Saprem Bhet in Gujarati Moral Stories by Harsh Soni books and stories PDF | સપ્રેમ ભેટ

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

સપ્રેમ ભેટ

" મંજુ...એ..મંજુ... " સવારના પહોરમાં મંજુબેનને બહાર હિંચકા પર બેઠેલા કેશુભાઈનો ધ્રૂજતો અવાજ સંભળાયો.
" અરે શું છે પણ ? સવારના પોરમાં મંજુ - મંજુ મંડી પડ્યા છો.. " મંજુબેને છણકો કરતા કહ્યું. મંજુબેન કેશુભાઈ પાસે આવ્યા. અને તેમની બાજુમાં બેઠા અને તેમને ચા આપી.
" વાહ મારી મંજુ. એક તું જ છો જે મને ખુબ સારી રીતે સમજે છે. " કેશુભાઈએ ચાની ચૂસકી લેતા કહ્યું.
" હા તે ખબર જ હોય ને..પાંત્રીસ વર્ષથી તમને સહન કરતી આવી છું." મંજુબેન બોલ્યા.
" લે તું મને સહન કરે છે ? સહન તો હું તને કરી રહ્યો છું. " કેશુભાઈ એમ કહેતા હસી પડ્યા અને મંજુબેન ગુસ્સામાં અંદર ચાલ્યા ગયા.
" મંજુ..મંજુ.. " કેશુભાઈએ એક ઊંડો શ્વાસ લેતા કહ્યું.
         કેશુ કાકા અને મંજુ કાકીને હું છેલ્લા ચાર વર્ષથી જોઉં છું. હું રાજીવ અહીં તેમના બાજુના મકાનમાં જ રહું છું. મેં તે બંને ક્યારેય ઝગડતા નથી જોયા. હા ક્યારેક આવો મધુરો ઝગડો જોવા મળી જાય અથવા સાંભળવા મળી જાય. વ્યવસાયે હું એક શિક્ષક છું. એટલે હમણાં કોરોનાને કારણે આખો દિવસ ઘરે જ હોઉં છું. ઘરેથી બાળકોને ભણાવું, અને નવરો હોઉં ત્યારે આ બંને પાસે જાઉં. તેમની પાસે હું બેસી તેમની વાતો સાંભળું અને હું મારી વાતો કરું. કોઈ દિવસ તેઓએ મને માતા પિતાની ખોટ સાલવા દીધી નથી. સવારના પોહરમાં કયારેક આવું સાંભળું તો ક્યારેક નજરે જોઉં. આજે રવિવાર હતો એટલે બપોરનું જમવાનું તેમની ઘરે હતું.
        બપોરના તેમની ઘરે જમવા માટે ગયો. કેશુ કાકા સોફા પર બેસી ટી.વી જોઈ રહ્યા હતા.
" અરે રાજીવ!. આવ - આવ. લે બેસ. " કેશુ કાકાએ મારો મીઠો આવકાર કર્યો.
" શું ચાલે કાકા ? "
" અત્યારે તો પગ ચાલે છે." કેશુ કાકાનો સ્વભાવ મજાકિયો. હું પણ હસી પડ્યો.
" હમ્મ. પગ તો બધાના ચાલે છે. પણ તમારા મંજુ કેવા ચાલે છે ? "
" મંજુ તો હજુ થોડી ગુસ્સામાં છે. સવારથી આમ જ ગુસ્સામાં છે. આજે તો ખાસ વાત પણ નથી કરતી. આજે બે ત્રણ વાર મેં તેને ક્યાંક ખોવાયેલી જોઈ. "
" કારણ ? "
" આજની તારીખ... " બસ કેશુ કાકા એટલું જ બોલ્યા. અને મેં પણ કંઈ પૂછ્યું નહિ.
        આજે તારીખ હતી 25 ફેબ્રુઆરી. આજથી લગભગ બે વર્ષ પહેલાં કેશુ કાકા અને મંજુ કાકીનો એકનો એક છોકરો મહેશ તેની પત્ની જોડે તેમને છોડી ચાલ્યો ગયો હતો. અને તે જ્યારે તેમને છોડીને ગયો ત્યારે તેનો જન્મદિવસ હતો. તે શા માટે છોડીને ગયો તેનું કારણ તો હું નહોતો જાણતો પણ આજે તે વાતને બે વર્ષ થઈ ગયા. મંજુ કાકી દર વર્ષે મહેશ માટે ખીર, પુરી અને ગાજરનો હલવો બનાવતા. પણ છેલ્લા બે વર્ષથી મહેશ નહોતો તો પણ તેઓ તેના માટે ખીર, પુરી અને ગાજરનો હલવો બનાવતા.
