હિમજાનાં કહેવાથી નિસર્ગને એના પપ્પા માટે રહેલ નફરતની પાછળ એમણે કરેલ સહનશીલતા તથા પરિવાર તરફ રહેલી અનન્ય લાગણીને મહેસુસ કરવાં લાગ્યો. એણે હિમજા પાસેથી એના પપ્પાની વેદના જાણીને એ જ ક્ષણે નક્કી કરી લીધું કે એ એના પપ્પાની માફી માંગીને એમને એમના ઘરે પરત બોલાવી લેશે.
સવારે નિસર્ગને ઓફીસના સમયે એના મોબાઈલ પર હાર્દિકનો કોલ આવી ગયો હતો. હાર્દિક સાથે નિરાંતે વાત કરવા માટે એ પાર્કિગ એરિયામાં કાર પાસે વાત કરવા ઊભો રહી ગયો. હાર્દિકે એની પાસે એના પપ્પાની વાત ઊખેડી લીધી. મનમાં એક ડર પણ હતો કે નિસર્ગ એના પપ્પાનું નામ જાણીને ગુસ્સો ના કરે.
"એ તો હું પણ જાણું છું. આપણે દોસ્ત છીએ અને એકબીજાના હમદર્દી પણ છીએ. મને એમ તો કહે કે તે તારા પપ્પાને માફ તો કરી દીધા ?" હાર્દિકે આંખ બંધ કરીને સવાલ એની સામે મૂકી દીધો.
"ગઈ રાત્રે મને રિયલાઈઝ થયું કે વર્ષો પહેલા અમારી સાથે જે કાંઈ બન્યું; એમાં ફક્ત મિસ્ટર સંજયનો દોષ ન હતો. પરિસ્થિતિ એવી હતી કે અમે એકબીજા પર દોષારોપણ કરવા લાગ્યા. ક્યારેક એમ થયું કે એ અમને સમજીને મનાવવા આવી જશે તો ક્યારેક હું મારા અહંકારમાં એમની વેદનાને મહેસુસ કરી ના શક્યો. બહુ જલ્દી હું એમને મળીને માફી માંગવાનો છું."
નિસર્ગની વાત સાંભળીને હાર્દિકને હાશકારો થયો. એને એ જાણીને ખુશી થઈ કે કોઈ પિતાને તો વર્ષો પછી એના પુત્રનો પ્રેમ મળશે ! એક રામને તો એના પુત્ર સાથે હંમેશને માટે ભેટો થશે.
"આ તો ખૂબ સારી વાત કહેવાય, નિસર્ગ. તને એમની તકલીફ સમજાઈ ગઈ તો હજુય એમને એમના નામથી કેમ બોલાવે છે ? તું એમને પપ્પા કહીને બોલાવી શકે છે અને હા જેમ બને તેમ વહેલી તકે તું એમની માફી માંગીને અને મનાવીને ઘરે સાથે રહેવા માટે બોલાવી લેજે."
"મોટાભાઈ ! મારે પણ એમને પપ્પા કહીને ગળે વળગવું છે. પિતા વિના મેં જીવનમાં જેટલી તકલીફો સહન કરી છે, એ તકલીફને મારે મીઠી ફરિયાદ સાથે ઠાલવી છે. વર્ષો પછી હું એમને પપ્પા કહેવા જઈ રહ્યો છુ, તો એક અનેરો ઉત્સાહ મારા હૃદયમાં તરવરી રહ્યો છે. એ સાથે હું મુંઝાઈ પણ એટલો રહું છું."
"હવે એમાં મુંઝાવવાનું આવે છે ક્યા ? જીવનમાં જે ગેરસમજના વાદળોએ નફરતનો વરસાદ વરસાવવાનો હતો એ વરસાવી લીધો છે. હવે તારા જીવનમાં અંધારપટ વાદળો દૂર થઈ ગયા છે. તને તારા પપ્પાનો પ્રેમ સાફ દેખાઈ આવે છે."
