Ram Mandir : Pauranik Paramparaa Nu Aadhunik Pratik in Gujarati Anything by Harsh Soni books and stories PDF | રામ મંદિર : પૌરાણિક પરંપરાનું આધુનિક પ્રતીક

Featured Books
Categories
Share

રામ મંદિર : પૌરાણિક પરંપરાનું આધુનિક પ્રતીક


    2024નું વર્ષ ભારતવર્ષ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ઐતિહાસિક બની રહેશે. આપણે ભારતવાસીઓ સદીઓથી જેની રાહ જોઈ રહ્યા હતા એવા આપણા સનાતન હિંદુ ધર્મના પરમ આરાધ્ય મર્યાદા પુરુષોત્તમ રાજા રામ ના મંદિરનું તેમની જન્મભૂમિ અયોધ્યા ખાતે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. મંદિર નિર્માણમાં અનેક વિઘ્નો, અડચણો અને વિવાદો બાદ “શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ” દ્વારા ભવ્યાતિભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન થઈ ગયું છે. સનાતન હિંદુ ધર્મના આસ્થાનું પ્રતિક એવા આ રામ મંદિરના નિર્માણની યાત્રાના શબ્દસાથી બની અને ખુદને પાવન કરીએ.
રામ મંદિરનો ઇતિહાસ :
    પૃથ્વી પર વધેલા પાપનો નાશ કરવા શ્રીવિષ્ણુએ રામ તરીકે પૃથ્વી પર અવતાર લીધો. ભક્તવત્સલ એવા શ્રીરામની જન્મભૂમિ એટલે ઉત્તર પ્રદેશમાં આવેલી અયોધ્યા નગરી. આ અયોધ્યા નગરીમાં ૧૫મી સદીમાં મુગલો દ્વારા એક મસ્જિદ - બાબરી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું. અને ત્યારના સમયથી હિન્દુઓનું માનવું હતું કે આ મસ્જિદ એ કોઈ મંદિરને ખંડિત કરીને બનાવવામાં આવી છે. અને 1850ના દાયકામાં જ આ વિવાદ હિંસક બન્યો હતો.
    વિશ્વ હિન્દુ પરિષદે(VHP) જાહેરાત કરી હતી કે તે આ વિસ્તાર, કે જ્યાં મસ્જિદ બની હતી ત્યાં મંદિરનો શિલાન્યાસ કરશે. VHPએ, એ પછી પૈસા અને ઈંટો એકઠી કરી કે જેના પર “શ્રીરામ” લખેલું હતું. પાછળથી રાજીવ ગાંધી મંત્રાલયે VHPને મંદિર શિલાન્યાસની મંજૂરી આપી. 9 નવેમ્બર, 1989ના VHP નેતા અને સાધુઓના જૂથે વિવાદિત જમીન પર ખાડો ખોદી પાયો નાખ્યો હતો.
    ડિસેમ્બર, 1992માં બાબરી મસ્જિદ તૂટતાં વિવાદ વધુ હિંસક થયો. અને અયોધ્યા મંદિરનો આ મામલો કોર્ટમાં ગયો. 1993થી ચાલતા આ કેસનો ફેંસલો 2019માં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે “ આ વિવાદિત જમીન સરકાર દ્વારા રચિત ટ્રસ્ટ ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ને મળે. ” અને આ ઐતિહાસિક જીત મેળવી આપનાર રામ લલ્લાના વકીલ હતા કેશવ પરાસરન. કે જેમને પદ્મ ભૂષણ (2003) અને પદ્મ વિભૂષણ (2011) થી સન્માનિત કરવામાં આવ્યા છે. 5 ફેબ્રુઆરી, 2020ના રોજ સરકાર દ્વારા રામમંદિર નિર્માણની ઘોષણા કરવામાં આવી.
મંદિરનો શિલન્યાસ :
   વિશ્વ હિન્દુ પરિષદે એક વિજય મહામંત્ર જાપની વિધિનું આયોજન કર્યું હતું. જેમાં 6 એપ્રિલ, 2020ના રોજ લોકો વિજય મહામંત્ર “શ્રીરામ, જય રામ, જય જય રામ” નો જાપ કરવા માટે વિવિધ સ્થળોએ ભેગા થયા હતા. આ જાપનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય મંદિર નિર્માણનું કાર્ય નિર્વિઘ્ને પાર પડે તેના માટે હતો.
