રિંકલને લેબર પેઈનનો દુખાવો ઊપડી આવ્યો. હાર્દિક તેના સાસરીયાં વાળાની મદદથી એને તાત્કાલિક હૉસ્પિટલે એડમીટ કરી દીધી.
રિંકલને દુખાવો સહન થઈ રહ્યો ન હતો. નર્સની મદદથી રિંકલને સ્ટ્રેચરમાં સુવડાવીને ઓપરેશન રૂમમાં લઈ ગઈ. એની પાછળ ડૉકટર રિંકલની ડિલવરી કરવાં રૂમમાં ગયાં.
રૂમની બહાર રિંકલની ચિસો સંભળાઈ રહી હતી. હાર્દિકની બેતાબી બાળકનું રુદન સાંભળવવાં માટે વધી રહી હતી. ત્યાં વીસ મિનિટમાં બાળકનાં રડવાનો અવાજ આવ્યો.
"હે ભગવાન ! મારી રિકુ દીકરીને દીકરો જ આવ્યો હોય તો હું તમને એક સો એક રૂપિયાનો પ્રસાદ ચડાવીશ." રિંકલની મમ્મીએ બે હાથ જોડીને પ્રાર્થના કરી.
પાંચ મિનિટ પછી એક નર્સ એક સ્ટીલની ટ્રેમાં બાળકને સુવડાવીને રૂમમાંથી બહાર નીકળી અને વધામણી આપી, "છોકરાના પપ્પા અને નાના - નાની અમને ખુશ કરી દો. તમારા ઘરે દીકરાની પધરામણી થઈ છે."
"મને ભગવાન પર ભરોસો હતો. જમાઈ રાજ, તમારા ઘરે દીકરાનો અવતાર થશે." રિંકલની મમ્મી હાર્દિક સામે જોઈને કહ્યું.
રિમા ખુશ થઈને હાર્દિકને ગળે વળગીને એક દીકરાના પિતા બનવાની વધામણી આપી. હાર્દિક દીકરાના પિતા બનવાની વાત સાંભળીને ભાવવિભોર થઈ ગયો હતો. રાજાએ દરેકની સામે તેને હગ કર્યું — એની કોઈ પરવાહ ન હતી. એને ફક્ત એના દીકરાને પોતાના હાથમાં લેવો હતો.
"સિસ્ટર, મને મારા બાળકને હાથમાં લઈને ક્યારે રમાડી શકું છું ?" હાર્દિકે લાગણીભર્યા સ્વરે વિનંતી કરી.
"ડૉકટરનું કહેવું છે કે એને બે કલાક કાચની પેટીમાં રાખવો પડશે. હજુ, નવી દૂનિયામાં એણે પ્રવેશ કરેલો છે. એટલું જલ્દી તમને હાથમાં આપવામાં આવશે નહિ. વાયરલ ઇન્ફેકશન થવાની સંભાવના રહે. આથી મને માફ કરી દેજો." નર્સ આટલું કહીને ચાઈન્ડ રૂમમાં કે જ્યાં નવજાત શિશુને અન્ડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે, ત્યાં લઈ ગઈ.
ડૉકટર ઓપરેશન રૂમમાંથી બહાર નીકળીને એના કેબીનમાં જવા નીકળ્યા. ડૉકટરને જોઈને રિંકલનાં પપ્પા બોલ્યાં : "ડૉકટર સાહેબ ! અમારાં ભાણીયાની તબિયત તો સારી છે ? એને કેમ પેટીમાં રાખવો પડે છે ?"
"એ બિલકુલ સ્વસ્થ અને તંદુરસ્ત છે. નવા વાતાવરણને કારણે થોડાંક સમય પૂરતો રાખવામાં આવ્યો છે. રાત સુધીમાં તમને આપી દેવામાં આવશે."
ડૉકટરના કહેવાથી દરેક સભ્યે રાહતનો શ્વાસ લીધો. રિંકલને જનરલ વોર્ડમાં શિફ્ટ કરી. ડિલિવરી નોર્મલ થવાથી બીજી કોઈ ચિંતાજનક બાબત હતી નહિ. હાર્દિકે એનાં પેરેન્ટ્સને દીકરાનો જન્મ થવાની વધામણી આપી દીધી. એ પછી તેણે દરેક સ્ટાફને મિઠાઈ વડે મીઠાં મોઢા કરાવ્યાં.
