વનસ્પતિ સૃષ્ટિની વાત નીકળે એટલે ભારતીય વિજ્ઞાની ડૉ. જગદીશચંદ્ર બોઝનું સ્મરણ થાય. છોડવાઓ અને વૃક્ષો આપણી જેમ જ સુખ-દુઃખનો અનુભવ કરે છે એવું સર્વપ્રથમ ડૉ. જગદીશચંદ્ર બોઝે સાબિત કર્યું. તેમણે પ્રયોગો દ્વારા એવું પણ સિદ્ધ કર્યું કે તે મનુષ્યની જેમ શ્વાસ પણ લે છે, બીમાર પણ થાય છે અને મરણ પણ પામે છે. વૃક્ષો અને વનસ્પતિઓ પર એમણે શરૃ કરેલું સંશોધન કાર્ય ક્લીવ બેકસટર, બી.એન. પુશ્કિન, પ્રો. સિંહ, ડોરોથી રેટેલ લેક જેવા વિશ્વભરના અન્ય વિજ્ઞાાનીઓએ આગળ ધપાવ્યું અને એના વિશે અદ્ભુત સંશોધનો કર્યા.ડૉ. જગદીશચંદ્ર બોઝ ઈંગ્લેન્ડમાં હતા ત્યારે એવો પ્રયોગ કરી રહ્યા હતા કે છોડવાઓ પણ આપણી જેમ સંવેદના અનુભવે છે. આ પ્રયોગ જોવા અનેક વિજ્ઞાાનીઓ અને અન્ય જિજ્ઞાાસુઓ એકત્રિત થયા હતા. પ્રો. બોઝે એક ઈંજેકશન દ્વારા એક છોડને ઝેર આપ્યું. થોડીવારમાં તો છોડ મુરઝાઈને મરી જવો જોઈતો હતો! પણ એવું ના થયું. લોકોમાં ચડભડાટ શરૃ થઈ. પ્રો. બોસની વાત પર કેટલાકને શંકા ગઈ. કેટલાક એમનો દાવો ખોટો પડવા બદલ હસવા માંડયા. પણ પ્રો. બોઝે પોતે આ પ્રયોગ ઘેર કરેલો હતો અને પોતાની શોધ બદલ તે પૂરો વિશ્વાસ ધરાવતા હતા એટલે આવું કેમ બન્યું તે વિચારવા લાગ્યા. તેમને લાગ્યું કે જે શીશીમાંથી ઝેરનું ઈંજેકશન આપવામાં આવ્યું છે તેમાં ઝેર નહીં હોય. એટલે એમણે જાહેર કર્યું કે હવે તે પોતે આ ઝેર પીશે! તેમણે તે શીશી ઉઠાવીને તેનું ઝેર પોતાના મોંમા ઉતારી દીધું. લોકો તો ગભરાઈ ગયા અને શ્વાસ થંભાવીને બેસી ગયા. પણ જગદીશચંદ્ર બોઝ પર ઝેરની કોઈ અસર થઈ નહીં. એટલે તેમણે કહ્યું - જો આ સાચું ઝેર હોત તો મારા પર અસર થાત. ઝાડ પર એની અસર થઈ નહીં એટલે મને ખાતરી થઈ ગઈ હતી કે આ શીશીમાં સાચુ ઝેર ભરવામાં આવ્યું નથી !પ્રો. બોઝે ઝેરની શીશી લઈને આવનાર વ્યક્તિને પૂછ્યું- ’બોલો મહાશય, તમે આ શીશીમાં જે લાવ્યા છો તે ઝેર છે કે બીજું કંઈ ?’ તે વ્યક્તિએ મંચ પર આવીને જાહેર કર્યું કે શીશીમાં ઝેર નહોતું. તેણે ઝેરના રંગનું પાણી તેમાં ભરીને આપ્યું હતું જેથી ડૉ. બોઝનો પ્રયોગ ખોટો પડે અને જાહેરમાં તે ઉપહાસને પાત્ર બને. પછી સાચુ ઝેર મંગાવવામાં આવ્યું અને પ્રો. બોઝે તેનું ઈંજેકશન છોડને આપ્યું. થોડીવારમાં જ છોડ મુરઝાઈને મરી ગયો. લોકોએ તાળીઓના ગડગડાટ સાથે તેમની વાત સ્વીકારી લીધી અને વૃક્ષો-વનસ્પતિમાં જીવન છે તે સાબિત થઈ ગયું.