   5 ઓગસ્ટ, 2020ના રોજ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું. ભૂમિપૂજન પહેલા વડાપ્રધાન મોદી હનુમાન ગઢી મંદિરમાં હનુમાનજીની આજ્ઞા લેવા ગયા હતા અને ત્યારબાદ રામ મંદિરનું ભૂમિપૂજન અને શિલાન્યાસ થયા હતા. ભૂમિપૂજન માટે દેશના અનેક પવિત્ર સ્થળો, ગુરુદ્વારા અને જૈન દેરાસરો માંથી માટી અને દેશની વિવિધ નદીઓના જળ પણ લાવવામાં આવ્યા હતા. ભૂમિપૂજનમાં ધર્માચાર્યો અને સાધુઓને બોલાવવામાં આવ્યા હતા. યુનાઈટેડ સ્ટેટ્સ, કેનેડા અને કેરેબિયન ટાપુઓમાં મંદિરોએ આ પ્રસંગની યાદમાં વર્ચ્યુઅલ સેવાનું આયોજન કર્યું હતું. બાંધકામના ખોદકામ દરમિયાન જમીનમાંથી એક શિવલિંગ, કેટલાક સ્તંભો અને કેટલીક તૂટેલી મૂર્તિઓ પણ મળી આવી હતી. જેને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ મુજબ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી હતી.
  ભૂમિપૂજન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતા કહ્યું હતું કે “ જય સિયા રામનો પોકાર આજે માત્ર ભગવાન રામના શહેરમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યો છે. રામમંદિર આપણી પરંપરાઓનું આધુનિક પ્રતીક બનશે. ”
મંદિરની ડિઝાઇન :
   રામમંદિરની મૂળ ડિઝાઇન અમદાવાદના સોમપુરા પરિવાર દ્વારા 1988માં તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ 2020માં 235 ફૂટ પહોળું, 360 ફૂટ લાંબુ અને 161 ફૂટ ઊંચાઈ ધરાવતા મંદિરની ડિઝાઇન થોડા ફેરફારો સાથે મુખ્ય નકશિકાર ચંદ્રકાંત સોમપુરા અને તેમના બે પુત્રો નિખિલ સોમપુરા અને આશિષ સોમપુરા કે જેઓ આર્કિટેક પણ છે તેમના દ્વારા તૈયાર કરવામાં આવી છે. મંદિરની ડિઝાઇન “નાગરી” શૈલીમાં બનેલી છે. જેનો એક નમૂનો 2019ના કુંભ મેળામાં રજૂ કરાયો હતો.
   મંદિરના પરિસરમાં એક પ્રાથના હૉલ, રામકથા કુંજ એટલે કે વ્યાખ્યાન કક્ષ કે જ્યાં સત્સંગને બધું થશે. એક વૈદિક પાઠશાળા, એક સંત નિવાસ, એક યતી નિવાસ એટલે કે મહેમાનો માટેનો નિવાસ, એક સંગ્રહાલય અને બીજી કેટલીય સુવિધાઓ છે. આ બધાની સાથે મંદિરમાં એક ઘંટ પણ લગાવવામાં આવશે. પંચધાતુ માંથી બનેલો, 2100 કિલો વજન ધરાવતો આ ઘંટ 6 ફૂટ ઊંચો અને 5 ફૂટ પહોળો હશે. આ ઉપરાંત મંદિરમાં અન્ય જુદા જુદા આકારના 10 નાના ઘંટ પણ લગાવવામાં આવશે, જેનું વજન આશરે 500, 250 અને 100કિલો જેટલું હશે. આ ઘંટ પિતળની સાથે અન્ય ધાતુમાંથી પણ બનાવવામાં આવ્યા છે. મંદિરની બહાર દ્વારપાલની મૂર્તિઓ પણ વિરાજીત થશે. જેને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેને “જય” અને “વિજય” નામ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ગર્ભગૃહમાં શ્રીરામની સાથે ગણેશ અને હનુમાનની મૂર્તિ પણ સાથપિત થશે. આ મૂર્તિઓનું નિર્માણ જયપુરમાં થયું છે. સાથે સાથે 5 ફૂટ ઊંચી અને 6 ફૂટ ઊંચી હાથી અને 4 ફૂટ ઊંચી અને 6 ફૂટ ઊંચી સિંહની બે બે મૂર્તિઓ પણ અયોધ્યા મોકલવામાં આવી છે. જેમાંથી સિંહની મૂર્તિઓ મંદિરની સીડીઓ પર સ્થાપિત કરાશે.
