Aekant - 54 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 54

Featured Books
Categories
Share

એકાંત - 54

ગીતાના પપ્પાએ કુલદીપના પપ્પાને બેઈજ્જત કરીને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મુક્યા. એમના જીવનમાં એમની આટલી મોટી બેઈજ્જતી કોઈએ કરી ન હતી. દલપતકાકા સાથે પૂરા રસ્તામાં એમનાં કાંનમાં ગીતાનાં પપ્પાએ કહેલાં કડવાં શબ્દો પડઘાય રહ્યાં હતાં. 

એમના ઘરે પહોંચતા કુલદીપે એમનો ઊતરેલો ચહેરો જોઈને જાણી ગયો હતો કે ગીતાનાં પપ્પા એમનાં સંબંધ વિશે માન્યાં નહિ હોય.

કુલદીપ પાણીના બે ગ્લાસ ભરીને એના પપ્પા અને દલપતકાકાને આપતા બોલ્યો, "પપ્પા, એ આટલા સરળતાથી આ સંબંધ માટે માનશે નહિ. થોડાક દિવસ રાહ જુઓ. એ સામેથી એમની દીકરીનો હાથ મને સોંપી દેશે."

કુલદીપના પપ્પાએ પાણીનો ગ્લાસ ઊપાડ્યો અને કુલદીપની વાત સાંભળીને ગુસ્સામાં એ જ પાણીનો ગ્લાસ ભોંય પર પછાડી દીધો. કુલદીપ એના પપ્પાનું આવુ વર્તન પહેલી વાર જોઈને સ્તબ્ધ થઈ ગયો. એ એના પપ્પા સામે પ્રશ્નાર્થ ચહેરે જોવા લાગ્યો. 

"એના બાપે મારી શું ઔકાત છે, એ મને બતાવી દીધી અને હજી તારે એની દીકરીને આ ઘરની વહુ બનાવીને લાવી છે. તારા જેવા દીકરા કરતા તારી માએ પથ્થર જણ્યો હોય તો કપડાં ધોવાં કામ આવ્યો હોત. મારું અભિમાન હતો તું. મારાથી વધુ મને તારા પર વિશ્વાસ હતો. તેં મારી આબરુને નિલામ કરી નાખી." ગીતાના પપ્પાનાં અપમાનની રીષ એમણે કુલદીપ પર કાઢી.

કુલદીપે એના પપ્પાથી નજર હટાવીને દલપતકાકા સામે જોયું. દલપતકાકાએ ગીતાની ઘરે જે કાંઈ થયું એ બધું એને કહી દીધું. ગીતાનાંમ પપ્પાએ એના પપ્પાને ધક્કા મારીને બહાર કાઢી મુક્યા. એ વાત જાણીને કુલદીપનું હૃદય દ્રવી ઉઠ્યું. એની આંખમાંથી ટપ ટપ આંસુઓ ખરવા લાગ્યા.

કુલદીપ એના પપ્પાના ખોળામાં માથુ નાખીને રડવા લાગ્યો, "પપ્પા, મારા જીવનમાં મારે માટે તમારાથી વધુ કશુ નથી. તમારી આબરુ એ જ મારા માટે અમુલ્ય ભેટ છે. તમારી આબરુ સાચવવા માટે મારે આવી સો ગીતાને ન્યોછાવર કરવી પડે તો પણ હું તૈયાર છું."

કુલદીપના આંખમાં એના પપ્પાના થયેલા અપમાનના આંસુઓ હતાં. કુલદીપ ખરા દિલથી એના પપ્પાની માફી માંગી. એના પપ્પાને વિશ્વાસ બેસી ગયો કે હવે પછી કુલદીપ આવા કોઈ લફડામાં પડશે નહિ.

આ વાતને એક મહિનો થઈ ગયો. કુલદીપનું મન કોલેજના રસ્તે જવા તૈયાર હતું નહિ એટલે એણે કોઈ પ્રાવેટ જોબ ચાલુ કરી નાખી. પ્રવિણ ઘરે બેઠા સરકારી નોકરીની તૈયારીઓ કરવા લાગ્યો. ભુપત એ જ કોલેજમાં પોતાની આગળની સ્ટડિ ચાલું કરી. સમયની અનિયમિતતાને કારણે ત્રણેય દોસ્તોનું એક સાથે મળવુ પહેલાં જેવું શક્ય બનતું નહિ. તે છતાં કોઈક સારા ચોખડિયે ત્રણેય દોસ્ત મળી લેતા હતા.

