મોત જે તે વ્યક્તિ માટે દુઃખદ બાબત બની રહે છે પણ હત્યાએ આખા પરિવાર માટે આંચકાજનક બાબત બની રહે છે.કેટલીક હત્યાઓમાં હત્યારાઓ થોડો સમય કે કેટલાક વર્ષ બાદ હાથ લાગી જ જતા હોય છે પણ કેટલીક હત્યાઓ એવી પણ છે જેના હત્યારાઓ દાયકા બાદ પણ હાથમાં આવ્યા નથી.૧૯૭૫માં શીલા અને કેથેરાઇન લિયોન એક બપોરે મજા માણવા માટે એક મિત્રને મેરિલેન્ડનાં મોલમાં મળવાના હતા પણ તે ગુમ થઇ ગયા અને ત્યારબાદ કોઇને પણ મળ્યા ન હતા.ચાલીસ વર્ષ કરતા વધારે સમય વીતી ગયો છે આજે પણ તેમની ગુમશુદગી રહસ્યની વાત બની રહી છે.માત્ર એક વ્યક્તિ લોઇડ વેલ્ચનો દાવો હતો કે તેણે આ છોકરીઓનુંં અપહરણ કરાતું જોયું હતું.જો કે તેની તપાસ કરાઇ ત્યારે તે જુઠ્ઠો હોવાનું પુરવાર થયું હતું.જો કે પોલીસને તેના પર શંકા હતી અને તેમણે ચાલીસ વર્ષ દરમિયાન તેણે કરેલા કૃત્યો અંગે જાણકારી મેળવી અને તે ચોંકી ગઇ હતી કારણકે તે રીઢો ગુનેગાર હતો અને ખાસ કરીને બાળકો પર અત્યાચાર કરવાનાં તેના પર આરોપ લાગ્યા હતા આ જાણકારી મળ્યા બાદ પોલીસે તેને ઝડપ્યો હતો અને આઠ કલાક પુછપરછ કરી હતી જેમાં તેણે સતત જુઠ્ઠાણું જ ચલાવ્યું હતું.તેણે છોકરીઓની હત્યાની વાતનો ઇન્કાર કર્યો હતો પણ તેણે કબૂલ કર્યુ હતુ કે તેમનાં અપહરણમાં તે સામેલ હતો અને એક છોકરીનાં શરીરનાં ટુકડા કરાતા હોવાનું તેણે જોયું હતું.તેણે દાવો કર્યો હતો કે તેના શરીરનાં અંગોને તેના પરિવારજનો લઇ ગયા હતા અને બેડફોર્ડ કાઉન્ટીમાં દફન કર્યા હતા.તેણે આ હત્યા માટે છોકરીનાં પિતા અને કાકા પર આરોપ લગાવ્યો હતો જો કે તે અંગેનાં કોઇ પુરાવા હાથ લાગ્યા ન હતા.અદાલતે જો કે તેને લ્યોન સિસ્ટર્સનાં મોત માટે જવાબદાર ગણાવ્યો હતો.૯૨ વર્ષનાં વૃદ્ધ એડમંડ શ્રીબર ે બફેલોમાં એકલા રહેતા હતા.આ સમયગાળો ૧૯૮૩નો હતો.શ્રીબરને બીજા વિશ્વયુદ્ધમાં તેમની બહાદુરી માટે પર્પલ હાર્ટ એનાયત કરાયું હતું.તેઓ પોતાનાં નિવૃત્તિનાં સમયગાળાને આનંદથી વિતાવતા હતા.તે સમય દરમિયાન તેમનાં મહોલ્લામાં જ સાન્દ્રા એડમ્સ નામની એક યુવાન મહિલા રહેવા આવી હતી જે શ્રીબરને મદદ કરતી હતી.જો કે એક દિવસ તેણે પોતાનાં મિત્રની મદદથી શ્રીબરનાં ઘરમાં લુંટ ચલાવી હતી.તેમણે શ્રીબરને ગળે ટુંપો દઇને મોતને ઘાટ ઉતાર્યો હતો.જો કે એડમ્સ ત્રીસ વર્ષ સુધી પોલીસનાં હાથમાં આવી ન હતી.