" અરે રાજીવ તું આવી ગયો ? " કાકીનો સ્નેહ ભર્યો અવાજ સંભળાયો.
" હા કાકી. હવે જમવાનું થઈ ગયું કે નહીં ? મને બહુ કકડીને ભૂખ લાગી છે. "
" હા મારા દીકરા ચાલ. "
" હમ્મ. જોયું રાજીવ ? તારા માટે તો આટલો વ્હાલ વરસાવશે અને અમને તો અહીં બોલાવતા પણ નથી. " કેશુ કાકા બોલ્યા.
" હા હવે બોવ લાડમાં ન આવો. તમે પણ હાલો જમી લો. પછી તમારી બી.પી.ની ગોળીયુ લેવાનો ટાણું થયું છે. " મંજુકાકીએ કહ્યું.
" હા ભ'ઈ ચાલો. હવે જમી લઈએ. મારી મંજુનો આદેશ છે. " કાકાએ મારા ખભે સહારો લીધો અને ઉભા થતા કહ્યું. " ચાલ રાજીવ જમી લઈએ " હું તેમના આદેશને અનુસરતો તેમની પાછળ ચાલ્યો.
" અરે કાકી તમે પણ બેસી જાઓ. હું છું તો પછી તમારે હેરાન થવાની જરૂર નથી. " મંજુ કાકી પણ અમારી સાથે જમવા બેસી ગયા. મંજુ કાકીએ જમવાનું ખૂબ સ્વાદિષ્ટ અને રસાળ બનાવ્યું હતું.
" વાહ! મંજુ કાકી, પેટ ભરાઈ ગયું..પણ મન હજુ નથી ભરાયું. થાય છે હજુ ખાઈ લઉં, પણ પેટ ના પાડે છે. " મેં કહ્યું.
" હા સાચે મંજુ મન ભરાઈ ગયું પણ પેટ નથી ભરાયું.. " કાકા બોલ્યા.
" શું ? " કાકીએ તીખી નજરે જોતા બોલ્યા.
" એટલે કે પેટ ભરાઈ ગયું પણ મન નથી ભરાયું. " કેશુ કાકાએ હાશકારો કરતા કહ્યું. પછી કાકા પોતાના રૂમમાં આરામ કરવા ગયા મેં કાકીને કામમાં થોડી મદદ કરાવી. પછી કાકી પણ પોતાના રૂમમાં ગયો અને હું મારા ઘરે આવ્યો. સાંજના પાંચ વાગ્યા આસપાસ હું તેમની ઘરે ચા લઈને પહોંચ્યો. કાકા હિંચકામાં બેઠા મહાભારત વાંચી રહ્યા હતા.
" લ્યો કાકા ચા પીઓ. " મેં હિંચકા પાસે રહેલા ટેબલ પર ટ્રે મુકતા કહ્યું.
" લાવ ભ'ઈ. તારી કાકી તો હજુ સૂતી છે. " કાકાએ પુસ્તક બાજુમાં રાખ્યું અને ચાનો કપ લીધો.
" બેટા રાજીવ, દસ દિવસ પછી તારી કાકીનો જન્મદિવસ આવે છે. ખબર નથી પડતી તેને શું ભેટ આપું ? " કાકાએ ચાની ચૂસકી લેતા કહ્યું.
" કાકા મને થોડી ખબર હોય ? કાકીને તો તમે જ વધુ નજીકથી ઓળખો છો..અને તેમની મનપસંદ વસ્તુ પણ તમને જ ખબર હોય. " મેં કહ્યું.
" વાત તો તારી સાચી છે. ચાલ કઈ નહિ જોઇશ શું આપવું? "
          કાકાએ તો વાતને ત્યાં પડતી મૂકી. પણ મારા મનમાં સવાલો ઉભા કરી દીધા કે હું શું ગિફ્ટ આપીશ કાકીને ? બે - ત્રણ દિવસ પછી હું બજારમાં થોડું ખરીદી કરવા નીકળ્યો. સાંજનો સમય હતો એટલે શાકમાર્કેટમાં ખૂબ ભીડ હતી. હું એક રેંકડી વાળા પાસે ગયો અને ત્યાં ટામેટાનો ભાવ પૂછતો હતો ત્યાં મારી પાછળ મને એક જાણીતો અવાજ સંભળાયો.