રામ મંદિરનો માસ્ટર પ્લાન :
     રામ લલ્લા ના દર્શન માટે શ્રદ્ધાળુઓ એ પૂર્વ દિશામાંથી 32 સીડીઓ ચઢીને સિંહદ્વારથી પ્રવેશ કરી અને દક્ષિણ દિશાથી બહાર નિકળવાનું રહેશે. મંદિર ત્રણ માળનું છે અને તેમાં કુલ 392 થાંભલા અને 44 દ્વાર છે. 100 એકરના સંકુલમાં મંદિર 3 એકરમાં છે અને બાકીના 97 એકરમાં 38 પ્રકારના અન્ય નિર્માણ અને ગ્રીન એરિયા છે. મંદિરના માસ્ટર પ્લાનને નીચેના મુદ્દાઓથી સમજીએ.
1) ગર્ભગૃહમાં પ્રભુ શ્રીરામનું બાળસ્વરૂપ રહેશે અને પ્રથમ માળે રામ દરબાર રહેશે.
2) કુલ પાંચ મંડપ રહેશે : નૃત્ય મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ.
3) દિવ્યાંગ અને વૃધ્ધો માટે મંદિરમાં ખાસ રેમ્પ અને લીફ્ટની વ્યવસ્થા.
4) મંદિરની ચારેબાજુ કિલ્લો રહેશે, ચારે દિશામાં તેની કુલ લંબાઈ 732 મીટર અને પહોળાઈ 14 ફૂટની રહેશે.
5) કિલ્લાના ચારે ખૂણા પર સૂર્યદેવ, માતા ભગવતી, ગણપતિ અને ભગવાન શિવને સમર્પિત ચાર મંદિરોનું નિર્માણ કરાશે. ઉત્તરીય ભુજામાં માતા અન્નપૂર્ણા અને દક્ષિણ દિશામાં હનુમાનજીનું મંદિર રહેશે.
6) પૌરાણિક કાળના સીતાકૂપનું નિર્માણ થશે.
7) સંકુલમાં સૂચિત અન્ય મંદિરો – મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, માતા શબરી, અહિલ્યાને સમર્પિત રહેશે.
8) દક્ષિણ પશ્ચિમી ભાગમાં નવરત્ન કુબેર ટીલા પર શિવના પ્રાચીન મંદિરના જિર્ણોદ્ધાર ની કામગીરી હાથ ધરીને જટાયુ ની પ્રતિમા બનાવાઈ.
9) 25 હજારની ક્ષમતા ધરાવતા એક દર્શનાર્થી સુવિધા કેન્દ્રનું નિર્માણ.
10) મંદિર સંકુલમાં સ્નાનાગાર, શૌચાલય, વોશ બેસિન, ઓપન ટેપ્સ જેવી સુવિધાઓ.
11) વિશાળ પ્રસાદાલય નું નિર્માણ, જેમાં અહીં આવનાર શ્રધ્ધાળુઓ માટે સતત ભંડારા ની વ્યવસ્થા.
12) સંકુલમાં ગ્રીન એનર્જી માટે સૌર ઊર્જાના એકમો.
13) મંદિરમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહિ.