તેનો સાથીદાર તો મૃત્યુ પામ્યો હતો અને તે લાયબ્રેરિયન તરીકે કામ કરતી હતી તેને બે બાળકો પણ હતા.૨૦૧૬માં શ્રીબરનાં ઘરમાંથી મળેલા ડીએનએનું પરિક્ષણ કરાયું હતું જે એડમ્સ સાથે મેચ થયું હતું અને તેને જેલની સજા કરાઇ હતી.સમરસેટનાં બાથ ખાતે ૧૯૮૪માં ૧૭ વર્ષની મેલેની રોડ મોતને ઘાટ ઉતારવામાં આવી હતી.ત્યારે ગુનાશોધકોને કોઇ નક્કર કડીઓ હાથ લાગી ન હતી અને ત્યારે ફોરેન્સિક પણ આજ જેટલું મજબૂત ન હતું.તેમ છતાં ત્યાંથી બને તેટલા પુરાવા મેળવવામાં આવ્યા હતા.દાયકાઓ પસાર થઇ ગયા પણ સંશોધકોએ એ કેસને છોડ્યો ન હતો.૧૯૯૦માં ડીએનએ પ્રોફાઇલ અને મૃતદેહ પરથી મળેલા વીર્યનાં નમુના નેશનલ ડીએનએ ડેટાબેઝને મોકલવામાં આવ્યા હતા.ત્યારે તો જો કે તે કોઇની સાથે મેચ થયા ન હતા પણ ૨૦૧૪માં એક મહિલા ઘરેલું વિવાદને કારણે ફરિયાદ માટે આવી હતી જેણે પોતાનો ડીએનએ આપ્યો હતો.૨૦૧૫માં જ્યારે મેલેનીનો ડીએનએ ફરીથી તપાસાયો જે પેલી મહિલા સાથે મેચ થયો હતો.પોલીસે મહિલાનાં પિતા ક્રિસ્ટોફર હેમ્પટનને પકડ્યો હતો અને ત્યારે તેણે હત્યાની કબૂલાત કરી હતી અને ૨૦૧૬માં તેને આજીવન કારાવાસની સજા થઇ હતી.કાયલી મેબરી પોતાની માતા સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી એક દિવસે તેની માતાએ તેને ખાંડ લેવા બહાર મોકલી જે ત્યારબાદ પાછી ફરી ન હતી.છ વર્ષની તે બાળકીનો મૃતદેહ બીજા દિવસે ગટરમાં મળ્યો હતો.તેના પર બળાત્કાર કરાયો હતો અને ત્યારબાદ તેને મોતને ઘાટ ઉતારાઇ હતી.જો કે તે ઘટનાને તેત્રીસ વીતી ગયા પણ કોઇ આરોપી હાથ લાગ્યો ન હતો.જો કે ત્યારબાદ પોલીસે ગ્રેગરી કીથ નામનાં વ્યક્તિની ફરી પુછપરછ કરી હતી.તેના પર પહેલા પણ પોલીસને શંકા હતી પણ કોઇ નક્કર પુરાવો તેના વિરૂદ્ધ હાથ લાગ્યો ન હતો.તેનો ડીએનએ મેળવાયો હતો જે કાયલીનાં શરીર પરથી મેળી આવેલા ડીએનએ સાથે મેચ થયો હતો.આ પુરાવાને આધારે તેને સજા થઇ હતી.ઓકટોબર ૧૯૮૯માં જેકબ વેટરલિંગ તેના ભાઇ અને મિત્રો સાથે બાઇક પર ફરવા નિકળ્યો ત્યારે કેટલાક બુકાનીધારીઓએ તેનું અપહરણ કર્યુ હતું.જો કે અપહરણની ઘટનાનાં દાયકાઓ બાદ પણ જેકબ કે તેના અપહરણકારોનો કોઇ પત્તો મળ્યો ન હતો.જો કે તેના અપહરણનાં પચ્ચીસ વર્ષ બાદ પોલીસે ડેની હેનરિક નામનાં શંકાસ્પદની વિસ્તૃત તપાસનો નિર્ણય લીધો હતો.