પ્રકરણ ૨ :
મુરુગન એક સિદ્ધહસ્ત ઋષિ હતા, કે જેઓ વર્ષોથી નિયમિત રીતે તપ, સાધના અને અનુષ્ઠાનો કરતાં રહેતા. જેનાં ફળ સ્વરૂપે તેમને કેટલીક નાનીમોટી સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઇ હતી. એમાં વળી બૃહસ્પતિદેવ પાસેથી એક વિશિષ્ટ સિદ્ધિ પણ પ્રાપ્ત હતી, જે મુજબ તેઓ બે મૃત વ્યક્તિઓ શરીરમાં પ્રાણ ફૂંકી શકે તેમ હતાં. પણ આ એક અપૂર્ણ સિદ્ધિ હતી, એટલે એક વ્યક્તિને જીવંત કરી શકવા સુધી તો બધું સલામત રહે, પરંતુ વધુ એક વ્યક્તિના શરીરમાં જીવ રોપવાની કિંમત રૂપે તેમણે પોતાનો જીવ આપવો પડશે, એવી ચેતવણી પણ જોડે મળેલી. આમ એ એક અધૂરી સિદ્ધિ હતી,
જો કે આની પૂર્ણતા માટે તેમને કોઈ ઉતાવળ પણ નહોતી, કારણ તેમને પોતાના પ્રાણ કરતાં, અન્ય જીવોના કલ્યાણની વધુ ચિંતા રહેતી.
અને એટલે, એક સાવ નવી પણ અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવવા માટે ફરી એક અનુષ્ઠાનનું તેમણે આયોજન કર્યું. અને આ માટે તેમને ત્રણ અતિ નિષ્ઠાવાન અને પ્રમાણિક વ્યક્તિઓની જરૂર પડી.
વાત એમ હતી કે, અરાવલી પર્વતમાળાના વનમાં બનાવેલ તેમનાં આશ્રમ પરિસરની આસપાસ રહેતી ભીલ પ્રજા, વનની જીવસૃષ્ટિનો સંહાર કરી, માંસાહાર વડે પોતાનું જીવનનિર્વાહ કરતાં હતાં. ઋષિ મુરુગન ઇચ્છતા હતા કે, એ લોકો ખેતી કરે અને અનાજના ઉત્પાદન વડે તેમની જીવનશૈલીમાં સકારાત્મક ફેરફાર લાવે. તેથી તેમણે આ નવું અનુષ્ઠાન કરવાનું વિચાર્યું, કે જે દરમ્યાન યજ્ઞમાંથી ઉત્પન્ન થનારા ધૂમ્રમંડળથી આશ્રમની આસપાસની વનસ્પતિનું કદ અને ફેલાવો ઘટાડી શકાય, અને આમ વન પ્રદેશ થોડો સંકોચાઈ જતાં, ત્યાં થોડી જમીન ખેતી માટે ઉપલબ્ધ થાય. પણ ભીલ પ્રજાને જંગલની ઘનતામાં ઘટાડાની વાત ગમી નહીં, કારણ કે વૃક્ષોનું લાકડું પણ તેમના આર્થિક ઉપજનો એક સ્ત્રોત હતું. આને કારણે, તેમનામાં આ અનુષ્ઠાન તરફ આક્રોશ હતો. પણ ઋષિ મુરુગન આમ કરવા મક્કમ હતા, કારણ તેઓ જાણતા હતા કે શરૂઆતનો તેમનો આ વિરોધ, આગળ મળનારા ફાયદાઓથી શાંત પડી જશે.
તો આ નવી સિદ્ધિ પ્રાપ્તિ માટે ત્રણ વ્યક્તિની જરૂરી હાજરી માટે, તેમને તેમનો સૌથી પ્રિય એવો શિષ્ય રમણ યાદ આવ્યો, કે જે ભૂતકાળમાં બારેક વર્ષ આશ્રમમાં રહી શિક્ષા પ્રાપ્ત કરી ગયો હતો અને હાલ બાજુના નગર અમરાપરમાં અપરણિત અવસ્થામાં રહી, અખંડ બ્રહ્મચર્યનું ચુસ્ત પાલન કરી રહ્યો હતો.
