પ્રવિણને ખુશી થઈ રહી હતી કે ભુપત અને કુલદીપ પહેલા જેવા દોસ્ત બની ગયા હતા. સ્વાતંત્ર્ય દિનના બીજા દિવસની સવાર કુલદીપ અને ગીતાના જીવનમાં એક નવી ખુશી સાથે ઊગેલી હતી.
ગીતા કાજલને લઈને સમયની પહેલાં કોલેજ પહોચી ગઈ હતી. રોજ કાજલ ગીતાને કોલેજ જવાં બોલાવવાં જતી પણ એ દિવસે તો ગંગા ઊંધી દિશાએ વહી હતી. કાજલને ગીતાનું આ પરિવર્તન નવીન લાગ્યું પણ એ જાણતી હતી કે બધું કુલદીપ માટે થઈ રહ્યું હતું.
કાજલને કોલેજની અંદર જવાં મંજુરી આપીને ગીતા કુલદીપની રાહ જોઈને ગેટ પાસે ઊભી હતી.
"ગીતા, ચાલને તારે કોલેજની અંદર આવવું નથી ?" કાજલે સવાલ કર્યો.
"હું હમણાં કુલદીપની સાથે આવુ છુ. તારે અંદર જવું હોય તો જઈ શકે છે."
"એ કોલેજમાં તારી પહેલાં આવીને બેઠો હશે તો એની ખાલી ખોટી અહીં રાહ જોઈને ઊભી રહીશ."
"મને વિશ્વાસ છે કે એ કોલેજ હજું આવ્યો નહીં હોય. એ મારી પહેલાં આવેલો હોય તો અહીં ઊભા ઊભા મારી રાહ જોતો હોય."
ગીતાની વાત સાંભળીને કાજલને ગુસ્સો આવતો હતો. એણે ગીતાને આગળ કશું કહ્યું નહીં અને કોલેજની અંદર જતી રહી. થોડીક ક્ષણો પછી ગીતાને કુલદીપ એનાં દોસ્તો સાથે રસ્તાની સામેથી આવતો દેખાય ગયો.
ગીતા રોડની જમણી સાઈટ આવેલ કોલેજનાં ગેટ પાસે ઊભી હતી. કુલદીપને જોઈને એનાં હૃદયનાં ધબકારા વધવાં લાગ્યાં અને મનમાં બોલી : 'આજે મારાં કુલદીપે મારાં વિશ્વાસને જીતાડી દીધો. મારું દિલ કહેતું હતું કે તમે મારી પહેલાં કોલેજ આવ્યાં નહીં હોય.'
રોડની ડાબી સાઈડ કુલદીપ પ્રવિણ અને ભુપતની સાથે આવી રહ્યો હતો. ગીતા ગેટ પાસે એની રાહ જોઈ રહી હતી. એની નજર ગીતા પર પડતાં એ પ્રેમથી નીરખતો રોડ ક્રોસ કરવાં લાગ્યો. પ્રવિણ અને ભુપત આગળ નીકળી ગયા હતા. પાછળ કુલદીપ ગીતાને જોઈ રહ્યો હતો તો એક રિક્ષા એની સાથે અથડાઈ ગઈ.
આ જોઈને સૌથી પહેલી ચીસ કુલદીપનાં નામની ગીતાની નીકળી. અવાજ થતા પ્રવિણ અને ભુપતે પાછળ વળીને જોયું તો રિક્ષા વાળો કુલદીપને પછાડીને જતો રહ્યો હતો. રોડની વચ્ચે કુલદીપ પડી ગયો હતો. પ્રવિણે એનો હાથ પકડીને ઊભો કર્યો. નસીબ જોગે કુલદીપને બહુ લાગ્યું ન હતું.
કુલદીપને પડતાં જોઈને ગીતા એની પાસે પહોંચી ગઈ : "તમારું ધ્યાન ક્યાં હોય છે ? આ વાહનચાલક વાળાં આંખો બંધ કરીને વાહન ચલાવતાં હોય છે. તમને બહું લાગ્યું તો નથી ? મારો તો જીવ ઊંચો ચડી ગયો હતો."
"ગીતા ! એ બરાબર છે. રિક્ષા વાળો આંધળો હતો પણ આ પાંચ ફુટ ત્રણ ઈંચ વાળા માણસની આંખો કોડ જેવડી છે. એ જોઈને ચાલી શકતો હતો." ભુપત કુલદીપની લાપવાહીને કારણે બોલ્યો.