"મારા મૂંઝાવવાનું કારણ એ છે કે મેં આટલા વર્ષો એમની સાથે કોઈ વાત કરી નથી. એ ડિવોર્સ માટે આવેલા હતા તો મેં ગુસ્સાભર્યા શબ્દો વડે એમની સાથે વ્યવહાર કર્યો હતો. મારા વર્તનથી મને જ શરમ આવી રહી છે. આ બધું હું વિચારુ છું તો એમ થાય કે હું ક્યા મોઢે એમની સામે જઈને એમની માફી માંગી શકું. મારી તો એમની સાથે વાત કરવાની હિમ્મત થઈ રહી નથી.
"આટલી નાની વાતમાં તું મૂંઝાઈ ગયો છે ?આવું ચાલ્યા કરે. પિતાનું હૃદય વિશાળ દરિયા જેવું હોય છે. એક એવો દરિયો જેની અંદર બીજા લોકો માટે ખારા પાણીના મોજા ઊછાળે પણ એના દીકરા માટે તો હંમેશા શાંત થઈને રહે છે. તું એમની માફી માંગીશ નહિ પણ ખાલી પ્રેમથી પપ્પા કહીશ તો પણ તને એ ગળે લગાવી દેશે. તું પોતે જ એક દીકરાનો પિતા છે. તું તો પિતાના એ પાત્રને બખૂબી સારી રીતે નિભાવી રહ્યો છે. યાદ રાખજે એક પિતા માટે એના દીકરાથી બેસ્ટ મિત્ર કોઈ ના હોય શકે. હવે પછીના સમયમાં તારા પપ્પાને એક દીકરાની નહિ, પણ મિત્રની જરૂર છે. તું એમનો મિત્ર બનીને એમની અંદરની વેદનાને હળવે હળવે ઓછી કરતો જજે."
"યસ..યુ..આર રાઈટ મોટાભાઈ. હું સારો સમય જોઈને હિમ્મત કરીને એમને મારા ઘરે લઈ આવીશ. તમે મને એમ કહો કે તમારી પત્ની સાથે તમારાં સંબંધો હવે સુધર્યા ?"
"અરે યાર એમાં એવું છે કે આજકાલ કામનો લોડ બહુ વધી ગયો છે. ફ્રી થાઉં તો આગળ કોઈ વાત બને. એક વકીલને કોલ કરીને મેં પ્લાન તો બનાવી રાખ્યો છે પણ મને સમય મળે તો મીટીંગનું અરેજમેન્ટ થાય. આ મારી વાળી બહુ જીદ્દી છે એણે મનમાં ગાઠ વાળીને રાખી છે. એને મારી સાથે રહેવા આવવું નથી અને મને ડિવોર્સ આપીને મને મુક્ત કરવો નથી."
"એ બધુ થઈ જશે. તમે પ્રવિણકાકાએ આપેલા પ્લાન પર ચાલતા રહો. થોડાક દિવસ કામનું બર્ડન ઓછું કરી નાખો. પહેલાં પરિવાર સાચવવો એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ."
નિસર્ગની વાત હાર્દિકને પણ સાચી લાગી. એણે કહ્યું કે વહેલી તકે એના કામો આટોપીને વકીલને વચ્ચે રાખીને રીંકલ સાથેની મિટીંગ અરેંજ કરીને રહેશે.
નિસર્ગને ઓફીસ જાવાનું મોડું થઈ રહ્યું હતું. બાકીની વાતો તે નિરાંતે કરશે એવું કહીને જય મહાદેવ બોલીને સંપર્ક વિચ્છેદ કરી નાખ્યો. નિસર્ગ એની કાર લઈને ઓફીસ જવા નીકળી ગયો અને હાર્દિક એના ઘરે ચાય બનાવાની તૈયારીમાં લાગી ગયો.
સાંજના પાંચ વાગ્યે નિસર્ગ ઢગલાબંધ ફાઈલો વચ્ચે એની કેબિનમાં કામ કરી રહ્યો હતો. એવામાં એના મોબાઈલમાં રીંગ વાગી કામના ટેન્શનને લીધે રીંગને ઈગ્નોર કરતા નિસર્ગ એક ફાઈલ ખોલીને રીડ કરવા લાગ્યો. સામે છેડે કોલ કરનારને બેસબ્રી જરાય હતી નહિ. એણે કોલની એક રીંગ પૂરી થતાં ફરી કોલ જોડ્યો.
કદાચ કોઈને ઈમરજન્સી કામ હશે એ વિચારીને નિસર્ગે એની નજર ફાઈલમાંથી હટાવીને મોબાઈલની સ્ક્રીન પર સ્થિર કરી.
