નિસર્ગે એની ખૂબ કિંમતી વસ્તુ એણે એના કબાટના સિક્રેટ લોકરમાં સંતાડીને રાખી હતી. સંજયભાઈ પાસેથી ચાવીનો જુડો લઈને નિસર્ગે ચાવી વડે એ લોક ખોલ્યો તો સૌ કોઈની આંખો આશ્ચર્યથી જોવાં લાગી. એ વસ્તુ હકીકતે ખજાનાથી ઓછી ન હતી. સૌનાં મનમાં એક જ સવાલ હતો કે આજ સુધી નિસર્ગે એવી પ્રિય વસ્તુ વિશે કોઈને જાણ કેમ નહિ કરી હોય ?
"નિસર્ગ, તને ડ્રોઈંગનો પણ આટલો શોખ હતો ? આટલા વર્ષૉમાં તે મને તો કોઈ દિવસ કહ્યું પણ નથી !"
લોકરમાંથી નિસર્ગે પોતે એની નાની ઉંમરમાં ડ્રોઈંગ કરેલા હતા એ ચિત્રો નીકળ્યા હતા. જેમાં પશુ - પક્ષીથી લઈને કુદરતી સીન અને ભગવાનના પણ ચિત્રો હતા. કોઈ એ ચિત્રો જોઈને કહી ના શકે આ કોઈ આઠ વર્ષના નાના બાળકે બનાવ્યા છે.
ચિત્ર બનાવવામાં ચોક્કસાઈનું પણ નિસર્ગે એટલુ ધ્યાન રાખ્યું હતું. એના ચિત્રો પરથી એવો ખ્યાલ આવી શકે કે, એનો પ્રથમ પ્રેમ ડ્રોઇંગ રહેવો જોઈએ. નાનપણમાં એને જવાબદારી નામનો ભાર આવી જવાથી એ એના પ્રેમને ભૂલી ગયો હતો. નિસર્ગ એ ચિત્રોને હાથમાં લઈને ચૂમી રહ્યો હતો.
"મમ્મી, તમને કદાચ કહેવાનું એ ભૂલી ગયાં હશે પણ હું એમની પત્ની છું. એ તો એમનાં શોખ વિશે મને કહી શકતાં હતાં." હિમજાએ ફરિયાદ કરી.
"વાવ ! પપ્પા ઈટ'સ લવલિ ડ્રોઈંગ પપ્પા. હા, મને યાદ આવ્યું પપ્પા. મારી સ્કુલમાં અમારાં મેડમે ઘરેથી ડ્રોઈંગ બુકમાં નેચરલ સીન ડ્રો કરીને લઈ આવવાનું કહ્યું હતું. એ દિવસે તમે હૂબહૂ આવુ જ નેચરલ સીન ડ્રો કરી આપ્યું હતું. કેટલુ અમેઝીન છે !" નીલે નેચરલ સીનનું ડ્રો હાથમાં પકડીને કહ્યું.
"તમને દરેક મારા આ ડ્રોઈંગના શોખ વિશે કહ્યું નથી, એના માટે હું માફી માંગું છું. ડ્રોઈંગ કરવું એ મારું પેશન બની ગયું હતું."
"ઘરમાં મમ્મીનો ઉગ્ર સ્વભાવ રહેતો હતો. પપ્પા ઘરના કામો કરીને બહાર નોકરી પર જતા રહેતા હતા. તેઓ ઘરે આવતા તો પણ ઘરના એમના કામો સામે જ રહેતા હતા. કોઈ પાસે મારી સાથે વાતો કરવાનો પાંચ મિનિટનો સમય રહેતો નહિ. એમ કહીએ કે, સૌ એમનાં જીવનથી કંટાળી ગયા હતા."
"સ્કુલમાં હજુ મારુ નામ નોંધાવ્યું હતું. ત્યાં મારો સમય સારો પસાર થઈ જતો હતો. મમ્મીનો સ્વભાવ અને પપ્પાનું કામમાં સતત વ્યસ્ત રહેવું. એ વિચારોને કારણે મારું મન કેમેય કરીને ભણવામાં લાગતું ન હતું. મેડમ મને કેટલુંય શીખવતા પણ મને કશુંય યાદ રહેતું નહિ."