રાત પડતાં હાર્દિકના દીકરાને પરત કરવામાં આવ્યો. પહેલી વાર એના દીકરાને પોતાને હાથે લેતા હાર્દિકને સ્વર્ગનુ સુખ પ્રાપ્ત થયું હોય, એવું એને ફીલ થવા લાગ્યું હતું. એણે રિંકલનો બધા વચ્ચે આભાર માન્યો કે એને એક પિતા બનવાની આટલી મોટી ખુશી આપી. હાર્દિકે એક દીકરાનું મોઢું જોઈને રિંકલની દરેક નાની - મોટી ભૂલ એણે માફ કરી દીધી.
"જમાઈ રાજ, મેં તમને એકવાર કહ્યું હતું કે રિંકલ તો નસીબદાર છે પણ અમારી નાનકી એનાં કરતાં વધુ નસીબદાર છે. તમે અને રિંકલે રિમાને આટલો પ્રેમ આપો છો. એ વળતરે તમને ભગવાને દીકરાનું સુખ આપ્યું." રિંકલનાં પિતા બોલ્યાં.
"હું એમ જ કહું છું કે તમે આ રિમાને હવે તમારી ઘરે હંમેશને માટે રાખી લો. બાળકને સાચવવાં માટે કોઈની જરૂર તો પડશે. હવે, આજથી રિમા અમે તમને સોંપી." રિંકલની મમ્મીને ઘણાં સમયથી મનની વાત કહેવી હતી, એ એમણે કહી દીધી.
રિમા એની મમ્મીની વાત સાંભળીને શરમાઈ ગઈ. હાર્દિક તો આ વાત સાંભળીને દંગ રહી ગયો. એણે જવાબ આપતાં બોલ્યો :
"સાસુમાં ! તમે આ કેવી વાત કરો છો ? હંમેશને માટે હું રિમાને મારાં ઘરે ના રાખી શકું. થોડાંક મહિનાની વાત છે. મારાં મમ્મી આવશે તો બાળક સચવાઈ જશે અને ઘરનાં કામો થઈ જશે. આવી વાત ફરી કોઈ દિવસ તમારાં મોઢે ના લાવતાં.
હાર્દિકની વાત કોઈને ના ગમી. સૌનાં મોઢાં ઢીલા થઈ ગયાં. રિંકલે આ વિશે વાત કરવાનું ટાળી દીધું.
રાત્રે રિંકલ સાથે એનાં મમ્મી અને હાર્દિક રોકાઈ ગયાં હતાં. બીજે દિવસે હાર્દિકનાં પરિવારનાં લોકો રિંકલ અને બાળકને જોવાં નીકળી ગયાં હતાં. સવારે દસ વાગ્યે રિંકલ અને બાળકની તબિયત સારી હોવાથી ડૉકટરે તેમને ડિસ્ચાર્જ કરી દીધાં.
હાર્દિક રિંકલ અને એનાં બાળકને લઈને ઘરે પહોચી ગયો. રિમાએ રિંકલ અને બાળકની આરતી ઊતારીને સ્વાગત કર્યું. હાર્દિકે આર્શીવાદ રૂપે રિમાને હજાર રુપિયા ભેટમાં આપ્યાં.
એક કલાક પછી હાર્દિકનાં પેરેન્ટ્સ આવી પહોચ્યાં. રિંકલ અને બાળકનું મોઢું જોઈને હાર્દિકનાં મમ્મીએ બન્ને માં દીકરાની નજર ઊતારી.
એક મહિનો હાર્દિકનાં મમ્મી રિંકલની ડિલિવરી કરવાં રોકાઈ ગયાં હતાં. રિંકલ પથારીમાં હોવાથી ના છુટકે એ કશું બોલી ના શકી. હાર્દિકનાં મમ્મીએ રિંકલ અને બાળકની સંભાળ સાથે ઘરનાં કામકાજ કરી લેતાં હતાં. રિમા જાણીજોઈને રિંકલનાં ઘરનાં કામમાં હાથ બટાવાનું બંધ કરી દીધું.
એક મહિનાને બાર દિવસ થઈ ગયાં પછી બાળકનું નામ આર્ય રાખવામાં આવ્યું. રિંકલ અને હાર્દિકનાં સંબંધોને મજબુત કરનાર ફુલને આર્યનાં નામથી બોલાવવાનું ચાલું કર્યું.
રિંકલ ઘરમાં નાના મોટા કામ કરવાનાં ચાલું કરી દીધાં. એણે હાર્દિકને કહીને એનાં મમ્મીને એમનાં વતન પરત જવાનું કહી દીધું.
