Love at first sight - 7 in Gujarati Love Stories by Sanjay Sheth books and stories PDF | સ્નેહ ની ઝલક - 7

Featured Books
Categories
Share

સ્નેહ ની ઝલક - 7

સ્વપ્ન અને હકીકત નો સામનો 1


૧૯૮૦નું તે નિર્દોષ અને સોનેરી દાયકો. સોસાયટીના જૂના મકાનોમાં સાંજ પડતા દીવડા ઝળહળતા. એ જ સોસાયટીમાં સામસામાં ઘરોમાં રહેતા હતા અર્પિત અને રુદ્રા બાળપણથી એકબીજાને જોવા વાળા, પણ હૃદયની અંદર ક્યાંક કોઈ અજાણ્યો નરમ રંગ ધીમે ધીમે ચઢતો હતો.


તે સમયમાં છોકરીઓ ફુલકાઝળી અને સોળ સોમવાર એવા અનેક વ્રતો કરતી, અને ત્યારે સોસાયટીમાં રાત્રે જાગરણનો રંગ જ આગવો રહેતો હતો. શાંત ચાંદનીમાં છોકરીઓ તથા છોકરા ઓ તેમજ સોસાયટી ની અમુક સ્ત્રી ઓ ના ગીતો અંતાક્ષરી માં ગુંજતા અને બાળકોની તથા તેમાં જોડાતા અમુક મોટા લોકો ની રમતોમાં હાસ્યની છાંટા છૂટતી.


એ જ રમતોમાં આગવી રમત એટલે સાત તાળી. પ્રથમવાર અર્પિત અને રુદ્રા એક જ જોડામાં આવ્યા. હાથમાં હાથ પકડી દોડવાનો અને બીજા ખેલાડી ઓ ને પકડવાના, પણ બંનેના અંદર કંઈક બીજું જ દોડતું હતું.


રુદ્રાનો સ્પર્શ અર્પિતના હાથ પર પડતાં જ, મનના પડછાયા ક્યાંક ઓગળવા માંડ્યા. રુદ્રાના ધબકારો પણ *તેજ* થઈ ગયાં ભલે તે બંને ને એટલી સમજ પડતી ન હતી કે કેમ. પરંતુ આ ૨૦ મિનિટ ની દોડ માં ૧૭ વર્ષ ના અર્પિત એ પોતાનું દિલ ૧૫ વર્ષીય રુદ્રા પર લૂંટાવી દીધું. 


એ પછી થોડી વારમાં બાળકો થાપો રમવા લાગ્યાં. અર્પિત અંધારા માં સીડીઓની આડમાં છુપાયો. એક ક્ષણમાં તેની બાજુમાં કોઈ આવીને બેસ્યું. એ રુદ્રા હતી.


કોઈ શબ્દ નહીં. કોઈ અવાજ નહીં. માત્ર તેણે ધીમેથી અર્પિતનો હાથ પકડી લીધો.


એ પળે જાણે આખી દુનિયા થંભી ગઈ હોય. બંનેના કંપતા હાથ વચ્ચે એક નિર્દોષ પ્રેમનો જન્મ થયો.


તે રાત્રે અર્પિત સૂતો નહોતો. તેના મનમાં હળવેથી ગુંજતી રહી એક કવિતા જાણે રુદ્રાની નજરોએ જ તેને લખાવી દીધી હોય:


બારીની સામે જ્યારે પણ, તારી નજરો મારી સાથે મળે, હૃદયમાં કંઈક હળવાશ થાય, ધબકારો ફૂલ બની ખિલે.


હાથનો પહોળો નિર્દોષ સ્પર્શ, એ પ્રથમ પ્રેમનો અહેસાસ, વાત ન કહેતા પણ કહી જાય, નજરોની નાની આ ભાષા ખાસ.


સાત તાળીમાં પકડેલો હાથ, આજે પણ મનમાં રણકે છે, એ પંદર વર્ષની નિર્દોષ લાજ, મને આજે પણ સળગાવે છે.


