ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 52
શિર્ષક:- શ્રી શંકરચૈતન્ય ભારતીજી
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
🤷 મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
📚 પ્રકરણઃ 52."શ્રી શંકરચૈતન્ય ભારતીજી"
ભારતને ધર્મપ્રધાન દેશ કહેવાય છે. ધર્મની પરાકાષ્ઠા આધ્યાત્મિકતા છે. અને આધ્યાત્મિકતા સાધનાથી સિદ્ધ થતી હોય છે. સાધનાની બાબતમાં ભારતીય આધ્યાત્મિક ક્ષેત્રમાં એટલી બધી પ્રચુરતા છે કે સામાન્ય વ્યક્તિ અટવાઈ જાય. ભક્તિ, સેવા, કર્મ, યોગ, તંત્ર, મેલીવિદ્યા, જ્ઞાન, વામાચાર વગેરે અનેક માર્ગો અને પ્રત્યેક માર્ગના અસંખ્ય ઉપમાર્ગો દ્વારા સાધના કરવાનું તે તે માર્ગીઓ લોકોને સમજાવતા હોય છે. અસ્થિર મનવાળો સાધક વારંવાર માર્ગો બદલતો હોય છે અને અસંતોષની સાથે નિષ્ફળતા વહોરતો હોય છે. આ માર્ગ સારો કે પેલો તેની ભાંજગડમાં ઘણાનું આખું જીવન અટવાઈ જતું હોય છે. એક જ માર્ગ કરતાં તેમાં વિકલ્પ પણ હોય તો તેથી રુચિ તથા ક્ષમતા પ્રમાણે સાધકને સરળતા રહે. પણ બેસુમાર માર્ગો તો મોટા ભાગે અવ્યવસ્થા તથા અનિશ્ચિતતા જન્માવતા હોય છે. ઘણી વાર પારસ્પરિક વિખવાદ પણ ઊભરાતા હોય છે.
મારી માફક અસંખ્ય સાધુઓ અંતે તો સાધના કરવા જ સાધુ થયા હોય છે. થોડો સમય વિદ્યાધ્યયનની સાધના કરીને મારે પણ અંતે તો કોઈ આત્મ-કલ્યાણની સાધનાજ કરવાની હતી, એટલે એ દિશામાં મારી શોધખોળ ચાલ્યા કરતી. હું ઈશ્વરવાદી હતો. ભક્તિમાર્ગી હતો. મને જાપ કરવા બહુ ગમતા. મેં જીવનમાં જે કાંઈ પ્રાપ્ત કર્યું છે તે જાપ દ્વારા જ પ્રાપ્ત કર્યું છે. જાપમાં અમાપ શક્તિ છે તેની મને અનેક વાર પ્રાતીતિ થઈ છે. તેમ છતાં આનાથી પણ વધુ કોઈ ઊંચી સાધના હોય તો તેની શોધ કરતા રહેવાની મારી તત્પરતા હતી. એટલે હું પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ સાધુસંતો પાસે જતો હતો.
તે સમયે કાશીમાં સ્વામી શંકરચૈતન્ય ભારતી ઊંચી કોટિના વિદ્વાન, ત્યાગી તથા સાધક પુરુષ હતા. ગંગાકિનારાના લલિતા મઠના છેક ઉપરના માળે સામાન્ય રૂમમાં તે રહેતા. સ્નાન કરવા સિવાય તે ભાગ્યે જ નીચે ઊતરતા. લોકોની સાથે તેઓ સંપર્ક રાખતા નહિ અને લોકોને પોતાની પાસે આવવા દેતા નહિ. એક વાર બિરલાજીને પણ બારણેથી જ પાછા કાઢેલા. મા આનંદમયી સાથે તેમને સારો ભાવ હતો. તેમની આવશ્યકતાઓ માના આશ્રમ તરફથી પૂરી કરાતી. તેઓ પરીક્ષાર્થીઓને ભણાવતા નહિ. પરીક્ષા વિના જે ભણવા માગતા તેને ભણાવતા. પરીક્ષાના તેઓ વિરોધી હતા. અમે બે-ચાર સાધુ અવારનવાર તેમના દર્શને જતા. તેમના ત્યાગ અને જ્ઞાનથી અમે બહુ જ પ્રભાવિત રહેતા. તેઓ લક્ષ્મીનો સ્પર્શ કરતા નહિ. મેં પણ કેટલોક સમય એમની રીતે વિતાવેલો, અને ભણી રહ્યા પછી ભવિષ્યમાં ફરીથી આવા જ ત્યાગી થવાનો મારો આદર્શ હતો. એટલે મને તેમનું જીવન બહુ ગમતું.