14) મંદિરનું નિર્માણ પૂર્ણ રીતે ભારતીય પરંપરા મુજબ અને સ્વદેશી ટેકનોલોજી સાથે થશે. સાથે સાથે પર્યાવરણ જળ સંરક્ષણ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
રામ લલ્લાનો જળાભિષેક :
   અહીં એક વાત એ પણ નોંધનીય છે કે રામ લલ્લાના જળાભિષેક માટે વિશ્વના 155 દેશોમાંથી ત્યાંની પવિત્ર નદીઓના જળ લાવવામાં આવ્યા છે. જેમાં સુરીનામ, કઝાકિસ્તાન, ફ્રાન્સ, ઈટલી, ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન, બ્રાઝિલ વગેરે દેશોનો સમાવેશ થાય છે. પાડોશી દેશ પાકિસ્તાનમાંથી પણ હિન્દુઓએ ત્યાંની પવિત્ર રાવી નદીના જળ મોકલ્યું છે. મંદિર તોડી જેના નામ પર ત્યાં મસ્જિદ બનાવવામાં આવી હતી, તે બાબરના જન્મસ્થળ ઉઝબેકિસ્તાન ના આંદીજાન શહેરની કશાક નદીનું પણ પવિત્ર જળ ભારત લાવવામાં આવ્યું છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો ત્યારે પણ દેશભરમાંથી લગભગ 1000 જગ્યાએથી જળ અને માટી લાવી અર્પણ કરવામાં આવ્યા હતાં. આના પરથી ભાજપના નેતા ડૉ. વિજય જોલીને વિચાર આવ્યો હતો કે આ જ રીતે જો વિશ્વભરમાંથી રામ લલ્લા ના અભિષેક માટે જળ લાવવામાં આવે તો?!! અને તેમણે 2020થી એક અભિયાન હાથ ધરી તેમણે ત્રણ વર્ષમાં વિશ્વના 155 દેશમાંથી વિવિધ પવિત્ર નદીઓનું જળ એકઠું કર્યું. ડૉ. જોલી જણાવે છે કે ‘વિશ્વના સાતેય ખંડોના માત્ર હિંદુઓ જ નહીં પરંતુ મુસ્લિમ, ખ્રિસ્તી અને યહૂદીઓ એ પણ આ પવિત્ર કાર્યસહકાર આપ્યો છે.’
ભક્તોની ભેટ – ભક્તોની ભાવના :
   અંદાજિત 500 વર્ષ પછી ભગવાન શ્રીરામ – તેમનું બાળ સ્વરૂપ રામ લલ્લા પોતાના મંદિરમાં પુનઃ પધારી રહ્યાં છે. ત્યારે સમગ્ર દેશમાં – હિંદુઓમાં એક મહાઉત્સવની લહેર દોડી ગઇ છે. દેશના ખૂણે ખૂણેથી લોકો પોતાના પ્રભુ માટે વિવિધ ભેટ, સોગાદ અને ઉપહારો મોકલાવી રહ્યાં છે. તો કેટલાક ભક્તો પોતાની શક્તિ અનુસાર દાન પણ કરી રહ્યા છે. ભક્તો પોતાના તન, મન અને ધનથી પોતાના રાજા શ્રીરામના મંદિર નિર્માણમાં પોતાની સેવા આપી રહ્યા છે. ત્યારે ગુજરાતના વડોદરા જિલ્લાના વિહા ભરવાડ રામ લલ્લા માટે અગરબત્તી મોકલાવી રહ્યા છે. આ કોઈ સામાન્ય અગરબત્તી નથી, 108 ફૂટ લંબાઈ અને 3159 કિલો વજન ધરાવે છે આ અગરબત્તી. જેને બનાવવામાં 6 મહિના જેટલો સમય લાગ્યો છે. આ અગરબત્તી બનાવવા માટે 191 કિલો ઘી, 376 કિલો કોપરાનો છોલ, 376 કિલો ગૂગળ, 376 કિલો અન્ય સુગંધી દ્રવ્યો, 425 કિલો હવનમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીઓ અને 1415 કિલો ગાયના ગોબરનો ઉપયોગ થયો છે. આ 108 ફૂટ લાંબી અગરબત્તી પ્રભુ પાસે લગભગ દોઢથી બે મહિના પ્રજ્વલિત રહી તેની સુવાસ ફેલાવશે.
  અંદાજિત 500 વર્ષ પછી પુનઃ રામ રાજ્ય સ્થાપિત થઇ રહ્યું છે. રામ લલ્લા જ્યારે પુનઃ પોતાના મંદિરમાં પધારી રહ્યાં છે ત્યારે આપણે પણ આપણા ઘરે એક દીવો પ્રગટાવી આપણા મર્યાદાપુરુષોત્તમનું સ્વાગત કરીએ. અને એક સાથે સંપૂર્ણ વિશ્વમાં ગુંજે તેવો નારો લગાવીએ… “જય શ્રીરામ”
रामाय रामभद्राय रामचंद्राय वेधसे
रघुनाथाय नाथाय सितायाः पतये नमः।।
અર્થાત્ : ચંદ્ર જેવા શીતળ અને સર્વના રક્ષણહાર, રઘુનાથ અને સીતાના પતિ તેવા શ્રી રામચંદ્ર ને હું નમન કરું છું.