Baaghi 4 in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | બાગી 4

Featured Books
Categories
Share

બાગી 4

બાગી 4
- રાકેશ ઠક્કર
        ટાઈગર શ્રોફની ફિલ્મ ‘બાગી 4’ (2025) ની સમીક્ષકોએ ખાસ કોઈ પ્રસંશા કરી નથી કે દર્શકોએ પણ રસ બતાવ્યો નથી. 2014 માં ‘હીરોપંતી’ થી પ્રવેશ કરનાર ટાઈગર ‘બાગી’ થી સ્ટાર બન્યો હતો. ‘બાગી 4’ માં કંઈપણ મૌલિક નથી. એક તમિલ ફિલ્મમાંથી વાર્તા લેવામાં આવી છે પણ રીમેક ગણી નથી. ફિલ્મનું નામ સાર્થક થતું નથી. ‘બાગી’ એટલે બળવાખોર પણ ટાઇગર અને સંજયના પાત્રો બળવાખોર નથી. પ્રેમમાં ડૂબેલા પ્રેમીઓ લાગે છે. તે પોતાના પ્રેમ માટે લડે છે.
 
એને ‘એ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે પરંતુ ટ્રેલરમાં જે લોહીયાળ અને ખતરનાક એકશન દ્રશ્યો હતા એ ફિલ્મમાં નથી. તેથી ટ્રેલર જોઈને જનાર દર્શક દગો થયાનું અનુભવે છે. દ્રશ્યો જ કાપવામાં આવ્યા છે એટલું જ નહી સંવાદ પણ બદલવામાં આવ્યા છે. આ માત્ર એક્શન થ્રીલર નથી. એને સાયકોલોજીકલ થ્રીલર ગણી શકાય એમ છે.
ઘણા એક્શન દ્રશ્યો 'એનિમલ'માંથી લેવામાં આવ્યા છે. માસ્ક પહેરેલા ગુંડાઓની ટોળકીને કુહાડી અને દાતરડાથી કાપી નાખવાના દ્રશ્યો સામાન્ય બની ગયા છે. એટલો બધો રક્તપાત બતાવવામાં આવ્યો છે કે તે નિરર્થક લાગે છે. એક સમયે એવું લાગે છે કે નિર્માતા 'એનિમલ' પ્રકારની ફિલ્મ બનાવવા માંગતા હતા. ઘણી જગ્યાએ ‘એનિમલ’ જ નહીં પુષ્પા, પઠાણ અને KGF જેવી ફિલ્મોની ઝલક પણ જોઈ શકાય છે. 'યે મેરા હુસ્ન' ગીત 'બેશરમ રંગ' ની ખરાબ નકલ જેવું છે. એક તરફ જોરદાર લડાઈના દ્રશ્યો ધ્યાન ખેંચે છે તો બીજી તરફ સતત હિંસા અને જટિલ વાર્તા ફિલ્મને ભારે બનાવે છે. ઘણા લોકો માટે તે થકવી નાખનારો અનુભવ સાબિત થઈ શકે છે.
વાર્તા ચોક્કસ રસપ્રદ હતી પરંતુ નિર્દેશક તેને યોગ્ય રીતે પડદા પર રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે. VFX નબળું હોવાનો અંદાજ ટ્રેલર પરથી જ આવી ગયો હતો. એનું ઉદાહરણ સિંહનું દ્રશ્ય છે. જેને રાખવાની કોઈ જરૂર ન હતી. ખૂન ખરાબાના દ્રશ્યો ઘણી જગ્યાએ નકલી લાગતાં હતા. વાર્તામાં કશું એવું નથી કે મગજનો ઉપયોગ કરવો પડે.