ડૉ. જગદીશચંદ્ર બોઝે એ પણ સાબિત કર્યું કે છોડ-વૃક્ષો આપણી જેમ જ દુઃખ-દર્દ-પીડાનો અનુભવ કરે છે. તેમણે છોડ પર દારૃનો પ્રયોગ પણ કર્યો. તેમણે જોયું કે દારૃના પ્રભાવથી છોડ માણસની જેમ મદહોશ બની જાય છે! વૈજ્ઞાાનિક ઉપકરણોથી તેમણે એવું પણ સાબિત કર્યું કે ગાજર અને કોબીને ચપ્પાથી કાપતી વખતે તે પીડાથી કંપી ઉઠે છે! છોડવાઓના મનની ભાષાને સમજવા માટે પ્રો. બોઝે એક અતિ સંવેદનશીલ યંત્ર બનાવ્યું હતું જેનું નામ છે કેસ્કોગ્રાફ. ડૉ. જગદીશચંદ્ર બોઝે વિજ્ઞાાનના ઈતિહાસમાં જે ક્રાંતિકારી અધ્યાય જોડયો તે યુગવર્તી શોધ તરીકે ઓળખાયો. મહાન વિજ્ઞાાની આલ્બર્ટ આઈન્સ્ટાઈને પણ તેમના વખાણ કરતાં કહ્યું હતું - ’જગદીશચંદ્ર બોઝે જે અમૂલ્ય અને ગૌરવશાળી ભેટ જગતને આપી છે એના માટે વિજય-સ્તંભ સ્થાપિત કરવો જ યોગ્ય ગણાશે.
વિશ્વપ્રસિદ્ધ નાટયકાર અને લેખક જ્યોર્જ બર્નાર્ડ શોએ પ્રો. જગદીશચંદ્ર બોઝને પોતાનું એક પુસ્તક ભેટ આપ્યું ત્યારે તેના પ્રથમ પૃષ્ઠ પર લખ્યું - ’મારા જેવી એક નગણ્ય વ્યક્તિ તરફથી એક મહાનતમ વિજ્ઞાાનીને ભેટ.’ રોમાં રોલાએ પ્રો. બોઝને પોતાનું પુસ્તક ભેટ આપ્યું ત્યારે તેમાં લખ્યું - ’એક નવી દુનિયાના પડદા ખોલનારને ભેટ.પછી તો નવી દુનિયાના દ્વાર ખૂલતાં જ વનસ્પતિ જગતના નવા નવા રહસ્યો અનાવૃત્ત થતા રહ્યા. અમેરિકાના ન્યુયોર્ક સ્થિત ક્લિવ બેકસટરે આ દિશામાં આધુનિક યંત્રો સાથે અવનવા પ્રયોગો કર્યા અને એવું સાબિત કર્યું કે વૃક્ષો-છોડવાઓ વિવિધ લાગણીઓ અનુભવવાની સાથે ઓળખશક્તિ પણ ધરાવે છે! બેક્સટરે પોલીગ્રાફ - લાઈ ડિટેક્ટર મશીન સાથે છોડવાઓને જોડીને ઘણા પ્રયોગો કર્યા અને એમાંથી આશ્ચર્યજનક પરિણામો પ્રાપ્ત કર્યા. ક્લીવ બેક્સટરે એવું સાબિત કર્યું કે દુનિયાના કોઈપણ ખૂણે ઉદ્ભવતા તરંગો, અવાજના મોજા કે વિચારના તરંગોને વૃક્ષો કે છોડ પલકારા જેટલા સમયમાં ઝીલી લે છે. અમેરિકાના ઈલેક્ટ્રોનિક્સ નિષ્ણાત પીઅરે પોલ સૌવિને ૧૯૭૦માં ક્લીવ બેક્સટરના પ્રયોગો પરથી પ્રેરણા લઈને એક નાના છોડનો માધ્યમ તરીકે ઉપયોગ કરીને દૂરથી માનસિક આદેશ આપીને મોડેલ ટ્રેનને અટકાવવાના અને એરક્રાફ્ટને વાંકીચૂકી દિશામાં ફંગોળવાના પ્રયોગો કરી તાવ્યા હતા. ૨૩-૩-૧૯૭૦ના રોજ સૌવીને તેની મોટરકારમાં ’ફિલોડેન્ડ્રોન બીપીન્નેટીફિડમ’ નામનો છોડ મૂકી, તેની સાથે ગેલ્વેનોમીટર અને કારની સ્ટાર્ટર સ્વીચ જોડી ત્રણ માઈલ દૂરથી વિચારનો આદેશ આપી એ કારને સ્ટાર્ટ કરી દીધી હતી!ક્લીવ બેક્સટરે અમેરિકન મેડિકલ અસોસિયશનનું આહવાન સ્વીકારી અસાધ્ય રોગોથી પીડાતા દરદીઓને અમુક વૃક્ષોના સાંનિધ્યમાં રાખી તેની ’બાયોપ્લાઝમા’ના સંપર્કથી નિરોગી બનાવી દીધા હતા!બેક્સટરના પ્રયોગોથી પ્રભાવિત થઈ આવા જ અચરજભર્યા પ્રયોગો સોવિયેત રશિયાના વિખ્યાત મનોવિજ્ઞાની બી.એન. પુશ્કિને પણ કર્યા. તેમણે ’તાથા’ નામની એક છોકરીને આ પ્રયોગ માટે પસંદ કરી. તેમણે તેને કહ્યું - ’તું એકથી દસની વચ્ચેની કોઈપણ એક સંખ્યા મનમાં પસંદ કરી લે.’ તેણે તેમ કર્યું. પછી તેને કહ્યું - ’જ્યારે તને પૂછવામાં આવે ત્યારે દરેક વાર તારે એમ જ કહેવું કે આ સાચો જવાબ નથી.’ એ પછી તેમણે ફંડામાં રાખેલા છોડને પોલીગ્રાફ સાથે જોડી દીધો હતો. પ્રયોગકર્તા જુદીજુદી સંખ્યા બોલી તાથાને પૂછતો કે શું તેણે આ સંખ્યા પસંદ કરી છે ? તથા બધામાં ના જ પાડયા કરતી. પરંતુ જ્યારે તેને ’પાંચ’ની સંખ્યા ધારવા વિશે પૂછ્યું ત્યારે કંઈક જુદું જ બન્યું ! તેણે મોઢેથી તો ના પાડી પણ તે જુઠ્ઠું બોલી રહી છે તે વાત પેલા છોડે જાણી લીધી અને પોલીગ્રાફ દ્વારા તે દર્શાવી પણ દીધી! પાછળથી તાથાએ કહ્યું કે છોડ જે ગ્રાફ દ્વારા કહી રહ્યો છે તે સાચું છે. તેણે પોતાના મનમાં ’પાંચ’ની સંખ્યા જ ધારી હતી.દક્ષિણ ભારતની અન્નામલાઈ યુનિવર્સિટીના વિજ્ઞાાની ડૉ. ટી.સી.એન. સિંહે પ્રયોગો દ્વારા એ સાબિત કર્યું કે વૃક્ષો-વનસ્પતિ પર સંગીતની ભારે અસર પડે છે અને તેનાથી તેમની ઝડપી વૃદ્ધિ થાય છે અને ઉત્તમ પાક નીપજે છે. સંગીતના પ્રભાવથી ૨૫ ટકાથી ૬૦ ટકા સુધી વધારે પ્રમાણમાં તમાકુ અને મગફળીનો પાક મેળવ્યાના પ્રયોગો તેમણે કર્યા હતા. પ્રો. ડૉ. સિંહના પ્રયોગો પરથી પ્રેરણા લઈને અમેરિકાની ઈલિનોય યુનિવર્સિટીના વિજ્ઞાાની જોર્જ ઈ. સ્મિથે પણ સંગીતનો ઉપયોગ કરી ધાર્યા કરતાં વધુ પ્રમાણમાં પાકની ઉપજ મેળવી હતી. એ જ રીતે અમેરિકાના ખ્યાતિપ્રાપ્ત વિજ્ઞાાની ડોરોથી રેટેલ લેકે પણ સંગીતની અસર છોડવા પર કેવી પડે છે તે જોવાનો પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગ દરમિયાન તેમણે કેટલાક છોડને બોખનું પાશ્ચાત્ય સંગીત સંભળાવ્યું અને કેટલાકને પૂર્વનું ભારતીય શાસ્ત્રીય સંગીત સંભળાવ્યું તો તેમનામાં અલગ અલગ અસરો જોવા મળી હતી. એસિડ રોક સંગીત સાંભળનારા છોડ રુગ્ણ બની ગયા અને શુદ્ધ શાસ્ત્રીય સંગીત સાંભળનારા પુષ્કળ ફૂલોથી, લચી ઊઠયા હતા. રશિયન વિજ્ઞાનીઓએ એક પ્રયોગ દરમિયાન અનાજના છોડોની ક્યારીના એક છોડને કાચના વાસણથી ઢાંકીને રાખી.બીજા છોડોને તો બરાબર પાણી આપવામાં આવતું પણ કાચના વાસણથી ઢંકાયેલા છોડને પ્રયોગના એક ભાગ રૃપે સમજી વિચારીને પાણી આપવામાં આવતું નહોતું. એમ છતાં એ છોડ બીજા છોડોની જેમ જ જીવતો અને સ્વસ્થ રહ્યો. વિજ્ઞાાનીઓએ આનું પરીક્ષણ કર્યું ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે કાચના પાત્રથી ઢંકાયેલા છોડને પાણી ન આપવા છતાં કોઈક રીતે પાણી મળી જતું હતું ! પાણી મળવાનું બહાર તો કોઈ સ્થાન હતું નહીં ! પછી વધારે શોધ કરતાં ખબર પડી કે પાણી ન અપાતા એ છોડને બીજા છોડો પાણી પહોંચાડતા હતા! આમ, વનસ્પતિ સૃષ્ટિના અવનવા રહસ્યો સંશોધનો દરમિયાન પ્રગટ થતા જ રહે છે!