Aekant - 72 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 72

Featured Books
Categories
Share

એકાંત - 72

પ્રવિણ પારુલ સાથે મેરેજ કરવાની હા કરી દીધી. રજાના દિવસે એ એના પપ્પા અને મામા પારુલનાં ઘરે ગયાં; ત્યાં એનાં મામાનાં કહેવાથી પ્રવિણ અને પારુલ એકાંતમાં વાતો કરવાં માટે અગાશી પર જતાં રહ્યાં. 

એક વર્ષનો રવિ જે પારુલ વિના એક પળ ના રહી શકવાથી એ પણ પારુલની સાથે જ હતો. રવિના ચહેરા પર માસુમિયત છલકાઈ રહી હતી. કોઈ નિષ્ઠુર વ્યક્તિ જ હોય જેને માસુમ રવિ પ્રત્યે પ્રેમ ઉદ્દભવે નહીં.

રવિ એની કાલીઘેલી બોલીથી પારુલ સાથે મસ્તી કરી રહ્યો હતો. પ્રવિણ રવિની નિર્દોષ હરકતો જોવામાં મગ્ન થઈ ગયો હતો. પારુલે એક નજર પ્રવિણ પર કરી. પ્રવિણનું પૂરું ધ્યાન રવિ પર હતું. 

"તમારે રવિને રમાડવો છે ?" પારુલે નામ લીધું ત્યારે પ્રવિણને ખબર પડી કે એનાં દીકરાનું નામ રવિ છે.

"એને હું અજાણ્યો લાગીશ. શાયદ આપણાં મેરેજ થઈ જશે પછી હું સતત એની સાથે રહીશ તો એના માટે હું જાણીતો બની જઈશ."

પ્રવિણે ચહેરાને ગમછાથી સરખો પેક કરી દીધો. એને ડર લાગ્યો કે જો રવિ એના ચહેરાનો દાઝેલો ભાગ જોઈ જશે તો એ ડરી જશે. પારુલે પ્રવિણ પર એ પણ નોટીસ કર્યું, કારણ કે પારુલ રવિને સાચવવાની જગ્યાએ પ્રવિણ પર વધારે ધ્યાન રાખતી હતી. પારુલની નાની બેન નીચેથી અગાશી પર આવીને રવિને લાલચ આપીને એની સાથે લઈ ગઈ. જેથી તેઓ બન્ને સરખી વાતો કરી શકે. રવિ નીચે જતો રહ્યો હતો. અગાશી પર પારુલ અને પ્રવિણની સામસામે બે ખુરશીઓ રાખેલી હતી; એમનાં પર તેઓ બેસી ગયાં.

"તમને કોઈ વાંધો ના હોય તો હું તમારો ચહેરો પૂરો જોઈ શકું છું ?" પારુલે સવાલ સાથે વાત આગળ વધારી.

"તમે મારો ચહેરો જોઈ નહીં શકો, કારણ કે એક અકસ્માતમાં ચહેરાનો એક ભાગ દાઝી ગયો છે. મેં આજ સુધી મારાં પરિવારનાં સભ્યોને મારો ચહેરો બતાવ્યો નથી, તો હુ તને ...સોરિ આઈ મીન કે તમે મારો ચહેરો જોવાનો આગ્રહ ના રાખો તો સારું."

"તમે મને તું કહી શકો છો. આમ પણ જો આપણાં મેરેજ થઈ જશે તો આ દાઝેલા ચહેરાને જોવાની હકદાર બની જઈશ. તમારા દાઝેલા ચહેરાની કહાણી હું જાણી શકું છું ?" પારુલ વાત કરતાં શરમાઈ ગઈ, પણ એ વાત કરવાનું ચાલું રાખ્યું. 

"જુઓ, મને ખોટો ના સમજતાં. મેં મારા અમુક નિયમો બનાવીને રાખ્યાં છે. એક વાત ચોખવટ કરવાની છે, જે તમને જાણ હોય કે ના હોય પણ મારે કહેવી જરૂરી બને છે. હું ખંડિત છું. હું પિતા બની શકું એમ નથી. જો તમારી ઈચ્છા મેરેજ પછી આગળ બાળકને જન્મ આપવાના હોય તો મારી સાથે તમે મેરેજ કરતાં નહીં. બીજું કે કદાચ આપણાં મેરેજ થઈ પણ જાય તો હું મારા દાઝેલા ચહેરાની કહાણી તમને નહીં કહું અને તમે કોઈ પાસે જાણવાનો પ્રયત્ન પણ કરતાં નહીં."