કુલદીપ ગીતા સામે જોઈને હળવેકથી બોલ્યો : "તું ચિંતા ના કર. મને કાંઈ નથી થયું. એ તો મારી આંખોની નજર તારાંથી હટી રહી ન હતી. એ કારણે મારું ધ્યાન ના રહ્યું."
"તમારે પણ હવે ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે આ તમારો એકનો જીવ નથી. મારો પણ જીવ છે." ગીતાએ ધીમેકથી કોઈ સાંભળે નહીં એમ બોલી અને શરમાઈ ગઈ.
"તું હવે આવી તો ગઈ; આ જીવને સાચવવાં. મારો જીવ તું છે. તને હું સાચવીશ અને તું મને સાચવી લેજે."
કુલદીપનાં બોલવાથી ગીતા ચહેરો નીચો કરી ગઈ. બન્ને પ્રેમી પંખીડા રોડ વચ્ચે પ્રેમની વાતો કરવાની ચાલું કરી દીધી. ભુપત પ્રવિણને લઈને કોલેજની અંદર જતો રહ્યો.
કલાસની અંદર પિરિયડ ચાલુ થવાની તૈયારીમાં હતા. સૌ સ્ટુડન્ટ્સની સાથે પહેલો પિરિયડ લેવાં ચારુ મેડમે કલાસની અંદર એન્ટ્રી કરી. કુલદીપ અને ગીતા હજું આવ્યાં ન હતાં; એની ચિંતા કાજલ અને પ્રવિણનાં ચહેરા પર દેખાય રહી હતી.
ચારુ મેડમ સ્ટુડન્ટ્સની હાજરી પૂરવાં લાગ્યાં. એક પછી એક નામ લેતાં ગીતાનું નામ એમણે લીધું.
"મેડમ! એ આવી છે, પણ હજું કલાસમાં આવેલ નથી. હમણાં એ આવવી જોઈએ." કાજલનાં કહેવાથી ચારુ મેડમે એની હાજરીનું કોષ્ટક ખાલી રાખ્યું.
બાકી બચેલાં સ્ટુડન્ટ્સનાં નામો સાથે ચારુ મેડમે કુલદીપનું નામ લીધું.
"મેડમ ! એ પણ જસ્ટ આવવો જોઈએ. અમારી સાથે જ એ આવેલો હતો." પ્રવિણે જાણ કરી.
ચારુ મેડમ સમજી ગયાં. એક સાથે ગીતા અને કુલદીપ ગેરહાજર હોવું એટલે એક મહિનો ડાન્સ કલાસથી બન્ને વચ્ચે પ્રેમનાં ફાગ ખેલવાનાં ચાલું થઈ ગયાં હશે. એ કશું બોલ્યાં નહીં અને નવાં લેકચર સમજાવવાં લાગ્યાં.
કોલેજનાં ગ્રાઉન્ડમાં ગીતા અને કુલદીપ વાતો કરતાં ચાલી રહ્યાં હતાં : "ગીતા, આપણે જલ્દી કલાસમાં જવું જોઈએ. ચારુ મેડમનાં લેકચર ચાલું થઈ ગયાં હશે."
"તમારો ચહેરો મારાં નજરની સામેથી હટતો નથી. એ લેકચરમાં મારું ધ્યાન કઈ રીતે પડશે ?"
"જો આપણે સ્ટડિ કરવા માટે એક વર્ષ છે. મન હોય કે ના હોય; આપણે આપણું કર્તવ્ય ભુલવું ના જોઈએ."
કુલદીપનું આમ બોલવાથી ગીતાએ એનો હાથ પકડીને એને ઊભો રાખી દીધો : "તમને એવું નથી લાગતું કે આપણે એકબીજાં સાથે વધુ સમય પસાર કરવો જોઈએ. તમને મારી કંપની સારી નથી લાગતી ?"
"જો અહીં આવતાં જતાં લોકો આપણને જોઈ રહ્યાં છે. મને પણ તારી કંપની ગમે છે. આ એક વર્ષ જવાં દે એ પછી હું મારાં ઘરે તારી વાત કરીશ. તને મારી દુલ્હન બનાવીને પૂરાં હકથી લઈ જઈશ."
કુલદીપે ખૂબ જ પ્રેમથી ગીતાને કહ્યું. ગીતા એની વાત માની ગઈ. બન્ને વાતો કરતાં કલાસ તરફ ગયાં.
"કુલદીપ ! મને એવું લાગે છે કે આ ભુપત કાજલને પ્રેમ કરતો લાગે છે."
