Mara Anubhavo - 51 in Gujarati Spiritual Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા અનુભવો - ભાગ 51

Featured Books
Categories
Share

મારા અનુભવો - ભાગ 51

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 51

શિર્ષક:- નિંદા પ્રસ્તાવ

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

📚 પ્રકરણઃ 51."નિંદા પ્રસ્તાવ"



વર્ણધર્મનાં મૂળ આભડછેટમાંથી પાણી મેળવે છે એટલે નખશિખ અભડાઈ જવાના વિધિઓ તથા નિષેધો બતાવાયા છે. બૌદ્ધ સાધુઓ પર્વતો પાર કરીને તથા સમુદ્ર તરીને દૂર દૂર સુધી ધર્મપ્રચાર માટે ગયા હતા અને અડધા વિશ્વને બૌદ્ધધર્મી બનાવ્યું હતું. પણ બૌદ્ધ ધર્મના હ્રાસ પછી જે વર્ણધર્મનો પુનરુદય થયો તેમાં અભડાઈ જવાની વાત એટલી બધી આવી કે સમુદ્રયાત્રા તો ન જ થાય, સાથે સાથે ભારતના કેટલાક પ્રાન્તોની યાત્રા પણ ન થાય. આવા પ્રાન્તોમાં પવિત્ર મનાતા પુરુષો જાય નહિ, અને કદાચ જાય તો ભ્રષ્ટ થઈ જાય. એટલે તેમણે ફરીથી પ્રાયશ્ચિત્ત કરીને જનોઈ પહેરવી પડે.



આવાં વિધાનોનું પરિણામ એ આવ્યું કે એ પ્રાન્તો ધર્મપ્રચારકો વિનાના થવાથી ત્યાં વિધર્મીઓને સરળતાથી પ્રવેશ મળી ગયો જેથી હિન્દુધર્મ ભૌગોલિક રીતે સંકુચિત થઈ ગયો. બીજી તરફ જે પ્રાન્તો પવિત્ર મનાતા હતા તથા જ્યાં આર્યો(પંડિતો)ને રહેવા માટે પ્રેરિત કરાયા હતા ત્યાં મનુષ્યલક્ષી ભ્રષ્ટતા હતી. અર્થાત્ શૂદ્રો, મહાશૂદ્રો, ચાંડાલો વગેરે એવાં માણસો હતાં જેમના સ્પર્શથી પણ ભ્રષ્ટ થઈ જવાતું હતું. આચારલક્ષી કે વ્યવસાયલક્ષી પવિત્રતાની જગ્યાએ જ્ઞાતિ તથા વર્ણલક્ષી પવિત્રતા ઉપર એટલો બધો ભાર મુકાયો હતો કે માણસ માણસની નજીક ન આવી શકતો. આ પ્રકારની અસ્પૃશ્યતા માત્ર હીન ગણાતી જાતિઓ સુધી સીમિત ન હતી, પણ ઉત્તમ ગણાની જ્ઞાતિઓને પણ તેનાથી ઉત્તમ રસોડા તથા પાણિયારાના  ક્ષેત્રમાં અસ્પૃશ્ય માનતી.