"તમારી વાતો મારાં હૃદય સુધી પહોંચી ગઈ. એવાં પુરુષોનું વ્યક્તિત્વ સાફ હોય છે કે જે સ્ત્રીઓ પાસે ખુલ્લાં મનથી વાત કરે છે. હું આ મેરેજ રવિને કારણે જ કરું છું. એને પિતાનો પ્રેમ મળી રહે એવી મારી ઈચ્છા છે. બાકી બીજો મારો કોઈ મોહ નથી."

"તમારે તમારા ભુતકાળ વિશે કાંઈ ના કહેવું હોય તો આજ પછી હું તમારી પાસે કે કોઈ બીજાં પાસે જાણવાનો પ્રયાસ પણ નહીં કરું. ભુતકાળને વાગોળવાથી તકલીફ વધું પડે છે અને એ જ કારણ છે કે આપણે ભવિષ્યમાં આગળ વધી શકતાં નથી. તમારે મારાં કે મારાં ભુતકાળ વિશે કાંઈ પૂછવું હોય તો પૂછી શકો છો." પારુલે એનાં સવાલો ત્યાં જ સ્ટોપ કરી નાખ્યાં.

"તમે હમણાં જ કહ્યું કે ભુતકાળને વાગોળવાથી આપણે ભવિષ્ય તરફ આગળ વધી શકતાં નથી. મારે તમારો ભુતકાળ જાણવાની કોઈ ઈચ્છા નથી. તમે રવિ માટે બેફિકર જ રહેજો. એને એક પિતાના પ્રેમ સાથે દાદા અને દાદીનો પ્રેમ મળશે, પણ એ પહેલાં મારી એક શરત છે તો જ હું આ મેરેજ માટે તૈયાર થઈશ."

"તમે જો મારાં દીકરાંને તમારું નામ આપશો તો આજથી તમે મારાં ભગવાન બનીને આવ્યાં છો. તમારી દરેક શરત મને મંજુર છે."

"રવિને તમે કોઈ દિવસ એ જાણ ના કરતાં કે હું એનો પાલક પિતા છું; કારણ કે મને એ પસંદ નહીં આવે કે એ સમજણો થાય તો એને એવું લાગે કે એ કોઈની દયા પર મોટો થયો છે. લાગણીનો સંબંધ લોહીના સંબંધ કરતા મોટો હોય છે. એને મારે એવું ફીલ કરાવું જ નથી કે એ કોઈના ઉપકાર નીચે જીવી રહ્યો છે."

"તમે એ બાબત પર કોઈ ચિંતા ના કરો. આ વાત રવિને કોઈ પણ જગ્યાએ જાણવાં નહીં મળે."

પારુલને ખુશી થઈ કે કોઈ અજાણ્યું પહેલી મુલાકાતમાં એના દીકરાનાં ભવિષ્યનો આટલો વિચાર કરે છે. આવાં માણસો જ મરદ કહેવાને લાયક હોય છે. ધિક્કાર છે એવી વ્યક્તિના વિચારો પર કે પુરુષના પિતા બનવા પર નક્કી કરે કે એ મરદ છે કે નામરદ. અરે, મરદની સાચી નિશાની એ જ હોય છે કે એની પહેલાં એ બીજાં લોકોનો વિચાર કરે. પારુલ વિચારમાંથી બહાર આવી.

"મને તમારી સાથે મેરેજ કરવાથી કોઈ સમસ્યા નથી. હું તમને અને રવિને સ્વીકારવાં તૈયાર છું. આજ પછી એ તમારો દીકરો નહીં પણ આપણો દીકરો છે; એવું કહેવાની આદત પાડી દો."