તેમના અંતિમ દિવસો અત્યંત દુઃખમાં વિત્યા. શારીરિક રીતે તે બહુ પીડાતા. ઘણી વેદના થતી. તેઓ ઘણો સમય બેસી રહેવા છતાં લઘુશંકા કરી શકતા નહિ. તેઓને રિબાતા જોઈને અમે ડૉક્ટર-બોલાવવાનો આગ્રહ કરતા પણ તેઓ માનતા નહિ. તેઓનું નિશ્ચિત માનવું હતું કે ડૉક્ટરથી આ દર્દ મટવાનું નથી. આ તો મારું જ બનાવેલું દર્દ છે. અર્થાત્ સાધનાની ભૂલોનું પરિણામ છે. તેઓ અમને ઉપદેશ આપતા – મારા જેવું કૃત્રિમ જીવન ન જીવશો. સહજ જીવન જ બરાબર છે. ત્યાગ, વૈરાગ્ય અને જ્ઞાનના નામે મેં મારા જીવનને એટલું બધું કૃત્રિમ બનાવી દીધું કે હવે હું જીવનને જ ખોઈ બેઠો છું. તમે આવું ન કરશો.
હું ત્યારે તેમની વાતોને બરાબર સમજી શકતો નહિ, પણ અમે બધા કર્મફળવાદી હતા એટલે એમ માનતા કે પૂર્વના કોઈ કર્મનો ઉદય થવાથી આ મહાપુરુષ દુઃખી થાય છે. આ જન્મે તો તેમણે કાંઈ જ પાપ નથી કર્યાં પણ જન્માંતરનાં કર્મો તેમને નડી રહ્યાં છે. જોકે હવે મને લાગે છે કે આ કર્મવાદ સચોટ નથી, તેનાથી પ્રજા પુરુષાર્થહીન થઈ જાય છે. તેઓ જન્માંતરનાં કર્મોનું પરિણામ નહિ પણ આ જન્મનાં કર્મોનું જ પરિણામ ભોગવી રહ્યા હતા. તે વાત ત્યારે સમજાતી ન હતી. નાના સરખા રૂમમાં પુરાઈ રહેવું, મીઠાનો ત્યાગ, અમુક આચારનો ત્યાગ, હસવા-બોલવા-ગમ્મતનો ત્યાગ, સતત એકાકી અને એકાંત જીવનને પોતાના ઉપર જકડી દેવું, હઠપૂર્વકનાં અમુક કઠોર આસનો કલાકો સુધી કરવાં, હઠયોગની અમુક પ્રક્રિયાઓ કરવી, આ બધું આવાં પરિણામો માટેની ભૂમિકા હતી. તે પોતે પોતાની ભૂલોને સમજી ગયા હતા. એટલે જ તેઓ અમને એ રસ્તેથી વાળવા માગતા હતા. જીવનમાં વ્યાયામ, ગમ્મત, હરવું-ફરવું, સંતુલિત આહાર વગેરે જરૂરી છે. આ બધું ન હોય તો શરીર તથા મન બન્નેની માંદગી આવવી અનિવાર્ય છે. ઘણા દિવસો તે રિબાતા રહ્યા. એક વાર સાંજના પાંચ વાગે મને સમાચાર મળ્યા કે તેમનું અવસાન થઈ ગયું છે. હું દોડતો તેમના સ્થાને પહોંચ્યો. ખરેખર તેઓ ગુજરી ચૂક્યા હતા. તેમના નાનાસરખા રૂમની આગળ પતરાની એક પડાળી હતી. તેના પાઇપના થાંભલાને અઢેલીને તેમનો મૃતદેહ પદ્માસન વાળીને બેસાડ્યો હતો. મેં તેમને દંડવત્ પ્રાણામ કર્યા. આઠ-દસ સાધુઓ એકત્રિત થયા. તેમની અંતિમવિધિ માટે અમારામાં બે પક્ષો પડી ગયા. અમે તેમના જ્ઞાન-વૈરાગ્ય તથા ત્યાગના ચાહકો બીજા દિવસે વાજતેગાજતે તેમની સ્મશાનયાત્રા ફેરવીને પછી ગંગાજીમાં જળદાહ આપવા માગતા હતા. જ્યારે મઠના જવાબદાર અધિકારીઓ તત્કાળ જ ગંગાપ્રવાહ કરી દેવા માગતા હતા. સાંજ પડી ચૂકી હતી. એટલે અંતે અમારો વિજય થયો. બે સાધુઓને મૃતક શરીર પાસે બેસાડીને અમે સૌ વિખરાઈ ગયા.