"હલો, કોઈ પણ કામ હોય એ ફટાફટ મને કહેજે. મારે આજ કામ બહુ વધી ગયુ છે." નિસર્ગે હિમજાનું નામ ઝબુકતું જોઈને કોલ ઊપાડતાંની સાથે કહ્યું.
"હું તમારી પાસે પરમિશન માટે કોલ કર્યો છે. તમે પરમિશન આપી દો એટલે કોલ કટ કરું."
"કેવી પરમિશન ? કવીકલિ સ્પીક." નિસર્ગ હાથની આંગળીઓમાં પેન ફેરવતા બોલ્યો.
"મમ્મીના મોબાઈલ પર પપ્પાનો કોલ આવ્યો હતો. તેઓ મમ્મીને પાર્કમાં મળવાં માંગે છે. તમે કહેતાં હોય તો જ મમ્મી પપ્પાને મળવાં જાય."
"તું મારી પાસે એ રીતે આજીજી કરે છે જાણે મમ્મીને એમનાં બોય ફ્રેન્ડને મળવાં જાવાનાં હોય. એ એમનાં હસબન્ડને મળવાં જાય છે તો ઠીક છે. એમાં મને પૂછવાની જરૂર નથી."
"હા તો હું તો મારાં બોય ફ્રેન્ડને મળવાં જઈ શકું છું ?"
"તારો બોય ફ્રેન્ડ ક્યારે જન્મ્યો ?"
"એ તો ઘણાં વર્ષો પહેલાં મારાં માટે જન્મ લીધેલો છે."
"તું હાલ આવી મસ્તી કરવાની રહેવાં દે. સાચે આજ કામનું ખૂબ ટેન્શન છે. કદાચ ! આજે ઘરે આવવામાં મોડું થશે તો મારી રાહ જોયાં વિના તમે લોકો જમી લેજો. ઓકે બાય લવ યુ."
નિસર્ગે હિમજાની પૂરી વાત સાંભળ્યાં વિના કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો. આ તરફ નિસર્ગના ઊતાવળમાં કોલ કટ કરવાને કારણે હિમજા ગુસ્સે થઈ ગઈ.
"કેટલા હરામી છે ? કામ હોય ત્યારે સરખી વાત પણ કરે છે ?" ગુસ્સો સ્થિર કરતાં તેણી ફરી મનમાં બોલી, "ગમે તેવાં હોય, પણ છે તો મારાં બોય ફ્રેન્ડ છે. લવ યુ નિસુ." એ પછી હિમજા શરમાઈ ગઈ.
આ તરફ રેખાબેનને સંજયભાઈને બગીચે મળવાં જવાની મંજુરી મળી ગઈ હતી. હિમજા તેણીના હાથે રેખાબેનને બગીચે જવા માટે તૈયાર કરી રહી હતી.
આછા ક્રિમ કલરની ગોલ્ડન પટ્ટો ધરાવતી સાડીને હિમજાએ રેખાબેનને ડાબી સાઈડ ઓપન પલ્લું રખાવીને પહેરાવી દીધી હતી. તેમના કાનમાં ડાયમન્ડને સિમ્પલ એયરીંગ પહેરાવી દીધી. હાથમાં સાદા એક ગ્રામના પાટલા પહેરાવી દીધા. હિમજાએ એમના વાળને એક અંબોળામાં બાંધી દીધા. ચહેરા પર તેણીએ એમને આછો મેકઅપ કરી દીધો. રેખાબેન તૈયાર થઈને અરીસા સામે જોયું તો એ ખુદને ઓળખી શક્યાં નહિ.
રેખાબેન એકધારું અરીસામાં એમને નિરખી રહ્યાં હતાં. એમને એમનો આ નિખાર કેવો લાગી રહ્યો છે, એ હજું એમણે જણાવ્યું નહિ. હિમજાનાં હૃદયના ધબકાર ડરને કારણે વધી ગયા. રેખાબેનને એમનો નવો લુક પસંદ આવશે નહિ અને તેઓ તેણી પર ગુસ્સે કરીને સંજયભાઈને મળવાં જવાની મનાઈ કરી દેશે તો..?
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"