"તેઓ રોજ કલાસની વચ્ચે મારું અપમાન કર્યે જતા હતા અને હું ચૂપચાપ બધુ સાંભળે જતો હતો. એમણે આપેલું હોમવર્ક દર વખતે મારુ અધુરું જ રહેતું, કારણ કે ઘરમાં મારી પાસે હોમવર્ક મને કરાવે એવું કોઈ હાજર રહેતું નહિ. મારાં અધુરા હોમવર્કને કારણે મેડમની ફુટપટ્ટી પણ મારાં હાથમાં એટલી ખાઈ ચુક્યો છું." નિસર્ગની વાત સાંભળીને સૌએ એક ઊંડો નિ:સાસો નાખ્યો. નિસર્ગે આગળ બોલવાનું ચાલુ કર્યું.
"એક દિવસ મેડમે કલાસની અંદર બ્લેક બોર્ડ પર ડ્રોઈંગ કરતાં શીખવતાં હતાં. સૂર્યનો આકાર ગોળ હોય તો એનો આકાર સિક્કાની મદદથી ગોળ કરતાં શીખવ્યો. વાદળોની ભાત કરતાં શીખવ્યું. ડુંગરોના ત્રિકોણ આકારો કેમ કરવા એ પણ અમને શીખવ્યું. એ રીતે તેઓએ મોટા બ્લેકબોર્ડ પર ફૂલ નેચરલ સીન ડ્રો કરી દીધો હતો. હું એ ચિત્ર જોઈને આભો બની ગયો હતો. પહેલી વાર મને કોઈ કામ માટે રસ જાગ્યો.
"મેડમે ચિત્ર દોરી લીધું, એ પછી એમણે કલાસમાં દરેક સ્ટુડન્ટ્સને એવું ચિત્ર અમારી નોટબુકમાં દોરાવવાનું કહ્યું હતું. અચરજની વાત તો એ છે કે અડધી કલાક પછી મેડમે દરેક સ્ટુડન્ટ્સનાં ચિત્રો જોયાં, તો એમને સૌથી વધુ સારું ચિત્ર મારું લાગ્યું. જે મેડમે કલાસની વચ્ચે મારું અપમાન કરેલું હતું, એ મેડમે ખુશ થઈને મને શાબાશી આપી હતી. સ્ટુડન્ટ્સની સામે મારું ચિત્ર બતાવીને મારી કલાગારીનાં તેમણે વખાણ કર્યા હતા. ઈનામનાં રૂપમાં એમણે મને એક ચોકલેટ પણ આપી હતી."
"નીલ બેટા ! તારા હાથમાં જે ચિત્ર પકડેલું છે; એ સૌથી પહેલું ચિત્ર મેં મેડમનાં કહેવાથી બનાવ્યું હતું. એ સમયે અમને ઈનામમાં ચોકલેટ આપતા એ અમારાં માટે સૌથી મોટી ગિફ્ટ કહેવાથી હતી. આ જો હજુ એ ઈનામને મેં સંઘરીને રાખી છે. ત્યાર બાદ હું મારા શોખને ઓળખતો થયો." નિસર્ગે ઈનામમાં આપેલી ચોકલેટ બતાવતા કહ્યું.
"મારાં પહેલાં કાર્યથી મેડમ ખુશ થઈ ગયાં હતાં. એમણે એ ચિત્ર પ્રિન્સીપાલને બતાવવાં લઈ ગયાં હતાં. પ્રિન્સીપાલે મને શાબાશી આપી. એ શાબાશી થકી મારામાં વધુ ચિત્રો દોરવાનો ઉત્સાહ જાગ્યો. મારો વધુ સમય ચિત્ર દોરવામાં વ્યસ્ત હતો. હું આસપાસની દરેક તકલીફોને ચિત્રના કાર્યમાં ભૂલી ગયો હતો. આ ચિત્રો મેં સાચવીને આ સિક્રેટ લોકરમાં રાખેલા હતા. એ પછી મમ્મીને લઈને આ ઘરથી અને મારાં શોખથી હંમેશને માટે દૂર થઈ ગયો. ઘર છોડ્યા પછી મને ચિત્ર કરવાની ઈચ્છા થઈ જ ન હતી. એમ કહેવુ પણ ખોટુ નથી કે, મેં મારા પહેલા પ્રેમને અંદર જ દબાવીને રાખ્યો. જે કોઈની સામે જાહેર કરવાની તક પણ ના મળી."