" અરે! નહીં મહેશ. બટાટા નહિ બીજું કઈક લઈ લે. હમણાં પરમદિવસે જ કર્યા હતા. " હું પાછળ ફર્યો. જોયું તો મહેશ તેની પત્ની કાજલ સાથે ખરીદી કરી રહ્યો હતો. મેં શાકભાજી પડતું મૂક્યું. પછી તેમની આસપાસ ફરવા લાગ્યો અને તેમને ખબર ન પડે તે રીતે તેમનો પીછો કરવા લાગ્યો. તેમનો પીછો કરતા કરતા હું તેમના ઘર સુધી પહોંચી ગયો. મહેશે ઘરનો મેઈન ગેટ ખોલ્યો અને તરત જ હું અંદર ગયો.
" અરે ભાઈ કોણ છો ? " મહેશે તરત જ મને સવાલ કર્યો.
" મહેશ હું.. " મેં મારું માસ્ક કાઢ્યું. " ... રાજીવ. "
" રાજીવ તું ?!!. " મહેશન અવાજમાં આશ્ચર્ય હતું. અમે ત્રણે બહાર જ બેસી ગયા.
" તું અહીં કેમ આવ્યો છે ? " મહેશે પૂછ્યું.
" તને લેવા માટે. " મેં વળતો જવાબ આપ્યો.
" પણ કેમ ? "
" જો મહેશ, હમણાં અઠવાડિયા પછી મંજુ કાકીનો જન્મદિવસ છે. એટલે તું ત્યારથી તેમની સાથે રહેવા આવી જા. તમે બંને ચાલો. "
" રાજીવ મેં તે ઘર છોડી દીધું તેને બે વર્ષ થઈ ગયા. અને હવે હું તે ઘરમાં પાછો જવા નથી ઇચ્છતો. "
" જી મહેશ. તારી અને કાકા - કાકી વચ્ચે શું વાત થઈ છે તે હું નથી જાણતો. તું મને વાત કર. શું થયું છે તારી અને કાકા કાકી વચ્ચે? તું કે કાકા કોઈ વાત કરતું નથી. આમ જ રહેશો તો કોઈ વાતનો ઉકેલ આવવાનો જ નથી. " મહેશ પર મારી વાતની અસર થઈ હતી. 
 મહેશે એક શ્વાસ છોડ્યો અને ધીરેથી વાતની શરૂઆત કરી. 
" રાજીવ. આજે મારા અને કાજલના લગ્નને ત્રણ વર્ષ થશે, અને એ ઘરને છોડયે પણ. " 
  વાત કરતા જાણે મહેશને ભાર વર્તાતો હતો. તેના અવાજમાં દુઃખની લાગણી હતી.
" મને આજે પણ તે દિવસ યાદ છે જ્યારે હું કાજલની સાથે લગ્ન કરી તેને લઈને ઘરે ગયો હતો. મમ્મી પપ્પાએ પહેલાં તેના વિશે અને તેની ફેમિલી વિશે પૂછ્યું હતું. કાજલ અનાથ હતી, તે વાત મે તેમને જણાવી. તેમને કોઈ વાંધો નહોતો. શરૂઆતના બે ત્રણ મહિના સરસ ચાલ્યું. પછી મમ્મીને કાજલની અમુક બાબતોમાં વાંધો પાડવા લાગ્યો. તે ડ્રેસ પહેરે છે, રાત્રે ઓફિસથી નવ વાગ્યે આવે છે... હવે આવી બધી બાબતોમાં તેમને વાંધો હતો. મેં કાજલને સમજાવ્યું અને મમ્મી પપ્પાને પણ. થોડા દિવસ ચાલ્યું - ચલાવ્યું. પછી તેઓ બાળકની જીદ કરવા લાગ્યા. એમને બાળક માટે કોઈ ઉતાવળ નહોતી. હું સમજી ગયો હતો આ બીજી રીતે કાજલને નોકરી કરતા રોકવાની કોશિશ હતી. મેં ના પાડી પણ તે સમજવા માટે તૈયાર જ નહોતા. ભૂલ મારી જ હતી. કે મેં પૂરી વાત નહોતી કરી. કાજલને યુટરીન ફાઇબ્રોઇડ્સ છે. જેના કારણે તે મા બનવા માટે સક્ષમ નથી. આ વાત મે જો પહેલા જ કહી દીધી હોત તો કદાચ... પણ મને લાગે છે કે શરૂઆતથી જ અમે ઘર છોડી દીધું હોત. આવો માનસિક ત્રાસ કદાચ કાજલે સહન ન કરવો પડ્યો હતો. " મહેશ તૂટી ગયો હતો. તેની આંખોના ખૂણામાં આથમી રહેલા સૂર્યનું કિરણ ચમકી રહ્યું હતું. 
   મેં ખોંખારો ખાધો. તેના ખભે હાથ મૂક્યો. 
