Aekant - 55 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 55

Featured Books
Categories
Share

એકાંત - 55

કુલદીપ ગીતાને ભુલવાં તૈયાર થઈ ગયો હતો, ત્યાં અચાનક જાણવાં મળ્યુ કે એ ગીતા સાથે ભાગી ગયો. સોમનાથ વિસ્તારમાં લોકોને વાતો કરવાનો એક નવો વિષય મળી ગયો હતો.

આ બધામાં સૌથી વધુ વેદના એક દીકરીના બાપને થતી હોય છે. સાચા અને ખોટાનો કશુ વિચાર કર્યા વિના ગીતાના પપ્પા કુલદીપનાં ઘરે પહેલાં કુલદીપના પપ્પા પર આક્ષેપ મુક્યો અને એ પછી પ્રવિણ અને ભુપતને જોઈને એમના પર આક્ષેપ મુકવાં લાગ્યાં.

"આ બધુ બન્યું એમાં મોટે ભાગે એવું જાણવા મળે છે કે ભાઈબંધના સાથ વિના કોઈ છોરો બીજાની દીકરીને ભગાડીને લઈ ના જાય. સાચું બોલો બન્ને તમે પણ આ બધામાં સામિલ હતા?" ગીતાનાં પપ્પાએ કરેલ સવાલથી બન્ને મિત્રો અવાક બની ગયા. 

"આતો ધર્મ કરતાં ધાડ પડે એવું થયું. અમને આ બધાની કાંઈ ગંધ આવી નથી. કુલદીપ જ્યારથી જોબ પર ચડ્યો એ પછી અમારી એની સાથે વધારે મુલાકાત થઇ નથી. અમે તો હમણાં પેપર વાંચ્યું અને દોડતા સાચી બાતમી મેળવવા અહીં આવી પહોચ્યાં. અહીં આવીને અમે જોયું કે તમે કાકા સાથે ઝઘડી રહ્યા છો. વાહ તમારી દીકરી કેવી હતી એની તમને કદાચ જાણ જ નહીં હોય તો હુ..."

ભુપત ગીતાની બધી વિગત કહેવાં જતો હતો અને વચ્ચે પ્રવિણે એને ટોક્યો : "ભુપત શાંત થઈ જા. આગળ કાંઈ ના બોલતો. એમને શંકા છે એટલે જ પૂછ્યું."

"ના પ્રવિણ ! આજે તો આ મરદ મૂછાળાં દીકરીના બાપને ખબર પડવી જોઈએ. પોતાની ઊંચી જ્ઞાતિનું એમને અભિમાન છે. એમણે એમની દીકરીને કેવા સંસ્કારોથી મોટી કરી છે એની એમને ખબર હોવી જોઈએ." ભુપત ગુસ્સામાં મનફાવે તેમ બોલવાં લાગ્યો

"તારે બે વેંતના છોરાએ મને કહેવાની જરૂર નથી કે મેં મારી દીકરીને કેવાં સંસ્કારોથી મોટી કરી છે. મને મારી દીકરી પર વિશ્વાસ છે કે એ સામેથી કોઈ છોરા પાસે ગઈ ના હોય. તમારા જેવા છોરાઓને લીધે આજે એક દીકરીના બાપને અહીં નીચાં વર્ણના ઘર સુધી આવવું પડ્યું."

ગીતાનાં પપ્પાની વાત સાંભળીને બીજાં લોકો ચૂપ હતાં, પણ મગજનો ગરમ એવો ભુપત ચૂપ બેસીને સાંભળે એવો ન હતો.

"તો તમારે સાંભળવાની તેવડ હોય તો સાંભળો. ગીતાએ આત્મહત્યાની ચિઠ્ઠી લખીને કુલદીપને એકલાં મળવાં બલાવ્યો હતો. ત્યાંથી તેઓ બન્નેએ એક ગેસ્ટ હાઉસમાં રાત પસાર કરી હતી."

ભુપત એ પછી કુલદીપે ગીતાની જે કાંઈ વાત કરી એ બધી કહી જણાવી. તેં કુલદીપના રૂમમાં જઈને એની બેગમાંથી ગીતાએ લખેલી સ્યુસાઈડ ચિઠ્ઠી શોધીને ગીતાના પપ્પાને વંચાવી.