બીજી વ્યક્તિ તરીકે તેમને તેમનો બીજો શિષ્ય વિપ્લવ યાદ આવ્યો, જે તેમની પુત્રી રમા સાથે પ્રેમલગ્ન કરીને એ જ નગરમાં સુખી અને પ્રેમાળ દાંપત્ય જીવન વિતાવી રહ્યો હતો. બંને પતિ-પત્ની એકબીજાને અગાધ પ્રેમ કરતા હતા અને એકમેકને ખૂબ જ વફાદાર હતા.
બંને શિષ્યોની વયમાં બે વર્ષનો ફરક છતાં બંને લગભગ એક સરખું દેહસૌષ્ઠવ ધરાવતા હતા. અને આમ, લગભગ સમાન વય અને એક જ નગરના વાસી હોવાથી હજુય એકમેકના મિત્ર હતા, અને અવારનવાર એકમેકની મુલાકાતો લેતા.
તદુપરાંત, બૃહસ્પતિ અનુષ્ઠાનમાં યજ્ઞ-હવિ તરીકે અમુક દુર્લભ વનસ્પતિની આવશ્યકતા પડવાની હતી, કે જે ગાઢ વનની મધ્યમાં જ ઉગતી, અને સચોટ ફળપ્રાપ્તિ માટે તે કોઈ સોહાગણ સ્ત્રીના હાથે જ છોડ પરથી ઉતરવી જોઈએ એવું ગ્રંથોમાં વિધાન હતું. એટલે, ત્રીજી વ્યક્તિ તરીકે તેમણે પોતાની પુત્રી રમાને પસંદ કરી, જે વિપ્લવની પત્ની હતી અને રમણ પર એને મોટાભાઈ સમ સ્નેહભાવ હતો.
•••••
બીજા દિવસે સવારે, ભૌમદેવના પૂજાપાઠ વગેરે આટોપી, બીજા પ્રહરનાં પ્રારંભે નીકળી, ચોથા પ્રહરમાં ઊગતી સાંજે રમણ, રમા અને વિપ્લવ ગુરુજીને ત્યાં પહોંચ્યા. આશ્રમનું શાંત અને પવિત્ર વાતાવરણ હંમેશા તેમને કોઈ દિવ્ય શાંતિ પ્રદાન કરતું હતું. ઋષિ મુરુગન ક્યાંય દેખાયા નહીં એટલે રમણે ઊંચા અવાજે અભિવાદન કર્યું, "જય શ્રીહરિ ગુરુજી..!"
અને અવાજ સાંભળી તરત જ આશ્રમના પાછળના ભાગેથી ગુરુજી આવતા દેખાયા.
"સ્વાગત છે તમારું, મારા પ્રિય બાળકો..! મને ખુશી છે કે તમે સમયસર પહોંચી ગયા. જય શ્રીહરિ..!" -કહી તેઓએ રમણ, વિપ્લવ અને રમાને આવકાર્યા. ત્રણેએ ગુરુજીના ચરણ સ્પર્શ કર્યા.
"આ ગાય અને બન્ને બકરીઓના ચારાપાણીનો સમય થઈ ગયો છે. તો ત્યાં પાછળ ગમાણમાં એમની સાથેય થોડો સમય વિતાવવો તો પડે ને..!
-તેઓ બોલ્યા.
"તમે અહીં બેસો હવે પિતાશ્રી; હું જાઉં છું તેમની પાસે..!" -કહી રમા આશ્રમની પાછળ દોડી ગઈ. અને આમ, આવતાવેંત જ તેણે આશ્રમનું કામ ઉપાડી લીધું.
એકાદ ઘડી વિશ્રામ અને જલપાન કર્યા બાદ સર્વે ફળિયામાં પીપળાના વૃક્ષને છાંયડે આવી બેઠાં. દિવસ આથમવાને હજી દોઢેક ઘડીની વાર હતી. પણ સૂર્યનો તાપ શમવા લાગ્યો હતો એટલે હવાની લહેરખીઓ શાતા આપી રહી હતી.
"ગુરુદેવ, આપે અમને બોલાવ્યા, કંઈ ખાસ કારણ?" -વિપ્લવે પૂછ્યું.