ત્યાર પહેલા તેની પુછપરછ કરાઇ હતી પણ ત્યારે તેના વિરૂદ્ધ કશુ જ હાથ લાગ્યું ન હતું પણ ત્યારબાદ ટેકનોલોજીમાં ખાસ્સો સુધારો થયો છે.પોલીસને હેનરિક સાથે જાતિય અત્યાચાર કરનારાઓનાં પરસેવાનાં નમુના મળ્યા હતા અને તે હેનરિક સાથે મેળ ખાતા હતા જેના આધારે હેનરિકનાં ઘરની તપાસ કરાઇ હતી જ્યાં ચાઇલ્ડ પોર્ન સામગ્રી મળી હતી તેને વીસ વર્ષની સજા કરાઇ હતી.મેરલિન વોરેને એક દિવસ તેના ઘરનાં દરવાજા પર ઉભા રહેલા કોઇ વ્યક્તિ માટે દરવાજો ખોલ્યો હતો જેના હાથમાં કેટલાક ફુગ્ગા અને ફુલ હતા.દરવાજો ખોલતા જ તે વ્યક્તિએ વોરેનને ગોળી મારી દીધી હતી.તે ૧૯૯૦નું વર્ષ હતું.તેના સત્તાવીસ વર્ષ ગુજરી ગયા બાદ વોરેનનાં પતિ પર શંકા કરાઇ હતી પણ તેની હાલની પત્ની શીલા કીનની પોલીસે ધરપકડ કરી હતી અને હાલની ટેકનોલોજીનો સહારો લીધો ત્યારે તે હત્યા શીલાએ કરી હોવાનું પુરવાર થયું હતુ.આ ગુનામાં પણ ક્રાઇમસીન પરથી મળેલા ડીએનએને કારણે શીલાને સજા થઇ શકી હતી.લિઝા ઝીગર્ટ દિવસે શિક્ષક તરીકે અને રાત્રે ગિફટશોપમાં કામ કરતી હતી.૧૯૯૨ની એક રાતે તે તેની ગિફટ શોપથી ગુમ થઇ હતી અને તેનો મૃતદેહ બીજા દિવસે મળ્યો હતો.તેના પર બળાત્કાર ગુજારીને મોતને ઘાટ ઉતારાઇ હતી. આ ઘટના પહેલા તેણે પોતાના મિત્રો અને પરિવારજનોને જણાવ્યું હતું કે તેને લાગે છે કે તેના પર કોઇ નજર રાખી રહ્યું છે.જો કે તેની હત્યાનાં ૨૫ વર્ષ બાદ ક્રાઇમ સીન પર મળેલા ડીએનએની તપાસ કરાઇ હતી અને ગેરી ઇ સ્કારા નામનાં વ્યક્તિને ઝડપવામાં આવ્યો હતો.ચાલીસ વર્ષ બાદ કલાસ પરિવારને કેરેન સ્યુ કલાસ સાથે ૧૯૭૬માં શું બન્યું હતું તેની જાણકારી હાથ લાગી હતી.ત્યારે પોતાના પુત્રને સ્કુલે મુક્યા બાદ પરત ફરી રહેલી કેરેન પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેને બાંધીને તેના પર બળાત્કાર કરાયો હતો.તેનું ગળુ રૂંધીને મારી નાંખવાની કોશિષ પણ કરાઇ હતી જ્યારે તે મળી ત્યારે તે જીવન મરણ વચ્ચે ઝુલતી હતી.પાંચ દિવસ કોમામાં રહ્યાં બાદ તે મોતને ભેટી હતી.આ કેસમાં પ્રારંભે કેનેથ યુઝીન પર શંકા કરાઇ હતી.આ પહેલા તેણે આ પ્રકારનો જ ગુનો આચર્યો હતો જો કે તે જેલ તોડીને ભાગતો હતો ત્યારે પોલીસે તેને ઠાર કર્યો હતો.