ગીતાએ કુલદીપ સાથેના સંબંધો ભૂલવાં તૈયાર થઈ ગઈ હતી. એ ઘરે બેઠાં એના ડાન્સ કલાસના શોખને ચાલું રાખ્યાં હતાં. કોઈક વાર એના પ્રોફેશનલ કામ માટે એના પપ્પા એને બહાર જવાની અનુમતિ આપી દેતાં.

કાજલે કોલેજ પછી બેરેસ્ટરની ડિગ્રીની લાઈન લઈ લીધી. કોલેજ પછી એણે ગીતા સાથે દોસ્તીનો સંબંધ ઓછો કરી નાખ્યો હતો. કોઈ કામસર તેઓ બન્ને ભેગાં થતાં અને વાતચીત કરી લેતાં.

એક દિવસ સોમનાથ શહેરના ન્યુઝપેપરમાં જાહેરાત આવી. એ જાહેરાત વાંચીને પ્રવિણ અને ભુપતના પગ તળે જમીન ખસી ગઈ હોય એવી લાગણી વિકસીત થઈ.

ન્યુઝપેપરમાં જાહેરત વાંચીને એમને જાણવાં મળ્યું કે, 'સોમનાથમાં એક છોકરો એની ગર્લફ્રેન્ડને ભગાડી લઈ ગયો. પ્રાપ્ત વિગત મુજબ કુલદીપ એનાં કોલેજ સમયની ગર્લફ્રેન્ડ ગીતાને લઈને રફુચક્કર થઈ ગયો. પ્રેમમાં પાગલ બન્ને લોકો કોલેજનાં છેલ્લાં વર્ષમાં ફેઈલ પણ થઈ ગયાં હતાં.'

ચાયની લારીએ ઊભા રહીને ન્યુઝ વાંચતા પ્રવિણથી કહેવાય ગયું, "આ ન્યુઝવાળા પાસે કોઈ ન્યુઝ ના હોય એટલે કાંઈ પણ છાપી દે છે. મને કુલદીપ પર વિશ્વાસ છે. એણે એના પપ્પાને વચન આપેલું હતું કે એ ફરી ગીતાનું નામ પણ લેશે નહિ."

પ્રવિણે ગુસ્સામાં પેપરનો ડૂચો વાળીને ફેંકી દીધો. ત્યાં રહેલાં ચાય વાળા ભાઈએ પ્રવિણની આવી હરકત જોઈને ગુસ્સે થઈ ગયો.

"એ ભાઈ ! કેમ ખાલી ખોટા કોઈના ભૂખ્યા પેટ પર લાત મારો છો ? અહીં પેપર રાખું છું તો લોકો વાંચવાના બહાને ચાય પીવા આવે છે. તમે આમ પેપરને જ ખરાબ કરી નાખ્યું." એ ભાઈએ પેપરને હાથમાં સરખુ કરવા લાગ્યો.

પ્રવિણને પેપર બગાડીને પછી ખૂબ અફસોસ થયો. કુલદીપના ન્યુઝ વાંચીને એણે ગુસ્સામાં પેપરનો ડૂચો વાળી દીધો હતો. એને એની ભૂલ સમજાણી અને એ ભાઈની માફી માંગી લીધી.

"પ્રવિણ, આપણે ન્યુઝ વાંચીને શાંત બેસી ના રહેવું જોઈએ. સોમનાથદાદા ના કરે કે આ ન્યુઝ સાચા હોય. સોમનાથમાં કુલદીપના નામની બીજી વ્યક્તિ હોય શકે પણ એક શંકા પણ છે કે આ પેપરમાં જે કુલદીપની ગર્લ ફ્રેન્ડનું નામ ગીતા છે એ ગીતા સાથે જ આપણો કુલદીપ ફરતો હતો." ભુપતે જણાવ્યું.

"તને આપણા દોસ્ત પર વિશ્વાસ નથી અને આ ચાર આનાના ન્યુઝ પેપર પર વિશ્વાસ છે !" પ્રવિણે ભુપત તરફથી મોઢુ ફેરવી લીધું.

"સાચી હકીકતની જાણ આપણને પણ નથી. આપણે કુલદીપને ઘણા સમયથી મળ્યા નથી. એના મનમાં શું ચાલતું હશે એ એને ખબર હોય. કોલેજ સમયે એણે જે હરકત કરી પછી એના પર મને વિશ્વાસ રહ્યો નથી."