આ દરેક ઘટનામાં સૌથી વધુ દોષ ગીતાનો હતો. એવી જાણ થતાં ગીતાના બાપનું બધાની સામે શરમથી માથું નીચું થઈ ગયું. એ કોઈને મોઢું બતાવવાને લાયક રહ્યા નહીં. એમને એટલું દુઃખ થયુ કે હમણાં ધરતી માર્ગ આપે અને એમાં એ સમાય જાય.

પ્રેમ પ્રકરણમાં હંમેશા એવું જોવાં મળતું આવ્યું છે કે છોકરીઓ સંસ્કારની મુરત ફરતી હોય છે. છોકરીઓને બગાડવામાં હંમેશા ફાળો છોકરાઓનો હોય છે. છોકરાઓને ઉશ્કેરવામાં જવાબદાર મોટેભાગે એમના ભાઈબંધને ગણવામાં આવતા હોય છે.

સમાજ જેવું વિચારે એવું વાસ્તવિકતામાં હોતું નથી. જેવી સૃષ્ટિ એવી દ્રષ્ટિ. લોકોને છોકરીઓ અબળા લાગતી આવી છે. કોઈક વાર નજરે દેખેલું કે મનમાં વિચારેલું પણ ખોટુ પડે છે. એની જાણ પછી થાય ત્યારે બધું લૂંટાઈ ગયું હોય છે.

ભુપતે ગીતાનો ખુલાસો એનાં પપ્પાની પાસે કર્યો એ પ્રવિણને ના ગમ્યું : "આ એક દીકરીના પપ્પા છે. એમની દીકરી એમને દગો આપીને જતી રહી છે. આવાં સમયે એક દીકરીના બાપની વેદના જેનાં પર વીતી હોય એ જ જાણી શકતો હોય. તેં એમને આવા ખુલાસા કરીને એમનાં હૃદયને બહું મોટો આઘાત આપ્યો છે. મને તારી પાસેથી આવી અપેક્ષા ન હતી."

"એ આપણા પર અને કાકા પર કોઈ પણ સાબિતી વિના આરોપ મૂકે શકે છે. સાચા હોવા છતાં પણ આપણે બધુ સાંભળી લેવાનું. આ તે કેવો ન્યાય એ લોકો કરે છે ! મોટાઈ તો કાકાની કહેવાય કે દીકરાના પિતા થઈને એક દીકરીના પિતા પાસે લગ્ન માટે કરગવાં ગયાં. એમણે ઘરે આવેલાં મહેમાનનું માન રાખ્યું નહીં અને અપમાન કરીને બહાર કાઢી મુક્યાં. એ સમયે એમણે સમજદારી દાખવી હોય અને ગીતાનાં લગ્ન કુલદીપ સાથે કરાવી દીધા હોય તો આ દિવસો જોવાનાં આવ્યાં ના હોય."

ભુપત જે કાંઈ કહી રહ્યો હતો એ સાચું કહી રહ્યો હતો. ગીતાના પપ્પા સાથે આવેલાં લોકો પણ એમને હૈયે ધરપત આપવાં લાગ્યાં. એમને એવું લાગ્યું કે વહેલાસર ગીતાનાં લગ્ન કરાવી દીધા હોય તો એમને કે બીજા કોઈને આવા ખરાબ દિવસો જોવાનાં ના આવ્યા હોત.

"અત્યાર સુધી જે કાંઈ થઈ ગયું એ એને આપણે એક નિયતિ સમજીને સ્વીકારવાં સિવાય બીજો કોઈ રસ્તો નથી. દીકરાના પરિવાર કરતા એક દીકરીના પિતાનું દુઃખ સૌથી વધુ હોય છે. લાડ કોડથી ઊછરેલી દીકરી જાણ્યાં વગર આવું પગલું ભરે પછી રડ્યાં સિવાય કાંઈ હાથમાં રહેતું નથી. દીકરીનાં અમુક ઉંમરનાં પડાવે એક બાપને એનો મિત્ર બનીને પણ એને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. તમે જો ગીતાના બાપ નહીં પણ એક મિત્ર તરીકે એની ઈચ્છા જાણવાનો પ્રયાસ કર્યો હોય તો ગીતા ભાગી જતાં પહેલાં સો વાર વિચાર કર્યો હોત."