કેરેનનાં પરિવારને જો કે ચેન પડતું ન હતું તેમણે પોલીસ પર સતત દબાણ કર્યે રાખ્યું હતુ અને આખરે ડીએનએ પરિક્ષણમાં કેરેનનાં શરીર પરથી મળેલા ડીએનએનો મેળ કેનેથનાં એક સંબંધી સાથે ખાતો હોવાનું જણાયું હતુ અને ત્યારે પોલીસને ખબર પડી કે તે બળાત્કાર માટે માર્યો ગયેલો કેરેન ટ્રોયર જ જવાબદાર હતો.૧૯૯૨ની ૨૯ ફેબ્રુઆરીએ હેડી કલિનસોર્ગે રોજની જેમ જ તેની માતા એન્જેલાને ફોન કર્યો હતો પણ તે દિવસે તેણે તેના ફોનનો જવાબ ન આપતા તેને કંઇક અજુગતુ થયાનું લાગ્યું હતું.તે તરત તેની માતાનાં ઘેર ગઇ હતી અને ત્યાં તેણે જે દૃશ્ય જોયું તે ધૃણાસ્પદ હતું.૮૪ વર્ષની મહિલા પર બળાત્કાર કરીને તેને મોતને ઘાટ ઉતારાઇ હતી.પોલીસને એન્જેલા સાથે શું થયું હશે તેનો જવાબ મેળવવામાં પચ્ચીસ વર્ષ લાગી ગયા હતા.પોલીસે ડીએનએ પરિક્ષણનો સહારો લીધો હતો અને પોલીસને એન્જેલાનાં પડોશી જેફરી ફોલ્સનાં ડીએનએ સાથે તે મેળ ખાતો જણાયો હતો.જો કે જેફરીની મોત ૨૦૦૬માં એક અકસ્માતમાં થઇ ચુકી હતી.ફ્રેડરિક ફારાહને ચાર સંતાનો હતા અને તેમણે એક ગ્રોસરી સ્ટોર ખરીદ્યો હતો જ્યાં તે રોજ કામે જતા હતા.૧૯૭૪ની બાવીસમી મેએ એક વ્યક્તિ સ્ટોરમાં આવ્યો અને કેટલીક વસ્તુઓ માંગી હતી.ત્યારબાદ તેણે ગન કાઢી હતી અને જેટલા પૈસા હોય તે આપી દેવા જણાવ્યું હતું.ફ્રેડરિક ડરી ગયો હતો અને તે કશું કરે તે પહેલા જ તેને ગોળી મારી દેવાઇ હતી.આ હત્યાનાં ૪૩ વર્ષ બાદ જહોની લ્યુઇસ મિલરની આરોપી તરીકે ધરપકડ કરાઇ હતી.તે ન્યુઓર્લિયન્સમાં શેરીઓમાં ફરીને લોકોનુ મનોરંજન કરવાનું કામ વીસ વર્ષથી કરતો હતો.તે સત્તર વર્ષનો હતો ત્યારે તેણે ફ્રેડરિકની હત્યા કરી હતી.ત્યારે કાઉન્ટર પર તેની આંગળીઓની છાપ છોડી ગયો હતો.ત્યારે ટેકનોલોજી સબળ ન હતી પણ ત્યારબાદ જ્યારે ટેકનોલોજીમાં સુધારો થયો ત્યારે તેની આંગળીઓની છાપની તપાસ કરાઇ ત્યારે તેની ઓળખ થવા પામી હતી અને તેની ધરપકડ કરાઇ હતી.જે તે સમયે ગુનેગારો ગુનો કરતા હોય છે પણ ક્યારેક તપાસની ખામી કે પુરાવાઓને યોગ્ય રીતે વિશ્લેષિત કરવાની નાકામીને કારણે ગુનેગારો હાથ લાગતા નથી પણ જ્યારે તેમની યોગ્ય રીતે તપાસ થાય છે ત્યારે ગુનેગારોને તેમનાં કૃત્યોનાં પરિણામ ભોગવવા જ પડે છે આ કેસોમાં પણ વર્ષો સુધી આરોપીઓએ ગુનો કરીને આરામની જિંદગી જ પસાર કરી હતી પણ ટેકનોલોજીનાં વિકાસને કારણે આખરે તેમને ગુનાની સજા અને પીડિતને વર્ષો બાદ તો વર્ષો બાદ પણ ન્યાય મળ્યો હતો જે સરાહનીય બાબત છે.