પ્રવિણે મોઢું મલકાઈને પારુલના હાથ પર પોતાનો હાથ રાખ્યો. આ એ બન્નેનો પહેલો સ્પર્શ હતો; જે ખુલ્લાં નભની સાક્ષી થયો હતો. પારુલને પ્રવિણનો સ્પર્શ થતાં થોડીક શરમાઈ ગઈ. શરમાતાં એણે પ્રવિણની આંખોમાં જોઈને બોલી.

"હવે તમે સંપૂર્ણપણે એક દીકરાના પિતા બની ગયા છો. તમે મારી નજરમાં અખંડ પિતા બની ગયાં છો. આજથી તમે મને તું કહેવાની ટેવને કેળવી જ લો." વાત કરતાં એનું મુખ મલકાઈ ગયું.

"મારી મસ્તી કરવાની આદત પણ છે. એ પણ તારે સહન કરવી પપડશે, છી એમ ના કહેતી કે તમે આ વિશે મને ક્યાં કહ્યું ?"

પ્રવિણની વાત સાંભળીને પારુલ ખુલ્લીને હસવાં લાગી. પારુલને હસતાં જોઈને એ જોરથી હસવાં લાગ્યો. એકંદરે બન્નેએ એક જ મુલાકાતમાં રવિની ખુશી માટે એકબીજાંને સ્વીકારવાં તૈયાર થઈ ગયાં હતાં.

પ્રવિણ અને પારુલ વાતો કરીને નીચે ઊતરી ગયાં. હોલની અંદર વડિલોને પણ એમનાં લગ્નથી કોઈ આપતિ ન હતી. પ્રવિણ અને પારુલની મંજુરી મળતાં દલપતકાકાએ પંદર દિવસ પછી એક સાથે સગાઈ અને લગ્નનું મુહુર્ત પણ કાઢી નાખ્યું.

પંદર દિવસ પછી સાદાઈથી પ્રવિણ અને પારુલનાં લગ્ન થઈ ગયાં. પ્રવિણે પારુલ અને રવિ સાથે ગૃહ પ્રવેશ કર્યો. પારુલ એક પછી એક વડીલોનાં આશીર્વાદ લેવાં લાગી.

પારુલે દલપતકાકાને પિતાજી કહીને સંબોધન આપ્યું. પ્રવિણે નક્કી કરી લીધું કે હવે પછી એ દલપતકાકાને પપ્પાની જગ્યાએ પિતાજી કહીને માન આપશે. એ પછી પારુલે પ્રવિણની મમ્મીને મા કહીને બોલાવ્યાં તો એ પ્રવિણને ખૂબ ગમ્યું.

પારુલે રવિને દલપતકાકાને દાદા કહીને બોલાવવાનું શીખવી દીધું. રવિના દાદા બોલવાથી દલપતકાકા સૌનાં માટે દલપતદાદા બની ગયાં.

પ્રવિણ અને પારુલે એમનાં નવાં જીવનનો આરંભ પ્રેમ અને વિશ્વાસ સાથે કર્યો. પારુલે બીજે દિવસે ઘરની દરેક જવાબદારી પોતાનાં માથે ઊપાડી લીધી હતી. પ્રવિણની માને તેણીએ ખૂબ સેવાચાકરી કરી પણ સાસુનું સુખ એ વધુ દિવસ માણી ના શકી અને એનાં સાસુ રામશરણ થઈ ગયાં.

પ્રવિણે રવિને પિતાનો પ્રેમ આપવામાં કશું બાકી રાખ્યું ન હતું. સગા પિતા એના દીકરાને પ્રેમ ના કરે એનાથી દસ ગણો પ્રેમ એ રવિને કરતો હતો. દલપતદાદા પૂરો દિવસ રવિ ..રવિ..કહીને થાકતા ન હતા. એમને રવિના ચહેરામાં પોતાનો કુળદિપક દેખાતો હતો.

પ્રવિણ વર્તમાનમાં વેરાવળના દરિયાકિનારે એના નવા મિત્રો સાથે બેઠો હતો. પાંત્રીસ વર્ષની વેદનાને છાતીમાં ધરબીને ઠાલવી દીધી. એ જ ઘડીએ હૈયું સાવ હળવું ફુલ થઈ ગયું. 

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"