નિસર્ગના ચિત્રો બધાને ખૂબ જ ગમ્યાં. સંજયભાઈ અને રેખાબેન નિસર્ગના ચિત્ર પ્રેમને જોઈને દુઃખી થઈ ગયાં હતાં. કદાચ ! એમણે એમનો અહંકાર સાઈડ પર રાખી દીધો હોય તો નિસર્ગને પોતાના આ પ્રેમથી દૂર રહેવાનો સમય આવ્યો ના હોત.
એક કલાક પછી રેખાબેન અને હિમજા કિચનમાં જઈને બપોરની સઘળી રસોઈની તૈયારીઓ કરવાં લાગ્યાં. સંજયભાઈ અને નિસર્ગ બહાર આંગણામાં ઝાડનાં છાયા નીચે વાતોએ લાગી ચુક્યા હતા. નીલ પણ એના દાદા પાસે એમના જીવનના શોખ અને ખાટા મીઠા અનુભવોની વાતો સાંભળવા લાગ્યો.
રસોઈ બની ગયાં પછી સૌ એક સાથે જમવાં બેસી ગયાં. વર્ષો પછી સંજયભાઈને રેખાબેનનાં હાથનું જમવાનું નસીબ સાંપડ્યું. સંજયભાઈને જમ્યાં પછી અમીનો ઓડકાર લઈ લીધો. તેઓ પેટભરીને પણ ક્યારે જમ્યા હશે એ પણ એમને યાદ હતું નહિ.
સાંજનો સમય થઈ ચુક્યો હતો. નિસર્ગ, હિમજા અને નીલ સંજયભાઈ અને રેખાબેનની રજા લઈને ઘરે જવાની તૈયારી કરી લીધી. હિમજા રેખાબેનને ગળે વળગીને રડવાં લાગી.
"મમ્મી ! આ પ્રથમ વખત હશે કે, અમારે હવે તમારાં વિના એ ઘરમાં રહેવું પડશે. મા એની દીકરીને વિદાય આપીને રડે છે, પણ અહી તો એક દીકરી એની માને એનાં સુખી સંસારમાં મૂકીને જવાં સમયે રડે છે. આવું કોઈ શાસ્ત્રમાં પણ બનેલું નહિ હોય." હિમજા રેખાબેનને અળગી થતાં કહ્યું.
"હુ તો હજું પણ કહું છું કે, તમે લોકો અમારી સાથે એ ઘરે રહો. અમારે તમારાં લોકોથી દૂર રહેવું નથી." નિસર્ગે કહ્યું.
"અમે ક્યાં તમારાંથી દૂર છીએ ? ઈચ્છા થાય ત્યારે તમે લોકો અહીં અમને મળવાં આવી જાજો .અમને તમારી યાદ આવશે તો અમે દોડીને તમારી પાસે આવી જશું. થોડાંક અંતરે તો આપણે દૂર છીએ. દૂર રહીશું પણ એમાં યાદોનો ઘોડાપુર વધતો જ રહેશે."
રેખાબેને ખૂબ સુંદર વાતથી નિસર્ગને સમજાવી દીધો. અલગ ઘરમાં રહેવાથી મન અલગ થઈ જતાં નથી. અંતર થયું છે તો એ ઘરનું થયું હતું. મનથી તો સૌ શરીર અલગ પણ જીવ એક હતાં.
નિસર્ગ સંજયભાઈ અને રેખાબેનના આશીર્વાદ લઈને એમનાં ઘરે પરત જતાં રહ્યાં. બે દિવસની અંદર નિર્સગને મેનેજરની પોસ્ટ મળી ગઈ. એની ખુશાલીમાં નિસર્ગે એક હોટલમાં પાર્ટી ઓર્ગેનાઈઝ કરી. રેખાબેન અને સંછયભાઈની સાથે નજીકનાં સગા સંબંધીઓ અને નિસર્ગનાં મિત્રો હાજર હતા.
નિસર્ગે પ્રવિણ, હાર્દિક અને રાજને પણ વડોદરા પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપી દીધું હતું. રમેશભાઈ રાજ સાથે પાર્ટનરશીપમાં ધંધો કરવાની હા કરી દીધી હતી તો નવો ધંધો હોવાને કારણે રાજે પાર્ટીમાં આવવાની ના કરી દીધી હતી.
હાર્દિક પણ બિઝનેસનો વધુ લોડ હોવાથી એ પણ વડોદરા પાર્ટીમાં જઈ ના શક્યો. પ્રવિણના પરિવારમાં નવી તકલીફ આવવાથી એણે દિલગીર સાથે નિસર્ગને એ નહીં આવી શકે એના માટે માફી માંગી લીધી હતી.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"