પ્રવિણ ગીતાના પપ્પાના ખભે હાથ મૂકીને આશ્વાન આપતાં આગળ બોલ્યો : "તમે લોકો હવે ચૂપ થઈ જાવ. આપણે આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ, એ બન્ને પરિવારે એક થઈને વિચારવાનું છે. તમારી મંજૂરી હોય તો હું અને ભુપત આસપાસના શહેરમાં એમને શોધવા નીકળી જઈએ."

પ્રવિણના બોલ્યા પછી વાતાવરણ થોડીક વાર શાંત બની ગયું. બપોરનો ધોમધખતો તડકો થઈ ગયો હતો. ભુપતે ફરી બધાની સામે પાણીનો ગ્લાસ ધર્યો. સૌએ બીજીવાર ધરેલા પાણીનો અનાદર કર્યનહીંહિ અને પાણી એક શ્વાસે ગટગટાવી ગયા.

કુલદીપના પપ્પા ગીતાના પપ્પા સામે જોવાં લાગ્યાં. એક પિતા તરીકે એ એમની નજરથી જે વિચારી રહ્યાં હતાં, એ જ ગીતાના પપ્પા વિચારી રહ્યા હતા.

શાંત વાતાવરણમાં ગીતાના પપ્પાએ ખોખારો ખાઈને પ્રવિણ સામે જોઈને બોલવાનું ચાલું કર્યુ : "જુવાન, તારી વાત સાચી છે. નિયતિને સ્વીકારવા સિવાય બીજો કોઈ છુટકો નથી."

ગીતાના પપ્પાએ પાણી ભરેલા એક ગ્લાસમાંથી ખોબામાં પાણી ભર્યું અને બધાં સામે જોઈને એમનો ફેસલો જણાવ્યો : "હું, ગીતાનો બાપ. તમારાં બધાની સામે મારી દીકરી ગીતા સાથે લોહીનાં અને લાગણીનાં બધાં સંબંધો તોડું છું. નાદાનીમાં આવીને એ ભૂલ પર ભૂલ કરતી રહી અને એક બાપ તરીકે હું એનાં બધાં ગુનાહોને છુપાવતો આવ્યો. એણે દીકરી તરીકે એની કોઈ ફરજ નિભાવી નહીં. એ એનાં બાપનું મોં કાળું કરીને ભાગી ગઈ. આવી દીકરી હવે મારાં માટે મરી ગઈ છે. હું એનું મોં જોવાં તૈયાર નથી."

ગીતાનાં પપ્પા આટલું કહીને સોમનાથ દાદાનું નામ લઈને ખોબાનું પાણી જમીન પર રેડી દીધું. વાતાવરણ ખૂબ જ ગંભીર બની ગયું હતું. કોઈની એવી ઈચ્છા ન હતી કે કુલદીપ અને ગીતાને શોધીને ઘરે પાછાં લઈ આવીએ.

ગીતાના પપ્પા માથું નીચું કરીને કુલદીપના મમ્મી પપ્પાની માફી માંગીને સૌની સાથે કુલદીપના ઘરેથી બહાર નીકળી ગયાં. પ્રવિણ અને ભુપત કુલદીપના પપ્પાની રજા લઈને એમના ઘરે જતાં રહ્યાં.

કુલદીપ અને ગીતાનું ભાગી જવાનું દુઃખ એમના પરિવારને હતું. એનાથી વધુ દુઃખ પ્રવિણને હતું. એક મિત્ર તરીકે એ એના મિત્રના મનની વાત ના સમજી શક્યો. હૃદયના મન પર એનો વસવસો એને સતત રહ્યા કર્યો. બધુ ઠંડું પડી ગયું હતું. એવું તેં શું કારણ હતું કે એ બન્નેને કોઈને કહ્યાં વિના ભાગી જવું પડ્યું. ભાગી જવામાં કોઈએ એમને સાથ આપ્યો હતો કે એમની રીતે ભાગી ગયા. આ કોયડો પણ ઉકેલી શકાયો નહિ.

પ્રવિણ કુલદીપ અને ભુપતને પોતાના હૃદયના ટુકડા માનતો હતો. મિત્રતા માટે એ જીવ આપવા તૈયાર હતો. એનો એક હૃદયનો ટુકકો એમની વચ્ચે આવેલી છોકરીને કારણે છુટો પડી ગયો હતો. શું એનો બીજો હૃદયનો ટુકડો ભુપત પણ આવાં કોઈ કારણથી એનાથી દૂર થઈ જશે..?

(ક્રમશઃ...)

મયુરી દાદલ "મીરા"