વિશ્વની કોઈ પ્રજાના ગળામાં આટલી બધી અસ્પૃશ્યતાની ભારે ઘંટી બાંધવામાં નહિ આવી હોય. સ્પર્શની અસ્પૃશ્યતા, દર્શનની અસ્પૃશ્યતા, રોટીની અસ્પૃશ્યતા,જળની અસ્પૃશ્યતા તો જાણે ઠીક, પણ વિદ્વાનોમાં એક, બીજી પણ અસ્પૃશ્યતા હતી. તેનું નામ જ્ઞાન-અસ્પૃશ્યતા. અર્થાત્ પોતાનું જ્ઞાન નિશ્ચિત વર્ગ સિવાય કોઈને આપવું નહિ. અને બીજા વર્ગનું જ્ઞાન લેવું નહિ જેમ વર્ણસાંકર્યને  દોષ મનાતો તેમ જ્ઞાન સાંકર્યને પણ દોષ મનાવા લાગ્યો. ફાહ્યાન તથા હ્યુ-એન-સાંગ જેવા જ્ઞાનપિપાસુઓ બહાર ગયા સાંભળ્યા નહિ. કારણ સ્પષ્ટ જ છે. અલ બેરૂનીના અભિપ્રાય પ્રમાણે “અમે પૂર્ણ છીએ અને અમારે કોઈના જ્ઞાનની જરૂર નથી' તેવી અહંકારી વૃત્તિ વિદ્વાનોમાં ભરપૂર ભરવામાં આવી હતી. એટલે ‘મારું જ્ઞાન પૂર્ણ છે' એવા ભાવથી ગુરુતાગ્રંથિ બંધાઈ ગઈ હતી. અમે વિશ્વના ગુરુ હતા' એવી મિથ્યા-મનોવૃત્તિથી પ્રજાની બેવડી હાનિ થાય છે. આજે પણ ઘણા વિદ્વાનોમાં જોવા મળે છે. એક તરફ પોતાના જ્ઞાનનો વિકાસ અટકે છે તો બીજી તરફ પાડોશીના ત્યાં વિકસિત થયેલા જ્ઞાનને  અભાવના કારણે સ્વીકારી શકાતું નથી. પ્રજા કાલ્પનિક તથા મિથ્યા ભૂતકાળમાં રાચતી થઈ જાય છે, અંતે તે પછાત પ્રજા થઈ જાય છે.



હું કાશીમાં હતો ત્યારે પંડિતોની એક સભા મળેલી. સભાએ નિવૃત્ત થયેલા શંકરાચાર્ય શ્રી કૃષ્ણતીર્થજીની સમુદ્રયાત્રાના વિરોધમાં નિંદપ્રસ્તાવ પસાર કર્યો હતો.



ઘણાને ખબર હશે કે પુરીના આ નિવૃત્ત શંકરાચાર્ય વેદોના બહુ મોટા વિદ્વાન હતા; વેદોમાંથી કેટલાક મંત્રો દ્વારા તે કઠિનમાં કઠિન ગણિતના ઉત્તરો કમ્પ્યુટરથી પણ પહેલાં ગણી આપતા. તેમની અગણિત વિદ્યા ઉપર અમેરિકાના ગણિતજ્ઞો મુગ્ધ બન્યા હતા. તેમણે વેદમંત્રો દ્વારા ગણિત સાધવાનો ધૂમ પ્રચાર કર્યો હતો. સમાચારપત્રો દ્વારા આ સમાચાર કાશીના વિદ્વાનો  સુધી પહોંચ્યા. બસ તેમણે સભા કરીને ઠરાવ પસાર કર્યો કે આટલી મોટી ગાદી ઉપર બેસી ચુકેલા માણસ જો સમુદ્રયાત્રા કરશે તો ધર્મમર્યાદા નષ્ટ થઈ જશે. જોકે તે નિવૃત્ત થતા છતાં તેમને આવા ઠરાવ દ્વારા હતોત્સાહિત કરવામાં આવ્યા. ખરેખર તો તેમને અભિનંદન કરવું ઘટે કારણ કે તેમણે અમેરિકાના બૌદ્ધિક વર્ગમાં વેદમંત્રો પ્રત્યે આકર્ષણ જગાવ્યું હતું, પણ “વો દિન કહાં કિ મિયાં કે પાંવ મેં જુતિયા હો ?’ હિન્દુ ધર્મનું એવું નસીબ છે કે પોતાના સપુતોનું સન્માન અને કપુતોનું અવમાન થવાની જગ્યાએ સપૂતોની નિંદા થાય અને કપૂતો ઘીકેળાં ઉડાવે એવી દશામાં જો પ્રજા અટવાતી હોય તો પરિણામ શું આવે ?



"અપૂજ્યા યત્ર પૂજ્યન્તે પૂજ્યાનાં  ચ વ્યતિક્રમઃ ।

ત્રીહિ તત્ર: ભવિષ્યન્તિ દુર્ભિક્ષં મરણં ભયમ્ ।।"


[ જ્યાં અપૂજ્યોની પૂજા થાય તથા પૂજ્યજનોનાં અપમાન થાય ત્યાં વારંવાર દુકાળ, મરણ અને ભયની સ્થિતિ થશે. ]



આભાર

સ્નેહલ જાની