ભુપતની વાત પ્રવિણને સાચી લાગવા લાગી. માણસના મન ઘડીકમાં ક્યારે બદલાય જતા હોય છે એની કોઈને ખબર રહેતી નથી.

"આપણે એના ઘરે જશું તો જ આપણને સાચી વાતની જાણ થશે."

પ્રવિણને મનમાં વિચાર આવ્યો અને એણે ભુપતને જણાવ્યો. ચાયની લારીથી તેઓ બન્ને કુલદીપના ઘરે જવા નીકળી ગયા.

કુલદીપના ઘરે પ્રવિણ અને ભુપતને અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. દ્રશ્ય જોઈને એમને ન્યુઝ પેપરની વાત સાચી લાગવા લાગી.

"તારી ઔકાત કોઈ દિવસ કોઈ મોટા ઘરે જાન લેવાની હતી નહિ. તારો દીકરો એ વાતને જાણી ગયો હતો. તેં તારા દીકરાને ઉશ્કેર્યો અને એ મારી દીકરીને લઈને ભાગી ગયો." ગીતાના પપ્પાએ કુલદીપના પપ્પાને ઠપકો આપ્યો.

કુલદીપના ઘરમાં એના પપ્પા અને મમ્મી હતા. ગીતાના પપ્પા એમની જ્ઞાતિના ચાર વ્યક્તિને લઈને કુલદીપના પપ્પા સાથે ઝઘડવા આવી પહોચ્યા હતા. આસપાસ લોકોની ભીડ આ ઝઘડો જોવા એકત્ર થઈ ગઈ હતી.

પ્રવિણ અને ભુપત ભીડને ચીરતા કુલદીપના પપ્પા પાસે પહોંચી ગયાં. ગીતાના પપ્પાના શબ્દો કુલદીપના પપ્પા નિ:સહાય બનીને સાંભળી રહ્યાં હતાં.

"કાકા ! એ તમને આટલું બધું બોલે છે તો તમે ચૂપચાપ બધુ સાંભળી રહ્યા છો ? યાદ રાખો કે, ચૂપ રહેવું એ પણ ગુનાને પાત્ર ઠેહરવામાં આવે છે." પ્રવિણે કુલદીપના પપ્પાને સમજાવ્યા.

"મારો દીકરો આવો કપાતર નીકળ્યો તો હવે મારે કોને સફાઈ આપવી. હવે સોમનાથ દાદા મને અને એની માને એમની પાસે બોલાવી લે. અમારાં જીવનની હવે આ છેલ્લી ઈચ્છા છે." કુલદીપના પપ્પા રડવા લાગ્યા.

"મારી દીકરી મને મળશે નહિ ત્યાં સુધી હું તને મરવા ક્યાંથી દઈશ ? સાચુ બોલવું છે કે તારો દીકરો મારી દીકરીને ક્યાં લઈ ગયો છે, નહિતર પોલીસને એક કોલ કરીને તને જેલ ભેગો કરતા વાર નહિ લાગે." ગીતાનાંમ પપ્પાએ હાથમાં રહેલ લાકડીનો દાબ બતાવતા બોલ્યા.

"આપણે આવી વાત શાંતિથી બેસીને પણ કરી શકીએ છીએ. તમે પહેલાં શાંત થઈ જાવ. મામલો થોડોક ગંભીર છે. આસપાસના લોકો આપણને જુએ છે. આમા કુલદીપના માતા પિતાનું અને તમારું બન્નેનું ખરાબ લાગશે." પ્રવિણ ભીડ સામે નજર કરીને ગીતાના પપ્પાને ચૂપ કરાવ્યાં. 

ભુપત ભીડ તરફ જઈને લોકોને એમના ઘરે મોકલી દીધા. અંદરો અંદર લોકો મનમાં આવતી વાતો કરતા એમના ઘરે જતા રહ્યા. પ્રવિણે ગીતાના પપ્પા અને એમની સાથે આવેલા લોકો માટે બે ખાટલા પાથરી દીધા. અંદરથી પાણીના પ્યાલા ભરીને એ લોકોની સામે કર્યા પણ કોઈ કુલદીપના ઘરનું પાણી પીવા તૈયાર ના થયા.

"તમે બેય છોરાઓ આ છોરાના ભાઈબંધ છો ?" ગીતાના પપ્પાએ કુલદીપ અને ભુપત સામે જોતાં કહ્યું, "મને તો હવે તમારા બેય પર શંકા પડે છે. ના કરે નારાયણ પણ ભાઈબંધ જ આમા વધારે ભાગીદાર હોય છે."

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ"મીરા"