ગીતા પાસે ભુપતની કાંઈક નવી વાત જાણવાં મળી. ગીતાની વાત સાંભળીને કુલદીપને નવાઈ લાગી.
"તને એવું કેમ લાગ્યું ?"
"ગઈકાલે, તમે પ્રવિણને લઈને દૂર વાત કરવા ગયા. એ પછી ભુપત મારી પાસે કાજલ વિશે સવાલ કરતાં હતાં. એણે એમ કીધું કે કાજલની ડેઈલિ રુટીંગ શું છે ? એનાં કેટલાં મિત્રો છે ? એમાં પણ બોય મિત્રો કેટલાં છે ? સાવ અલગ અને જાસુસીભર્યા સવાલો હતાં."
ગીતાની વાત સાંભળીને કુલદીપને નવાઈ લાગી. એ પછી એને એવો વિચાર આવ્યો કે કદાચ બની શકે કે ભુપત પ્રવિણને કારણે ગીતા પાસે જાસુસી કરતો હોય. પ્રવિણ કાજલને પ્રેમ કરે છે એવું ગીતાને હાલ જણાવવાનું એને ઉચિત ના લાગ્યું.
"એવું ના હોય ગીતા કે એ કાજલને પ્રેમ કરતો હોય એટલે જ આવાં સવાલો કરે. એ એક મહિનો અમારી સાથે હતો તો એ કાજલની ઓળખાણ કરવાં માટે પૂછતો હોય. તું મને એક વાત જણાવીશ કે કાજલ કોઈને પ્રેમ કરે છે ?"
કુલદીપ આડકતરી રીતે ગીતા પાસે કાજલનાં મનની વાત જાણવાનો પ્રયાસ કરવાં લાગ્યો.
"હા કરે છે ને પ્રેમ. પોતાનાં જીવથી વધુ કોઈને પ્રેમ કરે છે."
ગીતાની વાત સાંભળીને કુલદીપનાં હૃદયમાં ફાળ પડી. એને એવું લાગ્યું કે પ્રવિણનું પતુ હવે કપાઈ ગયું :
"કોને?"
કુલદીપ ગીતા પાસે આટલું માંડ પૂછી શક્યો. કુલદીપની હાલત જોઈને ગીતાને હસવું આવ્યું.
"અરે બુધ્ધુ ! એણે ફક્ત એનાં સપનાને જ પ્રેમ કર્યો છે. એનાં અને એનાં સપના વચ્ચે કોઈ આવ્યું નથી. એને વકીલ બનવું છે. વકીલ દિલથી નહીં પણ દિમાગથી તર્ક કરનાર વ્યક્તિ હોય છે. કોઈ છોકરાનાં પ્રેમનાં ચક્કરમાં પડે; એવો તો ચાન્સ નથી.
ગીતાની વાત સાચી હતી. પ્રવિણ પણ કાજલ વિશે એવું કહી રહ્યો હતો. ગીતાની વાત સાંભળીને તેઓ બન્ને હસતાં - હસતાં કલાસ સુધી પહોંચી ગયા. ચારુ મેડમને કલાસમાં જોઈને બહારથી તેમણે કલાસની અંદર આવવાની પરવાનગી માંગી.
કુલદીપ અને ગીતાને એક સાથે જોઈને ચારુ મેડમે એમને અંદર આવવનો આવકાર આપતાં કહ્યું : "તમે આવો અને હું જાવ. આજનું લેકચર તમે સ્કિપ કરી નાખ્યું છે. તમારાં મિત્રો પાસેથી જરૂરી પોઈન્ટ સમજી લેજો. તમારી પ્રેઝન્ટ મુકાઈ ગઈ છે."
કુલદીપ અને ગીતા કલાસની અંદર આવીને ચારુ મેડમ સામે ઊભા રહી ગયાં. ચારુ મેડમે એમની જરૂરી વસ્તુઓ એકત્ર કરી લીધી. બન્નેને ચારુ મેડમની સામે શરમ આવતાં માથુ નીચું કરી નાખ્યું. લેકચર એટેન્ડ ના કરવાને કારણે તેઓએ મેડમની માફી માંગી લીધી. બન્નેની પહેલી અને છેલ્લી ભૂલ સમજીને ચારુ મેડમે માફ કરી દીધાં. એક ચેતવણી એમને આપેલી હતી કે ફરી આવી એ ભૂલ કરશે તો લેકચર બન્ક કરવાને કારણે એમનાં પરિવારને નોટીસ આપતાં અચકાશે નહિ.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"