નૌકાદળ અધિકારી રણવીર ઉર્ફે રોની (ટાઈગર શ્રોફ) એક ભયંકર કાર અકસ્માતમાં સપડાયા પછી સાત મહિના કોમામાં રહે છે. જ્યારે તે સ્વસ્થ થાય છે ત્યારે ભાઈ જીતુ (શ્રેયસ તલપડે) સંભાળ રાખે છે. પરંતુ જીતુને ખ્યાલ આવે છે કે રોનીએ વિચિત્ર વર્તન કરવાનું શરૂ કરી દીધું છે. રોની દાવો કરે છે કે તે અલીશા (હરનાઝ સંધુ) સાથે પ્રેમમાં હતો અને તેના અકસ્માત પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયું. જીતુ અને તેની આસપાસના લોકો તેની વાતને કલ્પના માને છે. એને સમજાવવાનો પ્રયાસ કરે છે કે અલીશા નામની કોઈ છોકરી ક્યારેય નહોતી. આ બધું તેનો ભ્રમ છે. રોની બધાને સત્ય સાબિત કરવાનો પ્રયાસ કરે છે પરંતુ નિષ્ફળ રહે છે. રોની અલીશાને ભૂલી શકતો નથી તેને શોધતો રહે છે. અલીશા વાસ્તવિકતા છે કે રોનીનો ભ્રમ? શું તે અલીશા સુધી પહોંચી શકે છે? એક દિવસ તેને એક ચોંકાવનારા સત્યની ખબર પડે છે. જે તેના જીવનને સંપૂર્ણપણે હચમચાવી નાખે છે. બાકીની વાર્તા આ રહસ્ય પર આગળ ચાલે છે.
કન્નડ નિર્દેશક એ. હર્ષને જવાબદારી સોંપવામાં આવી હતી. તેથી દક્ષિણ ભારતીય ફિલ્મો જેવી એક્શનની શૈલી છે એટલે ટાઇગર અને સંજય દત્ત એકબીજા સાથે લડે છે ત્યારે બૂમો પાડતા એકબીજા તરફ દોડે છે. ચાકો ક્યારે અવંતિકા સાથે એટલો બધો પ્રેમમાં પડી ગયો કે તે મારવા અને મરવા માટે તૈયાર થઈ ગયો એ સમજાતું નથી.
ફિલ્મમાં અનેક ખામીઓ બતાવવામાં આવી રહી છે પરંતુ એક વાત બધાએ માની છે કે ટાઈગર શ્રોફે અભિનેતા તરીકે પુનરાગમન કર્યું છે. તેણે ફક્ત સ્ટંટ અને સ્નાયુઓ પર આધાર રાખ્યો નથી. ચહેરા પરના ગુસ્સા અને આંખોથી ઇમોશન બતાવ્યા છે. તેના અભિનયથી માનવું પડશે કે તેણે આ પાત્ર માટે મહેનત કરી છે. આમ પણ એ જ્યારે સંવાદ ના બોલતો હોય અને એક્શન કરતો હોય ત્યારે પ્રભાવિત કરે જ છે.

ઉપેન્દ્ર લિમયે એક પોલીસ અધિકારી તરીકે નાની ભૂમિકામાં યાદગાર ગંભીર છાપ છોડી જાય છે. એ પડદા પર આવે ત્યારે ફિલ્મમાં જાન આવી જાય છે. હરનાઝ કૌર સંધુને પહેલી જ ફિલ્મમાં અભિનયના ઘણા રંગો બતાવવાની તક મળી છે. સંજય દત્તે કહ્યું હતું કે ‘વાસ્તવ’ પછી તેને આ ભૂમિકા શક્તિશાળી લાગી હતી. જોકે એવું કંઈ કરવાની તક મળી નથી. તેના પાત્રમાં ઊંડાણ ન હોવાથી અસરકારક બન્યું નથી. શ્રેયસ તલપડે અને સૌરભ જેવા સારા કલાકારો તો વેડફાયા છે. અઢી કલાકની ફિલ્મમાં લાંબા ગીતો ગતિને ધીમી પાડે છે. એક્શન ફિલ્મમાં બધા જ ગીતો બતાવવા જરૂરી હોતા નથી.