Life Lessons Series – Part 1 in Gujarati Moral Stories by Baldev Thakor books and stories PDF | જિંદગીનો સંદેશ

Featured Books
Categories
Share

જિંદગીનો સંદેશ

ઘનઘોર જંગલમાં એક ગર્ભવતી હરણી એકલી ભટકતી હતી. તેનું પ્રસવનો સમય નજીક હતો અને તે પોતાના બાળકને જન્મ આપવા માટે એક સલામત, શાંત અને એકાંત સ્થાન શોધી રહી હતી.
 
જંગલમાં વહેલી સવાર હતી, હળવો પવન ફૂંકાઈ રહ્યો હતો, અને પક્ષીઓના સ્વર હવામાં ગુંજી રહ્યા હતા. પરંતુ હરણીના મનમાં ચિંતા હતી. તે જાણતી હતી કે જન્મ આપવાની ક્ષણે તેને સૌથી વધારે સુરક્ષા જોઈએ.

થોડું દૂર ચાલતાં તેને નદીના કિનારે ભારે ઊંચી અને ઘની ઘાસ દેખાઈ. આસપાસ શાંતિ હતી અને પાણીનો ધીમો અવાજ મનને સ્થિરતા આપતો હતો. તેથી હરણી એ સ્થળને યોગ્ય માની થંભી ગઈ.

ત્યાં પહોંચતાં જ તેને પ્રસવ વેદના શરૂ થઈ. શરીરમાં વ્યાકુળતા વધી રહી હતી, પરંતુ તે માનસિક રીતે તૈયાર થવા લાગી. એટલામાં જ આકાશમાં ઘનઘોર કાળો વાદળ છવાઈ ગયો. વીજળી કડાકા સાથે ગાજવા લાગી. હરણી ડરી પણ હતી અને આશાવાદી પણ.

પરંતુ પરિસ્થિતિ એવી બની કે ભય વધી ગયો. હરણી એ ડાબી બાજુ જોયું. ઘાસમાં છુપાયેલા શિકારી એ તેની પર તીર તાણીને બેસેલો હતો. તે સંપૂર્ણ નિશાન બનાવી ચૂક્યો હતો.

હરણી ડરીને જમણી બાજુ વળી, પણ ત્યાં એક મોટો, ભૂખ્યો સિંહ બેસેલો હતો. તેની આંખો તેજસ્વી હતી અને તે એક પળમાં હરણી પર ઝંપલાવી શકે તેવી સ્થિતિમાં હતો. હરણી આગળ જોયું—સૂકાં ઝાડ-પાનમાં આગ લાગી હતી.
આગ ધીમે ધીમે તેની તરફ આગળ વધી રહી હતી. હરણી પાછળ વળી તો નદીમાં ભારે પ્રવાહ હતો. પાણીનું વહેણ જોખમી હતું. ચારેય તરફ ખતરો જ ખતરો!

હવે હરણી પાસે કોઈ રસ્તો નહોતો. ભાગવું અશક્ય, લડવું અશક્ય. પ્રસવ વેદના વધતી જતી હતી. તે સમજી ગઈ કે ભાગવાનો પ્રયાસ બાળકને નુકસાન પહોંચાડી શકે.
તેથી તેણે એક ગહન અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો—બધું કુદરત પર છોડી દેવું. તેણે પોતાનો ભય, પીડા અને ચિંતા ભૂલીને માત્ર પોતાના ધર્મ પર ધ્યાન આપ્યું: બાળકને જન્મ આપવો.

અને એ ક્ષણે કુદરત એ પોતાના કરિશ્મા બતાવવાનું શરૂ કર્યું. અચાનક આકાશમાં એક ભયંકર તેજ વીજળી ચમકી. પ્રકાશ એટલો તેજ હતો કે શિકારીની આંખો ચોંધાઈ ગઈ અને તેણે જે તીર છોડ્યું તે નિશાન પરથી ચૂકી ગયું.
તીર હરણિ પાસેથી પસાર થઈ સિંહની આંખમાં વાગ્યું. સિંહ જોરથી દહાડ્યો અને દુઃખથી જંગલમાં દોડતો ગયો. શિકારી, સિંહને ઘાયલ જોઈને ડરી ગયો અને તરત જ ભાગી છૂટ્યો.

તે જ સમયે આકાશ ફાટ્યું અને ભારે વરસાદ શરૂ થયો. આગળ લાગી હતી એ આગ વરસાદમાં બુઝાઈ ગઈ. થોડા જ પળોમાં આખું જંગલ ફરી શાંત અને સુરક્ષિત થઈ ગયું. બધાં જોખમો એક સાથે ગાયબ થઈ ગયા.

એ પવિત્ર અને નિર્ભય ક્ષણે હરણી એ એક નાનકડા, સ્વસ્થ શાવકને જન્મ આપ્યો. તે ખુશ હતી, શાંત હતી અને કૃતજ્ઞ હતી. તેણે સમજ્યું કે ક્યારેક જીવનમાં આપણે બધું નિયતિ પર છોડી દઈએ તો કુદરત આપણું સંરક્ષણ કરે છે.

આ વાર્તા આપણને શીખવે છે કે મુશ્કેલીના સમયમાં ગભરાવાનું નથી. જ્યારે આપણે શાંતિ રાખીને પોતાના કર્તવ્ય પર ધ્યાન આપીએ છીએ, ત્યારે પરમાત્મા માર્ગ બનાવી આપે છે.

શિક્ષા :

જીવનમાં પણ ઘણી વાર આવી પરિસ્થિતિઓ આવે છે જ્યાં આપણે ચારેય તરફથી મુશ્કેલીઓમાં ઘેરાયેલા હોઈએ છીએ અને કોઈ નિર્ણય લઈ ન શકતા હોઈએ. ત્યારે પોતાના કર્તવ્ય અને પ્રાથમિકતા પર ધ્યાન કેન્દ્રિત રાખવું જોઈએ. બાકી બધું નિયતિ પર છોડી દેવું.

ભગવાન પર વિશ્વાસ રાખો — તે યોગ્ય નિર્ણય કરે છે અને તેનો નિર્ણય સર્વોત્તમ જ હોય છે.

આ હરણીની વાર્તા જીવનના સંકટો વચ્ચે વિશ્વાસ અને શાંતિની શક્તિ દર્શાવે છે. ગર્ભવતી હરણી ચારેય તરફથી ખતરા વચ્ચે ફસાઈ જાય છે—શિકારી, સિંહ, આગ અને ઉતાવળે વહેતી નદી. છતાં પણ તે ગભરાતી નથી, પોતાની પ્રાથમિકતા એટલે કે બાળકના જન્મ પર ધ્યાન કેન્દ્રિત રાખે છે. કુદરત પણ તેની નિષ્ઠા જોઈ મદદ કરે છે અને ચમત્કારો થવા લાગે છે. અંતે હરણી સુરક્ષિત રીતે શાવકને જન્મ આપે છે. આ વાર્તા આપણને શીખવે છે કે મુશ્કેલીના ક્ષણોમાં ગભરાયા વગર ધીરજ રાખવી અને પોતાના કર્તવ્ય પર ટકી રહેવું જોઈએ. વિશ્વાસ હંમેશા માર્ગ બનાવે છે.