તું હસે ત્યારે બારી ખૂલે, મારા માટે આખો આકાશ, મારા દિલમાં રહેતું નામ, તું જ મારી પ્રથમ આશ.


આ પછી બે વર્ષ એમ જ નજરોથી વાતો કરતા વીતી ગયાં.


અર્પિત હવે કોલેજ ના બીજા વર્ષ માં ,અને રુદ્રા બારમાં ધોરણ માં.


બંને પોતપોતાના ઉપરના ઓરડામાં બેસીને અભ્યાસ કરતા, બારીઓ સામસામી જાણે બે દિલ વચ્ચેનો એકમાત્ર રસ્તો.


એક સાંજ… રુદ્રાએ લખતા લખતા અર્પિત તરફ જોયું. અર્પિત તો તેને જ જોતો હતો. નજરો મળી ગઈ.


રુદ્રાના ગાલ પર ગુલાબી લાજ છવાઈ ગઈ. અર્પિતનું હૃદય ધબકારા ચૂકી ગયું.


ત્યારેજ અર્પિતે પોતાની ટેપ પરની કેસેટ ચાલુ કરી:


“મેરે સામને વાલી ખિડકી મેં

એક ચાંદ કા ટુકડા રહતા હૈ…”


ગીતના શબ્દો સીધા રુદ્રાના હૃદય સુધી પહોંચ્યા. તે હળવેથી હસી અને બારીની ઓટમાં ખસી ગઈ,

પણ હસવામાં, આંખોમાં અને શરમમાં પ્રેમનો આખો સ્વીકાર છૂપાયેલો હતો.


ગીત પૂરુ થયું, પણ બંનેના દિલમાં સંગીત આખી રાત ઊમટતું રહ્યું.


નજરોએ ઘણું કહી દીધું હતું, પણ હોઠો પરનો એકરાર હજી બાકી હતો.


અર્પિત શરમાળ સ્વભાવનો હતો, પણ મિત્રો એ હિંમત આપી થોડાક તાના આપ્યા અને અર્પિત માં પણ હિંમત નો સંચાર થયો.


અને એક દિવસ, બપોર ની તે ક્ષણે, અર્પિત સાયકલ પર રુદ્રાની સ્કૂલ પાછળ ગયો. હાથમાં કંપતું એક લાલ ગુલાબ.


રુદ્રા આવી. અર્પિતે હળવેથી ગુલાબ આગળ કર્યું.


રુદ્રાએ શરમાઈ ગઈ અને ઝડપ થી તે ગુલાબ લઈ લીધું અને કોઇ શબ્દ વગર સ્કૂલમાં દોડી ગઈ.


ત્યાર બાદ અર્પિતનું મન ભયથી ડગમગાયું. "આ તો હવે માતા–પિતાને કહી દેશે…" તો પપ્પા આવી ને ધોકાવી નાખશે.


તે આખો દિવસ બારી પાસે બેસી રહ્યો.


સાંજે રુદ્રા દૂરથી આવતી દેખાઈ. અર્પિત ધ્રુજતી આશા સાથે દરવાજા પાસે ઊભો રહ્યો.


રુદ્રા સામે આવી. હળવેથી હસી. અને પોતાની વાળની ઢીલી વણીમાં ખૂંપેલો એ જ લાલ ગુલાબ બતાવ્યો.


તેણે વાળ માં થી ગુલાબ બહાર કાઢ્યું અને ધીમે રહી ને સૂંઘ્યું, અને પોતાના ગાલે પર હળવેથી ફેરવ્યું.


એ ક્ષણમાં બંને ની અંદર પ્રેમ આખા ખીલેલા ગુલાબની સુગંધ જેમ ફેલાઈ ગયો.


બંને જાણતા હતા આ માત્ર શરૂઆત છે. આગળની કઠિન મુસાફરી હજી બાકી છે…


(અપૂર્ણ)