હાર્દિકની ઈચ્છા હજું આર્ય છ મહિનાનો થઈ જાય ત્યાં સુધી એની મમ્મીને રાખવાની હતી. રિંકલને એક દિવસ એની મમ્મીને પોતાની પાસે રાખવાની ઈચ્છા હતી નહિ. રિંકલ રોજ નવાં કકળાટ એનાં સાસુમાં સામે કરવાનાં ચાલું કરી દીધાં. અંતે, હાર્દિકનાં મમ્મી કંટાળીને એમનાં વતને જતાં રહ્યાં.
રિંકલે સ્કુલમાં લીધેલી રજા પૂરી થઈ ગઈ હતી. એણે સ્કુલે જવાનું ચાલું કરી દીધું. આર્યને સાચવવાની જવાબદારી એ રિમાને સોંપવાની હતી. હાર્દિકને પોતાનાં બાળકનો ઉછેર રિમા પાસે કરાવો ન હતો. એ બાબતથી હાર્દિક અને રિંકલ વચ્ચે બહશ થવાં લાગી.
"તમે ઓફીસે જાવ છો અને મારે સ્કુલમાં વધુ રજા રાખવી પોસાય એવી નથી. આર્યને સાચવવાં માટે કોઈ તો હોવું જોઈએ ને."
"મેં મારાં મમ્મીને અહીયાં એટલે રોકાય જાવાનું કહ્યું હતું પણ તને મારાં ફેમિલી સાથે ક્યાં જન્મનું વેર હશે કે તને મારું ફેમિલી જોવું પસંદ નથી."
"રહેવાં દો, તમે. મારું મોઢું મને ના ખોલાવો. મેં કોઈ દિવસ તમારાં ફેમિલીથી કોઈ વિરોધ્ધ કર્યો નથી. મેં તમારાં પેરેનટ્સને હંમેશા મારાં પેરેન્ટ્સ માન્યાં હતાં. તમે કોઈ દિવસ મારાં પરિવારથી સરખાં મોઢે વાત કરેલી છે ! એમણે કહ્યું હતું કે તમે રિમાને તમારાં ઘરે રાખજો. આપણો આર્ય એની પાસે મોટો થઈ જાય અને ઘરે સચવાય જતું હતું."
"રિંકલ, તારાં મમ્મીની વાત એમ હતી કે રિમાને હું હંમેશને માટે મારાં ઘરે રાખું. એ મારે શક્ય નથી. સમાજ મને સવાલ કરે તો એનાં જવાબ મારે દેવાનાં હોય છે."
"સમાજ એમાં શું વાતો કરવાની છે ? એક બેન એની બેનનાં ઘરે રહી શકે છે. ભગવાન મારાં પેરેન્ટ્સને સો વર્ષનાં કરે. ના કરે નારાયણ જો રિમા આવતી કાલે એકલી પડી જાય તો આપણી ફરજ છે કે એને આશરો આપી."
"આશરો આપવો અને હંમેશને માટે ઘરમાં એને રાખવી. એમાં ઘણો ફરક હોય છે." હાર્દિકની આંખો ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ હતી.
"તારે આર્ય સાચવાની વાત છે તો હવે હું મારાં બિઝનેસનું કામ ઘરમાં કરી લઈશ. હવે પછી રિમા મારાં ઘરની આસપાસ પણ ફરકવી ના જોઈએ." હાર્દિકે આંગળી ઊંચી કરીને રિમાને પોતાનો ફેસલો જણાવી દીધો.
"ઠીક છે તો રાખજો તમે આર્યને. જો રિમા આ ઘરમાં નહિ આવે તો હવે પછી હું તમારાં પેરેનટ્સને આ ઘરમાં નહિ આવવાં દઉં. મારે ક્યારેક ઘરનાં કામો બાકી રહી જાય એ પણ તમારે કરવાં પડશે. જો મંજુર હોય તો હું રિમાને આપણાં ઘરમાં આવવાની ના પાડી દઈશ."
હાર્દિકને ઘરની શાંતિ રિમાની ગેરહાજરીમાં છવાઈ રહેતી હોય તો એણે પોતાનાં હૃદય પર પથ્થર રાખીને એનાં પેરેન્ટ્સ એનાં ઘરે નહિ આવે. એ વાતને સ્વીકારી લીધી અને ઘરનાં બીજાં નાના - મોટાં કામો કરવાં તૈયાર થઈ ગયો.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"