પ્રકરણ ૧ :
"વિપ્લવ, તારાં મત પ્રમાણે, પ્રેમને સૌથી સચોટ રીતે કોણ પારખી શકે? મન કે મસ્તિષ્ક?" -રમાએ પોતાના પતિને પૂછ્યું.
"પ્રિયે, આ પ્રશ્ન જટિલ છે. પ્રેમને ન તો મસ્તિષ્ક પારખી શકે, કે ના તો મન..!" -રમણે હળવું હસીને જવાબ આપ્યો.
બન્ને પતિપત્ની, સાંજની મધુર વેળાએ પોતાના નાનકડા, સાધારણ, પરંતુ સુંદર સુશોભિત ઘરના આંગણામાં ખાટલો ઢાળી બેઠાં હતાં. રમા શાક સમારી રહી હતી. તો વિપ્લવ વાંસનો હાથપંખો ગૂંથી રહ્યો હતો.
"તો પછી? પ્રેમ ક્યાં પરખાય છે? -રમાએ પ્રતિપ્રશ્ન કર્યો.
"જો રમા, રમણ મને કહેતો હતો કે, મસ્તિષ્ક એટલે કે મગજ, એ આપણું એક યંત્ર સમાન અંગ છે જે માથામાં સ્થિત છે, જ્યાં પ્રેમ, ઘૃણા, ડર, તર્ક, જેવી લાગણીઓ જન્મે તો છે, પણ મસ્તિષ્ક સ્વયં એ સઘળું અનુભવી શકતું નથી. તો યંત્રવત્ તે સઘળી ભાવનાઓને સેંકડો રસવાહિની નસો વાટે, એ આપણા મનમાં પહોચાડે છે."
"અર્થાત્ મનમાં એને અનુભવાય છે. તો પછી તું આમ કેમ કહે છે કે પ્રેમને મન પણ અનુભવી કે પારખી શકતું નથી?
"સાંભળ હજુ રમા..! રમણભાઈની વાત પૂરી નથી થઈ. તેનાં મત પ્રમાણે, મન તો બસ...ઉપરનું પડ છે, કે જેની ભીતર સાચું હૃદય વસેલું છે."
"તો મન અને હૃદયના કાર્ય જુદાં જુદાં હોય છે?"
"હા, બેઉની પ્રકૃતિ જ ભિન્ન ભિન્ન છે રમા..! મન વિચાર કરે છે, કલ્પનાઓમાં રાચે, દ્વંદ્વમાં અટવાય. સંદેહ, વાસના, ઇચ્છાઓનું એ કેન્દ્ર છે. ક્રોધ, ઈર્ષ્યા, સુખ, દુઃખ વગેરે અહીં વસે છે. જ્યારે હૃદય તો પ્રેમ, કરુણા, સમર્પણ અને મૌન અનુભૂતિનું કેન્દ્ર હોય છે."
"હમ્મ..! તે માટે જ મન ચંચળ અને ગતિશીલ કહેવાતું હશે, જ્યારે હૃદય શાંત અને સ્થિર ગણાય છે. અને એ હિસાબે પ્રેમને મન કે મસ્તિષ્ક નહીં, પણ હૃદય જ પારખી શકે. બરોબર?"
"હા રમા..! રમણના સાંનિધ્યમાં તુંય રહી છો, એટલે પોતાના પ્રશ્નનો ઉત્તર તેં સ્વયં શોધી બતાવ્યો." -વિપ્લવે રમા સામે સ્નેહાળ અહોભાવથી જોતા કહ્યું.
"આટલાં વર્ષની રમણની સંગત કંઈક તો શીખવે જ ને..!" -રમાએ હસીને જવાબ આપ્યો.
"આપણો પ્રેમ પણ એવો જ છે ને, રમા..! આપણે આશ્રમમાં ભલે એકબીજાને કિશોરાવસ્થાથી ઓળખતા હતા, પણ જ્યારે ત્યાં, ગુરુદેવની સામે, આપણા હૃદય એકબીજા તરફ ખેંચાયા, ત્યારે જ આપણને સાચા પ્રેમની અનુભૂતિ થઈ."
"હા, એ દિવસો યાદ છે..!" -થોડું શરમાઈને રમા બોલી- "મને લાગે છે કે તારા અને રમણભાઈના આશ્રમમાં આવવાથી જ મારું બાળપણ ખીલી ઉઠ્યું હતું. મને હંમેશા એક મોટાભાઈની ખોટ સાલતી હતી, પણ રમણભાઈ મળ્યો પછી એ ખોટ પૂરી થઈ ગઈ. અને તું..." -વિપ્લવના હાથ પર હાથ મૂકીને રમા આગળ બોલી- "તું તો મારા જીવનનો સાચો અર્થ બની ગયો."
