વોર 2
- રાકેશ ઠક્કર
યશરાજ ફિલ્મ્સની ‘વોર 2’ (2025) માં બોલિવૂડના રિતિક રોશન અને દક્ષિણના જુનિયર NTR જેવા 2 મોટા સ્ટાર હોવા છતાં મોટાભાગના સમીક્ષકોએ 5 માંથી 2 રેટિંગ આપ્યું છે. એટલું જ નહીં જુનિયર NTR ને ‘સ્પાય યુનિવર્સ’ ની છઠ્ઠી ફિલ્મમાં જોડવાનો નિર્ણય યોગ્ય સાબિત થતો લાગતો નથી. જુનિયર NTR એ ઋતિકને સારી સ્પર્ધા જરૂર આપી છે. તે ડાન્સ અને અભિનયમાં સારો છે. ફક્ત તેના પર વપરાયેલા VFX એ જ બાજી બગાડી છે. જુનિયર ખૂબ જ સુંદર અને ફિટ અભિનેતા છે પરંતુ એને ખરાબ દેખાવ આપ્યો છે. એની સ્ક્રીન પર રજૂઆત પણ બરાબર કરાવવામાં આવી નથી. ફિલ્મના અડધા કલાકમાં એની એન્ટ્રી થાય છે. કદાચ ભારતીય સિનેમાની સૌથી નબળી સ્ટાર એન્ટ્રીઓમાંની એ એક હશે.
રિતિક પોતાના અભિનય અને ઉર્જાથી ફિલ્મના ઉત્સાહને ટોચ પર લઈ જાય છે પરંતુ વાર્તા અને દ્રશ્યો દમદાર ન હોવાથી જુનિયર NTR સ્ક્રીન પર આવતાની સાથે જ એ ઉત્સાહ ઓછો થઈ જાય છે. ગઈ ‘વોર’ માં કબીરને પકડવાની જવાબદારી ખાલિદ હુસૈની (ટાઈગર શ્રોફ) ને સોંપવામાં આવી હતી. આ વખતે RAW દ્વારા વિક્રમ (જુનિયર NTR) ને સોંપવામાં આવી છે. ફિલ્મની વાર્તામાં રહેલી બધી છટકબારી જોરદાર એક્શન વચ્ચે દર્શકોને મૂંઝવણમાં મૂકે છે. સ્પાય બ્રહ્માંડમાં જુનિયર NTR નો પ્રવેશ એક નવો ટ્વિસ્ટ લાવે છે પરંતુ એક પણ દ્રશ્ય હૃદયમાં સ્થાન બનાવી શકતું નથી. લગભગ 400 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી બોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક છે. પરંતુ કોઈ અસર છોડવામાં નિષ્ફળ રહી છે.
'વોર' ના દિગ્દર્શનની જવાબદારી સિદ્ધાર્થ આનંદને આપી હતી. આ વખતે 'બ્રહ્માસ્ત્ર' ફેમ અયાન મુખર્જી છે. તે દર્શકોની અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા નથી. શરૂઆતની ફ્રેમથી અયાન દ્વારા થોડું વધારે પડતું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ટ્રેન પર કાર હોય કે પછી પ્લેન ફાઈટ જેવા અનેક એક્શન દ્રશ્યોમાં સ્પષ્ટપણે એ દેખાઈ રહ્યું હતું. જ્યારે 20 લોકો ઓટોમેટિક મશીનગનથી ગોળીઓ ચલાવી રહ્યા છે છતાં એક પણ ગોળી હીરો અને હીરોઈનને વાગી રહી નથી. જ્યારે તેઓના હાથમાં 9 mm ની પિસ્તોલ છે અને એનાથી સામેનો વ્યક્તિ મરી પણ રહ્યો છે. આખી ફિલ્મમાં ઘણી જગ્યાએ VFX હલકી કક્ષાનું લાગે છે. સિધ્ધાર્થ અને અયાનના નિર્દેશનમાં ફરક દેખાયો છે. HR અને NTR એકબીજાને મારી રહ્યા છે પછી એકબીજાને બચાવી રહ્યા છે. ફરીથી એકબીજાને મારી રહ્યા છે પછી બચાવી રહ્યા છે. બસ આ બધું ચાલ્યા કરે છે.