બીજા દિવસે અમે સૌ ભેગા થયા. મૃતક શરીર પાસે રહેલા સાધુએ મને એકાંતમાં એક વાત કરી જે સાંભળીને મારું માથું ચકરાવા લગ્યું. તેણે કહ્યું કે રાતના દસ વાગ્યે અમે તેમના પેટમાં ગડગડાટ થતો સાંભળ્યો. થોડી વારે તેમને બે ઈંચનો કઠણ ઝાડો થઈ ગયો જણાયો. તેમની વાતથી હું વિચારે ચડી ગયો. આપણે એમ માનીએ છીએ કે મૃતકનો આત્મા જો ઉર્ધ્વદ્વારેથી નીકળે તો ઊર્ધ્વગતિ થાય પણ જો અધૌદ્રારેથી નીકળે તો અધોગતિ થાય. આ માન્યતા પ્રમાણે તો સ્વામીજીની અધોગતિ જ થઈ કહેવાય. તેમનું જીવન નિર્મલ, સ્વચ્છ અને જ્ઞાન-વૈરાગ્યથી ભરપૂર હતું છતાં આવું કેમ થયું હશે ? હું વિચારોના ચકડોળે ચક્કર લઈ રહ્યો હતો. ધીરે ધીરે ત્રીસ-ચાળીસ સાધુઓ એકત્રિત થઈ ગયા. હવે તેમની સ્મશાનયાત્રા કાઢવાની હતી.
એક બીજો મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થિત થયો. તેમના શરીરમાંથી માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવવા માંડી હતી. માથું જરાક નીચું થાય કે તરત જ નાકમાંથી શ્લેષ્મના લોચા નીકળવા લાગતા હતા. શરીર ઉપર કાળાં-કાળાં ચાઠાં પડવા માંડ્યાં હતાં. માત્ર બાર જ કલાકમાં કોઈ મૃતકની આવી દશા થઈ મેં જાણી ન હતી. કાશીમાં મેં ઘણા મૃતકોની વિધિ કરી હતી. કોઈ પણ સાધુ – શ્રીમંત કે ગરીબ ગુજરી જાય તો મોટા ભાગે હું પહોંચી જતો તથા મારા હાથે મૃતકને સ્નાન વગેરે વિધિ કરાવતો. પણ અહીં તો મૃતકની નજીક જવા કોઈ તૈયાર ન હતું એટલી અશુચિ થઈ ગઈ હતી. હવે શું કરવું ? અમને લાગ્યું કે ગઈ કાલે સાંજે જ ગંગાજીમાં પ્રવાહ કરી દીધો હોત તો સારું હતું. પણ હવે શું થાય ? અત્તરની શીશીઓ મંગાવી. આખા શરીર ઉપર ઢોળ્યું. હું અને એક બીજા બહ્મચારી હતા તેમણે મળીને નાક બંધ રાખીને માંડ માંડ અંતિમવિધિ પાર પાડી, નગરયાત્રા માટે જે વિમાન બનાવેલું તેમાં તેમનું માથું ઊંચું બાંધીને જેમ તેમ નગરયાત્રા પૂરી કરી. કારણ કે જરાક માથું નીચું થતાં જ શ્લેષ્મ નીકળી પડતા હતા. અંતે નાવમાં ગંગાજીની વચ્ચે લઈ જઈને વિધિપૂર્વક તેમને પ્રાવાહિત કરી અમે સૌ પાછા ફર્યા. હવે મને લાગે છે કે જળમાં મડદું પ્રાવાહિત કરવાની વિધિ ઉત્તમ નથી. તેથી જળ દૂષિત થાય છે, મૃતકને બાળવું કે પછી દાટવું જ ઉત્તમ લાગે છે..
ભારે અને ગૂંચવાયેલા મને હું ટેકરા મઠમાં પાછો ફર્યો. આટલા મોટા વિદ્વાન, ત્યાગી, જ્ઞાની અને સાધકનું મૃત્યુ જે રીતે થયું હતું તેથી મૃત્યુ સંબંધી માન્યતાઓને આઘાત પહોંચ્યો હતો. મરતાં પહેલાં તેઓ રિબાયા પણ હતા. અને અમને કહેતા હતા કે આવું જીવન ના જીવશો. અમે તેમને આદર્શતમ સંત માનતા હતા. અને તેમના જ પગે પગે આગળ વધવાની ખેવના રાખતા. પણ પગ તળેની ધરતી ખસી જાય તેમ તેમણે સ્વયં જ કહ્યું હતું કે મારી રીતે જીવન ના જીવશો. શું આ ભૂલનો એકરાર હતો ? કે પછી અમારી અપાત્રતા તેમાં કારણ હતી ? તેમના મૃત્યુની સ્થિતિએ મારી માનસિક સ્થિતિ હચમચાવી નાખી હતી.
આભાર
સ્નેહલ જાની