" મહેશ જે થયું તે થયું. કાકા કાકીને પણ પોતાના વર્તન પર પસ્તાવો થઈ રહ્યો છે. હું તે જોઈ શકું છું. તું એક પ્રયાસ તો કર. ભૂતકાળની જે કઈ પણ વાત થઈ છે તે ભૂલી અને નવી શરૂઆત કર. તેમાં તારી અને કાકા - કાકીની ભલાઈ છે. "
" તું કઈ પણ કહે હું તે ઘરના દરવાજે પગ નથી જ મુકવાનો- " મહેશના ગળે ડૂમો બાઝી ગયો.
" મહેશ. નવી શરૂઆત કોઈએ તો કરવી પડશેને ? તો તું જ તે નવી શરૂઆત કર. અને મને વિશ્વાસ છે કાકા - કાકી તને જોઈને તને વળગી પડશે. એક પ્રયત્ન કરી જો. આપણી દોસ્તી ખાતર. "
   કાજલે પણ ભીની આંખો સાથે મહેશના ખભે હાથ રાખ્યો.
                 
                       ***
      આજે મંજુ કાકીનો જન્મદિવસ છે. હું, કાકા અને કાકી અમે ત્રણ જ વ્યક્તિ હતા. જન્મદિવસના અમે લોકો કેક નહિ પણ જલેબી વહેંચતા. કાકા કહેતા કે " કેક એ તો કાપવાની હોય પણ જલેબી હંમેશા જોડેલી હોય. એટલે કે કેક હમેશા સંબંધ કાપે જ્યારે જલેબી સંબંધ જોડે. "
મેં અને કાકાએ કાકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી પછી કાકીએ પહેલા કાકાને અને પછી મને જલેબી ખવડાવી. કાકાએ કાકીને એક સુંદર મજાની સાડી આપી અને એક સોનાની બંગડી આપી. પછી કાકીએ મારી તરફ જોયું. મેં દરવાજા તરફ જોયું અને બોલ્યો
" આવી જાઓ. " કાકા - કાકીની નજર દરવાજા પર સ્થિર થઈ ગઈ. દરવાજા પર મહેશ અને કાજલ ઉભા હતા. બંને કાકા - કાકી પાસે આવ્યા. મેં કાકીને કહ્યું
" કાકી મારા તરફથી તમને બંનેને એક સપ્રેમ ભેટ. " 
    મહેશ અને કાજલ પગે લાગવા માટે નમ્યા ત્યાંજ કાકાએ મહેશને પોતાની છાતીએ વળગાડી દીધો. કાકાની આંખોમાંથી હર્ષાશ્રુ વહી રહ્યા હતાં. 
" માફ કરી દે દીકરા. એક ભૂલ થઈ ગઈ. બહુ મોટી ભૂલ થઈ ગઈ. જેને વહુ નહિ પણ એક દીકરી તરીકે સાચવવાની હતી, જેને મા-બાપનો પ્રેમ આપવાનો હતો તેને અમે ધિક્કારી. હું તમારો ગુનેગાર છું કાજલ. બની શકે તો માફ કરજો મને. " કાકાએ કાજલને હાથ જોડયા. 
" મને પણ માફ કરી દે દીકરી. એક સ્ત્રી થઈને હું એક સ્ત્રીની વેદના ના સમજી શકી. તને મે શું ને શું કહી દીધું છે. માફ કરી દે મને. " કાકી રડી રહ્યા હતા. 
" ના મમ્મી એવું ન હોય. તમે આમ કરી મને પાપમાં ના મૂકો. ભૂલ અમારી પણ છે કે અમે આપને કહ્યા વિના આ પગલું ભર્યું. તમને કેવું દુઃખ થયું હશે તે અમે વિચાર્યું જ નહીં. અમને માફ કરો. " કાજલ અને મહેશ બંનેએ કાકા કાકીની માફી માંગી. ચારે એકબીજાને વળગી પડ્યા. 
" ઓકે. તો અંત ભલા તો સબ ભલા. કાકી હવે જમવાનું કંઇક કરીએ. મને બહુ જ ભૂખ લાગી છે. હું પાર્ટીની લાલચમાં ઘરે કંઈ પણ બનાવીને નથી આવ્યો. તો... " 
  મારી વાતથી બધા હસી પડ્યા. કાકીએ સાડીના છેડાથી આંખો લૂછી.
" હા હા.. આજે તો બે બે દીકરાઓને જમાડવાનું સુખ મળશે. આનાથી સારી ભેટ બીજી કઈ હોય?! " અને અમે બધા ડાઇનિંગ ટેબલ તરફ આગળ વધ્યા.