"અને તું રમા, મારા જીવનની દિશા..! ગુરુદેવે પણ આપણો પ્રેમ પારખીને કેટલી સરળતાથી આપણને એક કરી દીધા..! એમના જેવું સમજદાર વ્યક્તિત્વ ક્યાંય જોવા નહીં મળે."
"પણ મન અને હૃદય, આ બંનેની જેમ આત્મા પણ જીવનમાં કંઈક ભાગ ભજવે જ છે ને, વિપ્લવ..? તેનું શું?"
બન્ને પતિ-પત્ની લગભગ એકસરખી બુદ્ધિમત્તા ધરાવતા હોવાથી, ચર્ચા હજુ લાંબી ચાલી હોતે, પરંતુ ત્યાં તો ડેલીએ સાંકળ ખખડી.
"કોણ હશે આ સમયે?" -વિપ્લવ બોલ્યો
"ખમ, હું જોઉં." -રમા ઉભી થઈ.
દરવાજો ખોલતા જ રમાના ચહેરા પર સ્મિત છવાઈ ગયું અને એ બોલી ઊઠી- "અરે રમણ..! આવ, આવ..!"
"જય શ્રીહરિ રમા..! જય શ્રીહરિ વિપ્લવ..!" -ઘરમાં પ્રવેશતા જ રમણે અભિવાદન કર્યું.
"જય શ્રીહરિ..! આવ બેસ રમણ." -કહી વિપ્લવે રમણ માટે ખાટલા પર બીજું આસન બિછાવ્યું.
અરાવલ્લી પર્વતમાળાની આસપાસના ગાઢ જંગલને અડીને વસેલા નાનકડા શહેર અમરાપુરમાં આ ત્રણેય રહેતાં હતાં.
વિપ્લવ, પચ્ચીસેક વર્ષનો સુદ્રઢ બાંધાનો અને ગૌર વર્ણનો શાંત પ્રકૃતિનો લાગણીશીલ યુવાન હતો. જ્યારે તેની પત્ની રમા, તેનાથી બસ એકાદ વર્ષ નાની, ઘઉંવર્ણી પરંતુ નમણી યુવતી હતી.
તેમના લગ્નને લગભગ બે વર્ષ થયાં, જોકે તેમનો દાંપત્ય પ્રેમ, અગાઉના જેવો જ તાજો અને અકબંધ હતો. આ પ્રેમલગ્ન હતાં. બંને એકમેકને અનુકૂળ સ્વભાવ ધરાવતા હોવાથી આકર્ષાયા હતા, અને ભાગ્યશાળી હતાં, કે રમાના પિતા ઋષિ મુરુગનએ તેમનો પ્રેમ પારખીને રાજીખુશીથી તેમના લગ્ન કરાવી આપ્યા હતા.
જ્યારે અખંડ બ્રહ્મચારી એવો રમણ તેમનાં ઘરથી બસ થોડે દૂર જ પોતાના એક ઓરડીના ઘરમાં એકલો જ રહી આદ્યાત્મિક જીવન જીવી રહ્યો હતો.
"અમે અત્યારે એક રસપ્રદ ચર્ચામાં પડ્યા હતાં રમણ..! મન અને હૃદયની સાથે સાથે મનુષ્યના જીવનમાં આત્માની શી ભૂમિકા હોય છે, એવો રમાએ હમણાં પ્રશ્ન કર્યો. તો તારી વિદ્વાન બુદ્ધિની અત્યારે જરૂર હતી જ, ને ત્યાં તું આવી ગયો."
"હા, તું આવ્યો એ તો સારું થયું." -રમા બોલી- "હવે તારા જ્ઞાનથી અમને કંઈક નિષ્કર્ષ મળશે. મને યાદ છે, આશ્રમમાં તારી તર્કશક્તિ કેટલી પ્રખર હતી..! ગુરુદેવ પણ તારી બુદ્ધિથી ખાસ્સા અંજાયેલા રહેતા."
રમણે હળવું સ્મિત કર્યું, અને બ્રહ્મચર્યના તેજથી દેદીપ્યમાન એવું તેનું લલાટ હજુય વધુ ઝળકી ઉઠ્યું.
"ચર્ચા પછી કરીશું રમા. અત્યારે થોડી ઉતાવળ છે. ખાસ તો હું ગુરુદેવનો એક મહત્વનો સંદેશો લઈને આવ્યો છું."