"હા, વિપ્લવ. એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. મેં એક નવા અનુષ્ઠાનનું આયોજન કર્યું છે, જેના માટે મને તમારા ત્રણેયની ઉપસ્થિતિ અને સહકારની જરૂર છે."
"અમે તો હંમેશા તમારી સેવા માટે તત્પર છીએ, પિતાશ્રી. પણ આ શેનું અનુષ્ઠાન છે? અને સાવ અચાનક નક્કી કર્યું?" -રમા બોલી.
"સાવ અચાનક તો નહીં જ. અત્યારે શિક્ષણ સત્રનો લાંબો રિક્ત કાળ ચાલી રહ્યો છે, એટલે આશ્રમમાં રહેતાં વિધાર્થીઓ સર્વે પોતાને ઘરે ગયા છે. અને અહીં હું સાવ એકલો જ છું. તો વિચાર આવ્યો કે સમયનો સદુપયોગ થાય એવું કોઈ સત્કાર્ય કરું. અને આસપાસની ભીલ પ્રજાના લાભાર્થે આ અનુષ્ઠાન કરવાનું લાંબા સમયથી વિલંબમાં પડ્યું હતું; તો થયું, એ સંપન્ન કરી દઉ."
"શું ભીલ પ્રજાના ગળે આ વાત ઉતરી ગઈ?" -રમણે પૂછ્યું. તે આ અનુષ્ઠાન બાબતે થોડુંઘણું જાણતો હતો.
"ના, હાલ તો અશક્ય લાગે છે. તેમનાં સરદાર સુમાલી સાથે અનેકવાર ચર્ચા થઈ. પણ લાગે છે કે, કાં તો તેની મતિ થોડી મંદ છે, અથવા તો પ્રજા કલ્યાણને બદલે પોતાનાં કોઈ અંગત સ્વાર્થને એ વધુ મહત્વ આપી રહ્યો છે."
"તો પછી? સ્થાનીય પ્રજાને નારાજ રાખીને આ કાર્ય કરવું વ્યાજબી છે?" -રમણે ચિંતા બતાવી
"પ્રજાએ ફક્ત સુમાલીની વાત જ સાંભળી છે. સાચું પરિણામ જોશે તો સત્ય સમજાઈ જશે અને તેમની નારાજગી શમી જશે. પણ ત્યાં સુધી તો એ સહન કરવી જ રહી. કારણ, આ વન્ય જીવસૃષ્ટિને પણ જીવંત રહેવાનો અધિકાર છે જ ને..!"
"પણ તોય.."
"આ પૂર્વે પણ તેમની અનેક સમસ્યાઓ આ આશ્રમે જ ઉકેલી છે, એ વાત તો તેમને સ્મરણમાં હશે જ ને..! તો શું થોડો વિશ્વાસ અને થોડી ધીરજ આ અનુષ્ઠાન બાબતે તેઓ નહીં રાખે?" -ગુરુજીએ પોતાનો મત મૂક્યો
"ઋષિવર, તમારા બેઉની ચાલી રહેલી આ વાતચીતથી અમે બેઉ તો લગભગ અજાણ જ છીએ અને એટલે આમાં ખાસ કાંઈ સમજી શકતા નથી." -વિપ્લવે રમા સામે જોઈને કહ્યું
"હા, સાચે જ..!" -રમાએ સૂર પુરાવ્યો
"આ અનુષ્ઠાન આપણી આસપાસ રહેતી ભીલ પ્રજાના કલ્યાણ માટે છે." -ઋષિ મુરુગન બોલ્યા- "તેઓ વન્યજીવોનો સંહાર કરીને માંસાહાર પર નિર્ભર છે. હું ઈચ્છું છું કે તેઓ ખેતી અપનાવે અને ધાન્ય ઉગાડીને સ્વસ્થ જીવન જીવે."
"ઉત્તમ વિચાર છે આ, ગુરુદેવ, પણ અનુષ્ઠાનથી આ શક્ય બનશે?" -વિપ્લવ પૂછ્યું
"આ યજ્ઞના ધૂમ્રમંડળની અસરથી આશ્રમની આસપાસની આ વનસ્પતિનું કદ અને ફેલાવો ઘટશે, જેથી ખેતી માટે થોડી જમીન ઉપલબ્ધ થશે. તેમને ખેતી તરફ વાળવા માટે આ જરૂરી છે."
