલો ઇમોશનલ ટચ આપે છે કે તમને ખબર પણ ન પડે કે ક્યારે તમે તેના પાત્રને ધિક્કારવાના બદલે સમજવા લાગો છો. પાત્રના ખરાબ પાસાઓ હોવા છતાં દર્શકને તેના પ્રત્યે લગાવ પેદા થાય છે એ એના અભિનયની સફળતા છે. શંકરના પાત્રમાં ધનુષનો અભિનય માત્ર 'અભિનય' નથી પણ એક સાયકોલોજિકલ ડ્રામા છે. જે બાંધી રાખે છે.
સંજય મિશ્રા સામાન્ય રીતે હળવાશ અને કોમિક ટાઇમિંગ માટે જાણીતા છે. આ ફિલ્મમાં તેમનો રોલ ભાવનાત્મક અને જટિલ છે. તેમની આંખોમાં પુત્રની નિષ્ફળતા અને ભવિષ્યની ચિંતા સ્પષ્ટ દેખાય છે. એ.આર. રહેમાનનું સંગીત બે ગીતો પૂરતું સારું લાગે છે. પણ બેકગ્રાઉન્ડ સ્કોર લાગણીઓને વધુ ઊંડાણ આપે છે. લગભગ પોણા ત્રણ કલાકની લંબાઈને કારણે ખાસ કરીને છેલ્લા ભાગમાં ફિલ્મ ખેંચાયેલી અને લાંબી લાગે છે. ફિલ્મમાં લાગણીઓનો પ્રવાહ એટલો બધો છે કે કેટલાક લોકો માટે તે ઇમોશનલી થકવી નાખનારી બની શકે છે. અંત દર્શકોને ગૂંચવણમાં મૂકે છે અને ઘણાને સંતોષકારક લાગતો નથી. કારણ કે તે પ્રેમ કથાને અપેક્ષા મુજબનો અંત આપતો નથી. કૃતિ સેનને પોતે સ્વીકાર્યું હતું કે ક્લાઇમેક્સ તેને ખૂબ વ્યથિત કરનારો હતો. મોટાભાગના વિવેચકો એ વાતે સંમત છે કે ક્લાઇમેક્સ તીવ્ર ભાવનાત્મક અસર છોડે છે અને તે 'રાંઝણા'ના અંતની યાદ અપાવે છે, પરંતુ તેનાથી પણ વધુ હૃદયદ્રાવક છે.