ફિલ્મનો ઇન્ટરવલ એક મોટા વળાંક સાથે થાય છે. ત્યાં સુધીમાં દર્શકો ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષા રાખી ચૂક્યા હોય છે. કમનસીબે કબીર અને વિક્રમના સંબંધોને કારણે વાર્તા એટલી જટિલ બની જાય છે કે દર્શકો પણ મૂંઝવણમાં મુકાઈ જાય છે. આ એવી ફિલ્મ નથી જે 'વોર' સામે ટકી શકે. ‘વોર ‘2 પણ ‘વોર 1’ સાથે જોડાયેલ છે. તે કેવી રીતે જોડાયેલ છે અને તેનો ખરેખર કેટલો ઉપયોગ થયો છે એ દર્શકોએ જાતે જ નક્કી કરવાનું છે.
વાર્તાના નામે જૂના ફોર્મૂલાને નવા પેકેજમાં વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્પાય યુનિવર્સને આગળ વધારવાને બદલે જૂના ટ્વિસ્ટ, નબળા વિલન અને નકલી એક્શન દ્રશ્યો આપવામાં આવ્યા છે. અયાને કબ્બુની ‘કબીર’ બનવાની વાર્તા પૂરી કરી છે પણ રઘુની ‘વિક્રમ’ બનવાની વાર્તા અધૂરી છોડી દીધી છે. ‘વોર 2’ માં લાંબા ભાવનાત્મક દ્રશ્યો જોવા મળશે. જેમાં ઘણા સંવાદો છે. આ બંને બાબતો ફિલ્મને ભાવનાત્મક નહીં પણ કંટાળાજનક બનાવે છે. 3 કલાકની ફિલ્મને હજુ 15 મિનિટ ટૂંકી કરી શકાઈ હોત. એક્શન દ્રશ્યોને જરૂર કરતાં વધુ ખેંચવામાં આવ્યા છે. ઘણા એક્શન દ્રશ્યો ફક્ત પૃષ્ઠભૂમિ બદલીને શૂટ કરવામાં આવ્યા હોવાનું લાગે છે. જેમાંથી રોમાંચ અને ભયની લાગણી ગાયબ છે.
સંગીતની વાત કરીએ તો પ્રીતમ આ વખતે પોતાનો જાદુ ચલાવી શક્યા નથી. ગીતો વાર્તામાં અડચણરૂપ લાગે છે. 'જનાબે આલી'માં ઋતિક અને જુનિયરનો એકસાથે ડાન્સ તેમના ચાહકોને ખૂબ ગમશે. બલહારાનું બેકગ્રાઉન્ડ સ્કોર કેટલીક જગ્યાએ કામ કરે છે. કિયારા અડવાણી ખૂબ જ સુંદર લાગે છે. અને અનિલ કપૂર પાસે ખાસ કંઈ કરવાનું નહોતું.
જાસૂસી વાર્તા આધારિત ફિલ્મોમાં ખલનાયક મજબૂત હોય તો જ રોમાંચ ઊભો થાય છે. અહીં બનાવેલી દુનિયા અને પાત્રો ખૂબ જ નબળા છે. ઇન્ટરવલ પછી વાર્તા જાસૂસી મિશનને બદલે કબીર અને વિક્રમના ભૂતકાળ અને દુશ્મનાવટ પર કેન્દ્રિત થઈ જાય છે. વિક્રમનું સરળતાથી માની લેવું કે કબીર મરી ગયો છે તે અવિશ્વસનીય લાગે છે. તે તેને પકડી પણ શકતો નથી.
ફક્ત મોટા સ્ટાર્સ, વિદેશી લોકેશન અને હાઈ સ્ટાઇલ એક્શન માટે એકવાર જોઈ શકો છો. આ વખતે પણ જમીન, આકાશ, સમુદ્ર અને બરફ પર રોમાંચક એક્શન દ્રશ્યો છે. જોકે, હવાઈ એક્શન વાસ્તવિક બન્યા નથી. બાકી વાર્તા પાસેથી અપેક્ષા રાખીને થિયેટરમાં ના જાઓ તો સારું રહેશે. કેમકે 'વોર 2' એક ચમકતી પણ અંદરથી ખોખલી એક્શન થ્રિલર છે.