"પણ પિતાશ્રી, ભીલ પ્રજાને જંગલની ઘનતામાં ઘટાડો પસંદ ના જ આવે. વૃક્ષોનું લાકડું તેમની આર્થિક ઉપજનો પણ એક સ્ત્રોત છે." -ચિંતિત સ્વરે રમા બોલી
"તારી ચિંતા યોગ્ય છે, રમા. મને ખબર છે કે શરૂઆતમાં તેમનો વિરોધ હશે. પણ હું દ્રઢ છું. હું જાણું છું કે લાંબા ગાળે ખેતીની ઉપજ વધતાં, તેમાં થનાર ફાયદા તેમને આ વિરોધ ભૂલાવી દેશે. ઊલટું તેમના જીવનધોરણમાં તો આર્થિક રીતે સુધારો થશે. એટલે વૃક્ષ અને પ્રાણીના માંસ પર નિર્ભરતા ઘટશે. પરિણામે આ વન્યસૃષ્ટિ સુરક્ષિત રહેશે." -ગુરુજી શાંત સ્વરે બોલ્યા
"પણ આ અનુષ્ઠાનને બદલે ગુરુજી, શું તમારી એ અધૂરી સિદ્ધિને પૂર્ણ કરવી જરૂરી નથી, કે જેથી એક મૃતદેહમાં તો તમે પ્રાણ પૂરી જ શકો, પણ પછી બીજી વ્યક્તિ પર જીવદાનનો પ્રયોગ કરવા જતાં, તમારે તત્કાલ તમારો દેહ-ત્યાગ ના કરવો પડે?" -વિપ્લવે પોતાનો મત મૂક્યો
"હા, પિતાશ્રી. મને પણ એ જ વિચાર આવ્યો. એ સિદ્ધિ પૂર્ણ કરવી અત્યંત આવશ્યક લાગે છે. એની પર ધ્યાન કેન્દ્રિત કરો તો?"
"પ્રિય રમા અને વિપ્લવ, તમારી ચિંતા યોગ્ય છે, પણ મારી એ સિદ્ધિ સુધારવાની મને કોઈ ઉતાવળ નથી. અત્યારે તો મારા માટે આ ભીલ પ્રજાની માનસિકતા બદલવી, અને તેમને યોગ્ય વિકલ્પ આપી વન્ય સૃષ્ટિની સલામતી લાવવી વધુ જરૂરી છે. મારા એક જીવની કિંમત કરતા અનેક જીવોનું કલ્યાણ થવું વધુ મહત્ત્વનું છે." -ગુરુજી હસીને બોલ્યા.
રમણ, વિપ્લવ અને રમા, ગુરુની આ નિઃસ્વાર્થ ભાવનાથી અત્યંત પ્રભાવિત થયા, એટલે ક્ષણભર તો તેમને તાકી જ રહ્યા, ને પછી એકમેક સામે જોવા લાગ્યાં.
"ગ્રહોની સ્થિતિ જોતાં પરમદિવસે બૃહસ્પતિવાર આ કાર્ય માટે ઉત્તમ જણાય છે. ઉપરાંત જેમનું અનુષ્ઠાન છે એ બૃહસ્પતિદેવનો જ દિવસ હોવાથી એ શ્રેષ્ઠ ગણાય. અને આવતીકાલનો દિવસ સઘળી તૈયારીઓમાં જશે. માટે જ આજે ભોમવારે આવી જવાનો, મેં એ ભીલ સાથે તમને સંદેશ મોકલ્યો."
"હા ગુરુજી, એ ભીલે આવો જ સંદેશ આપ્યો હતો. તો કાલે સવારથી જ અમે ત્રણેય તૈયારીઓમાં જોડાઈ જશું." -રમણે કહ્યું.
ત્યાર પછી, કેટલીક અનુષ્ઠાન વ્યવસ્થા સંબંધી વાતો, અને કેટલીક આધ્યાત્મિક ચર્ચાઓ થઈ, જેનાં પછી એ બેઠક પુરી થઈ.
•••••••••