"ગુરુદેવનો સંદેશો?" -વિપ્લવે પૂછ્યું- "બધું કુશળ છે ને?"
"હા, બધું કુશળ છે. વાત એવી છે, કે તેમણે બૃહસ્પતિ અનુષ્ઠાનનું આયોજન કર્યું છે, જેમાં તેમને ત્રણ વિશ્વાસુ વ્યક્તિઓની જરૂર છે."
"ત્રણ વિશ્વાસુ વ્યક્તિઓ..? એટલે કોણ કોણ..?" -ઉત્સુકતાથી રમાએ પૂછ્યું.
"એક તો હું પોતે જ..! અને સાથે તમને બંનેને પણ આવવા જણાવ્યું છે."
"અવશ્ય આવીશું અમે બેઉ. પણ શા કાજેનું અનુષ્ઠાન છે આ?" -વિપ્લવે પૂછ્યું.
"ગુરુદેવે કહ્યું કે આ અનુષ્ઠાન કોઈ એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરવા હેતુ યોજાયું છે. આપણે તો જાણીએ જ છીએ કે, ગુરુદેવને આ પહેલા પણ એક મૃત વ્યક્તિને સજીવન કરી શકવાની અપ્રતિમ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, જે એક પ્રકારે અધૂરી જ છે. તો કદાચ..એની પૂર્ણ પ્રાપ્તિ માટે આ અનુષ્ઠાન યોજાયું હોઈ શકે."
"હા, એ શક્ય છે." -રમા બોલી- "પિતાશ્રીની એ સિદ્ધિ વિશે આપણે કેટલીય વાર વાત થઈ જ છે."
"ગુરુદેવે જોકે બહુ વિગતવાર જણાવ્યું નથી. પણ રમા.! તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તમારી હાજરી અત્યંત જરૂરી છે."
"હા, ગુરુદેવનો આદેશ છે, તો અમે અવશ્ય આવીશું." -વિપ્લવ બોલ્યો- "અને આ તો અમારું સૌભાગ્ય કે આટલા પવિત્ર કાર્યમાં સેવા કરવાનો મોકો મળે છે."
"હા, પિતાશ્રીના કાર્યમાં સહકાર આપવો એ અમારું પરમ કર્તવ્ય છે. તેમણે જ તો અમને આત્મજ્ઞાનનો માર્ગ બતાવ્યો છે, અને અમારો પ્રેમ પણ તેમની કૃપાથી જ પાંગર્યો છે. તો ક્યારે નીકળીશું?" -રમાએ કહ્યું
"બૃહસ્પતિવારે અનુષ્ઠાનનું આયોજન કર્યું છે, આગળનો એક દિવસ એટલે કે આખો બુધવાર ત્યાં સઘળી તૈયારી માટે રાખીએ, તો આવતીકાલે ભોમવારે ત્યાં સંધ્યા પહેલાં પહોંચી જવું જોઈએ."
"હા, આજનો સોમવારનો દિવસ તો હવે પૂરો થવા થયો. તો કાલે સવારે પ્રસ્થાન કરવું જોઈએ." -રમા બોલી.
"બરોબર..! તો કાલે પ્રભાતે જ હું અહીં આવી જાઉં છું. પછી સાથે જ અહીંથી પ્રયાણ કરીએ."
"ભલે, અમે તૈયાર રહીશું. બાકી કોઈ પૂજા સામગ્રીઓ સાથે લઈ જવાની છે?"
"હા, થોડી ઘણી જે જરૂરી છે, એ હમણાં ઘરે જતાં માર્ગમાંથી હું લઈ લઉ છું."
"અરે, હું પણ તારી સાથે આવું છું. આપણે સામગ્રી લઈ લઈએ, અને પ્રભાતે અહીંથી જ એ સઘળું સાથે લઈને જશું." -વિપ્લવ બોલ્યો.
"એ પણ યોગ્ય છે. તો ચાલ સાથે. તો રમા, હું હવે રજા લઉં? જય શ્રીહરિ..!"
"જય શ્રીહરિ!" -રમાએ કહ્યું, અને વિપ્લવ રમણની સાથે જવા ઉભો થયો.
જતાં જતાં વિપ્લવ અને રમાએ એકબીજા સામે જોયું. તેમના મનમાં ગુરુદેવના અનુષ્ઠાનનાં હેતુ વિશે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યાં હતાં, તો આ પુનિત કાર્યમાં સહભાગી થવાનો અવસર મળ્યાનો સંતોષ પણ તેમનાં વદન પર ઝળકી રહ્યો હતો.
••••••••••